1] એક નાની શી ઘટના – ભગવત સુથાર
ડાંગરવા, તા. કડીની માધ્યમિક શાળામાં હું, શિક્ષક હતો. આચાર્યે મને શ્રેણી આઠથી અગિયારમાં તાસ ફાળવ્યા હતા. એક દિવસ એક શિક્ષકની અવેજીમાં મારે શ્રેણી સાતમાં જવાનું થયું. વિદ્યાર્થીઓ માટે શાળાનો ગણવેશ-સફેદ પહેરણ અને વાદળી ચડ્ડી હતા. મેં જોયું તો એક વિદ્યાર્થી તદ્દન ફાટ્યાં-તૂટ્યાં-સાંધેલાં-જૂનાં કપડામાં પણ ખૂબ જ ધ્યાનથી ભણતો હતો. મેં એ દિવસે એ તાસમાં જેટલા પ્રશ્નો પૂછ્યા તેણે સહજતાથી, નિર્ભયપણે જવાબ આપ્યા. ચારેક દિવસ મારે એ વર્ગમાં જવાનું થયું. એક દિવસ એ વિદ્યાર્થી વર્ગમાં નજરે ન પડ્યો. આથી તેની બાજુમાં બેસતા વિદ્યાર્થીને મેં પૂછ્યું : ‘આ વિદ્યાર્થી કેમ દેખાતો નથી ?’
‘ગુરુજી ! આચાર્ય સાહેબે વર્ગે વર્ગે ફરીને ગણવેશમાં જ આવવાની વાત જરા કડકાઈથી કરી છે. ગણવેશ વગર આવનારને શાળા છોડવી પણ પડે. તે અત્યંત ગરીબ છે. માબાપ મજૂરી કરીને પણ તેને ભણાવે છે. ગણવેશ વગર તે કેવી રીતે આવે ?’
‘શાળા છૂટે ત્યારે તું મને તેને ઘેર લઈ જજે.’ મેં કહ્યું.
‘ગુરુજી ! આચાર્ય સાહેબે વર્ગે વર્ગે ફરીને ગણવેશમાં જ આવવાની વાત જરા કડકાઈથી કરી છે. ગણવેશ વગર આવનારને શાળા છોડવી પણ પડે. તે અત્યંત ગરીબ છે. માબાપ મજૂરી કરીને પણ તેને ભણાવે છે. ગણવેશ વગર તે કેવી રીતે આવે ?’
‘શાળા છૂટે ત્યારે તું મને તેને ઘેર લઈ જજે.’ મેં કહ્યું.
શાળાનો છેલ્લો ઘંટ વાગ્યો. પેલા વિદ્યાર્થી સાથે પેલા વિદ્યાર્થીને ત્યાં ગયો. તેનાં માબાપ હાજર હતાં. તે નિરાશવદને બેઠો હતો. મને જોતાં જ તે મારી પાસે આવ્યો. મને નમસ્કાર કર્યા. તેનાં માબાપને કહ્યું : ‘બા-બાપુજી ! આ મારા ગુરુજી છે.’ તેઓ પણ ઊભા થયાં. બે હાથે મને વંદન કર્યાં.
મેં તેને કહ્યું : ‘બેટા ! તું મારી સાથે ચાલ. મારે તારું કામ છે.’
અમે બંને તૈયાર પોશાકવાળાને ત્યાં ગયા. મેં દુકાનદારને કહ્યું, ‘ભાઈ ! આ બાળક માટે તમે ત્રણ જોડ સફેદ પહેરણ અને વાદળી ચડ્ડી કાઢી આપો. સારાં કાપડની આપજો.’ તેણે સારી જાતના કાપડનો ત્રણ જોડ પોશાક આપ્યો. મેં તેના જરૂરી પૈસા ચૂકવ્યા. તે વેપારીને પણ ખ્યાલ આવ્યો કે એક શિક્ષક પોતાના વિદ્યાર્થીનું ભાવિ ઉજ્જ્વળ કરવા પોતાની ઉદારતા દાખવે છે તો પોતે પણ શા માટે આ શિક્ષાના હવનમાં નાની સરખી આહુતિ કાં ન દે ! તેણે પડતર ભાવે જ ગણવેશ આપ્યો. બીજે દિવસે તે ગણવેશમાં આવ્યો.
