લંડનમાં રહેતા એક ગુજરાતી પરિવારના એક યુવાનના જીવનમાં બે સ્ત્રીઓ આવી
એક પત્ર 'સંદેશ' કાર્યાલય પર ''કભી-કભી'' કક્ષ માટે આવે છે. લખનારનું નામ પ્રણવ છે. તે લંડનમાં રહે છે.
પ્રણવ લખે છેઃ ''અમે લંડનમાં સ્થાયી થયાં છીએ. એ વખતે હું અપરિણીત હતો. મારી બહેન નિધીની સગાઈ માટે અમે ઈન્ડિયા આવ્યાં હતાં. મારાં મમ્મી-પપ્પા પણ સાથે હતાં. એક સાદગીભર્યા સમારંભમાં મારી બહેનની સગાઈ થઈ. એ વખતે સામે પક્ષેથી મારા જીજાજીના પરિવારમાંથી એક ખૂબસૂરત યુવતી પણ હાજર હતી. તે મને એકીટસે જોયા કરતી હતી. મેં પણ એની સામે અપલક નજરે જોયું. અમારો પરિચય થયો. એનું નામ પ્રણાલિ હતું. પ્રણાલિએ રંગબેરંગી બંગડીઓ પહેરેલી હતી. વાતવાતમાં ખબર પડી કે તે પણ લંડનથી જ આવી હતી. અને સાથે જ જમ્યાં. ખૂબ વાતો કરી. એકબીજાનાં ફોન નંબર અને ઈ-મેઈલ એડ્રેસ પણ આપલે કર્યા. સાંજે અમે છૂટા પડયા પરંતુ મને લાગ્યું કે પ્રણાલિએ મારું મન ચોરી લીધું છે. મારો અને પ્રણાલિનો જુગ જુગ જૂનો સંબંધ હોય એમ મને લાગ્યું.
મારે ફાઈનલ યરની પરીક્ષા હોઈ મારે બીજા જ દિવસે લંડન પાછા જવાનું હતું. દિલ્હીથી મેં પ્લેન પક્ડયું. પરંતુ જતાં જતાં પણ મેં પ્રણાલિ સાથે ફોન પર વાત કરી લીધી. મારી સાથે મારો કઝીન પણ હતો. મેં એને કહ્યું, ''મને પ્રણાલિ બહુ જ ગમી ગઈ છે.''ળપરંતુ એણે કહ્યું: '' તો અમીનું શું ?''
અમીનું નામ સાંભળતા જ મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ. થોડાં વર્ષો પહેલાં મારા પિતાશ્રીએ એમના ખાસ મિત્રની દીકરી અમી સાથે મારી સગાઈ કરી નાખી હતી. અમે લંડનમાં રહીએ છીએ પરંતુ સમાજની રૂઢીઓથી ચુસ્ત છીએ. અમી સુખી પરિવારની ગામડામાં રહેતી સુશીલ છોકરી છે. તેને બહુ ઓછું મળ્યો હતો પરંતુ તે મને બહુ જ ચાહતી હતી. દિલ્હીથી લંડનની આઠ કલાકની સફર દરમિયાન હું ગડમથલમાં રહ્યો. હવે એક વર્ષ પછી તો મારું લગ્ન લેવાનું હતું. પ્રણાલિ મારા દિલોદિમાગ પર છવાઈ ગઈ હતી. જ્યારે અમી હું તેની સાથે પરણું તેની રાહ જોઈ રહી હતી.
લંડન પહોંચ્યા બાદ પ્રણાલિને હું ભૂલી ના શક્યો. પરંતુ થોડા દિવસો બાદ ઈન્ડિયાથી અમીનો પત્ર આવ્યો. તેણે લખ્યું હતું :'' આ વખતે તો આપણે મળી શક્યા નહીં પરંતુ મારા હૃદયમાં તમે કૃષ્ણની જેમ બિરાજેલા છો. આઈ લવ યુ, પ્રણવ.''
એના બીજા જ દિવસે પ્રણાલિનો ફોન આવ્યોઃ ''પ્રણવ, હું લંડન આવી ગઈ છું. તમારી યાદ આવતી હતી એટલે આવતાની સાથે જ તમને પહેલો ફોન કર્યો.''
