20130122

સ્થળાંતર – ધર્માંતર – વીચારાંતર




જન્મ સાથે આપણને ઘણું બધું અનાયાસે વારસામાં મળી જાય છે. કર્મના સીદ્ધાન્તમાં ન જઈએ તો જન્મ એ વ્યક્તીની પોતાના હાથની વાત નથી. જન્મતાં જ આપણને જે લેબલ લાગે છે તે આપણી ઓળખ બની જાય છે. આ રીતે આપણને લાગેલાં લેબલ છે – વાણીયા, વૈષ્ણવ, ગુજરાતી, ભારતીય વગેરે વગેરે. મોટા ભાગના લોકો આવી ઓળખ સાથે આખું જીવન વીતાવે છે અને એમને જાળવી રાખવામાં ગૌરવ અનુભવે છે. એમના માટે વારસાગત વફાદારી ઘણી અગત્યની છે. આગળ જતાં શીક્ષણ કે વ્યવસાયને લીધે એક બે નવાં લેબલ પણ લાગે છે.
આ બધાં લેબલોનું ગૌરવ લેતી વખતે એ જાણવું જરુરી છે કે આ પ્રકારની ઓળખે માનવસમુદાય વચ્ચે હમ્મેશાં ઘર્ષણ પેદા કર્યું છે. જ્યાં વર્ણ, જ્ઞાતી, ધર્મ, પ્રાન્ત વગેરેના ભેદભાવ ઓછા છે અથવા હોય છતાં પ્રજા એના પ્રત્યે સભાન નથી એવા દેશોના આન્તરીક પ્રશ્નો ઘણા ઓછા હોય છે. ભારતની ઘણી શક્તી આવા પ્રશ્નો ઉકેલવામાં વપરાઈ જાય છે.
ગ્રામીણ સમાજમાં 4-5-6 દાયકા પહેલાં એક મોટું પરીવર્તન શરુ થયું. લોકો ગામડું છોડી મોટાં શહેરોમાં જવા લાગ્યા. આ સ્થળાન્તર, સ્વેચ્છાએ કરેલું છે; બળજબરીથી નથી કરવામાં આવ્યું. આની પાછળનું કારણ છે ત્યારની ગામડાંની પરીસ્થીતી કરતાં વધુ સારી પરીસ્થીતીની ખોજ જ્યાં આર્થીક પ્રગતી કરી જીવનધોરણ ઉંચું લાવી શકાય. આની પાછળ ગામ પ્રત્યે જરા પણ અણગમાની ભાવના નહોતી.
આવા સ્થળાન્તર કે દેશાન્તર છતાંયે મોટાભાગના લોકો પોતાની મુળ ઓળખ જાળવી રાખે છે, સમાજ સાથેના સમ્બન્ધ જાળવી રાખે છે. જે આવું સ્થળાન્તર નથી કરી શક્યા તેઓ પોતાના સંતાનો માટે આવી તક શોધતા હોય છે. સ્થળાન્તર સાથે આવતા ભાષાના, પહેરવેશના, ખોરાકના વગેરે ફેરફાર આપોઆપ અપનાવાઈ જાય છે. જીવનધોરણ સાથે જીવનશૈલી પણ સ્વેચ્છાએ બદલાઈ જાય છે. કોઈને આમાં જરા પણ ખોટું–અનુચીત થતું હોય એમ લાગતું નથી.
માનવસમુદાયો આદીકાળથી સ્થળાન્તર કરતા આવ્યા છે. વ્યક્તીગત ધોરણે હોય કે સમુદાયમાં હોય, સ્વેચ્છાએ સ્થળાન્તર કરનારે સરવાળે વધુ પ્રગતી કરી છે. આ વાતને બીજી રીતે પણ કહી શકાય. જેણે જન્મજાત વારસાનું બંધન ઢીલું કર્યું છે, તે વધુ પ્રગતી કરી શક્યો છે. અથવા તો પ્રગતી કરવા માટે જન્મજાત વારસાની માયા થોડી છોડવી પડે છે. આમાં વારસો દોષાયુક્ત હોય એવું નથી; પણ એ બંધનકર્તા હોઈ શકે છે. કોઈપણ જાતનું બંધન, પ્રગતીને ધીમી કરે છે.
