20120921

વધુ જીવવા માટે ગોળી તૈયાર... !



શોધ-સંશોધન- વસંત મિસ્ત્રી

સૌને લાંબું આયુષ્ય ગમે છે. વળી છેવટ સુધી તંદુરસ્ત રહેવાય અને અન્યને તકલીફ ના પડે એવી આશા આજકાલ દરેક સિનિઅર સિટીઝન સેવતા હોય છે.
એન્ટિ-એજીંગ ગોળીઓ ટૂંક સમયમાં જ વાસ્તવિકતા બની જશે. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના પ્રોફેસર ડેમ લિન્ડાના જણાવ્યા પ્રમાણે રાપામાઈસિન નામની દવા માઈસ (નાના ઉંદર)ને આપવામાં આવી તો તેઓ વધુ જીવ્યા હતા. ઉંમર વધવા માટે જવાબદાર એવી ન્યુરોડિજનરેટિવ (ચેતાનાશ) રોગની ક્રિયા સામે પણ તેમને આ દવાથી રક્ષણ મળ્યું હતું.
વૈજ્ઞાાનિકો રાપામાઈસિન પર વધુ ધ્યાન આપી તેની લાક્ષણિકતાઓ વિકસાવશે અને માનવની ચેતાનાશની ક્રિયા પર કાબુ મેળવવા પ્રયત્ન કરશે.

કન્જકિટવાઈટિસ રોગ !
હંમેશા વરસાદની સાથે... !


વરસાદની સાથોસાથ આંખની પાંપણની અંદરની બાજુની ત્વચાનો રોગ કન્જકિટવાઈટિસ પણ દેખા દે છે. સીધા સંપર્કથી આ રોગ રાજ્યમાં સરળતાથી ફેલાઈ શકે છે.
કન્જકિટવાઈટિસ રોગ એલર્જી, રસાયણો, જીવાણું, વિષાણુ વડે થઈ શકે છે. એલર્જીક કન્જકિટવાઈટિસમાં બહારના કણો આંખમાં ભરાઈ જઈ એલર્જી કરે છે. જે લોકો પોતાના કોન્ટેક્ટ લેન્સ સમય પ્રમાણે બદલતા નથી તેમને આ પ્રકારની વ્યાધિ થઈ શકે.
પ્રદુષણ, સ્વિમિંગ પુલનો કલોરિન, જે એલર્જી કરે તેને રાસાયણિક કન્જકિટવાઈટિસ કહેવાય. આનાથી રક્ષણ મેળવવા બન્ને વસ્તુથી દૂર રહેવું.
ઘણીવાર શ્વસનતંત્રના જીવાણુઓ પોતાના શરીરમાંથી અથવા ચેપી વ્યક્તિના સીધા સંપર્કથી આ રોગ કરે છે. કિટકો, બીજાના ચેપી આઈ મેકઅપ વગેરેથી પણ આ પ્રકારની તકલીફ થઈ શકે એટલે શ્વસનરોગ સામે રક્ષણ મેળવવું. અન્ય ચેપી વ્યક્તિના ટુવાલ, મેકઅપ ના વાપરવા.
ઉધરસ, શરર્દીના જીવાણુઓથી વિષાણુ કન્જકિટવાઈટિસ થઈ શકે એટલે ચોમાસામાં આ રોગોથી બચવા માટે વિશેષ પ્રતિકારશક્તિ મેળવવી. OTC દવાને બદલે ડૉક્ટરની મદદ લેવી.



ઊનાળામાં પાણી વિના પણ તરોતાજા રહી શકો છો...!

ઊનાળામાં લોકો વધુ આળસુ થઈ જાય છે. એરકન્ડિશન રૃમમાંથી ઊઠીને પાણી પીવાની પણ તેમને આળસ આવે છે. વળી દરિયાથી નજીક રહેનારા લોકોને પરસેવાથી કંટાળો આવે છે અને પાણીથી ભરાયેલું પેટ વધુ આળસુ બનાવે છે. આવી સ્થિતિમાં તાજા રહેવા માટે કેટલીક પ્રોડક્ટ નોંધવા જેવી છે.
ઊનાળામાં બોડી સ્પ્રેને કારના ગ્લોવ કમ્પાર્ટમેન્ટમાં અથવા પર્સમાં મુકી રાખવા અને જરૃર પડયે વાપરવા.
ફેસિઅલ મિસ્ટનો છંટકાવ કરવો. તેનાથી ચામડી તાજી રહેશે. ટેલ્કમ પાવડરનો હળવો ઉપયોગ કરવો.
એન્ટિબેક્ટેરિઅલ ટુવાલનો ઉપયોગ કરવો. સાબુની જગાએ તેને વાપરી શકાય. ચીકણા હાથ સાફ કરવા માટે આવા નાના ટુવાલ અવારનવાર વાપરી શકાય.
ડિઓડરાઈઝિંગ ફૂટ સ્પ્રેનો ઉપયોગ કરવો તેનાથી પણ ઠંડા રહેશે. ગંધ પણ નહિ આવે. મેન્થોલ, સ્પીઅરમિન્ટ-લીફ ઑઇલવાળા સ્પ્રે શૉધી કાઢવા. દરેક ઋતુની ખાસિયત હોય છે તેને સ્વીકારી લેવી. પર્યાય શોધી હસતાં રહેવું...!

Gujarat Samachar