હું અસંજસમાં પડી ગયો. એક તરફ મારી વાગ્દત્તા અમી હતી. બીજી તરફ જેના તરફ હું આકર્ષાયો હતો તે પ્રણાલિ હતી. અમીનો પત્ર ક્યારેક જ આવતો જ્યારે પ્રણાલિ સાથે હું રોજ ફોન પર વાત કરતો હતો. પ્રણાલિ મને કહેતી હતી : ''પ્રણવ, મનથી હું તને વરી ચૂકી છું. મારી જિંદગી તારાથી જ શરૂ થાય છે અને તારાથી જ ખતમ થશે.''
એ પછી તો હું અને પ્રણાલિ અવારનવાર મળતા. લંડનની સ્ટ્રીટસમાં સાથે જ ફરતાં. કલાકો સુધી પિકાડીલી સર્કસ પાસે બેસી રહેતાં. વાતો કરતાં. હું ક્યારેક પ્રણાલિના ઘરે જતો. પ્રણાલિની નાની બહેનને પણ હું તેના જીજાજી તરીકે ગમતો હતો.
સમય વીતતો ગયો. લંડનમાં અમે વેમ્બલી ખાતે રહીએ છીએ. એક દિવસ મારા પપ્પાએ મને કહ્યું: ''આ સમરમાં આપણે ઈન્ડિયા જવાનું છે. તારાં લગ્ન લેવાનાં છે, એટલે તારા કપડાં પસંદ કરી લે.''
હું ચોંકી ગયો. મને પ્રણાલિ પણ ગમતી હતી. બીજી બાજુ અમી સાથે મારી સગાઈ થયેલી હોઈ સામાજિક બંધન પણ હતું. અમી સાથે સંબંધ તોડી નાંખવા માટે કોઈ કારણ નહોતું. તે રૂપાળી હતી. એમ.એ. સુધી ભણી હતી. પ્રતિષ્ઠિત પરિવારની પુત્રી હતી. છતાં મેં દલીલ કરીઃ ''પપ્પા, અમી સાથે જ હું લગ્ન કરું એ જરૂરી છે ?''
''હાઃ તેઓ બોલ્યા : ''આપણાથી બીજું કાંઈ જ ના વિચારાય. હવે એ સગાઈ તોડી નાંખીએ ને છોકરી આપઘાત કરે તો અમે તો સમાજમાં ક્યાંયના યે નહીં રહીએ. સમાજ આપણને ફેંકી દેશે. ભવિષ્યમાં તારાં સંતાનોને પણ કોઈ છોકરી નહીં આપે.''
અને એ રાત્રે અમે અમારા રૂમમાં ચાલ્યા ગયાં. મારી મમ્મીને પણ અમી જ ઘરમાં વહુ બની આવે તે જોઈતું હતું. આખી રાત હું ઊંઘી ના શક્યો. મેં વિચાર્યું કે હું અમી સાથે સગાઈ તોડી નાખીશ તો મારા મમ્મી-પપ્પા, કુટુંંબીઓ, સમાજ અને અમી એ બધાં દુઃખી દુઃખી થઈ જશે અને પ્રણાલિ સાથે સંબંધ તોડું તો મારે પ્રણાલિને જ દુઃખી કરવાની છે. છેવટે મેં મારી બેસ્ટ ફ્રેન્ડ સમજીને પ્રણાલિને જ બીજા દિવસે ફોન જોડી તેની જ સલાહ લેવા મેં નિર્ણય કર્યો. મેં ફોન પર પ્રણાલિને મમ્મી-પપ્પાની ઈચ્છા વિષે વાત કરી અને એ કહે તેમ જ કરવા સલાહ માંગી.
પ્રણાલિનો સ્વર ઉદાસ અને ભારે હતો. તે અત્યંત સમજદાર હતી. પ્રણાલિ બોલી : ''તારી અમી સાથે સગાઈ થયેલી છે તે વાતની મને ખબર છે. અમીને કે તારા મમ્મી- પપ્પાને દુઃખી કરવાનો તને કે મને કોઈ અધિકાર નથી. પ્રેમમાં બધું પામવાનું જ હોતું નથી.''
મેં કહ્યું: ''ના, પ્રણાલિ, હું તને ચાહું છું. મને થાય છે કે આપણે ભાગીને કોર્ટ મેરેજ કરી લઈએ.''
પ્રણાલિએ કહ્યું: ''એમાં દુઃખી થવાનું જ હોય છે. હું એટલી બધી સ્વાર્થી નથી કે તારાં માતા-પિતા કે અમી પાસેથી તને છીનવી લઉં. મારી સલાહ છે કે તું અમી સાથે લગ્ન કરી લે.''