સ્થળાન્તરની સરખામણીએ ધર્માન્તર વધુ નાજુક બાબત છે. એના પ્રત્યે લોકમાનસ એટલું ઉદાર નથી. છતાંયે વાસ્તવીકતા એ છે કે દરેક નવા ધર્મનો ઉદય અને ફેલાવો ધર્માન્તરથી જ થયો છે.
મધ્યયુગમાં ઘણા ધર્માન્તર બળજબરીથી કરવામાં આવતા હતા. એનો ભોગ બનેલા બધા સહાનુભુતીને પાત્ર છે. હવે એવા બળજબરીથી કરાતા ધર્માન્તર ઘટી રહ્યા છે.
સ્વેચ્છાએ થતાં ધર્માન્તર અને એની પાછળનાં કારણ અમુક અંશે સ્થળાન્તરને મળતા આવે છે. ઈતીહાસને પાને ચડેલા બે કીસ્સા જાણીતા છે. પ્રાચીન કાળના સમ્રાટ અશોકનું અને વર્તમાનના ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ધર્માન્તર. સ્વેચ્છાએ કરાયેલ ધર્માન્તર પાછળ જે પણ કારણ હોય, એવું કરનારને એમના મતે સરવાળે ફાયદો થયો છે.
વીચારાન્તર અને મતાન્તર બે અલગ બાબત છે. મતાન્તર એ બે વ્યક્તીઓ વચ્ચેનો મતભેદ છે, જ્યારે વીચારાન્તર એ વારસાગત માન્યતાઓને છોડી નવી વીચારસરણી અપનાવવાની પ્રક્રીયા છે. માણસ પોતાનો જન્મજાત વારસો ત્યારે છોડે છે જ્યારે તેને એમાં કોઈ ખામીઓ દેખાય તેમ જ અન્યત્ર વધારે સારી સ્થીતી દેખાય.
ગ્રામ્ય સમાજના સ્થળાન્તરને લીધે સામાજીક રીતરીવાજોમાં જે ફેરફાર આવ્યા છે તે વીચારાન્તરનો એક પ્રકાર છે. અગત્યની બાબત એ છે કે આ વીશે પુરા  સમાજમાં વીચારોની સમાનતા જળવાઈ રહેવાથી નવા પ્રશ્નો ઉભા થયા નથી. ભુતકાળમાં થયેલા સમાજના ભાગલા પાછળ વીચારાન્તરના સ્વીકાર–અસ્વીકારનાં કારણો હતાં.
પશ્વીમી દેશની કોઈ વ્યક્તી ભારતીય જીવનશૈલીની અમુક બાબતો અપનાવે ત્યારે આપણી સંસ્કૃતીની શ્રેષ્ઠતાને નામે ફુલાઈએ છીએ. આવા થોડા દાખલાઓની સરખામણીએ સેંકડોગણા વધારે ભારતીયો જ્યારે હોલસેલમાં પશ્વીમી જીવનશૈલી અપનાવે છે ત્યારે એમને ‘બગડી ગયા, અધોગતી, વીનાશ’ વગેરે કહીએ છીએ. બન્ને કીસ્સાઓમાં વીચારાન્તર રહેલું છે જે દરેક માનવીનો જન્મસીદ્ધ હક છે. ફરક આપણી મનોવૃત્તીમાં છે. પોતાના વીચારોથી ભીન્ન વીચારો તરફ કોઈ આકર્ષાય તે આપણને ગમતું નથી.
વીચારાન્તર બધાં ક્ષેત્રોમાં થાય છે. આ લેખનો મુખ્ય હેતુ ધાર્મીક વીચારાન્તરનો છે. આગલી બધી રજુઆત એની પ્રસ્તાવના રુપે હતી એમ કહી શકાય. ધાર્મીક વીચારાન્તર એ ધર્માન્તર કરતાં અલગ બાબત છે. કોઈ એક ધર્મ પાળતા માણસની પોતાની ધાર્મીક વીચારસરણીમાં સ્વૈચ્છીક રીતે કરવામાં આવતા ફેરફાર તે ધાર્મીક વીચારાન્તર છે.
