20121119

લંકાના યુદ્ધમાં ઇન્દ્રજિતના મરાયા પછી તેનું મસ્તક લેવા માટે રાવણે સુલોચનાને શ્રીરામ પાસે જવા કહ્યું

લંકામાં રામ-રાવણનું યુદ્ધ તેની પરાકાષ્ઠાએ હતું. દિવસે દિવસે રાવણની સેના ઓછી થતી જતી હતી. કેટલાય વીર યોદ્ધાઓ અને મહારથીઓ યુદ્ધમાં ખપી ગયા હતા. રાવણની છેલ્લી આશા સમો તેનો પુત્ર ઇન્દ્રજિત હતો. તેણે સાધના કરીને દેવ-દેવીઓ પાસેથી શસ્તાસ્ત્રો મેળવ્યા હતા. યુદ્ધમાં તે અજેય ગણાતો હતો. યુદ્ધમાં મળી રહેલા પરાજયને કારણે રાવણ હતાશ થઇ ગયો હતો. તે સમયે ઇન્દ્રજીતે રાવણને હામ આપતા કહ્યું, ''પિતાશ્રી! તમે નિરાશ ન થાવ. હું તમને વિજય અપાવીશ. એ વાનરસેનાને ખતમ કરી હું રામ-લક્ષ્મણને બંદી બનાવીને તમારી સમક્ષ હાજર કરીશ.''
હવે રાવણ સમજી ગયો હતો કે રામ-લક્ષ્મણને હરાવવા સરળ નથી. છતાંય તેને ઇન્દ્રજિતની શક્તિમાં વિશ્વાસ હતો. ઇન્દ્રજિતની વાતથી રાવણને હૈયાધારણ રહી. બીજા દિવસના યુદ્ધનું સુકાન ઇન્દ્રજિતને સોંપી રાવણે તેને યુદ્ધમાં ઊતાર્યો. ઇન્દ્રજિતે વિશિષ્ટ વ્યૂહ રચના કરી. ઇન્દ્રજિતની સામે રામે લક્ષ્મણજીને મૂક્યા હતા. રામ પાસે જે માહિતી હતી તેના ઉપરથી તેમને ખાતરી હતી કે કેવળ લક્ષ્મણજી જ ઇન્દ્રજિતનો પરાભવ કરી શકશે.
લક્ષ્મણજી અને ઇન્દ્રજિત વચ્ચે ઘમસાણ લડાઇ થઇ. ક્યારેક ઇન્દ્રજિત જીતતો દેખાય તો ક્યારેક લક્ષ્મણજી જીતતા લાગે. બંને બાજુનાં સૈન્યોમાં હાર-જીત સાથે ઉત્સાહની સાથે ચઢ-ઉતર થયા કરતી હતી. કહે છે કે દેવલોકના દેવો પણ આ અપૂર્વ યુદ્ધ જોવા માટે અંતરીક્ષમાં આવીને ઊભા રહી ગયા હતા. આ લડાઇના પરિણામ તરફ સૌની નજર આતુરતાથી મંડાઇ હતી. ત્યાં લક્ષ્મણજીએ ઇન્દ્રજીત ઉપર એવો એક ઘા કર્યો કે ઇન્દ્રજિતનો હાથ કપાઇ ગયો. આ ઘા એટલો તો તીવ્ર હતો કે ઇન્દ્રજિતનો કપાયેલો હાથ તેના જ મહેલના પ્રાંગણમાં જઇને ઇન્દ્રજિતની પત્ની સુલોચના પાસે પડયો. લોહીથી નીંગળતા ઇન્દ્રજિતે લડવાનું ચાલુ રાખ્યું પણ તેની શક્તિ ક્ષીણ થવા લાગી હતી. ત્યાં તો લક્ષ્મણજીએ લાગ જોઇને એવો એક ઘા કર્યો કે ઇન્દ્રજીતનું મસ્તક કપાઇ ગયું અને શ્રીરામ જ્યાં હતા ત્યાં તેમની નજીક જઇ પડયું. અજેય ગણાતો ઇન્દ્રજિત છેવટે યુદ્ધમાં પડયો.
ઇન્દ્રજીતની પત્ની સુલોચના મહાન પતિવ્રતા સ્ત્રી હતી. તે સતી હતી. પોતાના પતિનો હાથ મહેલના પ્રાંગણમાં પડેલો જોઇને તે કંપી ઉઠી. પતિના જીવન વિશે તેના મનમાં શંકા-કુશંકા થવા લાગી. કંઈક અમંગળ થયું હોવાના એંધાણ તેને વર્તાવા લાગ્યા. સુલોચના પોતાના પતિના હાથને ખોળામાં લઇને રડતાં રડતાં બોલી, ''હે પ્રાણનાથ! મારા સતના આધારે તમારા હાથમાં બળનો સંચાર થાવ અને તમે મને લખીને જણાવો કે અત્યારે તમારી શું સ્થિતિ છે.''
કથા કહે છે કે ઇન્દ્રજિતના હાથમાં પ્રાણનો પુનઃ સંચાર થયો અને તેણે પાસે મૂકેલા પત્રમાં લખ્યું કે હું મરાયો છું. હવે પુનઃ જીવીત થવાનો કોઇ સંભવ નથી. મારું મસ્તક શ્રીરામની નજીક પડયું છે હું તારી પ્રતીક્ષા કરતો અહીં ઉપસ્થિત છું. હું તારી પ્રતીક્ષા કરૃં છું. તારા આવી જતાં આપણે પરલોકની વાટ પકડીને આગળની યાત્રાએ નીકળી જઇશું. અને સુલોચનાએ સતી બનવાનો નિર્ણય કર્યો.