થોડા દિવસો બાદ હું અને પ્રણાલિ ફરી મળ્યાં. પ્રણાલિની એ જ સલાહ હતી. એણે કહ્યું: ''ભાગીને લગ્ન કર્યા બાદ જે મુશ્કેલીઓ આવશે તે પાર વિનાની હશે.''
લાંબી ચર્ચા બાદ પ્રણાલિએ મને અમી સાથે જ લગ્ન કરવાની સાચા દિલથી સલાહ આપી. ઘરે આવીને મેં અમી સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી. મને તો પાછળથી ખબર પડી કે હું હા પાડું ત્યાં સુધી મારી મમ્મીએ દૂધ કે ચા નહીં પીવાની બાધા લીધી હતી.
સમરમાં અમે ઈન્ડિયા આવ્યાં. અમી સાથે ધામધૂમથી મારાં લગ્ન લેવાયાં. લગ્નના દિવસે જ સવારે લંડનથી પ્રણાલિનો ફોન આવ્યો હતોઃ ''પ્રણવ, તું મને પ્રોમિસ કર કે હર હાલમાં તું અમીને ખુશ રાખીશ...''
મેં તેને પ્રોમિસ કર્યું એણે મને ''ઓલ ધ બેસ્ટ'' કહી શુભેચ્છા પાઠવી.
લગ્ન બાદ હું અમી, મારાં મમ્મી-પપ્પા લંડન પાછાં ફર્યા. અમીને આવતાં જ મને એટલો બધો પ્રેમ આપ્યો કે હું ધીમે ધીમે પ્રણાલિને ભૂલી ગયો. સમય વહેતો રહ્યો. અમી હવે પ્રેગ્નન્ટ હતી. ઘરમાં ખુશીનો માહોલ હતો. એક દિવસે સવારે મારાં ઘરના લિવિંગરૂમની ટિપોય પર એક પત્રિકા મેં જોઈ. પ્રણાલિના લગ્નની પત્રિકા હતી. ફરી એક વાર ભૂલાઈ ગયેલી વાત યાદ આવી ગઈ. જાણે કે રુઝાયેલો જખ્મ તાજો થઈ ગયો. મેં એ લગ્નમાં ના જવાનો નિર્ણય કર્યો. હું પ્રણાલિ જેટલો મજબૂત નહોતો. પ્રણાલિ બીજા કોઈની સાથે સપ્તપદીના સાત ફેરા ફરે તે જોવાની મારામાં તાકાત નહોતી. પરંતુ લગ્નના દિવસે જ પ્રણાલિનો મારી પર ફોન આવ્યોઃ ''પ્રણવ, મારા લગ્નમાં જરૂર આવજે. મારે એક વાર તને જોઈ લેવો છે. ખબર નથી ફરી તું જોવા મળીશ કે નહીં. બસ આટલી જ ઈચ્છા છે.''
હું કંઈ બોલી શક્યો નહિ. એ ફરી બોલી ''આપણો પ્રેમ આત્માનો પ્રેમ છે, શરીરનો નહીં પણ ત્યાગનો પ્રેમ છે કાંઈ મેળવવાનો નહીં. જરૂર આવજે. હું રાહ જોઈશ.''
પ્રણાલિની ઈચ્છા અનુસારે હું તેના લગ્નમાં ગયો પરંતુ ભગ્નહૃદયે પાછો આવ્યો. ઘેર આવીને ધીમે ધીમે પ્રણાલિને ભૂલવા મેં કામમાં મન પરોવ્યું. એ રાત્રે હું ફરી ઊંઘી શક્યો નહીં. બીજા દિવસે સવારે અમીએ ચા અને સ્થાનિક ન્યૂઝપેપર મારી ટિપોય પર મૂકતાં કહ્યું: '' ગઈકાલે તમે જે લગ્નમાં ગયા હતા તે ફેમિલીને અકસ્માત થયો છે.''