ધર્મનો એક અર્થ ‘ફરજ કે કર્તવ્ય’ થાય છે. બીજો અર્થ ‘નીતી, સદાચાર, પ્રામાણીકતા’ વગેરે થાય છે. ધર્મના આ ખરા અર્થ છે. જો કે વ્યવહારમાં સંપ્રદાય, પંથ, ફીરકા વગેરેના ક્રીયાકાંડને ધર્મ ગણવામાં આવે છે. આને સંસ્થાકીય ધર્મ, Organized Religion કહેવાય છે. આ ધર્મ એ માણસની ઓળખ બની જાય છે.
આ પ્રકારના ધાર્મીક ગણાતા લોકો પ્રામાણીક કે સદાચારી હોય અને ન પણ હોય. તેમ જ ધાર્મીક ન ગણાતા લોકો પણ પ્રામાણીક હોય અને ન પણ હોય. ટુંકમાં, નીતી અને સદાચારને પ્રચલીત સંસ્થાકીય/વ્યાવહારીક ધર્મથી અલગ પાડી દેવાયા છે. આ જાહેર અનુભવની વાત છે.
ધર્મની આ વ્યાવહારીક વ્યાખ્યાના સન્દર્ભમાં લોકમાનસનું વર્ણપટ, (સ્પેક્ટ્રમ) અતી વીશાળ છે. એના એક છેડે ‘પથ્થર એટલા પુજે દેવ’વાળી માનસીકતા છે, જ્યારે બીજે છેડે આવા સંસ્થાકીય ધર્મમાં સદન્તર ન માનનારા પણ છે. મોટાભાગના લોકો આ બે અન્તીમોની વચ્ચેની અનેક શક્યતાઓમાં પોતાને ક્યાંક ગોઠવી દે છે.
લેખની શરુઆતમાં વારસામાં મળતી જે બાબતોનો ઉલ્લેખ કર્યો છે, એમાંની એક છે આપણી ધાર્મીક માન્યતાઓ. બાળક જન્મે છે ત્યારે એને કોઈ પ્રકારની માન્યતાઓ હોતી નથી. એ આસપાસના વાતાવરણમાંથી પોતાની માન્યતાઓ મેળવે છે.
ગામડામાં જન્મેલા અને મોટા થયેલા લોકોનું વીશ્વ ઘણું નાનું હોય છે. તેઓ એક ચોક્ક્સ પ્રકારના ચુસ્ત ધાર્મીક વાતાવરણમાં ઉછરેલા હોય છે. એ જ એમની ધાર્મીક વીચારસરણી બને છે. શહેરમાં રહેવા છતાં આસપાસના શહેરી વાતાવરણથી અલીપ્ત એવા પોતાના નાનકડા સંકુલમાં, સમાજમાં રહેનારાઓની વીચારસરણી પણ ગામડાં જેવી જ હોય છે. બે પેઢીઓ વચ્ચે કહેવાતી જનરેશન ગેપ પાછળ ઉછેર વખતના વાતાવરણનો ફરક ખુબ મોટો ભાગ ભજવે છે. વીચારસરણીનો વારસો આપણને મળેલી ભેટ નહીં; પણ ઉધાર છે. આ એક એવી ઉધારી છે જે આપનારને પાછી કરવાની નથી હોતી; પણ એને પોતાની સમજ અને અનુભવથી કસાવી, આવનારી પેઢીને આપવાની હોય છે. જેને બીજાઓ કરતાં પોતાની જાત પર વધુ વીશ્વાસ છે તે એને અમલમાં મુકે પણ છે. જે આવું નથી કરતા તે કસાયેલી નહીં; પણ કટાયેલી, વધુ ઘસાયેલી વીચારસરણી ભાવી પેઢીને આપી જાય છે.
મોટી ઉમ્મરે ધાર્મીક માન્યતાઓ બદલવી ઘણી અધરી હોય છે; અશક્ય નથી હોતી. ક્યારેક એ બદલાય પણ છે. માણસને પોતાને કે એની નજીકની કોઈ વ્યક્તીને જ્યારે હચમચાવી દેતો ગમ્ભીર અનુભવ થાય છે ત્યારે, ધાર્મીક ન હોય એ વ્યક્તી ધાર્મીક બની શકે છે. એ જ રીતે ચુસ્ત ધાર્મીક વ્યક્તી પણ સમ્પુર્ણ પણે શ્રદ્ધા ગુમાવી શકે છે. જાત અનુભવને લીધે આવતું આ વીચારાન્તર સ્વેચ્છાએ કરેલું હોવા છતાં; લાગણીના આવેશમાં થયું હોય છે. એની પાછળ ઝાઝો વીચાર નથી હોતો.