મેં તેને કહ્યું : ‘બેટા ! તું મારી સાથે ચાલ. મારે તારું કામ છે.’
અમે બંને તૈયાર પોશાકવાળાને ત્યાં ગયા. મેં દુકાનદારને કહ્યું, ‘ભાઈ ! આ બાળક માટે તમે ત્રણ જોડ સફેદ પહેરણ અને વાદળી ચડ્ડી કાઢી આપો. સારાં કાપડની આપજો.’ તેણે સારી જાતના કાપડનો ત્રણ જોડ પોશાક આપ્યો. મેં તેના જરૂરી પૈસા ચૂકવ્યા. તે વેપારીને પણ ખ્યાલ આવ્યો કે એક શિક્ષક પોતાના વિદ્યાર્થીનું ભાવિ ઉજ્જ્વળ કરવા પોતાની ઉદારતા દાખવે છે તો પોતે પણ શા માટે આ શિક્ષાના હવનમાં નાની સરખી આહુતિ કાં ન દે ! તેણે પડતર ભાવે જ ગણવેશ આપ્યો. બીજે દિવસે તે ગણવેશમાં આવ્યો.
શ્રેણી અગિયાર સુધી તે ત્રણે વર્ગમાં પ્રથમ આવ્યો. બૉર્ડની પરીક્ષામાં પણ પ્રથમ દસમા આવ્યો. અનેક શિષ્યવૃત્તિઓ મળી. તે ડૉક્ટર થયો અને પેંડાથી મારું મોં ગળ્યું કરવા આવ્યો ત્યારે સાત્વિક આનંદથી તેને માથે હાથ મૂકીને આશિષ આપી : ‘બેટા ! તું પણ નિરાધાર બાળકોને સારું ભણાવજે. બસ, એ જ છે મારી ગુરુદક્ષિણા !’
[2] અનોખી સેવા – બંસીલાલ જી. શાહ
1971થી 2000ની સાલ સુધી હું જીવન વીમા કૉર્પોરેશનમાં વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. અમારા વિકાસ અધિકારીઓ માટે બેસવાનો અલગ રૂમ હતો. અમારી શાખામાં તે વખતે વિરમગામ, સાણંદ, બાવળા, ધંધૂકાનાં ગામોનો સમાવેશ થતો હતો. ત્યાંથી ઘણા માણસો પોતાના જીવનવીમાની પૉલિસી પાકે તો રકમ લેવા શાખામાં આવતા હતા. જીવન વીમાની પૉલિસી પાકે તો તે રકમ મેળવવા ફરજિયાત ‘રેવન્યૂ ટિકિટ’ પાર્ટીએ લગાવવી પડતી. તેમાંથી ઘણા બધાને ઘણી વાર કાયદાની ખબર ન હોય એટલે રેવન્યૂ સ્ટેમ્પ લાવ્યા ન હોય. એટલે રેવન્યૂ ટિકિટ મેળવવા માટે પોસ્ટ ઑફિસમાં જવું પડે. ઘણાને પોસ્ટ ઑફિસ ક્યાં છે તેની માહિતી પણ ન હોય !
