20120921

જો જો... એક દિવસ હાડ,માંસ, ચામ, રક્ત, આંખો, કિડની, બઘું જ કેમિસ્ટ શૉપમાં રેડિમેડ મળશે

હોટલાઇન - ભાલચંદ્ર જાની


વિશ્વમાં હાલમાં ૩૫ લાખ લોકો કૃત્રિમ અવયવો સાથે જીવન વિતાવી રહ્યા છે. માત્ર અમેરિકામાં જ હૃદયના ધબકારા ચાલુ રાખવા માટે ૨,૨૩,૦૦૦ સ્પેસ મેકર, ૧,૯૭,૦૦૦ થાપાના હાડકાં, ૭૩,૦૦૦ ધૂંટણો, ૨૬,૦૦૦ આંગળીઓ તથા અનેક અંગુઠાઓ શરીરમાં દર વર્ષે સર્જરી દ્વારા જોડી દેવાય છે.
વિજ્ઞાનના વિકાસ સાથે આ અવયવોમાં ધરખમ ફેરફારો થઈ જશે. કૃત્રિમ અવયવોનું કાર્ય રોબોટિક અંગો લઈ લેશે જે શરીરની ચેતાઓના હુકમ પ્રમાણે વર્તશે. આવતા દાયકામાં કૃત્રિમ યકૃત અને ફેફસાંઓ પણ રોગિષ્ઠ અંગોને સ્થાને બેસાડી શકાશે.
આપણે ઘણી વ્યક્તિઓને કૃત્રિમ પગની સાથે ચાલતી જોઈ છે. અમેરિકાના સીટલમાં શોધાયેલો ‘શીટલ ફૂટ’ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેના વડે દોડી શકાય છે. બરફ પર સરકી શકાય છે અને ટેનિસ સુઘ્ધાં રમી શકાય છે. આ કૃત્રિમ પગમાં પ્લાસ્ટિકની ઊભી ટ્યુબ બેસાડવામાં આવે છે જે મીકેનીકલ શક્તિનો સંગ્રહ કરે છે અને ગતિ માટે જ શક્તિને મુક્ત કરે છે. આ ક્રિયા કુદરતી મસલ્સની માફક જ થાય છે.
ભારતમાં વર્ષો પૂર્વે ડૉ.પ્રમોદ શેઠીએ પણ ‘જયપુર પગ’ની શોધ કરી હતી જેને આવી જ ભવ્ય સફળતા સાંપડેલી છે તે આપણે જાણીએ છીએ.
વિજ્ઞાનની બીજી શાખાઓની માફક ભારતે કૃત્રિમ અવયવો બનાવવાની દિશામાં પણ સારી એવી પ્રગતિ કરી છે. નાગપુર ખાતે આવેલી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં કૃત્રિમ અવયવો બનાવવાનું કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. અહીં પ્લાસ્ટિકના હાથ-પગ અને બીજા સાંધાવાળા અવયવો બનાવવામાં આવે છે. આ અવયવો ખૂબ જ સસ્તામાં મળી શકે છે. ભારત સરકાર તરફથી પણ અવયવ બનાવવામાં કારખાનું શરૂ થયું છે. જેનું નામ ‘‘આર્ટિફિશ્યલ લિમ્બ મેન્યુફેક્ચરીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’’ છે. જો કે આ કારખાનામાં બનતાં એક કૃત્રિમ પગની કંિમત બારસો રૂપિયા થાય છે. જ્યારે નાગપુરની મેડિકલ કોલેજમાં કેન્દ્રમાં આ પગ રૂ. ૨૫૦માં મળે છે! અમુક કારણોસર સરકાર આ કેન્દ્રને નાણાકીય સહાય આપતી નથી તેથી અહીં બનતા કૃત્રિમ અવયવો બનાવવાનો ખર્ચ મોટે ભાગે કેટલીક સામાજિક સંસ્થાઓ અને દાનવીરોએ ઉઠાવી લીધો છે.
નાગપુરની મેડિકલ કોલેજના ડિન અને સર્જરીના પ્રોફેસર વિક્રમ મારવાહે ૧૯૫૮થી કૃત્રિમ અવયવો બનાવવાના અખતરા શરૂ કર્યા હતાં. કોલેજના બગીચામાં કામ કરતા માળીના છોકરાનો મોટર અકસ્માતમાં પગ કપાઈ ગયો અને તે હંમેશ માટે અપંગ બની ગયો તે જાણ્યા પછી ડૉ.મારવાહ સતત પ્રયત્નશીલ રહી હાથપગ બનાવવાનું સંશોધન કરવા લાગ્યા. તેમણે એકવાર એક સાઈકલને તેના સ્ટેન્ડ પર ઊભેલી જોઈ અને તેમનાં ફળદ્રૂપ ભેજામાં વિચાર આવ્યો. સાઈકલનું સ્ટેન્ડ ૧૮૦ં ડિગ્રી થી ૯૦ં ડિગ્રી સુધી એક સાંધા પર કામ કરી શકે તો માણસના પગ પર ઘૂંટણ પાસેથી ૧૮૦ં ડિગ્રીથી ૯૦ં સુધી વાળવા સાઈકલના સ્ટેન્ડ જેવા જોડાણવાળા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે આ માટે સાઈકલ સ્ટેન્ડનો વપરાશ પ્રાયોગિક ધોરણે શરૂ કર્યો. અત્યારે કૃત્રિમ પગ બનાવવા પોલિસ્ટર-રેસીન જેવી નરમ સામગ્રીનો ઉપયોગ થાય છે. જે વઘુ ટકાઉ અને સગવડભરી હોય છે.
૧૯૭૪ની સાલમાં ભારત સરકાર તરફથી કૃત્રિમ અવયવો બનાવવાનાં ૧૬ કેન્દ્રો શરૂ થયાં અને તેનું મુખ્ય કેન્દ્ર કાનપુરમાં રાખવામાં આવ્યું. ધીરે ધીરે આ કેન્દ્રો વઘુ ગુણવત્તા ધરાવતાં અને આબેહૂબ લાગતા અંગો બનાવવામાં સંશોધન કરવા લાગ્યા. જો કે અન્ય સરકારી ખાતાંની માફક આ કેન્દ્રમાં પણ ભ્રષ્ટાચાર વઘ્યો છે, જે કૃત્રિમ અવયવો પોલિયો જેવા રોગમાં સપડાયેલા ‘ગરીબ બાળકોને કામ લાગે તે અતિ મોંઘા મળતાં હોય તો ગરીબને શો ફાયદો? ડૉ.મારવાહ વઘુ મોંઘા ભાવે કૃત્રિમ અવયવો વેંચવાનો વિરોધ કરે છે. આ માટે બીજો બિનજરૂરી ખર્ચ ઓછો કરીને પણ સસ્તા દરે ગરીબો ખરીદી શકે તેવા અવયવો બનાવવાની વાત પર તેમણે ભાર મૂક્યો છે.
કૃત્રિમ અવયવો બનાવવાની દિશામાં ભારતના વૈજ્ઞાનિકોએ જે ફાળો આપ્યો છે. તેની વિશ્વભરના વૈજ્ઞાનિકોએ પ્રશંસા કરી છે. જો શરીરમાં કોઈ નાની રક્ત વાહિની (બ્લડ વેસલ) તૂટી જાય તો તે રીપેર કરવાનું અને જ્ઞાનતંતુમાં ફેલાતા અસમંજસને ઠીક કરવા હવે માઈક્રોસર્જરીની શોધ થઈ છે. તેવી રીતે જો હાથ કે પગના હાડકાં તૂટી ગયા હોય અને બિલકુલ છુંદાઈ ગયા હોય તો કેલ્શ્યિમ અને સિલિકોનના પાવડરમાંથી બનાવેલાં કૃત્રિમ હાડકાં બેસાડવાની ગોઠવણ થઈ છે. ચહેરા પરના અંગ જેવા કે નાક, કાન, હોઠ વગેરેની ફેરબદલ પણ ‘કોર્નયોફેશ્યલ સર્જયરી’’ના ઓપરેશન વડે થઈ શકે છે. આવું ઓપરેશન જન્મથી જ વિકૃત ચહેરો ધરાવતાં બાળકોની વિકૃતિ દૂર કરવામાં પણ ઉપયોગી નીવડી શકે છે.
