20130306

જળ ન હો ત્યાં જળ કળાતું હોય છે, ખુલ્લી આંખે મન છળાતું હોય છે-DR.Shard Thakar


બંને રડવા માંડયાં, 'એ જ તો મોંકાણ છે, સાયેબ આ ચોથી વારનું સે. આની પેંલા તંઈણ વાર મહિ‌ના રયાં સે ને પડી જ્યાં સે. આ ફેરા ગમે તીં કરો, પણ...’

સાહેબ, આજે શરદપૂનમ છે. ગરબા જોવા નીકળશો ને? આ ગામના ગરબા વખણાય છે. અને ગરબે ઘૂમનારીઓ પણ’ ચોવીસ વર્ષ પહેલાંનો આ સંવાદ છે. એક સાવ નાનકડા શહેરની સાર્વજનિક હોસ્પિટલના એક સાવ નાનકડા કર્મચારીના મુખેથી બોલાયેલો સંવાદ. બોલનાર પણ જુવાન હતો અને સાંભળનાર એટલે કે હું પણ જુવાન. વાક્યનો ઉત્તરાર્ધ શૃંગારપૂર્ણ હતો, શરીરમાં સળવળાટ અને મનમાં મલકાટ પ્રસરાવે એવો એમાં સંકેત હતો.

'ના.’ મેં એને આંચકો આપ્યો.

'કેમ, ગરબા જોવાનો તમને શોખ નથી?’

'તો પછી કરો કંકુના. તમને તો બધી બહેનો ઓળખતી પણ હશે.’ અહીંની મોટા ભાગની સ્ત્રીઓ મારી પાસે 'ચેક-અપ’ માટે આવી ચૂકી છે. આ તહેવાર શક્તિની પૂજાનો તહેવાર છે. હું નથી ઈચ્છતો કે સુંદર વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ થઈને ગરબે ઘૂમવા નીકળેલી થનગનતી બહેનો મને જોઈને લજવાઈ જાય.’

એ ઉંમરે મારા દ્વારા બોલાયેલાં આ વાક્યો હતાં, મારો તર્ક હતો, મારી મન:સ્થિતિ હતી. આજે વર્ષોથી અમદાવાદમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કર્યા પછી મારો અનુભવ બદલાયો છે, પણ મેગાસિટીની સ્ત્રીઓની સાથે ગામડાંગામની રૂઢિચુસ્ત નારીઓની તુલના ન કરી શકાય. અને ગાયનેક સ્પેશિયાલિસ્ટનો એની દર્દી બહેનો જોડેનો સંબંધ એક અતિશય પવિત્ર, ગોપનીય અને વિશષ્ટિ સંબંધ હોય છે.

એ રંગીન-મિજાજ કર્મચારી ચાલ્યો ગયો. આ તો હજી શરૂઆત હતી. જેમ જેમ દિવસ ઢળતો ગયો, તેમ તેમ તહેવારનું આકર્ષણ મન ઉપર કબજો જમાવતું ગયું. સાંજ સુધીમાં તો દિલ થોડા કલાકોમાં જ આભમાં છવાઈ જનારા થાળી જેવડા ચંદ્રમાંની રૂપેરી રિયાસતમાં મહાલવા માટે થનગની ઊઠયું.

મારી નોકરીને માંડ થોડાક મહિ‌ના થયા હશે, પણ ચાર-પાંચ ગાઢ મિત્રો તો એટલા ઓછા સમયમાં પણ હું બનાવી ચૂક્યો હતો. એમાં એક ભરત હતો. એ એક્સ-રે ટેક્નિ‌શિયન હતો. એક ફાર્મસિસ્ટ મહેશ હતો અને એક ઇન્જેક્શન-રૂમમાં વર્ષોથી ફરજ બજાવતા બાબુભાઈ હતા. ઉંમરમાં પહેલા બને યુવાન હતા, બાબુભાઈ પીઢ હતા અને અમારો કાયમનો સાથી, સારથિ (વાહનચાલક) વિનુ હતો.

મહેશે પ્રપોઝલ મૂકી, 'ગરબાની વાત પડતી મૂકો. આપણને એ બધી ધરતી ઉપરની ચંદ્રમુખીઓમાં રસ નથી. આજની રાત આસમાનમાં ખીલેલા ચાંદાની રાત છે. આપણે શહેરથી ક્યાંક દૂર ખુલ્લા આકાશ નીચે ત્રણ-ચાર અંગત મિત્રો...’
બરાબર છે. તમે સમજી ગયા છો એવો જ મઝેદાર કાર્યક્રમ ઘડાઈ ગયો. ગામથી બે-ત્રણ કિલોમીટર દૂર એક શિવાલય આવેલું હતું. એની આસપાસ નાનામોટા ડુંગરોની હારમાળા પથરાયેલી હતી. અમે એ રાત દૂધે ધોયેલી ડુંગરમાળમાં ઊજવવાનું નક્કી કરી નાખ્યું.

