20121130

'ઓલ ધ બેસ્ટ, ઓલ ધ ઘેટાંઝ'! --- સાંઈરામ દવે


ચૂંટણીનો માહોલ બરાબર જામતો જાય છે. દિવાળીનાં સ્નેહસંમેલનો પાર્ટીનાં સંમેલનોમાં ફેરવાઈ ગ્યાં છે. ચૂંટણીવાંછુક મૂરતીયાઓ મતદારરૂપી કન્યાને રીઝવવા જાતજાતના નુસખા અપનાવી રહ્યા છે. રાજકારણ વિષય ઉપર હસાવવું અઘરું છે, કારણ કે આપણને આ શબ્દે હસાવવા કરતાં રોવડાવ્યા વધુ છે. દેશની જે નિષ્ઠાથી સેવા કરે છે એ બધાને સાદર વંદન, સાથે જે લોકોએ દેશને ઊધઈની જેમ ખાધો છે એવા ભ્રષ્ટ નેતાઓની જ આજે વાત માંડવી છે. (જોકે કરુણતા એ છે કે કોઈ પોતાને ભ્રષ્ટ ગણતું જ નથી.)
એક વાર ઇન્દ્ર મહારાજે આદેશ આપ્યો કે જાઓ યમદૂત, કોઈ નેતાના આત્માને લઈ આવો. અડધી કલાકમાં યમદૂત આવ્યો કે મહારાજ નેતા મળ્યા છે, પણ એનો આત્મા નથી મળ્યો. ત્યારે શાંત બેઠેલા ચિત્રગુપ્તે ટકોર કરી કે આ હાઇટેક ભારતના નેતા છે, એનો આત્મા એની ખુરશીની નીચે રહે છે. એક વાર આતંકવાદીઓએ નક્કી કર્યું કે ભારતના તમામ ભ્રષ્ટ અને મોટા નેતાઓને એક પ્લેનમાં બેસાડી હાઇજેક કરી લઈએ. દેશમાં હાહાકાર મચી ગયો. આતંકવાદીઓએ આ નેતાઓને કીડનેપ કરીને ભારતવાસીઓને ધમકી મોકલી કે અગર તમે અમારી માંગણીઓ મંજૂર નહીં કરો તો અમે દર કલાકે એક એક નેતાને જીવતા છોડીશું..! બસ લોકોએ એ માંગણી પૂરી કરી નહીં તે દિવસથી આપણે આ કૌભાંડિયા'વને ભોગવી રહ્યા છીએ. મારા જ શેરમાં કહ્યું છે કેઃ -
'ધારાસભ્યો સારાસભ્યો થાય તો સારું,
ચાર સભ્યો દેશમાંથી જાય તો સારું!'
આપણે ત્યાં તો રાજકારણ ગામડાં સુધી જમાવટ લઈ ગ્યું છે. એક ગામડામાં એક વાર એક ભૂતપૂર્વ રાજકારણી અવસાન પામ્યા. એની આગળ-પાછળ ઉત્તરક્રિયા કરે એવું કોઈ નહોતું. ગામના યુવકમંડળે રાજકારણીની ઉત્તરક્રિયા માટે વ્યક્તિદીઠ વીસ રૂપિયા ફાળો ઉઘરાવ્યો. એક સજ્જને પાંચસો રોકડા આપીને કહ્યું કે, બીજા બે જીવતા રાજકારણીની પણ ઉત્તરક્રિયા કરી નાંખો. પોતે જ ચૂંટેલા લોકોથી આ દેશના લોકો કેવા કંટાળી ગયા છે.
અમારા અમરનગર નામના ગામડે બનેલી એક સાચી ઘટના યાદ કરાવું તો એક ભૂતપૂર્વ નેતાના છેલ્લા શ્વાસ અટકેલા હતા, પણ કોઈ વાતે જીવ નીકળતો નહોતો. એક બુદ્ધિશાળી વડીલે ઈ અર્ધમૂર્છિત નેતાના કાનમાં એટલું જ કહ્યું કે 'સ્વર્ગમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે..!' અને નેતાજી તરત જ સ્વર્ગે(?) સિધાવ્યા. સરપંચની ચૂંટણી ટાણે અલગ અલગ ઉમેદવારો અમારા ગામડે ઊભા રહ્યા. અમુકને તો ઘરમાં'ય પૂરા મત મળે એવા નહોતા એવા'યે પણ ઉમેદવારી નોંધાવી'તી. એક ઉમેદવાર જેનું નિશાન 'સાઇકલ' હતું એ પોતાના ચૂંટણી પ્રચારમાં નીકળ્યા. એક ડોશીમાને ઉમેદવારે વિનંતી કરી કે, 'માજી મારી સાઇકલનું ધ્યાન રાખજો.' માજી બજર દેતાં તરત જ બોલ્યાં કે બેટા, તું સાઇકલને તાળું મારીને જા, હું કોઈ ધ્યાન રાખવા નવરી નથી. આમે'ય મને આંખ્યે દેખાતું નથી...!