થોડા સમય પહેલાં મૂળ હરિયાણાના વતની અને હાલ અમેરિકામાં શિકાગો ખાતે સંશોધન કરતાં ડૉ. લાબે હેકમીન નામના જે પદાર્થની શોેધ કરી હતી. એ પદાર્થ ખૂબ જ સ્થિતિસ્થાપક સિન્થેટીક રબર બનાવવા કામ લાગે છે. હૃદયને લગતા ઓપરેશનમાં ઉપચાર કરવા તે કામ લાગે છે. આ ડોક્ટરે તૂટી ગયેલાં હાડકાંની બદલીમાં કૃત્રિમ હાડકાં બેસાડી શકાય તેવા પદાર્થની પણ શોધ કરી છે. હથેળીના અને પગના હાડકાંની કૃત્રિમ માળખાંની ડિઝાઈન પણ તેમણે તૈયાર કરી છે.
ઈ.સ.પૂર્વે ૭૫૦ વર્ષ પહેલાં ભારતના વેદકાળના જમાનામાં અને ત્યારબાદ સુશ્રુત અને ચરકસંહિતામાં પણ પ્લાસ્ટિક સર્જરી જેવી આઘુનિક ટેકનિક વપરાતી હતી. તેનો ઉલ્લેખ છે. હવે પ્લાસ્ટીક સર્જરી કે કૃત્રિમ અવયવોનું પ્રતિરોપણ કરવું એ બહુ અઘરી વાત નથી. લખનૌની એક મહિલા વૈજ્ઞાનિક ડૉ.ગુપ્તાએ લખનૌ ખાતે કૃત્રિમ અવયવો બનાવવાનું શરૂ કર્યું છે. એસ્થેટિક સર્જરી અથવા પ્લાસ્ટિક સર્જરી કરવાનો જ્યારે અવકાશ ન રહે ત્યારે દરદીને સંપૂર્ણ સાજો કરવાનો અને તેની ખોડખાંપણ દૂર કરવા કૃત્રિમ અવયવો બનાવવાનું વઘુ સુગમ પડે છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઘણા બ્રિટિશ પ્લાસ્ટિક સર્જ્યનો ભારતમાં રહી બ્રિટિશ સૈનિકોને તેમની સેવા પૂરી પાડતાં તેમાંના એક સર્જ્યન સતારામાં એક ભારતીય રેલવે પોર્ટરને થયેલા અકસ્માત પછી તેના નાક પર પ્લાસ્ટિક સર્જરીનું ઓપરેશન કરતાં હતાં ત્યારે સુશ્રુતનું પ્રખર જ્ઞાન ધરાવતાં એક ભારતીય વૈદ્યે કપાળની ચામડી કાઢી પેલા મજૂરનું નાક ઠીક કરી દીઘું. પેલો બ્રિટિશ સર્જન દંગ 
રહી ગયો. તેમની એવી માન્યતા હતી કે સર્જરી માટે હંમેશા સાથળની જ ચામડી કાઢી લેવી જોઈએ અને ત્યાંની માંસપેશીની ફેરબદલી કરવી જોઈએ. પણ ભારતીય વૈદ્યના સફળ પ્રયોગથી ખૂબ પ્રભાવિત થયા પછી બ્રિટનના ખ્યાતનામ સર્જનો ભારતીય વૈદ્યોને આમંત્રણ આપવા લાગ્યા. આજે બ્રિટન, અમેરિકા, સ્વીડન વગેરે દેશો કૃત્રિમ અંગો વિકસાવવાની દિશામાં ઘણું સંશોધન કરી રહ્યાં છે.
