20130302

સંશયની સર્ચલાઈટ

વીખ્યાત બ્રીટીશ ચીન્તક થોમસ કાર્લાઈલે કહ્યું છે કે ‘જેમ જેમ સત્યનું જ્ઞાન વધુ ને વધુ પ્રાપ્ત થતું જાય છે તેમ તેમ શ્રદ્ધાનું સ્થાન–મહત્ત્વ સંકોચાતું જાય છે.’ બીજી બાજું, આપણા સાધુબાવાઓ, કથાકારો અને ઉપદેશકો એથી ઉલટો જ પ્રચાર કરે છે કે : ‘જ્યાં વીવેકબુદ્ધીની હદ પુરી  થાય છે, ત્યાંથી શ્રદ્ધાનું ક્ષેત્ર શરુ થાય છે.’ જોકે ગૉડમેનોની આવી દલીલ ખોટી તથા સ્વાર્થપરસ્ત જ છે; કારણ કે એમાં એ લોકોનું હીત રહેલું છે. બાકી સત્ય હકીકત તો ઉલટી જ છે. કાર્લાઈલ કહે છે તેમ, માણસમાત્ર જન્મ બાદ, શીશુવયમાં વડીલો પાસેથી જાતજાતની શ્રદ્ધાઓ લઈને ઉછરે છે; પરન્તુ વય વધતાં જેમ જેમ તેનાં જ્ઞાન તથા વીવેકબુદ્ધી વીકસે છે તેમ તેમ તેને પ્રતીત થતું જાય છે કે પોતાની મોટા ભાગની શ્રદ્ધાઓ નાપાયાદાર છે. પણ આજે આ મુદ્દાની ચર્ચા નહીં કરીએ.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં એક સુભાષીત આવે છે; જે ચેતવે છે કે ‘સંશયાત્મા વીનશ્યતી.’ એ વાચતાં મને હમ્મેશાં લાગ્યું છે કે જેટલો વીનાશ આ સુત્રે સર્જ્યો છે; એટલો વીનાશ કદાચ કોઈનોય સંશય કરવાથી તો નહીં જ થયો હોય; સેંકડો દાખલા મોજુદ છે : હજી આજેય વગદાર સાધુસન્તો પ્રચારે છે કે વર્ણાશ્રમ ધર્મ તો સ્વયમ્ ઈશ્વર નીર્મીત વ્યવસ્થા છે. એથી સમાજને લાભ જ લાભ છે. ‘ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટ્મ્’ એમ ખુદ ભગવાને સ્વમુખે જ ગીતામાં કહ્યું છે. પુ. પાંડુરંગ શાસ્ત્રીજી છેક વીસમી સદીના અંત ભાગે પ્રચારે છે કે : ‘શુદ્ર શુદ્ર જ રહેવો જોઈએ. જો તે બ્રાહ્મણ, ક્ષત્રીય કે વૈશ્યના વ્યવસાયમાં માથું મારે તો સમાજમાં અવ્યવસ્થા સર્જાય. શ્રીરામે શંબુકનો શીરચ્છેદ કર્યો એ યોગ્ય જ હતું’ ઈત્યાદી ! કયા જમાનાની આ વાતો છે ? અરે, ખુદ મહાત્મા ગાંધીજી કહેતા કે વર્ણવ્યવસ્થા એ તો ભારતે વીશ્વને આપેલી એક મોટામાં મોટી અણમોલ ભેટ છે ! આવી માન્યતા ધરાવનાર માણસની પછી હરીજનોદ્ધારની પ્રવૃત્તીનું હાર્દ કેટલું ક્રાંતીકારી હોઈ શકે ? માટે જ આજે દલીતો કે બહુજન સમાજ ગાંધીજીની ટીકા કરે છે.