હોદ્દાની અને પગારની રૂએ હું આગળ હોવાથી સ્વાભાવિકપણે જ ખર્ચનો ભાર મારે ઉઠાવવાનો હતો. મેં એ સહર્ષ ઉઠાવી લીધો. ગરમ ગરમ ગોટા અને ઠંડા ઠંડા દૂધપૌંવાનીવ્યવસ્થા (મારા નાણાંમાંથી) મહેશે ઉપાડી લીધી.
રહી વાત એક વાહનની. હોસ્પિટલ પાસે વાહન હતું જ, પણ એની ગમે ત્યારે તાત્કાલિક જરૂર પડી શકે તેમ હતું. એને લઈને પાંચ-સાત કલાક ક્યાં જતા ન રહેવાય. હવે શું કરવું? આટલો પંથ ચાલી નાખવાનો એકમાત્ર રસ્તો બચ્યો હતો.
પણ મહેશે એનોય તોડ કાઢી આપ્યો, 'મારો એક મિત્ર છે. એની પાસે જીપ છે. તમારું નામ પડશે એટલે એ તરત જીપ કાઢી આપશે. ડીઝલના પૈસા પણ નહીં લે.’

ચાંદની રાતનો નશો પાગલપન બનીને દિમાગ પર સવાર થઈ ગયો, એટલે અમારામાંથી કોઈને મહેશને એક પણ સવાલ પૂછવાનો વિચાર ન આવ્યો. જો આવ્યો હોત તો સારું હતું
………
દૂધપૌંવાની મીઠાશ અને પૂર્ણિમાનો હેંગઓવર હજુ મન ઉપરથી ઓસર્યો ન હતો, ત્યાં જ એક ન ધારેલો બનાવ બની ગયો. હું મોિન્ર્‍ાંગ ઓ.પી.ડી.માં બેઠો હતો. લગભગ સાડા અગિયાર વાગ્યા હતા. એક બીમાર સ્ત્રીને લઈને એનો પતિ આવ્યો. બંનેનાં કપડાં કહી આપતાં હતાં કે આ લોકો અત્યંત ગરીબ છે અને એમના હાવભાવ દર્શાવતા હતા કે તેઓ તદ્દન અભણ અને ગામડિયા છે.

મેં કેસ-પેપરમાં વિગતો ટપકાવી. પછી એ બાઈની શારીરિક તપાસ કરી.

'દોસ્ત, તારી વા’લીને સારા દિવસો જાય છે.’ મેં પેલા દરિદ્રનારાયણને ઉદ્દેશીને વધામણી ખાધી. પછી ચેતવણી પણ પીરસી, 'જોકે સાચવવું પડશે. નહીંતર કસુવાવડ થઈ જશે.’

બંને રડવા માંડયાં, 'એ જ તો મોંકાણ છે, સાયેબ આ ચોથી વારનું સે. આની પેંલા તંઈણ વાર મહિ‌ના રયાં સે ને પડી જ્યાં સે. આ ફેરા ગમે તીં કરો, પણ...’

મેં સલાહોનો એક હેવી ડોઝ પ્રિસ્ક્રાઈબ કરી દીધો. કામ નહીં કરવાનું ('કામ’ એટલે બંને અર્થમાં), વજન નહીં ઊંચકવાનું, શરીરને શ્રમ પડે એવો પ્રવાસ નહીં ખેડવાનો અને જરૂરી હોય એ બધી જ દવાઓ નિયમિતપણે લેવાની.
'ભલે, સાયેબ મારી વા’લીને હું હાથનો છાંયો કરીને હાચવીશ. તણખલુંય તોડવા નંઈ દઉં, પણ દવામાં જરા દયા રાખજો, બાપલા’

હું હસ્યો, 'કેમ, પૈસા નથી? તો પછી બાળકને ખવડાવીશ શું?’

મારા મહેણાનો એની પાસે જવાબ ન હતો. એની મૂંઝવણ એના ખિસ્સામાં પડી હતી. એણે મેલા ખમીસના ખિસ્સામાંથી જૂની, ચૂંથાઈ ગયેલી નોટો કાઢી. ગણી જોઈ તો માંડ દસ-બાર રૂપિયા હતા.