હવે તૈયાર થનારા કૃત્રિમ અંગો કપાયેલી ગરોળીની પૂંછડીની માફક વિકાસ પણ પામશે. દા.ત. કૃત્રિમ ધૂંટણ પર એવા પદાર્થ આવરિત કરવામાં આવશે જે નવા હાડકાંના વિકાસને ઉત્તેજીત કરશે. સ્ટીલના હાલના થાપા કરતાં ભવિષ્યનો ઉછેર ઉત્તેજીત કરનાર થાપો વઘુ આવકાર્ય રહેશે.
કુદરતી હાડકાંના મુખ્ય ઘટક હાઈડ્રોકિસ અપેટાઈટને ટેકસાસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક રિચાર્ડ લેગોએ ઊંચા ઉષ્ણતામાને ગરમ કરીને તે લોહીની નસોને અને હાડકાંના કોષોને ઉત્તેજીત કરી શકે એવી શોધ કરી છે.
દંતચિકિત્સકો ૧૯૮૫થી આ પદાર્થનું આરોપણ કરી રહ્યા છે. ૧૯૯૦થી ભાંગેલી કરોડરજ્જુને સ્થાને આ નવા પદાર્થની કરોડરજ્જુ ગોઠવી શકાય એવાં તબીબી પ્રયાસો ચાલી રહ્યાં છે.
હાડકાંની માફક ચામડી પણ વારંવાર ઈજા પામે છે. દાઝવાથી કે ઘસરકો પડવાથી ત્વચાને નુકસાન થાય છે.
હાડકાંના સ્થાને અનેક કૃત્રિમ પદાર્થ જ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. પરંતુ ચામડી માટે હજી જાતજાતના પદાર્થો અજમાવાઈ રહ્યા છે. ભારતમાં બટાકાની છાલના આવરણો ચામડીની રૂઝ માટે અજમાવાઈ રહ્યા છે.
સાન ડિએગો ખાતેની કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ.જ્હોન્સ હેન્સબ્રો કે જેઓ ‘‘બંને સ્પેશ્યાલિસ્ટ’’ છે. તેમણે ચામડીના કોષો જેવાં કે ફાઈબ્રોબ્લાસ્ટ અને કેરાટિનોસાઈટસમાંથી નવી ચામડી તૈયાર કરી છે. આવા થોડાંક જ કોષોમાંથી ત્રણ અઠવાડિયામાં જૈવિક ઘટના પામી શકે એવી પોલીમરની જાળી પર આખા શરીરને આવરી લે એટલી ચામડી બનાવવાની પઘ્ધતિ તેમણે શોધી કાઢી છે.
આવી ચામડી પ્રત્યે દર્દીનું શરીર કોઈ હાનિકારક પ્રતિભાવ ન આપે એવી ટેકનીક પણ વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે. આ ટેક્નીકને કારણે લોહીની નસો, પેનક્રિયાસ ફેફસાં અને યકૃતને પણ કોઈ જાતની પ્રતિક્રિયા વિના શરીરમાં આરોપિત કરી શકાશે.
આવતા દાયકામાં કૃત્રિમ લીવર તૈયાર થઈ જશે અને પ્રાયોગિક રીતે તેને કેટલાંક સ્વયંસેવકો પર અજમાવવામાં આવશે. બોસ્ટન ખાતેની વૈજ્ઞાનિકોની એક ટીમે એવા પોલીમર તૈયાર કર્યા છે જેમાંથી બનેલી કૂર્ચા (બચૌિનચયી) હાડકાં વચ્ચે બેસાડી શકાશે અને તે કુદરતી કુર્ચા જેટલી તાકાતથી જ કામ કરશે.
વૈજ્ઞાનિકો એવા રોબોટિક અવયવો અને અંગો તૈયાર કરી રહ્યા છે. જેને સીધા મગજની સાથે જોડી દેવામાં આવશે. હાલમાં વૈજ્ઞાનિકો કુદરતી ચેતાઓને આવા કૃત્રિમ ઉપકરણો સાથે જોડી દેવાની પઘ્ધતિ શોધી રહ્યા છે.