આવા અજાણ્યા લોકો અમારા રૂમમાં આવતા. રેવન્યૂ ટિકિટની વાત થતાં મૂંઝાતા ને ફરી ફેરો પડશે તેવો નિસાસો નાખતા. પણ મારા મિત્ર શ્રી રમણીકભાઈ આવી રેવન્યૂ ટિકિટ જથ્થાબંધ રાખતા ને આવી અટવાઈ ગયેલી વ્યક્તિને તે આપતા અને તેમના કાર્યમાં સહભાગી થતા. આગંતુકના ચહેરા પર આભારની લાગણી દેખાઈ આવતી. રમણીકભાઈ તો આ રેવન્યૂ સ્ટેમ્પની કિંમત પણ ન લેતા ન કહેતા : ‘આવી નાનકડી રકમ, બંસીભાઈ લઈને શું કરવાનું ? આપણને ઈશ્વરે સારી નોકરી અને પગાર આપ્યો છે. આ દ્વારા આપણે કોઈના ખપમાં આવીએ છીએ ને ! આ પણ આપણી સેવા છે ને !’ ઘણી વાર સરકારી કચેરીઓમાં કે અન્ય ઠેકાણે અમલદારો વ્યક્તિઓને ધક્કા ખવડાવે છે ત્યારે શ્રી રમણીકભાઈની આ સેવા યાદ આવે છે. નાનકડી, ફક્ત એક રૂપિયાની ટિકિટથી કેવી સરસ સેવા થાય ! આવી ‘સેવા’નો સદગુણ સૌમાં આવે તો રાષ્ટ્રની અડધી સમસ્યાઓ દૂર ન થાય ?
[3] માણસાઈ શ્વસે છે….. – કુમુદભાઈ બક્ષી
મુંબઈ ખાતે મા-દીકરી જીવન-નિર્વાહ કાજ ટિફિનસર્વિસ આપી ગુજરાન ચલાવતાં. સંજોગાનુસાર સાથે જ કામ અર્થે નીકળેલાં મા-દીકરી વિખૂટાં પડી ગયાં. ત્યાંથી કોઈક રીતે 22 વર્ષીય યુવતી સુરત જિલ્લાના ઓલપાડ ગામે આવી ચઢી. મુંબઈમાં માતાએ ઘણી શોધખોળ કરવા છતાં દીકરીનો પત્તો મળ્યો નહિ. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી, ખાસ્સો લાંબો સમય વીતી ગયો. મા-દીકરીનું મિલન અશક્ય બની ગયું. બીજી તરફ ઓલપાડમાં અજાણ્યા પ્રદેશમાં જનસમુદાય વચ્ચે આવી ગયેલી દીકરીએ માનસિક સમતુલા ગુમાવી દીધી. કપડાનું પણ ભાન નહિ, આમતેમ બાવરી બની ભટક્યાં કરે. ચાની લારી ચલાવતાં એક બહેન-મંજુમાસીનું ધ્યાન એના પર પડ્યું. ચા, નાસ્તો કરાવ્યાં, શરીર ચોખ્ખું કરાવી, સારાં કપડાં પહેરવા આપ્યાં. પરંતુ બીજા જ દિવસથી એ પાત્ર ફરી એવી જ રીતે, એવી અવસ્થામાં ગામમાં દેખાવા લાગ્યું.
દરમિયાન રમજાન માસ શરૂ થયો, સાથે દિવાળી પર્વ પણ, ઈસ્માઈલ શેખ નામના ઈન્સાનને વિચાર આવ્યો કે પવિત્ર રમજાન માસમાં કંઈક સારું કામ કરીએ. એમણે આ પાગલ યુવતીની સારવારનું બીડું ઝડપ્યું. સુરત ખાતે આવેલ એક મેન્ટલ હૉસ્પિટલમાં એને દાખલ કરી. ધીમે ધીમે ડૉક્ટરોની સારવાર અને નેકદિલ ઈસ્માઈલભાઈની દુઆ ફળતી માલૂમ પડી. દર્દીની વર્તણૂકમાં ખાસ્સો ફેરફાર વર્તાયો. તેણીની માનસિક હાલત સુધરતી ગઈ, ભૂતકાળ યાદ આવ્યો. માતાનું નામ, ટેલિફોન નંબર આપ્યાં. નોંધનીય બાબત એ છે કે ઈસ્માઈલભાઈએ આ યુવતીની સારવાર પાછળ દોઢ લાખ જેટલી રકમ ખર્ચી નાખી. આ ફિરસ્તા સમાન ઈન્સાને ઓલપાડ પોલીસની મદદથી મા-દીકરીનું મિલન કરાવ્યું.