ફિલિપ ક્લાર્કની એક ગમતી પંક્તિ છે કે, 'લોકશાહીના પેટમાં દુખાવો ઊપડયો છે. ડોક્ટરે તપાસીને કહ્યું છે કે આને સત્તાની ગાંઠ છે. અટાણે તો ખુરશીની મડાગાંઠ બંધાઈ ગઈ છે. આ
પાર્ટીવાળા કહે અમે સાચા અને ઓલી પાર્ટીવાળા કહે અમે સાચા. હવે આપણે આમાં માનવા કોને? ક્યારેક તો એક સામાન્ય માણસને લાગે છે કે આ બધા સાચા જ છે, પોતે જ ખોટો છે!'
પ્રસંગો તો જાણે મારી સાથે જ બન્યા કરે છે. મારા પાડોશમાં એક બહેનનો છોકરો માટી ખૂબ ખાતો'તો. ઘણી દવા કરી. ફેર ન પડયો એટલે એ બહેનને મેં કહ્યું, બહેન મૂંઝાતા નહીં, તમારો દીકરો મોટો થઈને દેશનો મહાન નેતા બનશે અને પછી મોટા મોટા રોડ-પુલ અને ચેકડેમ ખાઈ જશે. મારી આ ભવિષ્યવાણીની ઉજાણી કરવી કે ખરખરો કરવો એ એમને સમજાણું જ નહીં અને એમણે તો પાડોશ જ બદલી નાંખ્યો. બધા નેતાઓ ખરાબ નથી, પણ બધા'ય સારા'ય નથી, એ હવે કૌભાંડોના આંકડાથી સિદ્ધ અને પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે ત્યારે આપણા નેતાઓ એ આપણું જ પ્રતિબિંબ છે. 'યથા રાજા તથા પ્રજા'ને બદલે હું તો એમ કહું છું કે, 'યથા પ્રજા તથા પ્રજા'..! આપણે બધાં જ્યાં સુધી હોલસેલમાં નહીં સુધરીએ ત્યાં સુધી આપણા નેતાઓ શા માટે સુધરે! ચાલો, અમુક મહિને જેમ ફોર વ્હિલને 'ર્સિવસ'માં મૂકવી જ પડે, ઓઇલ-પાણી બદલાવવા જ પડે એમ ઓણ આ ચૂંટણીએ આપણે સૌ પણ આપણી માનસિકતાની ર્સિવસ કરીએ. સદીઓથી આપણે ઘેટાંઓ તો છઈએ જ...આપણો કસાઈ આપણે જ ચૂંટવાનો છે ત્યારે એવા માણસ પર પસંદગીનો કળશ ઢોળીએ કે જે આપણને કાપે ભલે, પણ આપણને ખબર નો પડે એવી રીતે કાપે. બસ શર્ત આટલી જ છે આ સાલ્લું કપાતી વખતે (અથવા કપાતા પહેલાં) આપણને ખબર પડી જાય છે, તો પીડા ડબલ થાય છે. ઓલ ધ બેસ્ટ, ઓલ ધ 'ઘેટાંઝ'!!!
હાઉકલી
ઇધર ભી ગધે હૈં ઉધર ભી ગધે હૈં,
જિધર દેખતા હૂં ગધે હી ગધે હૈં!
ઘોડે કો મિલતી નહીં ઘાસ દેખો
ઔર ગધે ખા રહે હૈં ચ્યવનપ્રાસ દેખો!
ગધે હસ રહે હૈં આદમી રો રહા હૈ,
હિન્દુસ્તાન મેં યે ક્યાં હો રહા હૈ!