ઇલિયાસ માટે બહુ થોડાં ઢોરઢાંખર વારસામાં છોડીને એનો બાપ નાની ઉંમરે ગૂજરી ગયેલો, પણ ઇલિયાસ અને એની પત્ની શામ-શેમાગી તનતોડ પરિશ્રમ કરવાવાળાં હતાં. રાત-દિવસ મહેનત કરીને એમણે ધીમે ધીમે એમનાં પશુધન અને માલ-મિલકતમાં સારો એવો વધારો કર્યો હતો. એમના બે દીકરા અને એક દીકરી પણ મહેનત કરવામાં પાછી પાની કરતાં નહીં. આમ છતાં એમની સમૃદ્ધિ અને કારોબાર એટલાં વધતાં જતાં હતાં કે એમણે ઢોર ચરાવવા માટે એક ગોવાળિયો અને દૂધ દોહવા, એમાંથી માખણ,પનીર,કુમિસ બનાવવા માટે બાઈઓ તથા નોકર-ચાકર રાખવા પડયાં હતાં.
દૂર દૂર સુધી એમની નામના એટલી ફેલાયેલી હતી કે મહેમાનો અને મળવા આવેલા લોકોમાં એમનો દિવસ વ્યસ્ત રહેતો. એમની ચડતી અને સાહ્યબી જોઈને ગામના કેટલાક માણસો એમની ઈર્ષા કરતા, પરંતુ ઇલિયાસ અને એની પત્નીની સમૃદ્ધિ અને ખ્યાતિ વધતાં જતાં હતાં.
પણ થોડાં વર્ષો પછી ફરી કાળનું ચક્ર પલટાયું. સમૃદ્ધિ આવે છે ત્યારે એ તમારું કશુંક કીમતી ખૂંચવી જ જાય છે. પૈસા આવતાં એક છોકરો દારૂની લતે ચડી ગયો અને એને કારણે કોઈકની સાથે એને ઝઘડો થયો, એમાં એ માર્યો ગયો.
બીજો દીકરો એવી છોકરીને પરણ્યો કે એ પણ મા-બાપ સાથે રહી શક્યો નહીં. એમની એકની એક પરણાવેલી દીકરી પણ મરણ પામી.
દિવસો ફરી ગયા હતા. એમનાં ઘેટાંઓ રોગચાળામાં મરી ગયાં. એમના ઘોડાઓને લૂંટારાઓ લઈ ગયા અને બીજા વરસે પડેલા દુષ્કાળમાં એમનાં મોટાં ભાગનાં ઢોર મરી ગયાં.
દિવસો એવા આવ્યા કે એમના ઘરનું રાચરચીલું અને ઘરની કીમતી ચીજો પણ વેચાઈ ગઈ. દોમ દોમ સાહ્યબી અને સમૃદ્ધિની જગ્યાએ સિત્તેર વર્ષની ઉંમરે એમણે પારકાં કામ કરવાનો વારો આવ્યો. આમ, જિંદગીમાં એમણે ગરીબીથી અમીરી અને અમીરીથી ફરી ગરીબી સુધીની સફર ખેડી હતી.
પણ હજુ એમનાં નસીબ થોડાં સારાં હતાં. એમને આ રીતે જીવતાં જોઈને એમની પાડોશમાં રહેતા મહંમદ શાહને દુઃખ થતું હતું. એ દંપતીની પ્રામાણિકતા અને મહેનતુપણા માટે એમને માન હતું. એટલે એમણે એ બુઢ્ઢા દંપતીને પોતાની તરબૂચની વાડી અને ઢોરઢાંખર સંભાળવા માટે પોતાને ત્યાં જ રહી જવાનું કહ્યું.
ઇલિયાસ અને એની પત્ની કામ કરીને મહંમદ શાહના કુટુંબીજનની જેમ જીવવા માંડયાં.