હજી આજેય આ સુત્ર, એટલે કે સંશય કરનાર વ્યક્તીનો વીનાશ થાય છે, એ સુત્ર એટલો જ હાહાકાર આ દેશમાં વરતાવી રહ્યું છે. હજી તો જગદ્ ગુરુઓ એવા શંકરાચાર્યો સ્ત્રીજાતીને વેદપાઠ કરવાની મનાઈ ફરમાવે છે. એ જ રીતે, મુર્ખતાની હદ તો ત્યારે આવે છે કે જ્યારે ધાર્મીક અગ્રણીઓ એવી દૃઢતાપુર્વક ઘોષણા કરે છે કે यज्ञात भवती पर्जन्य: । યજ્ઞથી વરસાદ પડે અને આ એકવીસમી સદીમાં વળી એવાં જાહેર પ્રયોગો થાય, અને આવા વીધાનની નીષ્ફળ ચકાસણી પણ કરવામાં આવે છે ! છતાં પાછા યજ્ઞો તો થતા જ રહે ! હીમાલય બાજુથી ધનભુખ્યા કે કીર્તીભુખ્યા ભગવાં કે શ્વેતધારીઓનાં ટોળાં ઉતરી પડે છે અને અનેક પ્રકારના નાનામોટા ભવ્ય–સુભવ્ય યજ્ઞો યોજાતા રહે છે : શતકુંડી, સહસ્ત્રકુંડી, લક્ષચંડી, અશ્વમેધ, વીશ્વશાંતીયજ્ઞ વગેરે વગેરે… અગ્નીની વેદીમાં માત્ર ઘી, અન્ન કે માનવોપયોગી ઈતર દ્રવ્યો જ નથી હોમાઈ જતાં; આપણાં જ્ઞાન, પ્રગતી તથા વીવેકશક્તી પણ એમાં બળીને ભસ્મ થઈ જાય છે.
દુનીયાના સુધરેલા દેશો વીજ્ઞાનમાં આગળ વધી, સમગ્ર માનવજાતને સુખસગવડનાં અદ્ ભુત, ચમત્કારીક સાધનોનું જ્યારે પ્રદાન કરી રહ્યા છે ત્યારે આપણા પ્રાણપ્રશ્નો છે : અમુક ઈમારતો શું છે ? એ તોડવી કે બાંધવી ? અમુકતમુકને અનામત આપવી કે એની સામે જંગે ચઢવું ? ઉત્તરાયણ ચૌદમીએ મનાવવી કે પંદરમી જાન્યુઆરીએ ? ગણપતીની મુર્તીની ઉંચાઈ કેટલી રાખવી ? નર્મદા–સરોવરમાંથી માછલાં પકડવા કે નહીં ?… અરે, એવાય પ્રશ્નો ચર્ચાય છે કે પૃથ્વી ગોળ છે કે નહીં ? એ ફરે છે કે નથી ફરતી ? અને આ બધાનો જવાબ એક જ મળે છે. ‘સંશય કરશો નહીં ! શાસ્ત્રો ફરમાવે છે એ જ અને એટલું જ કરો–કરતા રહો !’
સંશય કરવો નહીં અને દૃઢ શ્રદ્ધા રાખવી – આ ધાર્મીક સુત્રે કેવળ ભારતની જ નહીં; સમગ્ર વીશ્વની પ્રગતીના મુળમાં જે વીનાશક કુઠારાઘાત કર્યો છે, એથી થયેલી હાની એટલી તો અપરમ્પાર છે કે એનો અંદાજ પણ કાયમ દુષ્કર છે. આમ થવાનું સીધુંસાદું કારણ એ જ કે માનવીની પ્રગતીનો પાયો જ શ્રદ્ધા નહીં; પરન્તુ ‘સંશય અર્થાત્ શંકા’ છે. આપણા પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં એક પ્રાર્થના છે :
હિરણ્યમયેન પાત્રેન સત્યસ્યાપિહિતમ્ મુખમ્, તત્ત્વમ્ પૂષન અપાવૃણુ..
અર્થાત્ ‘સત્યનું સુખ સોનાના પાત્ર હેઠળ ઢંકાઈ ગયું છે. તો હે પુષન, તું ખોલી દે !’ મને લાગે છે કે સુવર્ણપાત્ર એટલે શ્રદ્ધા જ ! માટે જ આપણે એક એવી જડસુ પ્રજા રહી ગયા છીએ કે સત્યની શોધ કે વીજ્ઞાનની સીદ્ધીની દીશામાં આપણો ફાળો નહીંવત્ જ રહ્યો છે.
