20130319

નટરાજનું ત્રીજું નેત્ર-ડૉ. શરદ ઠાકર


ઈંગ્લેન્ડના લેંકેશાયર પરગણાના એક ટાઉનની આ વાત છે. ડૉ. કે.કે. ઠાકરની સર્જરીના (ખાનગી ક્લિનિકને ત્યાં સર્જરી કહે છે) વેઈટિંગ હોલમાં દર્દીઓની મોટી લંગાર પોતાના વારાની રાહ જોઈને બેઠી છે. ડૉ. ઠાકર આપણાં ગુજરાતના જ છે. છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ ઈંગ્લેન્ડમાં છે. ખાસ્સી નામના જમાવી છે. દર્દીઓમાં ધોળિયાઓ છે, હસબીઓ છે, ભારતીયો, પાકિસ્તાની, બાંગ્લાદેશીઓ (છેલ્લા ત્રણેયને ત્યાં એશિયનો તરીક જ ઓળખવામાં આવે છે) પણ છે. ડૉક્ટર એક પછી એક દરદીને તપાસતા જાય છે. ગોરી નર્સ નવા પેશન્ટને અંદર મોકલે છે, પછી પોતે પણ અંદર જાય છે. દરદીનું કામ પતે એટલે નર્સ બહાર આવીને બીજા પેશન્ટને અંદર લઈ જાય છે. બધું જ એપોઈન્ટમેન્ટ પ્રમાણે, શાંતિથી ચાલી રહ્યું છે; ક્યાંય કશી જ ધક્કામુક્કી, ધાંધલ-ધમાલ, ઉતાવળ, ઝઘડા, ખોટી બહાનાબાજી કશું જ નથી.
દરદીઓને બેસવાના બધા જ સોફાઓ ભરાઈ ગયા છે. હજી પણ નવાં દરદીઓ આવતાં જ જાય છે. છેવટે આપણાં ચાર-પાંચ ગુજ્જુઓની બુદ્ધિ કામે લાગે છે. દર બે સોફાની વચ્ચે એશ-ટ્રે મૂકવા માટે કે ફલાવર પોટ મૂકવા માટે એક-એક નાનું ટેબલ ગોઠવેલું છે. એ જો હટાવી લેવામાં આવે તો ત્યાં પણ દરદી બેસી શકે. એક ટેબલ પર તો કાંસાની મોટી નટરાજની મૂર્તિ મૂકેલી છે. આખા હોલની શોભા જ આ મૂર્તિને લીધે છે. પણ આ મૂર્તિને જો કામચલાઉપણે ત્યાંથી ઉઠાવીને ક્યાંક બીજે સ્થળે ગોઠવી દેવામાં આવે તો ઓછામાં ઓછાં ત્રણ માણસો એ ખાલી પડેલી જગ્યા પર ગોઠવાઈ જઈ શકે.
‘લ્યો રમણભાઈ, આવો બાપલા, કમ ઑન ! જરા હાથ લગાડો; આ શંકરબાપા ડીલે જરા ભારે છે, મારા એકલાથી ઊપડે એમ નથી. આવો ભાઈયું…. જરા જાળવીને ! ઓલી કોર ન્યાં કણે બારણાં પાસે… જરા જાળવીને હોં બાપા…. બસ, લ્યો હવે હાંઉ કરો..’ કાઠિયાવાડી જગુભાઈએ હાકલ કરીને ચાર-પાંચ જણને મજૂરીએ જોતર્યા અને ‘જોર લગા કે હઈસા…’ કરીને નટરાજની મૂર્તિને સર્જરીના બારણાની બહાર ગોઠવી દીધી.
