ભાઈબહેનના પ્રેમનો અનોખો તહેવાર એટલે ભાઈબીજ.યમુનાજી યમરાજના નાના બહેન છે. યમુનાજીને યમરાજે અભય વરદાન આપ્યું હતું કે જે ભાઈબહેન યમુનાજીમાં સ્નાન કરશે તેને યમની યાતનામાંથી મુક્તિ મળશે.આમ ભાઈબીજનો દિવસ એ યમુનાસ્નાનનો દિવસ ગણાય છે.
શ્રી યમુનાજી જેમ કૃપાનિધિ કહેવાય છેતેમ શ્રી યમુનાજી પરમકૃપાળુ પણ કહેવાય છે. બ્રહ્મવૈવર્તક પુરાણમાં કથા છે કે શ્રી યમુનાજી વારંવાર પોતાના ભાઈ શ્રી યમરાજને મળવા જાય પરંતુ તેઓ જ્યારે ભાઈના ઘર પાસેથી પસાર થતી વખતે તેમની નજર યમપુરી પર પડતી. ભાઈના ગૃહ પાસે પડતી આ યમપુરીમાંથી આવતા જીવોના ચિત્કારો અને પિડાત્મક ભર્યા આર્તનાદ શ્રી યમુનાજીના કોમળ મનને પણ ઘાવ આપી જતાં હતાં અને તેમનું મન અને હૃદય અતિ દ્રવિત થઈ જતું હતું. આથી હંમેશા શ્રી યમુનાજી પોતાના મોટાભાઇને વિનંતી કરતાં કે વીરા આ જીવોને યમપુરીની પીડામાંથી મુક્ત કરો, પરંતુ હંમેશની જેમ યમરાજ પણ હસીને વાત ફેરવી નાખતા. કોમલ મનનાં અભિરાજ્ઞી એવા શ્રી યમુનાજી હંમેશા વિચારતાં રહેતા કે યમપુરીમાં રહેલા આ જીવોને કેવી રીતે બચાવવા? કેવી રીતે તેમને યમપૂરીમાંથી મુક્ત કરાવીને ભાઈના ભયમાંથી અભય અને નિર્ભય કરવાં? પરંતુ તેઓને ક્યારેય કોઈ ઉપાય ન મળતો.
શ્રી યમુનાજીને પોતાના આ વડીલ વીરા ખૂબ વ્હાલા હતાં,તેથી તેઓ વારંવાર ધર્મરાજ શ્રી યમદેવને પોતાને ગૃહે ભોજન લેવા અર્થે બોલાવતાં પરંતુ યમરાજ તો આખા વર્ષ દરમ્યાન કામ મગ્ન હોઈ પોતાની પ્રિય ભગિનીને ગૃહે ન જઈ શકતાં. આથી એકવાર શ્રી યમુનાજી ભાઈને ઘેર ગયા અને ભાઈને વિનંતી કરી કે ભ્રાતૃ આજે કાર્તિકી એકમ છે આવતી કાલે આપ મારે ત્યાં ભાભી અને પરિવાર સાથે જમવા પધારો આટલા વખતથી હું આપને વિનંતી કરી રહી છું પરંતુ આપ કામમાં મગ્ન હોઈ આવી શકતાં નથી, માટે કૃપા કરી આ વખતે મારે ત્યાં જમવા પધારો, એમ બોલતાં બોલતાં શ્રી યમુનાજીની આંખો ભરાઈ આવી. પોતાની નાની બહેનની આંખો છલકાઈ આવેલી જોઈ શ્રી યમરાજાએ પોતાની બહેન ને વચન આપ્યું કે આવતીકાલે કાર્તિકી સુદ બીજના તેઓ ચોક્કસ બહેનને ત્યાં જમવા પધારશે. બીજે દિવસે યમરાજા પોતાનું વચન પાળવા માટે પોતાના પરિવાર સાથે બહેનને ત્યાં આવી પહોંચ્યાં. તે દિવસે બહેને પણ પોતાને આંગણિયે પોતાના ભાઈને જોઈ અતિ પ્રસન્ન થઈ. અત્યંત આનંદિત થઈ બહેને ભાઇનું સ્વાગત કર્યું, ભાઈના લલાટે કુમકુમ તિલક કરી અક્ષત લગાવી, પુષ્પથી વધાવી, આરતી ઉતારીને ભાઈના ઓવારણાં લીધા. બહેનને પ્રસન્ન થયેલી જોઈ યમરાજા પણ અત્યંત આનંદિત થઈ ગયા. બહેને ભાઈને ચાંદીના પાત્રોમાં પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું.