એક નાનો વર્ગ એવો છે કે જે લાગણીના આવેશમાં નહીં; પણ વીશાળ વાચન, ઉંડો અભ્યાસ તેમ જ મનોમંથન પછી વીચારાન્તર કરે છે. એ પરમ્પરાગત ધાર્મીક માન્યતાઓથી વીમુખ થાય છે. એની આ વીમુખતા સંસ્થાકીય ધર્મ પ્રત્યે હોય છે. ધર્મના આદર્શો, નીતી, પ્રામાણીકતા, ફરજ વગેરે પ્રત્યે નથી હોતી. છતાંય ધાર્મીક સમાજ એમને નાસ્તીક માને છે.
આ રીતે પોતાની માન્યતાઓ બદલનાર વીચારોના ક્રાન્તીકારી કહેવાય છે. તેઓ પોતાના સમયથી ઘણા આગળ હોય છે. વૈચારીક ક્રાન્તીકારો સાચા કે ખોટા ઠરી શકે છે, સફળ કે નીષ્ફળ થઈ શકે છે; પણ અજ્ઞાની તો ક્યારેય નથી હોતા. એમને અજ્ઞાની માનનાર પોતાના જ અલ્પજ્ઞાનનું પ્રદર્શન કરે છે.
ધાર્મીક ક્ષેત્રના આધુનીક ક્રાન્તીકારો પોતાને ઉદાર મતવાદી, વાસ્તવદૃષ્ટા, વીવેકબુદ્ધીવાદી, રૅશનલ થીન્કર વગેરે ગણે છે. આ બધામાં થોડો ફરક ખરો; પણ મુખ્ય પ્રવાહથી તેઓ ઘણા અલગ છે. વર્તમાન ભારતમાં રાજકીય તેમજ સામાજીક ક્ષેત્રે કેટલાક રૅશનલ નેતાઓ થઈ ગયા છે. જવાહરલાલ નહેરુ એમાંના એક હતા. આ નેતાઓને ધાર્મીક પ્રજા સાથે કામ કરવાનું હોવાથી પોતાના રૅશનલ વીચારોને મોખરે લાવવું વાજબી નહોતું માન્યું. એમના મુખ્ય કાર્યક્ષેત્રમાં એ બાધારુપ બનત. છતાં જરુર પડે તેઓ પોતાના વીચાર છુપાવતા પણ નહોતા.
વીચારાન્તર એ વીચારધારાની જનેતા છે. લાંબા ગાળાના પ્રશ્નોનો ઉકેલ શોધવો હોય તો ચીલાચાલુ ઘરેડથી દુર જવું પડે છે. જો કોઈએ પણ વીચારાન્તર ન કર્યું હોત તો માનવસમાજ જરાપણ પ્રગતી કરી શક્યો ન હોત. વૈશ્વીક સ્તરે આ પ્રકારના વીચારાન્તર આર્થીક, સામાજીક, રાજકીય, બધાંય ક્ષેત્રે થતાં જોઈ શકાય છે.
ધાર્મીક વીચારાન્તરના સન્દર્ભમાં જોઈએ તો દુનીયાના બધા જ ધર્મ પરીવર્તકોને તત્કાલીન ધાર્મીક વીચારધારાઓમાં જે ખામીઓ જણાઈ એનો તેમણે વીકલ્પ શોધ્યો હતો. એમની તપસ્યા, ધ્યાન, ચીન્તન, સાધના જે પણ કહીએ તે એક પ્રકારનું વીચારાન્તર જ હતું. એમની નવી વીચારધારાને પણ તરત સફળતા નહોતી મળી.