હવે સંશયથી થતા લાભો, સત્યની પ્રાપ્તી અને જ્ઞાનની વૃદ્ધીની સોદાહરણ ચર્ચા કરીએ :
પવીત્ર ‘બાઈબલ’ ગ્રંથના પ્રારમ્ભે જ લખ્યું છે કે શરુઆતમાં ઈશ્વરે સ્વર્ગ અને પૃથ્વી સર્જ્યાં. ત્યારે મહાસાગરને માથે અંધકાર ઝળુમ્બી રહ્યો હતો. એટલે ઈશ્વરે ફરમાવ્યું, ‘લેટ ધેર બી લાઈટ !’… અને પછી ઈશ્વરે આકાશમાં બે મોટા દીપકો સળગાવ્યા: દીવસે પ્રકાશ અર્પવા માટે સુર્ય અને જરાક નાનો દીપક એવો ચંદ્ર તે રાત્રે પ્રકાશવા માટે. છેક પંદરમી સદી સુધી, માનવજાત આ શાસ્ત્રવચનમાં તથા એરીસ્ટોટલના એવા વીધાનમાં શ્રદ્ધા રાખીને જીવતી હતી કે આ પૃથ્વી જ વીશ્વનું કેન્દ્ર છે, આકાશનો ચંદરવો માનવજાતના લાભાર્થે જ ઈશ્વરે શણગાર્યો છે ને તે દીવસરાતના ચક્ર ચલાવતો પૃથ્વી ફરતે ભમ્યા કરે છે ! જો આવા બ્રહ્મવાક્યમાં અફર શ્રદ્ધા રાખીને માનવી નીષ્ક્રીય બેસી જ રહ્યો હોત, તો હજી આજેય આપણને સત્ય–જ્ઞાન જ ન લાધ્યું હોત. અરે, એ તો ઠીક, પણ માનવસર્જીત અસંખ્ય ઉપગ્રહો અવકાશમાં ઘુમતા ન હોત અને નીરાંતે ઘરમાં સુતાં સુતાં એક નાનકડા પડદા ઉપર સમગ્ર વીશ્વની અવનવીન ઘટનાઓને આપણે નીહાળી શક્યા ન હોત !
ધર્મના રખેવાળો તો તેમના ભ્રમને અજરાઅમર રાખવા માટે ખડેપગે મજબુત પહેરો ભરી રહ્યા હતા અને શંકા કરનારને કડકમાં કડક સજા ફરમાવતાં : તે એટલી હદ સુધી કે સુર્ય નહીં, પૃથ્વી ફરે છે– એવી જાહેરાત કરવા બદલ બ્રુનો નામક સત્યશોધકને તો ધર્મગુરુ(અ–ધર્મગુરુ)ઓએ જીવતો જ સળગાવી દીધો ! અરે, આપણે તો હજી આજેય માનીએ છીએ કે સુર્યનારાયણ સાત ઘોડાવાળા રથમાં રુઢ થઈને પૃથ્વી ફરતે ચક્કરો કાપ્યા કરે છે – આપણા જ લાભાર્થે : ધર્મ એટલે જ અસત્ય !
સંશય કરવા વીરુદ્ધ આવાં આવાં કડક ફરમાનો પ્રવર્તતાં હોવાને પરીણામે જ, છેક સોળમી સદી સુધી સત્યના દરવાજા અડાબીડ બંધ જ રહ્યા. પછી એકાએક તથા અણધાર્યા ઉક્ત ધર્મના ક્ષેત્રમાં જ ભ્રમભંજક વીદ્રોહ જાગી ઉઠ્યો : કોપરનીક્સ નામના એક ધર્મગુરુને–પાદરીને જ સંશય જાગ્યો કે આકાશ જો માનવજાતના લાભાર્થે ઘડેલો, તેજપીંડો જડેલો એક સ્થીર ચંદરવો જ હોય, તો ઈટલીના આકાશમાં તારકોની જેવી ગોઠવણી દેખાય છે એવી મીસરના આકાશમાં કેમ નથી ? પૃથ્વીના ઉત્તમ ભાગમાંથી જે તારાઓ દેખાય છે તે તારાઓ દક્ષીણ ભાગમાંથી કેમ દેખાતા જ નથી ? ચંદ્ર કેમ રોજેરોજ પોતાનાં સ્થાન તથા કદ બદલતો રહે છે ? સમુદ્રમાં આગળ વધતાં જહાજોનો નીચેનો ભાગ કેમ પ્રથમ અદૃશ્ય થાય છે ? આવા પ્રશ્નોની હારમાળા મનમાં ઉઠતાં, ધર્મપુસ્તકોએ આપેલા જવાબોથી એને સંતોષ થયો નહીં, બલકે એને સંશય જાગ્યો કે ધર્મગ્રંથોની વાતો અસત્ય જ હોઈ શકે, સત્ય કંઈક જુદું જ છે. અને તટસ્થ બની એણે તારણ કાઢ્યું કે આ પૃથ્વી ગોળાકાર હોવી જોઈએ અને એ જ પોતાની ધરીની આસપાસ ગોળગોળ ઘુમતી હોવી જોઈએ. જો એ સત્ય હોય, તો જ ઉપરની તમામ શંકાઓનું સમાધાન મળે… અને કોપરનીક્સે ઘોષણા કરી કે ‘બાઈબલની વાત ખોટી છે; પૃથ્વી ગોળ છે અને તે એની ધરી ફરતે અવીરામ ચક્કર માર્યા કરે છે.’ એટલું જ નહીં, ‘વીશ્વના કેન્દ્રમાં રહેલો સુર્યપીતા પોતાના આજ્ઞાંકીત બાળકો જેવા અન્ય નાના પીંડોને સતત પોતાની આસપાસ ફેરવ્યા કરે છે.’
