પરામનોવિજ્ઞાન ક્ષેત્રે ‘દૈવી ચિકિત્સા’નો વિષય પણ બહુ જ રસપ્રદ છે. કેટલાક નિષ્ણાત દૈવી ચિકિત્સકો એમની ચૈતસિક શક્તિથી દર્દીની ગેરહાજરીમાં પણ એને તબીબી ઉપચાર કે ઔષધ આપ્યા વગર રોગમુક્ત કરી દે છે. તે પોતાની મસ્તિષ્કીય વિચાર ઊર્જાથી હજારો માઈલ દૂર રહેલા રોગીઓના શરીરના તંતુઓ અને કોષોને સ્પંદિત કરી એમાં નવી ઊર્જા ભરી દે છે. આ ઊર્જાને આપણે ‘પ્રાણ શક્તિ’ કહીએ છીએ અને ચીન-જાપાન વગેરે દેશોમાં એને ‘ચી પાવર’ કહેવામાં આવે છે. ‘બોધ સંવહન’ પદ્ધતિથી ‘દૂર રહેલા દર્દીઓનો’ ઈલાજ કરનાર ચીની તબીબી ડો. માક ટંિગ સુમે આ ક્ષેત્રે ભારે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. બોધ સંવહન પદ્ધતિમાં તે ટેલિપથિક કોમ્યુનિકેશનનો સહારો લે છે. દૂરાનુભૂતિથી તે દર્દીના મન સાથે સંપર્ક સાધી એના શરીરનો ઉપચાર કરે છે. મલેશિયાના કુઆલાલમ્પુરમાં આવેલા પોતાના ઘરેથી જ તે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, નાઈજીરીયા જેવા દૂરના દેશોમાં આવેલા દર્દીઓની અનોખી રીતે ચિકિત્સા કરે છે. રાતના ૧૨થી ૩ સુધી તે ઉપચાર આપે છે. પોતાની ઉપચાર પદ્ધતિ વિશે સમજ આપતા તે કહે છે, ‘રાત્રિની નીરવ શાંતિનાં મારું મન સારી રીતે એકાગ્ર થાય છે. હું લગભગ પંદરેક મિનિટ સુધી મારા દર્દીનો ફોટો મારી આંખો સામે રાખી એનું નામ મનમાં વારંવાર બોલી એના સ્વસ્થ થવાની પ્રાર્થના કરતો રહું છું. આ દરમિયાન એના રોગગ્રસ્ત થવાની પ્રાર્થના કરતો રહું છું. આ દરમિયાન એના રોગગ્રસ્ત ભાગ પર ‘ચી પાવર’નો પ્રવાહ વહેવડાવું છું. મારા મસ્તિષ્કની પ્રાણમય વિચાર ઊર્જા દર્દીઓના રોગગ્રસ્ત તંતુઓ અને કોષોને સ્પંદિત કરી નવી ઊર્જાથી ભરી દે છે. આનાથી હુગ્ણ અને મૃતઃપ્રાયઉતક (સેલ્સ) પુનર્જીવિત થાય છે અને સ્વસ્થ બની જાય છે. ડો. સુમે આઘુનિક મેડિકલ સાયન્સની કોઈ ડીગ્રી હાંસલ કરી નથી. તેમણે યુરોપિયન ફેડરેશન ઓફ નેચરોપથ્સની તથા લંડનની ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ સાઈકોલોજિસ્ટ્સ એન્ડ હિપ્નોથેરાપિસ્ટ્સની પદવી પ્રાપ્ત કરી છે. ડો. સુમ એક દિવસના આઠથી દસ દર્દીઓનો જ ઈલાજ કરી શકે છે. કેમ કે આમાં પ્રાણ ઊર્જાને બહુ જ ઉપયોગ થાય છે જે દર્દીના મન-શરીરમાં વહાવી દેવાથી માનસિક થાક કે અશક્તિ આપે છે. ‘બોધ-સંવહન’ની આ પદ્ધતિથી અનેક બીમાર વ્યક્તિઓ સંપૂર્ણ પણે સ્વસ્થ થયાના પુરાવાઓ સાંપડે છે. ઈંગ્લેન્ડના ડર્બીશાયરમાં રહેતી ડો. સુમની દર્દી મિસિસ લૂસી બ્રાઉન કહે છે, ડો. માક સૂમે મારી બીમારીનો સફળતાપૂર્વક ઈલાજ કરીને મને એવું સ્વાસ્થ્ય સુખ પ્રદાન કર્યું છે જેની અનુભૂતિ મને જીવનમાં પૂર્વે કદી હાંસલ થઈ ન હોતી. હવે હું સાચા અર્થમાં સુખી છું. ‘બોધ-સંવહન’ દ્વારા ડો. સુમે ઈ.