નેપાળના એક અદ્ભૂત સંત શિવપુરી બાબાને કોઈકે પૂછ્યું કે તમે દુખી થાવ છો ? તો શિવપુરી બાબાએ શો જવાબ આપ્યો ખબર છે ? એમણે કહ્યું દુખ તો હોય છે પણ હું દુખી નથી થતો. બુદ્ધ થતાં પહેલા અને સંબુદ્ધ (જાગૃત) થયા પછી જગત તો એનું એજ રહે છે. જેમ પહેલાં ભૂખ લાગતી તેમ પછીથી પણ ભૂખ તો લાગે જ છે. આમ છતાં આસમાન જમીન જેવો એક ફરક એ પડી જાય છે કે પહેલાં ભૂખ લાગતી ત્યારે પોતે જ જાણે કે ભૂખ્યા થઈ ગયા હોય એવું લાગતું. ભૂખ અને પોતાની વચ્ચે કોઈ અંતર દેખાતું ન હતું. બુદ્ધ થયા બાદ ભૂખ મટી જાય છે એવું નથી કેમ કે શરીર તો એનો ધર્મ બજાવે જ છે. પણ પહેલા, ભૂખ પોતાને લાગતી. પોતે જ ભૂખ્યા થઈ ગયા હોય એવું લાગતું પણ બુદ્ધત્વના અનુભવ બાદ ફરક એટલો પડે છે કે ભૂખ પોતાને નહીં પણ શરીરને લાગે છે એવું એ સમજે છે. ભર બપોરે વેરાન રણ વિસ્તારમાંથી ચાલવાનું થાય તો બુદ્ધનેય તડકો લાગી શકે છે. બીજી કોઈપણ વ્યક્તિને થાય એનાથી વઘુ બુદ્ધને તડકાનો અનુભવ થઈ શકે છે અને તરસ પણ લાગે છે. પરંતુ બુદ્ધ એવું નથી માનતા કે તડકો મને લાગે છે. શરીર તાપ અને તરસથી ત્રસ્ત છે, એને પાણી અને છાંયડાની જરૂર છે એવું બુદ્ધ પણ અનુભવે છે અને બુદ્ધ પુરુષો શરીરને સતાવતા નથી. માત્ર ચેતનાને જ નહીં, શરીરને પણ જે પ્રેમ કરે છે તે જ સંત છે. પરમાત્મા જો સર્વત્ર હોય તો શું એ પોતાના શરીરમાં ન હોઈ શકે ? શરીર તો મંદિર છે એની અંદર જ પરમાત્માની પ્રતિષ્ઠા થાય છે તો એને સતાવવાનો અર્થ શો ? સંબુદ્ધ વ્યક્તિ શરીરના ધર્મોનો સમાદર કરે છે. જ્યારે બુદ્ધૂ સદા શરીર સાથે, મન સાથે, સંસાર સાથે લડે છે અને છેવટે ખતમ થઈ જાય છે. એક પગે ઊભા રહેવું, દિવસો સુધી ભૂખ્યા રહેવું, ઘૂણી ઘખાવીને સખત તાપમાં ખુલ્લા પગે ચાલવું. આવી બધી બાબતોને બુદ્ધત્વ સાથે કોઈ સંબંધ નથી જે આવું કરી શકે છે તે જ સંત છે, આવી ભુલ ઘણીવાર લોકો કરતાં હોય છે. અને આમ જનતા તો શરીરને સતાવનારા, સંસાર છોડીને ભાગી જનારા કે કાયર લોકોને જ પૂજતી હોય છે. એમની પાસે ઊંડે સુધી જોવાની દ્રષ્ટિ પણ નથી હોતી. જે પોતે કરી શકતા નથી તે બીજા કરી રહ્યા છે અને એટલે એ આદરને યોગ્ય બને છે. ધર્મ એ કોઈ ક્રિયાકાંડ નથી. એ એક ઊંડી સમજ છે. પોતે શરીર નહીં પણ એક ‘સાક્ષી’, એક ‘દ્રષ્ટા’ છે એવી સમજનું નામ જ ધર્મ છે. સાક્ષીને કશું સ્પર્શતું નથી. સંસાર વચ્ચે રહેવા છતાં જે ‘જળકમળવત્’ થઈને જીવી શકે તે જ સંત છે. સંતને સંસાર છોડવાની જરૂર જ નથી. સંત માટે સંસાર પણ પરમાત્માનું પ્રગટ રૂપ છે. આખું જગત જ એના માટે એક મંદિર બની જાય છે. સાક્ષીને જેમ દુખ સ્પર્શતું નથી. દુખ હોવા છતાં જેમ એ ‘દુખી’ નથી તેમ સુખ હોવા છતાં પણ સાક્ષીભાવથી યુક્ત વ્યક્તિ ‘સુખી’ થઈ જતી નથી. એ હરહાલતમાં તટસ્થ છે. જે સુખમાં સુખી થાય છે તે અનિવાર્ય રીતે દુખમાં દુખી થયા વિના રહી શકતા નથી. સાક્ષી તો જેમ દુખને જોઈ શકે છે તેમ સુખને પણ જોઈ શકે છે. સંતને માન આપો કે એનું અપમાન કરો બન્ને સ્થિતિમાં એ સરખી અકંપ રીતે જીવી શકે છે. સન્માનથી એ ફૂલાતા નથી તો અપમાન થાય ત્યારે દુખી પણ થતા નથી. સુખ અને દુખ સિક્કાની બે બાજુ જેવા છે. એકને પકડો તો બીજુ એની સામે આવી જ જાય છે. સંત આ બેમાંથી એકેયમાં લેપાતા નથી. નિર્લેપ ભાવે એ જીવનના હરકોઈ ખેલને ખેલી શકે છે. સંતનું અપમાન ક્યારેય કોઈ કરી શકતું નથી. કેમ કે એમના માટે માન પણ એક બહારની જ વસ્તુ છે. જે માનને ય સાક્ષી ભાવે જોઈ શકે છે તો શું અપમાનને ન જોઈ શકે ? એકવાર એવું બન્યું કે સખત વરસાદ હતો. યમુના નદીમાં પૂર આવેલું અને યમુનાના સામા કાંઠે એક સંતને ભોજન પહોંચાડવાનું હતું. તો કૃષ્ણે પોતાની પટરાણીને કહ્યું કે તમે જઈને પેલા સંતને જમાડી આવો. પટરાણીએ પૂછ્યું કે આટલા પૂરમાં સામા કિનારે જવું કેમ ? તો કૃષ્ણે કહ્યું તમે કહેજો કે સોળ હજાર એકસો આઠ રાણીઓની વચ્ચે રહેવા છતાં કૃષ્ણ જો બાળબ્રહ્મચારી હોય તો હે યમુના માતા ! મને માર્ગ આપો. પટરાણી તો ગયા અને ઘસમસતી નદી સામે જઈને આ પ્રમાણે બોલ્યા, તો નદીએ માર્ગ કરી આપ્યો. સામે કાંઠે જઈને સંતને ભોજન કરાવ્યું. પણ હવે વિમાસણ એ થઈ કે સામે પાર (પાછા) જવું શી રીતે ? સંત આ વિમાસણ સમજી ગયા. તેણે કહ્યું- ‘નદી સામે જઈને કહેજો કે જે સંતને હમણા જ જમાડીને આવ્યા છીએ તે જો સદા ઉપવાસી હોય તો હે યમુના મૈયા ! અમને માર્ગ આપો.’ પટરાણીને આશ્ચર્ય થયું કેમ કે હમણાં જ આ સંતે ભરપેટ ભોજન કરેલું તો એને ઉપવાસી શી રીતે કહી શકાય ? આમ છતાં નદી સામે જઈને કહ્યું તો આ વાત પણ સાચી પડી. નદીએ માર્ગ આપી દીધો. ઘેર જઈને પટરાણીએ કૃષ્ણને પૂછ્યું કે આવું કેમ ? અમારી સાથે સદા રમણ કરતાં હોવા છતાં તમે બ્રહ્મચારી શી રીતે ? અને પેલા સંતે આટલા પ્રેમથી ભોજન કર્યું છતાં એ ઉપવાસી કેમ ? કૃષ્ણે પટરાણીને કહ્યું કે સાક્ષીને કશું જ સ્પર્શતું નથી. નિર્લેપ ભાવે એ બઘું જ કરી શકે છે. અને છતાં આ તમામથી એ પર રહીને જીવી શકે છે. કોઈકે કહ્યું છે- ‘‘કાજલકી કોટરીમેં કરોડો ઉપાય કરો, કાજલકી એક રેખ લાગે હી લાગે...’’ કાજળની કોટડી વચ્ચે રહેવા છતાં કોરા શી રીતે રહી શકાય ? એ અશક્ય જેવું લાગે છે ને ? છતાં એની વચ્ચે પણ કોરા રહેવાની જે કળા છે તેનું નામ છે ‘સાક્ષીભાવ.’ કાજળ તો પ્રતીક છે. સંસાર વચ્ચે રહેવામાં આવે, કામ ધંધો બઘું જ કરવામાં આવે, પત્ની, બાળકો અને પૂરો પરિવાર હોય અને છતાં એ વ્યક્તિ ‘સંસારી’ ન હોય એવું શું બની શકે ? કબીર સંસાર વચ્ચે જ રહેતા હતા. એને પણ પત્ની અને ‘કમાલ’ નામે એક દીકરો હતો છતાં એમણે ગાયું છે ઃ જીવનની ચાદર મેં એટલા જતનથી (એટલા સાક્ષીભાવ સાથે) ઓઢી છે કે પરમાત્માને મેં જ્યારે એ ચાદર સોંપી ત્યારે એમાં એક પણ દાગ નથી લાગ્યો. ૐીંપ્લદ્વફ ેપ્લ ઠ્ઠઝ ેંર્વ્ંફ ટ્ટેંઝપ્’ એમણે જેવી આપેલી એવી જ ચાદર મેં પાછી સોંપી છે. એના પર કશું જ સ્પર્શવા નથી દીઘું. સાક્ષીભાવની સાધના જે શિખર પર જઈને પૂરી થાય છે તે સ્થિતિને અઘ્યાત્મની ભાષામાં ‘સમાધિ’ કહે છે. સમાધિ એક પ્રકારની અકંપ સ્થિતિ છે. ચારે બાજુથી પવનનું તોફાન ચાલુ હોય અને દીપકની જ્યોત શું સ્થિર કે અકંપ રહી શકે ? સામાન્ય જગતમાં જે અશક્ય જેવું લાગે છે તે જ ધર્મના જગતમાં શક્ય અને સંભવ બની જાય છે. વિચારોનું ઘમસાણ ચાલતું હોય, એક ક્ષણ પણ વિચાર વિના પસાર ન થતી હોય એવા જગતની વચ્ચે જ સંત કે સંબુદ્ધ વ્યક્તિ નિર્વિચાર થઈને જીવે છે એ શું ઓછું આશ્ચર્ય છે ? એમની આ અપૂર્વ અને અશક્યવત્ લાગતી સ્થિતિ જ એમના પ્રત્યે થતા આકર્ષણ અને સન્માનનું મૂળ કારણ છે. જે કંઈ બની રહ્યું છે તેના કર્તા, નિયંત્રક કે કાજી બનવાને બદલે જે કંઈ થઈ રહ્યું છે તે પૂર્વ નિયોજિત, પરમ સત્તાના આયોજન અનુસાર અને અફર છે એમ માનીને જો એના સાક્ષી કે દ્રષ્ટા બનીને જીવવામાં આવે તો દુખથી ભરેલા સંસાર વચ્ચે પણ સાક્ષીભાવથી યુક્ત વ્યક્તિ દુખી નથી થતી. નેપાળના શિવપુર બાબા હોય કે તે કક્ષાની કોઈપણ વ્યક્તિ આ બધાં જ સુખ દુખથી પર એટલે કે પરમ આનંદિત હોય છે. આનંદ શબ્દ સુખનો પર્યાય નથી. સુખ હોય ત્યાં દુખ હોય છે પણ આનંદ હોય ત્યાં દુખ ફરકતુંય નથી. સત્ (પરમ સત્ય) ચિત્ (પરમ ચૈતન્ય) અને આનંદ (જેનો કદી અંત આવતો નથી એવું સુખ) એ પરમાત્માનું સ્વરૂપ છે. જે વ્યક્તિ પરમાત્મમય બની જાય છે તેના જીવનમાં સહજ રીતે જ આ ત્રણેનો ત્રિવેણીસંગણ સર્જાય છે. ક્રાન્તિબીજ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. - ચિત્રભાનુ
|