આમ, એક ધર્મગુરુને ધર્મવચનમાં સંશય જાગ્યો અને સત્ય પ્રગટ્યું. કોપરનીક્સથી ચર્ચ, એટલે કે ધર્મ અને વીજ્ઞાન એટલે કે અસત્ય અને સત્ય વચ્ચેના ધર્મયુદ્ધનો આરમ્ભ થયો. પછી એ જ સોળમી સદીના ઉત્તરાર્ધમાં ઈટાલીમાં ગેલેલીયો નામનો એક યુવાન ધાર્મીક માન્યતાઓ સામે પડકારરુપે પ્રગટ થયો, જેણે કોપરનીકસની શોધ આગળ ચલાવી. તેણે તો વળી ચશ્માંના કાચનો ઉપયોગ કરીને, વીશ્વનો પ્રથમ ટેલીસ્કોપ બનાવ્યો અને આકાશ સામે પ્રથમ વાર માનવીની વીરાટ દૃષ્ટી માંડી. તેને જે સત્યદર્શન થયું તે અદ્ ભુત હતું : તેણે જોયું, ચંદ્ર તો પૃથ્વી જેવો જ વીરાટ ગોળો છે; જેના પર પહાડો છે, ખીણો છે, મેદાનો છે… માનવજાત માટે આ અદ્ ભુત મંગલ ઘટના હતી; જેના મુળમાં માનવમનમાં પ્રગટતા સંશયરુપી વ્યાપારના અજોડ આશીર્વાદ હતા. ગેલેલીયોએ સાક્ષાત સીદ્ધ કર્યું કે વીશ્વના કેન્દ્રમાં સુર્ય જ છે. પ્રમાણમાં પૃથ્વી તો ઘણો નાનકડો પીંડ છે; જે સુર્યની આસપાસ ફરે છે. એથી ઋતુઓનું ચક્ર ચાલે છે. ઈત્યાદી… આવી ધર્મવીરોધી, ધર્મગ્રંથોનાં વીધાનો પ્રતી સંશય જગાવતી શોધ કરનાર ગેલેલીયો ઉપર ધર્મગુરુઓ કાળઝાળ ક્રોધે ભરાયા. તેઓએ જાહેર કર્યું કે બાયબલના સીદ્ધાન્તોની વીરુદ્ધ કોપરનીકસના મતમાં માનવું એ પાપ છે, ગેલેલીયોએ તે પાપ કર્યું છે માટે તેને સજા થવી જોઈએ. પરીણામે ગેલેલીયો પર કેસ ચલાવવામાં આવ્યો અને ધર્માચાર્યોએ એને સજા ફટકારી. ત્યારે ૭૦ વર્ષનો વૃદ્ધ અને અશક્ત થઈ ગયેલો ગેલેલીયો ભાંગી પડ્યો, તેણે ઘુંટણીયે પડીને માફી માગી લીધી. (જોકે મનમાં તો તે બોલ્યો જ કે, માફી તો માગું છું, બટ ઈટ ડઝ મુવ– પૃથ્વી ફરે જ છે.) આમ, અસત્યના રક્ષણ માટે ધર્મ આટલો કઠોર હઠાગ્રહી પણ બની શકે છે. જો કે હમણાં ચારસો વરસ બાદ, માનો તો કહી શકો કે ‘સત્યનો વીજય થયો:’ રોમન કેથલીક ધર્મના વર્તમાન વડા નામદાર પોપે જાહેરાત કરી કે ‘ગેલેલીયો સાચો હતો… મારા પુર્વજ ધર્મગુરુઓના ઘોર અપરાધ બદલ હું ગેલેલીયોની ક્ષમા માગું છું.’