ભારતમાં મહાવીર અને બુદ્ધને તત્કાલીન વૈદીક–સનાતન ધર્મમાં ખામીઓ જણાઈ એટલે જ એમણે પોતાની નવી વીચારધારા શરુ કરી. પણ તેઓ છેલ્લા નથી. એમના પછી પણ નવી અને ભીન્ન ધાર્મીક વીચારધારાઓ આવતી રહી છે. અહીં મુદ્દો કોણ વધુ સાચું કે સારું એનો નથી. મુદ્દો છે કોઈપણ વીચારધારા શાશ્વત કે સનાતન ન હોવાનો છે. જ્યાં સુધી કોઈ ચોક્કસ વીષય પર માનવ સમાજમાં પાયાના મતભેદ છે ત્યાં સુધી એ વીષય પરનું કોઈપણ ધાર્મીક વીચારધારાનું કથન સર્વવ્યાપી સર્વકાલીન સત્ય તરીકે સ્વીકારી શકાય નહીં.
દુનીયાના બધા જ સંસ્થાકીય ધર્મો વચ્ચે થોડી સમાનતા અને થોડી વીષમતા રહેલી છે. એમના વચ્ચેની સૌથી મોટી સમાનતા છે રહસ્યવાદની. કોઈપણ ધાર્મીક વીચારધારા એનાથી બાકાત નથી રહી. એનું મુખ્ય કારણ એ છે કે માણસને જન્મજાત રીતે રહસ્યમય વાતો ગમે છે. ‘લોજીક’ કરતાં ‘મેજીક’માં વધુ મઝા આવે છે.
જે પ્રશ્નોનો બધાને ગળે ઉતરે એવો ચોક્કસ ઉકેલ નથી તેને રહસ્ય કહેવાય છે. એના જુદા જુદા ચીન્તકો દ્વારા અપાયેલ જવાબ રહસ્યવાદ બની જાય છે. વીશેષમાં ધર્મપ્રણેતાઓને નામે આજે જે ફેલાવવામાં આવે છે તેની વીશ્વસનીયતા પણ સંશયાત્મક છે. દરેક ધર્મના આટલા ફાંટા, એમાં પાછળથી કરવામાં આવેલી ભેળસેળનું તેમ જ મનફાવતાં અર્થઘટનોનું પરીણામ છે. ધર્મોમાં મોજુદ રહસ્યવાદનો મોટો ભાગ પાછળથી ઉમેરવામાં આવ્યો છે. કાળક્રમે થઈ ગયેલા ધર્મગુરુઓ પોતાનો નવો પંથ કે સમુદાય સ્થાપવા આ રહસ્યવાદને થોડાં જુદાં સ્વરુપે રજુ કરતા રહ્યા છે. એના વડે કેટલાયે અઘરા પ્રશ્નોના ઉત્તર સહેલાઈથી આપી શકાય છે અથવા એમને સદન્તર ટાળી શકાય છે.
આ રહસ્યવાદ મુખ્યત્વે સ્વર્ગ, નરક, પુનર્જન્મ જેવા વીષયો વીશે છે. માનવ– સમાજ પાસે દરેક રહસ્યમય વીષય પર કેટલાક અલગ મત પ્રવર્તે છે. એક વીષયના આવા ભીન્ન મત બધા તો સાચા ન હોઈ શકે. કદાચ કોઈ એક સાચો હોઈ શકે; પણ કોનો ? જો પાંચમાંથી ચાર ખોટા હોય તો પાંચેપાંચ ખોટા હોઈ શકે છે. આપણી પાસે અત્યારે સર્વમાન્ય ઉકેલ નથી એટલા માટે કોઈએ ભુતકાળમાં આપેલ ગમે તે ઉકેલ સાચો નથી બની જતો. વાસ્તવમાં કેટલીયે પુરાણી ધાર્મીક માન્યતાઓ ખોટી સાબીત થઈ છે. એ જ બતાવે છે કે બધી રહસ્યમય માન્યતાઓ માટે ખુલ્લી દૃષ્ટી રાખવી જરુરી છે.
ભુતકાળમાં જેમણે રહસ્યવાદરહીત માત્ર નૈતીક વીચારધારા ફેલાવવાની કોશીશ કરી હતી તે સફળ નથી થયા. એમની નીષ્ફળતાનું કારણ રહસ્યપ્રેમી માનવ પ્રકૃતી ઉપરાન્ત ભુતકાળમાં તાર્કીક કે વૈજ્ઞાનીક રીતે વીચારવાનો બહુધા અભાવ હતો.