સતી બનવા માટે સુલોચના શ્વસુર રાવણ પાસે આજ્ઞાા લેવા ગઇ. રાવણને વંદન કરતાં તેણે કહ્યુ, ''તમે મને હવે આશીર્વાદ આપો. હું હવે સતી થઇને મારા પતિ સાથે સ્વર્ગની વાટ પકડવા ઇચ્છું છું. મારા પતિ મારી પ્રતિક્ષા કરે છે. સતી થવા માટે મારે મારા પતિના મસ્તકની આવશ્યકતા છે. તે શ્રીરામની પાસે પડેલ છે. તે મેળવી આપવાની તમે વ્યવસ્થા કરો.''
પુત્ર ઇન્દ્રજિતના વિયોગથી વિહ્વળ બની ગયેલ રાવણે અત્યંત દુઃખ સાથે કહ્યું, ''તારી આ પરિસ્થિતિ માટે હું જવાબદાર છું. હું લજ્જિત છું, પણ હવે હું અટકી શકું તેમ નથી. ઇન્દ્રજિત અને તારું કલ્યાણ થશે. અગ્નિ તને દઝાડી શકશે નહિ. તું પવિત્ર છે. ઇન્દ્રજિતનું મસ્તક લેવા માટે તું શ્રીરામની પાસે જાય તેવી મારી ઇચ્છા છે. સતી થવા માટે અગ્નિમાં પ્રવેશ કરતા પહેલા તું શ્રીરામના એકવાર દર્શન કરી લે. અહીંથી હું આપણા કેટલાક ચુનંદા સૈનિકોને તારી પાસે મોકલવાની વ્યવસ્થા કરૃં છું.''
રાવણની વાત સાંભળીને સ્તબ્ધ બની ગયેલી સુલોચનાએ કહ્યું, ''શ્વસુરજી! જેનાં પત્નીનું તમે હરણ કર્યું છે, જેની સાથે તમે યુદ્ધે ચઢયા છો તે તમારા શત્રુ પાસે તમે મને મારા પતિનું મસ્તક લેવા મોકલો છો? ત્યાં મારી સાથે કેવો વ્યવહાર થશે તે વિશે તમે વિચાર્યું છે?''
રાવણે કહ્યું, ''મને તારી સલામતી કે ક્ષેમકુશળની કોઇ ચિંતા નથી. રામ સાથે મેં વેર બાંધ્યું છે. હું તેમને મારા શત્રુ ગણું છુ, પણ તેઓ મને શત્રુ ગણતા નથી. તેમના ઔચિત્યપૂર્ણ વ્યવહાર વિશે મારા મનમાં કોઇ સંદેહ નથી. એ તો ભાવિ ભાવ જ એવો હતો કે મેં સીતાનું હરણ કર્યુ અને સર્વ વિનાશ નોતર્યો. પણ વિના સંકોચે તુ શ્રીરામની પાસે જા. તેમનાં દર્શન કરીને તું ધન્ય થઇ જઇશ. આ જન્મમાં જો તું આ તક ચૂકી જઇશ તો પછી ફરી ક્યારે આવી તક મળે તે વિશે કંઇ કહી શકાય નહિ. મને પૂર્ણ વિશ્વાસ છે કે શ્રીરામ તારી વાત સહાનુભૂતિથી સાંભળશે. તેઓ પૂરા સન્માન સાથે તારી સાથે વ્યવહાર કરશે. તેઓ તને અન્યાય નહિ કરે. શ્રીરામ એકવચની છે, એક પત્નીધારી છે. તેઓ ધર્મ સાચવીને યુદ્ધ કરી જાણે છે. તેમના દર્શન પાવનકારી છે. શ્રીરામના આશીર્વાદ લઇને તું અગ્નિમાં પ્રવેશ કરીશ તો તારી આગળની વાટ સુખરૃપ થઇ જશે.''
કથા કહે છે સુલોચનાનો શ્રીરામની છાવણીમાં સારી રીતે આદર સત્કાર થયો. સુલોચનાને શ્રીરામના દર્શન કરીને ઘણો આનદ થયો. શ્રીરામે સુલોચનાને આશીર્વાદ આપ્યા. ઇન્દ્રજીતનું મસ્તક સન્માન સાથે સુલોચનાને સુપરત કર્યું.
આ પૌરાણિક કથા છે. પુરાણોમાં કલ્પનાનું પ્રાધાન્ય હોય છે. ભદ્ર-ભોળા સમાજને નજરમાં રાખીને કહેવાયેલી આ વાતો છે. આપણે તેના સારતત્વને ગ્રહણ કરવાનું હોય છે. તેના વાર્તા તત્વને જો સત્યતાની એરણ ઉપર ચઢાવીને કસવા જઇશું તો આપણા હાથમાં કંઇ નહિ આવે.
જે દેશમાં આ સંસ્કૃતિ હતી તે દેશ આજે ક્યાં ઊભો છે અને ક્યાં જઇ રહ્યો છે તે વાત સુજ્ઞા વાંચકે વિચારવી રહી.
- ચંદ્રહાસ ત્રિવેદી