ધન્યવાદ એ નામદાર પોપને ! પરન્તુ આપણા ધર્માચાર્યો ગજબના વીસંગત, પરસ્પર વીરોધી વીચાર–વર્તન સેવનારા છે : એક બાજુ, વીજ્ઞાનનાં બધા જ અદ્યતન સાધનોનો તેઓ ભરપેટ ઉપયોગ કરે છે: એ.સી. કારમાં ઘુમે છે, એ.સી.વાળા ઓરડામાં નીરાંતની ઉંધ ખેંચે છે, વીમાનોમાં વીશ્વભરમાં ઉડાઉડ કરે છે, માઈક ઉપર કથા–પારાયણો લલકારે છે ! અરે એટલું જ નહીં, ક્લોઝ્ડ સરકીટ ટી. વી. ગોઠવીને લાખ્ખો ભાવીક ભક્તજનોને સાક્ષાત દર્શન આપવાનો ચમત્કાર પ્રયોજે છે… છતાં પોતાનાં પ્રવચનોમાં વીજ્ઞાનને પાછા ભારોભાર ભાંડે છે ને શાસ્ત્રવચનમાં અતુટ શ્રદ્ધા, રાખવાનો ઉપદેશ આપતાં, ફરમાવે છે કે ‘સંશય કરશો નહીં ! સંશયાત્મા વીનશ્યતી !’
વાસ્તવમાં સંશય નહીં કરવાથી જ આપણે પછાત, ગરીબ અને દુ:ખી રહી ગયા. વીજ્ઞાનનાં વીશાળ, સુસજ્જ કેન્દ્રો સ્થાપીને, માનવહીતનાં નવાંનવાં સત્યો શોધવાને બદલે, સ્વર્ગ–નરક, પાપ–પુણ્ય, યજ્ઞ–યાગ, મરણ–પરણનાં અર્થહીન કર્મકાંડ, બાવા–બામણો જેવી પરોપજીવી જમાતની ખર્ચાળ સેવાચાકરી, આલીશાન મન્દીરો અને બાદશાહી ઠાઠમાઠવાળા આશ્રમો, ઘૃતસ્નાન અને છપ્પનભોગ, કથાપારાયણો, યાત્રાઓ–પદયાત્રાઓ, વ્રત–તપ અને મંત્રતંત્ર પાછળ સમયશક્તીનો ભયંકર ગુનાહીત બગાડ, સાથે સાથે જ ભીષણ–પ્રકાંડ બીનઉત્પાદક પ્રવૃત્તીઓથી આપણે ખતમ થઈ રહ્યા છીએ–થઈ ગયા છીએ. ત્યારે સમજો કે માનવપ્રગતી–સીદ્ધીનું મુળ સંશયમાં જ રહેલું છે. તો ચાલો, હવે સંશય શરુ કરીએ !
–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’
 પ્રા. રમણ પાઠકે તા.૩૦ જુલાઈ, ૧૯૯૭ના દીવસે તેમના સાર્થક જીવનનાં પંચોતેર વર્ષ પુરાં કર્યાં અને છોતેરમાં પ્રવેશ્યા એ નીમીત્તે ‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’માં પ્રકાશીત થઈ ચુકેલા પંચોતેર લેખોને સમાવીષ્ટ કરી ‘મધુપર્ક’ પુસ્તક પ્રકાશીત કરીને એમના ચાહકોએ જીવતેજીવ એક અંજલી આપી હતી. એ ‘મધુપર્ક’ પુસ્તક (સમ્પાદક: રજનીકુમાર પંડયા, યાસીન દલાલ અને ઉત્તમ ગજ્જર પ્રકાશક: એમ. કે. મદ્રાસી, શબ્દલોક પ્રકાશન, 1760/01, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001  પ્રથમ આવૃત્તી: 1997, પૃષ્ઠ સંખ્યા: 381 મુલ્ય:  રુપીયા 200/-)ના પાન ક્રમાંક   ૨૩૪થી ૨૩૭ ઉપરથી સમ્પાદકો અનેલેખકશ્રીના સૌજન્યથી સાભાર…
લેખક સંપર્ક: પ્રા. રમણ પાઠક, એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્સ, બારડોલી – 394 641 ફોન: (02622) 222 176 સેલફોન: 99258 62606