મહંમદ શાહને ત્યાં એક વખત મહેમાનો આવ્યા. મહંમદ શાહે પોતાને ત્યાં કામ કરતાં ઇલિયાસની એક વખતની સાહ્યબીની વાત મહેમાનોને કરી અને અત્યારે પતિ-પત્ની બંને પોતાને ત્યાં નોકરી કરે છે એ વાત કરી ત્યારે મહેમાનોને નવાઈ લાગી. મહેમાનોએ પણ ઇલિયાસની ખ્યાતિ વિષે અગાઉ સાંભળેલું હતું.
તેમાંના એક જણે કહ્યું, "નસીબનું ચક્ર ક્યારે ફરી જાય છે તેની કોઈને ખબર હોતી નથી. અમીર હોય એ ગરીબ થઈ જાય છે અને ગરીબ હોય એ અમીર થઈ જાય છે! અમને ઇલિયાસ સાથે વાત તો કરાવો. એણે આટલું બધું ગુમાવ્યું એનું દુઃખ તો એને થતું જ હશેને?"
મહંમદ શાહે ઇલિયાસને 'દાદાજી' કહીને બૂમ પાડી અને મહેમાનો સાથે કુમિસનો પ્યાલો લેવા કહ્યું અને દાદીને પણ સાથે બોલાવી લાવવાનું કહ્યું.
ઇલિયાસે આવીને, થોડા ઝૂકીને માલિકની તંદુરસ્તી માટે દુઆ કરીને પછી કુમિસનો પ્યાલો લીધો.
જમાનાને અનુરૂપ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે પડદો રાખવામાં આવતો. શામ-શેમાગી પણ આવીને માલિકની પત્ની સાથે પડદા પાછળ બેઠી.
મહેમાનોએ અચકાતાં અચકાતાં વાત શરૂ કરી કે, "દાદાજી, અમને જોઈને તમને તમારી ભૂતકાળની જાહોજલાલીની યાદ આવતી હશેને? અને એથી દુઃખ પણ લાગતું જ હશેને?"
જવાબમાં ઇલિયાસના ચહેરા પર જે ભાવ આવ્યા એમાં દુઃખની કોઈ લકીર નહોતી. ઊલટાનું હળવા સ્મિત સાથે એણે કહ્યું કે, "સુખ અને દુઃખ શું છે એ બાબતમાં હું તમને કહું એ કરતાં મારી પત્ની વધારે સારી રીતે કહી શકશે, કારણ કે એ સ્ત્રી છે એટલે હૃદયની વાત એ વધારે સારી રીતે વ્યક્ત કરી શકશે, એને જ આ પ્રશ્ન પૂછો તો વધારે સારું."
પડદા પાછળ બેઠેલ શામ-શેમાગીને મહેમાને પૂછયું, "દાદી, અગાઉની સુખ-સાહ્યબીવાળી જિંદગીની સરખામણીએ તમને આજની જિંદગી કેવી લાગે છે?"
શામ-શેમાગીએ પડદા પાછળથી જવાબ આપ્યો કે, "મને તો એવું લાગે છે કે મેં અને મારા ધણીએ પચાસ વર્ષ સુધી સુખ શોધ્યા કર્યું, પણ અમને એ મળ્યું નહીં. અમારી બધી ધન-દોલત ખલાસ થઈ ગઈ અને અમે પતિ-પત્નીએ છેલ્લાં બે વર્ષથી મજૂરી કરવાનું શરૂ કર્યું ત્યારથી અમને સાચું સુખ મળ્યું. અગાઉ ક્યારેય નહોતા એટલાં આજે અમે સુખી છીએ. આથી વિશેષ હવે અમારે કશું નથી જોઈતું."
આ સાંભળીને મહેમાનોને તો ઠીક પણ ખુદ મહંમદ શાહને પણ ભારે આશ્ચર્ય થયું. ઉત્સાહમાં આવીને માજીને વાત કરતાં જોવા માટે એણે પડદો હટાવી દીધો. શામ-શેમાગી અદબવાળીને બેઠી હતી. પોતાના પતિ તરફ જોઈને એણે હળવું સ્મિત કર્યું અને પોતાની વાત આગળ ચલાવી.