આજના યુગમાં મહિલાઓની બિનસલામતી સર્વત્ર વ્યાપી છે, ત્યારે ઈસ્માઈલભાઈ તેમને હાથે થયેલ આ શુભ કામ માટે અલ્લાહનો આભાર માને છે. આ દષ્ટાંત બતાવે છે કે સમાજમાં માણસાઈ હજી શ્વસે છે.
[4] જય શ્રીકૃષ્ણની સેવા – યશવંત કડીકર
ઉનાળાના બળબળતી બપોરે ધૂળના ગોટેગોટા ઉડાડતી એસ.ટી. બસ કડી ગામની નજીક લીમડાની શીતળ છાયામાં ભારે અવાજ કરીને જાણે કે થાક ઉતારવા ઊભી હોય એમ ઊભી રહી ગઈ ! ત્યાં જ આ બસ આવવાની રાહ જોતો જ ઊભો હોય એમ એક માણસ સ્વચ્છ ચમકતા પ્યાલા તથા ઠંડા પાણીની ડોલ લઈને ઊભો હતો. તરસ અને ગરમીથી વ્યાકુળ મુસાફરો પાણી માગવા લાગ્યા. પાણી પાનાર વ્યક્તિ પાણી આપતાં બધાને ‘જય શ્રીકૃષ્ણ’ કહેતો. આ વૈષ્ણવજન પહેલેથી જ જાણે આ પરિસ્થિતિથી વાકેફ હોય એ રીતે શાંતિથી અને જેટલી ઝડપ શક્ય હતી એ ઝડપ અને તત્પરતાથી પાણી પાઈ રહ્યો હતો, જેથી બસમાંનું કોઈ પણ મુસાફર પાણી પીધા સિવાય ના રહી જાય.
હંમેશની ટેવ મુજબ કેટલાક મુસાફરો પાણી પીધા પછી, આ પાણી પાનારને કંઈક પૈસા આપવા લાગ્યા, પણ એણે નમ્રતાથી ‘જય શ્રીકૃષ્ણ’ કહી પૈસા લેવાની ના પાડી દીધી. આ જોઈને હું વિચારમાં પડી ગયો. અસહ્ય મોંઘવારીના આ જમાનામાં થોડું કામ કરીને ઘણું મેળવનારા પડ્યા છે. આવી સ્થિતિમાં મહેનતનો બદલો મળે એ પણ લેવા માટે ના પાડે એવા આ માનવીનું વર્તન આશ્ચર્યજનક હતું. એટલા માટે મુસાફરો, જે ખુશ થઈને આપે છે, એ લઈ લેવા માટે મેં એમને સલાહ આપી. મને એ પાણી પાનારા ભાઈએ જવાબ આપ્યો, ‘સાહેબ, હું, મારી પત્ની અને મારી દીકરી – એમ ત્રણ સભ્યો જ મારા કુટુંબમાં છીએ. હું તાલુકા પંચાયતમાં પટાવાળાનું કામ કરું છું. એનાથી અમારા ત્રણેનું ભરણપોષણ થાય, એટલું તો મળે જ છે. મારી પત્ની નવરાશના સમયમાં ગોપાલ લાલજીની હવેલીમાં સેવાપૂજા કરે છે. ગોપાલ લાલજીની કૃપાથી અમારું ગુજરાન સારી રીતે ચાલે છે. હવે વધારે મેળવવાનો લોભ શા માટે કરવો જોઈએ ?’
એના વિશે મને વધુ જાણવાની ઉત્કંઠા જાગી. બસમાં બેઠેલા પ્રવાસીઓને પૂછતાં, એકે કહ્યું કે, નોકરીના સમયમાંથી સમય કાઢીને, છેલ્લાં પાંચ વરસથી કોઈ પણ જાતના વળતર વિના, ફક્ત આ કાર્યને પ્રભુસેવા ગણીને, આ ભાઈ પાણી પાવાનું આ કામ કરે છે. બપોરના તો તે જરૂર હાજર રહે છે. મેં એને વંદન કરી ‘જય શ્રીકૃષ્ણ’ કહ્યા.