ડૉ. ઠાકર જ્યારે તમામ દર્દીઓને તપાસીને પરવાર્યા ત્યારે બપોરના સાડા ત્રણ થવા આવ્યા હતા. આળસ મરડીને એ ઊભા થયા. ઘરે જવા માટે કન્સલ્ટિંગ રૂમમાંથી બહાર નીકળ્યા અને એમણે ત્રાડ પાડી : ‘સિસ્ટર, વ્હોટ ઈઝ ધીસ ? હુ એઝ થ્રોન ધ રૂમ ઈન્ટુ ડીસઓર્ડર ?’ નર્સ ગભરાઈ ગઈ. દોડાદોડ કરતી જાય, બધું ગોઠવતી જાય અને સાહેબને આમ થવાનું કારણ આપતી જાય. બાકીનું બધું તો ગોઠવાઈ ગયું, પણ નટરાજની મૂર્તિ ક્યાં ? નર્સ હાંફળી-ફાંફળી થઈ ગઈ. એને ખબર હતી કે એ ‘ઈન્ડિયન ગોડ’ નહીં મળે તો ડૉક્ટર એની ધૂળ કાઢી નાખશે. બહુ કલાત્મક અને વજનદાર મૂર્તિ હતી એ; ડૉ. ઠાકરને બહુ વહાલી હતી એ મૂર્તિ ! મોંઘી પણ હશે જ. પણ અત્યારે એ છે ક્યાં ? ડૉક્ટર અને નર્સ છેક બહાર સુધી તપાસ કરી આવ્યા, પણ વ્યર્થ; મૂર્તિ જાણે ઊડીને આકાશમાં જતી રહી હતી. ડૉ. ઠાકર ગમગીન થઈ ગયા. સિસ્ટરને ખખડાવવાનો કોઈ અર્થ નહોતો. એ પણ બાપડી છેક સવારથી દોડધામમાં હતી. તો શું દર્દીઓમાંથી જ કોઈ હાથફેરો કરી ગયું હશે ? મૂર્તિ પાછી તો મેળવવી જ જોઈએ. આમ કેમ ચાલે ? દિન દહાડે આંખ સામેથી મૂર્તિ ઉપડી જાય એ તો કેવી રીતે સહન થાય ?
તરત જ એમણે પોલીસને જાણ કરી. ઈંગ્લેન્ડની પોલીસ બહુ બાહોશ ગણાય છે. ફોનનું રિસિવર નીચે મૂક્યું ત્યાં આખી ટુકડી આવી ગઈ. ‘યસ, ડૉક્ટર ! વ્હોટ ઈઝ ધ પ્રોબ્લેમ ?…. નટ્ટરાજ ? વ્હોટ ઈઝ નટ્ટરાજ ?’ ડૉક્ટરને એક પગે ઊભા રહીને તાંડવ નૃત્યનો પોઝ આપીને સમજાવવું પડ્યું. પોલીસવાળા અડધું સમજ્યા, બાકી અડધું હા-એ-હા કર્યે રાખ્યું. પછી ચાલી તપાસ ! પહેલી પૂછપરછ તો ત્યાં ય મૂળ માલિકની જ હોય ! ‘તમને કોના ઉપર ડાઉટ છે ?’ ડૉક્ટર મૂંઝાયા. કોઈનું નામ આપે અને જો એની પાસેથી મૂર્તિ ન મળે તો સામેવાળો બદનામીનો દાવો માંડે ! વળી દરદી ઉપર ચોરીનું આળ મૂકતાં સો વાર વિચાર કરવો પડે. નકામી વાત ચૂંથાઈ જાય તો પ્રેક્ટિસ પર અસર પડે. પોલીસવાળાને સાફ કહી દીધું : ‘સોરી, મને કોઈના ઉપર શંકા નથી.’ પોલીસવાળા ખભા ઊંચા કરીને ચાલતા થયા.
તો એનો અર્થ એવો થયો કે ચોરને મૂર્તિ હજમ થઈ ગઈ ? ના, ડૉક્ટરે મનમાં ગાંઠ વાળી કે મૂર્તિને એમ જતી ન કરાય. જે કામ પોલીસવાળા કરવાના હતા એ આપણે કરીએ. એણે નર્સને બોલાવી : ‘સિસ્ટર, આજે આપણે જેટલાં પેશન્ટ્સ જોયા એમના નામનું એપોઈન્ટમેન્ટ લિસ્ટ કાઢો. એમાંથી એકએક નામ તપાસ કરો.’
નર્સને સમજ ન પડી : ‘સર, એમાં તો દોઢસો-બસો નામ છે. કેટલાંને શંકાની નજરે જોશો ?’
ડૉક્ટર હસ્યા : ‘અમારી ગુજ્જુ બુદ્ધિ તને નહીં સમજાય. જો, એ બસોમાંથી સ્ત્રીઓ એક તરફ કાઢી નાખ. કહું કેમ ? નટરાજની ભારે મૂર્તિ ઊંચકવાનું એકલ-દોકલ બાઈ માણસનું કામ નહીં. તું જ કહેતી હતી ને કે એને બહાર મૂકતી વખતે અડધું કાઠિયાવાડ કામે લાગ્યું હતું ? તો પછી ? માટે ઓરતમાત્ર બાકાત કરી નાખ. હવે જેટલાં ભારતીયો છે, અરે, જેટલાં એશિયનો છે એમની બાદબાકી કરી નાખ. હિંદુની વાત તો સમજ્યા, પણ કોઈ મુસલમાન પણ મારી મૂર્તિની ચોરી ન કરે. અહીં આવેલો દરેક એશિયન કરોડપતિ બની ગયો છે. એને ચોરી જ કરવી હોત તો અમારું એશિયા ક્યાં ખોટું હતું તે અહીં ઈંગ્લેન્ડ સુધી લાંબા થાય ? માટે એટલા ઓછાં કરી નાખ. હવે બોલ, બાકી કેટલાં વધ્યાં ?’