"અમે પૈસાદાર હતા ત્યારે અમે એટલી જંજાળમાં ફસાયેલાં હતાં કે અમને એકબીજા સાથે વાત કરવાની ફુરસદ જ નહોતી. અમારા આત્માના કલ્યાણની વાત તો એક બાજુએ રહી અમને પ્રાર્થના કરવાનો સમય પણ નહોતો મળતો."
અમારે ત્યાં મહેમાનો એટલા રહેતા કે એમને ખવરાવવા, પીવરાવવા ઉપરાંત તેમને કેવી ભેટસોગાદ આપવી તેનું પણ અમારે ધ્યાન રાખવું પડતું. તેમ છતાં અમારા વિષે તેઓ ઘસાતું તો નહીં બોલેને તેની ચિંતા અમારાં મનમાં રહેતી હતી. મહેમાનો વિદાય થાય પછી અમારે અમારા મજૂરો પાછળ કામે લાગવું પડતું હતું. તેઓ ઓછામાં ઓછું કામ કરીને વધુમાં વધુ વળતર મેળવવાની આશા રાખતા હતા અને અમે તેમની પાસેથી વધુ ને વધુ કામ લેવાની ચિંતામાં રહેતાં હતાં. અમારાં ઘોડા-વછેરાં,ઘેટાંઓને જંગલી જાવનરો ફાડી તો નહીં ખાયને કે ચોર લૂંટારાઓ ઢોરને ભગાડી તો નહીં જાયને એની ચિંતામાં અમે રાત્રે નિરાંતની ઊંઘ લઈ શકતાં નહોતાં. અમારી પાસે ઘણું હોવા છતાં અમે ઊંઘ સુધ્ધાં લઈ શકતાં નહોતાં. અડધી સદી સુધી અમે સુખ ઝંખતાં રહ્યાં, પણ અમારી પાસે ધન-દોલત હતાં તોપણ અમને સુખ ન જ મળ્યું.
એક ચિંતા પૂરી થાય ત્યાં બીજી ચિંતા આવી જતી. ફસલ ઘરમાં ભરવાનું કામ પૂરું થતું ત્યાં તો શિયાળામાં ઢોરને ખવડાવવાના ઘાસની ચિંતા આવી પડતી. આ ઉપરાંત, હું એમ કહેતી કે આમ કરીએ તો તેઓ કહેતાં કે એમ નહીં, પણ આમ કરીએ. અમે કોઈ પણ બાબતમાં એકમત થઈ શકતાં નહીં અને મતમતાંતરને કારણે કેટલીક વાર તો એકબીજા સાથે ઝઘડી પડતાં. તમે જાણો છો કે ઝઘડવું એ મોટું પાપ છે. સુખની અમારી ઝંખના અધૂરી જ રહેતી, અમને ક્યાંયથી સુખ મળતું નહીં.
અને હવે?
હવે તો અમે સવારમાં ઊઠીએ છીએ ત્યારથી એકબીજા સાથે મીઠાશથી વર્તીએ છીએ, કારણ કે અમારા વચ્ચે ઝઘડાનો કોઈ મુદ્દો જ નથી હોતો. આજે અમારા માલિકની બને એટલી સારી સેવા કરવા સિવાય અમારાં મન ઉપર કોઈ બોજો કે ચિંતા નથી. અમારા માલિક અમારા ખાવા-પીવાની અને જરૂરી સગવડો પૂરી પાડવાની ચિંતા કરે છે એટલે અમારે એવી કોઈ ચિંતા પણ કરવી પડતી નથી.
હવે અમને, પતિ-પત્નીને એકબીજા સાથે વાત કરવાનો સમય પણ મળે છે અને અમારા આત્માના કલ્યાણ માટે વિચાર કરવાનો સમય પણ મળે છે. હવે પ્રાર્થના માટે તો અમે નિયમિત વખત કાઢીએ જ છીએ.