વર્તમાનની રાજકીય, આર્થીક, સામાજીક વગેરે બધી જ વીચારધારાઓ પશ્વીમના દેશોમાં શરુ થઈ આખી દુનીયામાં ફેલાઈ રહી છે. સ્વેચ્છાએ કે અનીચ્છાએ બધા દેશો તે અપનાવી રહ્યા છે. ધાર્મીક ક્ષેત્ર અતી સમ્વેદનશીલ હોવાથી તે સૌથી છેલ્લે આવશે. તે ધર્માન્તર સ્વરુપે નહીં; પણ ધાર્મીક વીચારાન્તર સ્વરુપે હશે.
મધ્ય યુગમાં પશ્વીમમાં પણ રહસ્યવાદ અને અન્ધશ્રદ્ધા મોટે પાયે અસ્તીત્વમાં હતાં. ત્યા વર્તમાન યુગ પાંચસો વરસ પહેલાં શરુ થયો હોવાથી આ બધું હવે ઘણું ઓછું થઈ ગયું છે. ભારત એકસાથે બધા યુગોમાં જીવે છે. એટલું જ નહીં; ઘણી વ્યક્તીઓ પણ જુદા જુદા સમયમાં જીવતી હોય છે. ધંધા–વ્યવસાયની બાબતમાં એકવીસમી સદીમાં જીવનાર માણસ સામાજીક રુઢીઓ બાબતે ઓગણીસમી સદીમાં અને ધાર્મીક માન્યતાઓ સંદર્ભે ચૌદમી સદીમાં જીવતો હોય એ સામાન્ય બાબત છે.
ટુંકમાં, પશ્વીમના વીકસીત દેશોમાં રહસ્યવાદ હજી કેટલેક અંશે ચાલુ છે જ્યારે ભારત સહીત પુર્વના અન્ય દેશોમાં તાર્કીક/ વૈજ્ઞાનીક વીચારધારા પ્રસરી રહી છે. એટલે પુર્વ–પશ્વીમના શબ્દ પ્રયોગને બદલે જુની દુનીયા અને નવી દુનીયાનો શબ્દપ્રયોગ વધુ યોગ્ય રહેશે.
હવે જ્યારે વૈજ્ઞાનીક વીચારસરણીને જગતના ભૌતીક પ્રશ્નો ઉકેલવામાં વ્યાપક સફળતા મળવા લાગી છે ત્યારે રહસ્યવાદમાં ન માનનારાઓને આશાનું કીરણ દેખાય છે. એમના પ્રયત્નો પથ્થર પર રેડાતા પાણી નહીં; પણ બાલદી પાણીમાં ઉમેરાતા રંગનાં થોડાં ટીપાં બનવાની પુરી શક્યતાઓ છે. પાંચ હજાર વરસ જુના રહસ્યવાદે માનવ સમાજનું જેટલું ભલું કર્યુ છે એનાથી વધારે ભલું છેલ્લાં બસો વરસમાં વૈજ્ઞાનીક શોધોએ કર્યું છે. આ તો હજી શરુઆત છે.
જે ઝડપે દુનીયાનું એકીકરણ થઈ રહ્યું છે તે જોતાં એમ લાગે છે કે એકવીસમી સદી વીવીધ ધાર્મીક વીચારધારાઓની પીછેહઠ અને એકમાત્ર ‘નૈતીક વીચારધારા આધારીત માનવવાદ’ની સદી તરીકે વીદાય લેશે. એનો યશ કોઈએક વ્યક્તીને નહીં પણ વૈજ્ઞાનીક/તાર્કીક વીચારસરણીને અનુસરતા સમુદાયને જશે. શુદ્ધ નૈતીકતામાં વૈવીધ્ય કે રહસ્યને સ્થાન નથી.
એક ધાર્મીક વીચારધારામાં અનેકાન્તવાદને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. અનેકાન્તવાદ એ માત્ર વીવાદને નીવારવાનો સમાધાનકારી માર્ગ નથી. સાચો અનેકાન્તવાદ તો ભીન્ન વીચારધારા પર પુરતો વીચાર કરી, જો વાજબી લાગે તો અપનાવવામાં છે.
–મુરજી ગડા
લેખક સમ્પર્ક: શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1518 સેલફોન: 97267 99009 ઈ.મેઈલ:mggada@gmail.com