નર્સે ઝડપથી છેકાછેકી કરી અને પછી જવાબ આપ્યો : ‘અઢાર જણા બચ્યાં છે.’
‘એમાંથી જાડા-પાડા, ઊંચા-તગડા કેટલાં ?’
‘એક.’
‘નામ બોલ.’
‘વિલિયમ ડેવિડ. ટૂંકમાં જેને આપણે વિલ તરીકે ઓળખીએ છીએ તે.’
‘ઝટ સરનામું આપ મને.’ નર્સે સરનામું આપ્યું. ડૉક્ટરે કાગળની ચબરખી પર ટપકાવી લીધું.
પાંચમી મિનિટે ડૉ. ઠાકરની વોલ્વો કાર બિલના હાઉસના ઝાંપા પાસે ઊભી હતી. ડૉક્ટર બિલના ઘરની ડૉરબેલ દબાવતાં પહેલાં એક વાર થંભી ગયા. ચોર નક્કી આ બિલ જ છે એમાં શંકાને સ્થાને નથી. સર્જરીના બારણા પાસે મૂકેલી નટરાજની મૂર્તિ રોડ પરથી કોઈને ઝટ નજરે પડે એમ નહોતી. વળી બિલ એક જ એવો તગડો માણસ હતો, જે આવી ભારે મૂર્તિને એકલે હાથે ઉપાડીને પોતાની ગાડી સુધી લઈ જઈ શકે. ચોરીમાં ભાગીદારી બહુ ઓછા માણસો કરતા હોય છે. એમાંય તે સાવ અજાણ્યા દર્દીઓને કોઈ આવી વાતમાં ન નોતરે. પણ ડૉક્ટર અચકાયા એનું મુખ્ય કારણ જુદું જ હતું. બિલના ઘરમાં જઈને વાત કેવી રીતે કરવી ? ‘લાવ મારી મૂર્તિ’ એમ તો કહેવાય નહીં. ધાકધમકી કે મારામારી પણ થાય નહીં. મૂર્તિ તો એણે સંતાડી દીધી હોય. ઊલટું ગૃહપ્રવેશ એ જ ગુનો બની જાય. તો પછી કરવું શું ? મનોમન ગણતરી માંડીને એમણે બેલ દબાવી. બારણું ખૂલ્યું. સામે બિલની પત્ની ઊભી હતી. ડૉક્ટરને જોતાંવેંત ગભરાઈ ગઈ. ડૉક્ટરને લાગ્યું કે અડધી બાજી તો એમણે જીતી લીધી.
‘બિલ છે ઘરમાં ?’ એમણે પૂછ્યું.
‘હા, કેમ ? શું કામ પડ્યું એનું ?’
‘મારે તો કંઈ કામ નથી એનું….. હું તો એને ચેતવવા માટે આવ્યો છું.’ ડૉક્ટરે ગબડાવ્યું. અંદરથી ભારે ધરખમ અવાજ આવ્યો. બિલ લાલઘૂમ આંખે પૂછી રહ્યો હતો : ‘શું છે ડૉક્ટર ? મને શેની ચેતવવાની ધમકી આપો છો ?’