સ. ૧૯૬૫થી ઉપચાર કરવાના શરૂ કર્યા હતા. એમની પહેલી દર્દી ઓસ્ટ્રેલિયાની એક ગરીબ સ્ત્રી હતી જે કેન્સરથી પીડાતી હતી. ડોક્ટરોનું કહેવું હતું કે એને હાડકામાં કેન્સર પ્રસરવાનું શરૂ થઈ ગયું છે. એના ઈલાજ માટે ભારે ખર્ચ ઉઠાવવો પડે તેમ હતો જેને પહોંચી વળવાની તેની તાકાત નહોતી. એટલા માટે તેણે ડો. સુમને પત્ર લખ્યો અને તેનો ઈલાજ કરવા પ્રાર્થના કરી. ડો. સુમનો આ પ્રથમ કેસ હતો. તેમણે એની શુભ શરૂઆત કરી. એમની ‘ડિસ્ટન્ટ ડિવાઈન હિલંિગ’ ઝડપથી પરિણામ બતાવવા લાગી. બે મહિના બાદ એ દર્દી મહિલાના પુત્ર રોફ મેરારે ડો. સુમને પત્ર લખ્યો અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું, ‘હવે મારી માતાની સ્થિતિમાં બહુ જ સુધારો થઈ ગયો છે. તે સારા પ્રમાણમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી ચૂકી છે. હાડકામાં પ્રસરી રહેલા કેન્સરના પ્રારંભિક લક્ષણો પણ દૂર થઈ ગયા છે. તમે થોડો વઘુ સમય ઈલાજ ચાલુ રાખો જેથી તે સંપૂર્ણ રીતે રોગમુક્ત બની જાય.’ પોતાની દૈવી ચિકિત્સાનો પ્રથમ કેસ આ રીતે સફળ થયો એટલે ડો. સુમની આ બાબતમાં શ્રદ્ધા વધી ગઈ. પછી તેમણે ઘણા અસાહ્ય રોગીઓ પસંદ કર્યા અને એમનો સફળ ઈલાજ કર્યો. ડોક્ટર સુમ એમના દર્દીઓને પ્રત્યક્ષ મળતા જ નથી. તે કેવળ એમના ફોટા અથવા નામનો ઉપયોગ કરીને દૂરથી જ ઈલાજ કરે છે. બીજું, આ દૈવી ઉપચાર માટે તે કોઈની પાસેથી કોઈ ફી અથવા ભેટ સ્વીકારતા નથી. તે માને છે કે આ અદ્ભૂત ક્ષમતા કુદરતનો ચમત્કાર છે અને પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયેલી આ શક્તિનો ઉપયોગ માનવ સેવા માટે જ થવો જોઈએ. ડો. સુમ જે દર્દીનો કેસ પોતાના હાથમાં લે છે તેને પોતાના તરફથી ‘સાઈકો-રે-બેઝ’ મોકલે છે. અને તેને પત્ર દ્વારા સૂચના આપે છે કે ક્યા દિવસે અને સમયે તે એનો ઈલાજ કરવાના છે. તે ચોક્કસ સમયે દર્દીએ સાઈકો-રે-બોઝ (માનસિક કિરણ બિલ્લો) પોતાની પાસે જ રાખવાનો હોય છે અને તેમના તરફથી પ્રાપ્ત થતી વિચાર-ઊર્જાને ગ્રહણ કરવાની હોય છે. આ ગાળા દરમિયાન પોતાને રોગમુક્તિ મળે અને જલદી સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરવાની હોય છે. આ સમયગાળા દરમિયાન ચિકિત્સક અને