ચામડીની માફક આંખને પણ ઈજા થાય છે એટલે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ ખાતે કૃત્રિમ આંખ તૈયાર કરવાનો પ્રોજેક્ટ પણ જોરમાં ચાલી રહ્યો છે.
પ્રકાશથી સંવેદન પામતા ઉપકરણોને દ્રષ્ટિચેતા સાથે જોડી દઈ મગજના દ્રષ્ટિ કેન્દ્રોને ઈલેક્ટ્રોનિક રીતે ઉત્તેજીત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આવા ઉપકરણો ઈજા પામેલી આંખની જગ્યાએ બેસાડી દેવાથી અંધ માનવી પણ દ્રશ્યો નિહાળી શકશે....!
ચેતાઓ કોમ્પ્યુટરને સંકેતો આપે અને કોમ્પ્યુટર આવા કૃત્રિમ અવયવોની ગતિનું સંચાલન કરે એવા પ્રયત્નો પણ કેલિફોર્નિયાની સ્ટેન્સફોર્ડ યુનિવર્સિટીમાં થઈ રહ્યા છે. આ ચેતાઓ અને કોમ્પ્યુટરને જોડવા માટે ગ્રેગ કાવેક નામના વૈજ્ઞાનિકે ‘‘નર્વ ચીપ’’ પણ તૈયાર કરી દીધી છે.
નર્વ ફાઈબરમાંથી આવતા સંકેતોને કોમ્પ્યુટરે બરાબર સમજવા પડશે જેથી તે હાથપગની ગતિને ધારેલી રીતે હલનચલન કરાવી શકે. આવી જટીલ રચના માટે સમગ્ર ચેતાતંત્ર પઘ્ધતિને ઓળખવી જરૂરી છે.
કોમ્પ્યુટરમાં આવી સમજશક્તિનો કાર્યક્રમ ફીડ થઈ શકશે તો ઈશ્વર કરતાંયે વઘુ ઝડપે શરીરના ઈલેક્ટ્રોનિક અંગો તૈયાર કરી શકાશે...!
એથી પણ આગળ વધીને આગામી બે-ત્રણ દાયકામાં વિજ્ઞાનીઓ ‘પ્રિફેબ બાયોનિક મેન’ની રચના કરી ચૂક્યા હશે. ‘ઇન્સ્ટા ડૉક’ તરીકે ઓળખાતી એક એવી યંત્રણાની શોધ થઈ ચૂકી હશે જે શરીરના પ્રત્યેક અવયવ પર આપમેળે નજર રાખે. ખૂબ જ પાતળી પોલીમરની નાની પટ્ટી શરીર પર ચીપકાવવાની રહેશે. જે સૂક્ષ્મ ‘વિડિયો ટેટૂ’ની ગરજ સારશે. એક વાર આ ઇન્સ્ટાડૉક લગાવ્યા પછી શરીરના કોઈપણ ભાગમાં કોઈ ખરાબી હશે તો આપોઆપ આ વિડિયો ટેટૂ તમને એ મુજબના સંકેત આપશે.
યુનિવર્સિટી ઑફ ટેકસાસના સંશોધકો એક એવી ઇલેસ્ટિક ધાતુ વિકસાવી રહ્યા છે જે ‘શેપ-મેમરી વાયર’ તરીકે ઓળખાશે. એક પ્રકારના કૃત્રિમ સ્નાયુ જેવા આ વાયર માનવીના અસલી સ્નાયુ કરતાં ૧૦૦ ગણા વઘુ મજબૂત હશે.
આવી તો બીજી અનેક શોધખોળ વિશ્વ્વના જુદા જુદા દેશોમાં થઈ રહી છે, જે માનવ શરીરના વિવિધ સ્પેરપાર્ટસને ‘કોમોડીટી’ બનાવી દેશે. આજે તમે કેમિસ્ટની દુકાનમાં જઈને જે રીતે દવા ખરીદો છો એવી જ રીતે ભવિષ્યમાં તમે શરીરના વિવિધ અવયવનો ઓર્ડર પણ આપી શકશો.


-Gujarat Samachar