હવેની પળો બહુ નાજુક હતી. ડૉ. ઠાકરે એક-એક શબ્દ તોળી તોળીને બોલવાનું શરૂ કર્યું : ‘જો, બિલ ! મારી સર્જરીમાંથી નટરાજની મૂર્તિ ચોરાઈ છે. હું એમ નથી કહેતો કે એ તેં ચોરી છે. ઓફ કોર્સ, મેં પોલીસમાં ફરિયાદ તો નોંધાવી છે કે ચોરને એણે મૂર્તિ ઉઠાવીને એની કારમાં મૂકતાં જોઈ લીધો છે. હવે એ સાક્ષીએ જે માણસનું વર્ણન આપ્યું છે તે તદ્દન તને જ મળતું આવે છે. ઊંચાઈ, બાંધો, ગાડીનો નંબર, ચોરે પહેરેલાં વસ્ત્રો આ બધું અત્યારે પોલીસવાળા જાણી ચૂક્યા છે. મને ખાતરી છે કે બિલ તો કદી ચોરી કરે એવો છે જ નહીં, પણ કદાચ આવી કલાત્મક મૂર્તિ જોઈને જો એ લઈ ગયો હોય તો બધું ઘરમેળે પતાવી દઉં… નાહકની પોલીસ આવીને તને એરેસ્ટ કરે એના કરતાં…. પણ જવા દે કંઈ નહીં ! તને ખલેલ પહોંચાડવા બદલ હું દિલગીર છું….’ ડૉક્ટરે જવાની તૈયારી કરી, પણ હવે બિલ એને જવા દે તો ને ? ડૉક્ટરે ઘણી કોશિશ કરી જોઈ, પણ નટરાજની મૂર્તિ સાથે લીધી ત્યારે જ બિલ માન્યો. છેક નીચેના ભંડકિયામાંથી વજનદાર મૂર્તિ ઊંચકીને હાંફતો હાંફતો બેવડો વળી ગયેલો બિલ જાતે વોલ્વો કારનો દરવાજો ખોલીને મૂર્તિની ગાડીમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી આવ્યો.
પછી ડૉક્ટરના બંને હાથ ઝાલીને એણે રીતસર દયાની ભીખ માગતો હોય એમ બે-ત્રણ વરદાનો માગી લીધાં : ‘પહેલું તો એ વચન આપો કે હવે પોલીસને મારું નામ નહીં આપો.’
‘ભલે’ ડૉક્ટરે કહ્યું : ‘હું એમને કહી દઈશ કે મૂર્તિ ચોરાઈ જ નહોતી. અમારી નર્સે ક્યાંક આડા હાથે મૂકી દીધી હશે, તે જડી ગઈ છે. જો કે મારી નર્સથી એના શરીરનો ભાર પણ માંડ ઊપડે છે. એ નાજુક ગોરીયણથી આ નટરાજ બાપા ઊંચકાઈ શકે એ વાત જો સાચી માને તો ઈંગલેન્ડની પોલીસમાં અને અમારા ભારતની પોલીસમાં કંઈ ફરક નહીં રહે. બીજું વચન માગ.’
બિલે માંગી લીધું : ‘તમારા દર્દીઓના લિસ્ટમાંથી મારું નામ કમી ન કરી નાખશો. આવી મૂર્તિ તો નસીબમાં હશે, તો બીજી પણ ‘કમાઈ’ લઈશ, પણ તમારા જેવો સારો ડૉક્ટર બીજો નહીં મળે.’ (ત્યાં દરદીઓની યાદી સરકાર તરફથી દરેક ડોક્ટરો માટે નક્કી થયેલી હોય છે – આપણાં રેશનિંગ કાર્ડની જેમ ! અન્યોન્યની ફરિયાદ પ્રમાણે એમાં સરકાર ફેરફાર કરી આપે છે.)
ડોક્ટર હસ્યા : ‘સારું, જા ! વચન આપ્યું.’ પછી મનમાં બબડ્યા : ‘મારે શું, માત્ર હવે પછી તું સર્જરીમાં આવે, ત્યારે નર્સને સૂચના આપવી પડશે કે આ જાડીયા પર નજર રાખજે.’
બિલ કરગરી પડ્યો : ‘બસ….! હવે ત્રીજું વરદાન નથી માગતો. માત્ર પેટમાં દુ:ખે છે એટલે પૂછી લઉં છું… તમે ઈન્ડિયન લોકો લીધેલી વાતનો તંત કેમ નથી મૂકતાં ? અને તમારા ‘ઈન્ડિયન ગોડ’ની મૂર્તિ આટલી ‘હેવી’ કેમ બનાવો છો ? મારી તો કેડ તૂટી ગઈ ! અને તમને ખાનગીમાં પૂછી લઉં કે હું આજ સુધીમાં પાંત્રીસેક મૂર્તિઓની ચોરી કરી ચૂક્યો છું. એક પણ ધર્મ મેં બાકી રાખ્યો નથી અને છતાં આજ સુધી હું પકડાયો નથી. તમારા આ ‘ગોડ’ મને ‘ડાયજેસ્ટ’ કેમ ન થયા ?’
ડૉ. ઠાકર પાસે આ છેલ્લા પ્રશ્નનો જવાબ નહોતો. એમણે ગાડીમાં બિરાજમાન મૂર્તિ સામે જોયું. નટરાજ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને જાણે માર્મિક રીતે હસી રહ્યા હતા !

ડૉ. શરદ ઠાકર