દર્દી વચ્ચે ઊર્જા-જોડાણ થાય છે. દૈવી ચિકિત્સકની શુભ ઊર્જા દર્દીના રોગગ્રસ્ત ભાગોને સ્પંદિત કરવા લાગે છે. અને ધીરે ધીરે બે-ચાર બેઠક પછી દર્દીને લાભ થવા લાગે છે અને એક દિવસ રોગ સદાને માટે ગાયબ થઈ જાય છે. જંિદગીની આશા ગુમાવી બેઠેલા હજારો દર્દીઓને ડોક્ટર સૂમે પોતાની દૈવી ચિકિત્સાની નવી જંિદગી આપી છે. નાઈજીરીયાના એસેનમાં રહેતી માર્ગારેટ સાએ ડોક્ટર સુમને લખ્યું હતું, ‘તમારા બોધ-સંવહન ઈલાજથી મારો ગઠિયા અને સ્નાયયિક તણાવ એકદમ દૂર થઈ ગયો છે. હવે હું એકદમ નિરોગી સ્વસ્થ બની ગઈ છું.’ બેઈજંિગના ‘ચાઈના ઈમ્યુનોલોજી રિસર્ચ સેન્ટર’માં થયેલા પ્રયોગો પણ એવો નિષ્કર્મ આપે છે કે દૈવી ચિકિત્સા દરમિયાન કરવામાં આવતો પ્રાણ શક્તિનો સંચાર અચૂકપણે રોગ નિવારણ કરે છે. ડી.બી.એ. ઉંદરના લ્યુકેમિયા કે.એલ. ૧૨૧૦ કોશિકાઓ પર ઉત્સર્જિત તેજસ્વી ઊર્જાનો પ્રભાવ કેવો પડે છે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું. પ્રયોગ માટે પસંદ કરાયેલા ઉંદરોના સમુદાયને દસ દિવસ સુધી પંદરેક મિનિટ સુધી તેજસ્વી પ્રાણઊર્જા આપવામાં આવી. જ્યારે નિયંત્રિત જૂથને પ્રાણશક્તિ આપવામાં આવી નહીં. પછી સૂક્ષ્મદર્શક યંત્રથી જોવામાં આવ્યું તો એલ. ૧૨૧૦ કોશિકાઓ તેમનામાં ઉપસ્થિત હતી. જ્યારે પ્રાણશક્તિથી ઉપચાર આપવામાં આવેલ ઉંદરોના સમુદાયમાં એલ ૧૨૧૦ કોશિકાઓ ઘટવા માંડી હતી. આ પ્રયોગો એમ દર્શાવે છે કે પ્રાણિક હિલંિગ કે ચી પાવર હિલંિગ દ્વારા લ્યુકેમિયા-બ્લડ કેન્સર જેવી અસાદ્ય રોગોને પણ મટાડી શકાય છે. આવો એક બીજો પ્રયોગ ઉંદરોના જૂથ પર કરવામાં આવ્યો તેજસ્વી પ્રાણઊર્જા-ચી પાવરના સંપર્કમાં આવ્યા પછી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં કોઈ ફેરફાર થાય છે કે નહિ તે જોવા ઉંદરોના એક જૂથને ગિગાંગ માસ્ટર્સ દ્વારા ‘ચી પાવર’નો ઉપચાર અપાયો. બીજા નિયંત્રિત જૂથને ‘ચી પાવર’ અપાયો નહીં. પ્રયોગ બાદ જોવામાં આવ્યું ચી પાવરનો ઉપચાર પામેલા ઉંદરોની રોગ પ્રતિકારક શક્તિ અત્યંત વધી ગઈ હતી. ચી પાવર પેરિટોનિયલના મેક્રોફેઝેસની ફેગોસાઈટિક ક્રિયામાં સારા એવા પ્રમાણમાં વૃદ્ધિ કરે છે. આના ઉપરથી એ સાબિત થાય છે કે ચી પાવર પેરિટોનિયલના મેક્રોફેઝેસને ઉત્તેજિત કરી શકે છે અને રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો કરી શકે છે. ફિલિપાઈન્સના પ્રાણશક્તિ ઉપચારક ચોઆ કોક સુઈએ પણ ડો. સુમની જેમ ચી પાવરના ઉપયોગથી અનેક અસાઘ્ય રોગો મટાડ્યા છે.
|