ભોજન બાદ પસલીમાં યમરાજાએ બહેનને રંગબેરંગી વસ્ત્રો અનેરત્નજડિત અલંકારો આપ્યા અને કહ્યું કે બહેન આ બધું તો મે મારી ઈચ્છા મુજબ આપ્યું છે પરંતુ તારી ઈચ્છા મુજબ તું મારી પાસે કંઈક માગ ત્યારે પ્રથમ તો શ્રી યમુનાજીએ ના કહી પરંતુ વડીલ બંધુના વારંવાર આગ્રહથી અને ભાઇનું માન રાખવા શ્રી યમુનાજીએ માંગ્યું કે ભાઈ આપ મને કંઈક આપવા જ ઇચ્છતા જ હોય તો હું ફક્ત એક જ વરદાન માંગુ છું આપ કૃપા કરીને આપની યમપુરીમાં પિડાઈ રહેલા જીવોને મુક્ત કરો ત્યારે યમરાજા કહે બહેની મારૂ કાર્ય છે કે જીવોને તેમના કર્મ મુજબ હું તેમને દંડ આપું પરંતુ તે મારી પાસેથી વચન માંગ્યું છે તો હું પણ તને વચન આપું છું કે આપણાં ભાઈ બહેનના પ્રતિક રૂપે આજના દિવસે જે જીવ ઉજવીને તારા જળમાં સ્નાન કરશે અને તારા જલ રૂપી અમૃતનું પાન કરશે તેને યમ અને યમપુરીનો ભય નહીં રહે. ઉપરાંત આ ફક્ત આજના દિવસની વાત નથી યમુને, જે કોઈ જીવ તારા શરણે આવીને નિત્ય તારું સ્મરણ કરશે તેને હું યમ, સૂર્ય પુત્ર યમ કદીયે યમ્હ્સ્ત લગાવીશ નહીં. યમરાજાના વરદાન મુજબ જોઈએ તો યમુનાજીને માનનારા બધાં જ જીવો શ્રી યમુનાજીના બાળ છે અને યમરાજા પોતાની બહેનના બાળકોને દંડ કેવી રીતે આપે?
કારતક સુદ બીજનો આ દિવસ ભાઈબહેનના પ્રેમ અને સ્નેહને વ્યક્તકરવા ભાઇબીજ અથવા યમદ્વિતીયા તરીકે ઓળખાય છે. આ પવિત્ર દિવસે જે મનુષ્યો યમુનાજીમાં સ્નાન કરી યમુનાજી અને યમદેવનું પૂજન કરે છે તેઑ આત્યંતિક આધ્યાત્મિક અને આધિદૈવીક કલ્યાણનાં, વૈંકુંઠનાં અને ગોલોક ધામનાં અધિકારી બનતાં તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તો આ દિવસે શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરનાર અને યમુનાજીનાં જલમાં સ્નાન કરનારને શ્રી યમુનાજી પોતાના વડીલ વીરા યમ, યમપુરી, યમપાશ, અને યમદંડના ભયમાંથી મુક્ત કરી પોતાના ભાઈના ભવનને શૂન્ય કરી જીવોને અભયપદદાન આપ્યું છે.