પૈસાદાર હોય ત્યારે કોઈ માણસ સુખી ન હોય અને પોતાની બધી ધન-દોલત ગુમાવી દીધા પછી માણસ સુખી હોઈ શકે એવી વાત સ્વીકારવા મહેમાનોનું મન કબૂલ થતું નહોતું એટલે શામ-શેમાગીની આવી વાતો સાંભળીને તેઓ હસવા લાગ્યા.
પણ ઇલિયાસે કહ્યું, "ભાઈઓ, તમને હસવું આવે છે, પણ આ કાંઈ મશ્કરીની વાત નથી. જીવનનું સત્ય જ એ છે. અમે અમારાં ઢોરઢાંખર, માલ-મિલકત ગુમાવ્યાં ત્યારે અમે પણ નિરાશ થઈને રડતાં હતાં, પણ આજે હવે અમને એમ લાગે છે કે અમે મૂરખ હતાં એટલે એવી વાત પર રડતાં હતાં. ઈશ્વરે અમને અમારી જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં જ સાચી વાતનું દર્શન કરાવ્યું, જીવનનું સત્ય સમજાવ્યું. તમને થશે કે અમે અમારાં મનને તસલ્લી આપવા માટે આવી વાતો કરી રહ્યાં છીએ, પણ એવું ન માનશો. હું આ વાત બધાના ભલા માટે કરી રહ્યો છું."
આ વાર્તા અહીં પૂરી થાય છે. મને લાગે છે કે એના ઉપર કોઈ ટીકા-ટિપ્પણી કરવાની જરૂર નથી. ટોલ્સ્ટોય (સાચો ઉચ્ચાર તોલસ્તોય છે, પરંતુ આપણે ત્યાં ટોલ્સ્ટોય ઉચ્ચાર જ પ્રચલિત છે.) કોણ હતા એના વિષે હવે થોડી વાત.
ટોલ્સટોયની ગણના દુનિયાના મહાન લેખકોમાં પણ મોટા ગજાના લેખક તરીકે થાય છે. તેમણે જગતને 'વોર એન્ડ પીસ' અને 'અન્ના કેરેનીના' બે મહાન નવલકથાઓની ભેટ આપી છે. દુનિયાભરમાં બીજા મહાન લેખકો પણ છે અને એમણે પણ મહાન કૃતિઓ આપી છે, પરંતુ ટોલ્સ્ટોય જેવી બે મહાન કૃતિ કોઈએ આપી નથી. એમની આ બે નવલકથાઓ એવી છે કે એમાંની એકેયને તમે બીજી કૃતિ કરતાં વધુ સારી ગણી પસંદ કરી શકતા નથી. બંને નવલકથાઓ એમની રીતે મહાન છે-અનોખી છે.
પરંતુ એમને જાણે જીવનનું ગૂઢ સત્ય સમજાયું હોય એમ મોટી ઉંમરે તેમણે નવલકથા-વાર્તા લખવાનું છોડી કેટલીક બોધકથાઓ લખી. એમાં પણ એમનામાં રહેલ મહાન લેખક પ્રગટ થાય છે.
ટોલ્સ્ટોયે બે મહાન નવકથાઓ ઉપરાંત બીજી પણ નવલકથાઓ લખી છે. એ જ રીતે ઉપર લખેલી બોધકથા ઉપરાંત એવી બીજી વાર્તાઓ પણ લખી છે.
ગાંધીજી એમને ગુરુ માનતા હતા. એમના ઉપર ટોલ્સ્ટોયનો એવો પ્રભાવ હતો કે આફ્રિકામાં એમણે સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે શરૂ કરેલી શિક્ષણ અને સંસ્કૃતિની સંસ્થાનું નામ 'ટોલ્સ્ટોય ફાર્મ' રાખ્યું હતું.