મેં ઝડપથી અખબાર હાથમાં લીધું. પ્રણાલિને પરણવા જે વર આવ્યો હતો તેની જાન લઈ જતી એક લકઝરી બસ અને ટ્રેન વચ્ચે અથડાતાં અકસ્માત થયો હતો. હું ધ્રુજી ઊઠયો. મેં ફોન કરીને તપાસ કરી તો માલૂમ પડયું કે પ્રણાલિ ઘવાઈ હતી પરંતુ તેના પતિનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રણાલિ મધુરજની મનાવે તે પહેલાં જ તે વિધવા થઈ ચૂકી હતી. તે હોસ્પિટલમાં હતી. હું સીધો જ હોસ્પિટલ પહોંચ્યો. પ્રણાલિ વિધવા થઈ ચૂકી છે તે માનવા હું તૈયાર ન હોતો. મને ભગવાન પર ગુસ્સો આવ્યો કે ઈશ્વર કોઈ એક વ્યક્તિને જ આટલું બધું દુઃખ શા માટે આપે છે ? મેં એને સાંત્વના આપી. કલાકો સુધી તેની પાસે બેસી રહ્યો. રાત્રે ઘેર આવ્યો. મને આખી રાત વિચારો આવતા રહ્યા કે પ્રણાલિ હવે કોને સહારે જીવશે ? અમી મારી બાજુમાં ઊંઘી ગઈ. હતી. હું આખી રાત જાગતો રહ્યો. ઊભો થઈ આંટા મારતો રહ્યો. છેક પરોઢિયે મારી આંખ મળી ગઈ.
હું જાગ્યો ત્યારે અજવાળું થઈ ચૂક્યું હતું. અમી રોજની જેમ ચાનો કપ લઈ મારી પાસે આવી. તે મારી પાસે બેઠી. મારા હાથમાં હાથ પરોવીને બોલીઃ ''તમે પ્રણાલિ સાથે લગ્ન કરી લ્યો.'' હું ચમક્યો.
તે બોલીઃ ''હા. હું અત્યંત સ્વસ્થતાથી કહું છું તમે પ્રણાલિને આપણા ઘરમાં લઈ આવો. હું તમારા ને પ્રણાલિના સંબંધો વિશે જાણું છું. પ્રણાલિએ મને સુખી જોવા પોતાના પ્રેમનું બલિદાન આપ્યું હતું. હવે મારો પ્રણાલિને કાંઈક આપવાનો વારો છે. તમે, હું અને પ્રણાલિ ખુશીથી સાથે રહીશું. પ્રણાલિ અને હું બહેનોની જેમ જ એક ઘરમાં રહીશું.''
મેં કહ્યું :''પણ લોકો શું કહેશે ?''
અમી બોલીઃ ''આપણા સુખની વ્યાખ્યા આપણે નક્કી કરવાની છે, સમાજે નહીં, તમે ખુશીથી પ્રણાલિને લઈ આવો અને આપણી જિંદગીને ખુશનુમા બનાવી દઈએ.''
ખૂબ વિચાર્યા બાદ એક દિવસ મેં નિર્ણય કરી જ લીધો. અમી જેવી સ્ત્રી પણ આ જગતમાં હોય છે તે માનવા મારું મન તૈયાર નહોતું. હું પ્રણાલિને મળ્યો. પહેલા તો તે સંમત ના થઈ. પરંતુ ખૂબ પરિશ્રમ બાદ તે મારા ઘેર આવવા સંમત થઈ. અમીની હાજરીમાં જ મેં પ્રણાલિને પત્ની તરીકે ઘરમાં આવકારી. અને આખા ઘરમાં અને સમાજમાં જબરદસ્ત ધરતીકંપ થયો. મારા મામા- મામી, ફુઆ- ફોઈ અને આખા સમાજે અમારો બહિષ્કાર કર્યો. પ્રણાલિના સગાંસંબંધીઓ તથા તેના સમાજે પણ તેનો બહિષ્કાર કર્યો. પરંતુ મને, અમીને કે પ્રણાલિને સમાજ શું કહે છે તેની કોઈ ચિંતા નહોતી. અમે ત્રણેય એક અલગ ઘરમાં રહેવા ગયાં. સમાજ અમને ભૂલી જાય તે પહેલાં અમે સમાજને ભૂલી ગયાં. મારો અનુભવ છે કે તમારી પાસે પૈસા હોય તો સમાજ તમારી કદમબોસી કરશે.
આ વાતને વર્ષો વીતી ગયાં આજે અમીથી થયેલા મને બે પુત્રો અને પ્રણાલિથી થયેલી એક દીકરી છે. બંને પુત્રો મેડિકલ કોલેજના વિદ્યાર્થી છે. મારી દીકરી સાયન્સ ફેકલ્ટીની વિર્દ્યાિથની છે. અમારા ઘરમાં છ સભ્યોથી ઘર ભર્યું ભર્યું છે. થેંકસ ટુ અમી,થેંકસ ટુ પ્રણાલિ.
- પત્ર પૂરો થાય છે.