મેં ધરપત આપી, 'ચિંતા ન કર તારી વા’લીની મોટા ભાગની દવાઓ અહીંથી જ મળી જશે. એના માટે તારે એક પૈસો પણ નહીં ખર્ચવો પડે, પણ એક જાતની ટેબ્લેટ બહારથી ખરીદવી પડશે. બહુ મોંઘી ગોળીઓ નથી. પંદર દિવસની ટેબ્લેટ્સના માંડ ચાર-પાંચ રૂપિયા થશે.’

'તો વાંધો નંઈ, સાયેબ બાકીના વધે એટલામાં અમારું બસભાડું નીકળી રે’શે.’ કહીને એ ખુશ થઈને ગયો. સાથે એની વા’લીને પણ લેતો ગયો.

બીજા જ દિવસે બંને પાછાં આવ્યાં. વા’લીને આ વખતે પણ તકલીફ ઊભી થઈ હતી. જબરદસ્ત રક્તસ્ર્ાાવ અને પેટનો દુખાવો. ગર્ભ પાડી નાખ્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. નહીંતર વા’લીના જીવ ઉપર જોખમ હતું.
મેં એને અમથું જ પૂછી લીધું, 'આમ કેમ બન્યું? વા’લીને તે આરામ ન આપ્યો કે શું?’

જવાબમાં વા’લીનો વર રડી પડયો. એણે જે વાત કહી એ સાંભળીને હું ડઘાઈ ગયો. એ દિવસે વા’લી અને એનો પતિ બપોરના એક વાગ્યે ધોમધખતા તાપમાં આઠ કિ.મી. પગે ચાલીને ઘરે પહોંચ્યા હતાં આ કસુવાવડ કદાચ એનું જ પરિણામ હતી.

પણ પગે ચાલીને ઘરે જવાનું કારણ શું હતું? તો કે’ ગામમાં આવેલા એકમાત્ર મેડિકલ સ્ટોરમાં જ્યારે એ લોકો દવા લેવા માટે ગયાં, ત્યારે કેમિસ્ટે એમને ખંખેરી લીધાં. ચારને બદલે ચાલીસ રૂપિયાની દવાઓ પધરાવી દીધી. બસભાડું બચવાની વાત તો બાજુ પર રહી, ઉપરથી ત્રીસ રૂપિયાનું દેવું માથે ચડાવીને બંને અબૂધો ચાલતાં થયાં.

મારા ગુસ્સાનો પાર ન રહ્યો. મેં મહેશને બોલાવ્યો. એ ફાર્મસિસ્ટ હતો અને આ બાબત એના ક્ષેત્રની હતી. એટલે મેં એને પકડયો, 'તું આ બદમાશ કેમિસ્ટને ઓળખે છે? કોણ છે એ? શું નામ છે એનું? મારે એની વિરુદ્ધ...’

મહેશે અમાસના અંધકાર જેવું મોં કરીને ચાંદની રાતનો સંદર્ભ આપ્યો, 'સર, આપણે શરદપૂનમની રાત્રે જીપમાં બેસીને બહાર ગયેલા એ યાદ છે? એ જીપ આ મેડિકલ સ્ટોરના માલિકે જ મોકલેલી.

હું સમસમીને, હારીને, નિરુપાય બનીને બેસી રહ્યો. (મારી કારકિર્દીની શરૂઆતમાં બનેલી સત્યઘટના. તદ્દન અજાણપણે ડોક્ટર અને કેમિસ્ટની પાપજાળમાં ફસાવાનો પશ્ચાત્તાપ આજે પણ હું કરી રહ્યો છું. એ પછી ક્યારેય આવી મોહજાળમાં હું ફસાયો નથી. વર્ષ દરમિયાન ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા આપવામાં આવતા દર સો ભોજન સમારંભોમાંથી નવ્વાણુમાં જવાનું હું ટાળતો હોઉં છું. અપવાદ રૂપે ક્યારેક જાઉં છું, ત્યારે પણ ધાનને બદલે ધૂળ ખાતો હોઉં એવી લાગણી અનુભવું છું.
જાણું છું કે આ જાળ હવે તો ઘણી વિસ્તરી ચૂકી છે. દવાની કંપનીઓ દ્વારા હવે તો ડોક્ટરોને કેમેરા ફ્રિજ કે ટીવી સેટ જેવી મોંઘી ભેટો પણ આપવામાં આવે છે. હું એને ગરીબ દર્દીઓના ખૂનમાં તળેલી સડકછાપ વાનગી જ માનું છું. આ બાબતમાં તમે મને જુનવાણી કહી શકો છો.