20121225

મારી અને આર્મી-બેમાંથી એકની પસંદગી કરી લે


શહેરની એ સુપ્રસિદ્ધ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટમાં દેશનાં તેજસ્વી વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા. રિસેસના સમયે કેટલાક સહાધ્યાયીઓ કેન્ટીનમાં બેસી ચા પીતાં પીતાં તેમની ભાવિ કારકિર્દી અંગે વાતો કરતાં. એ બધામાં એક યુગલ અત્યંત જાણીતું હતું. એમ.બી.એ.નું ભણી રહેલા યુવાનનું નામ સંદીપ અને તેની સહાધ્યાયીનું નામ એની. કોલેજના કેમ્પસમાં બેઉ સાથે જ દેખાય. કોલેજની લાઇબ્રેરીમાં પણ બેઉ સાથે જ દેખાય. બહાર ક્યાંય જવાનું હોય તો સાથે જ જાય. બેઉ બ્રિલીયન્ટ હતાં. બેઉને એકબીજા માટે પ્રેમ હતાં. બેઉ એકબીજાને ગમતાં હતાં. અને એ વાતની બધાંને ખબર હતી.
એક દિવસની વાત છે. કેન્ટીનમાં ચા પીતાં પીતાં સંદીપે કહ્યું : "એની, હું આર્મીમાં જોડાઈ રહ્યો છું."
એનીએ કહ્યું : "તારું માથું તો ફરી ગયું નથી ને ? તને ખબર છે કે તું શું કરવા માંગે છે?"
એની એ એટલા ઊંચા અવાજે કહ્યું કે કેન્ટીનમાં બેઠેલા બીજા બધા જ વિદ્યાર્થીઓની નજર તેમના તરફ ગઇ. કેન્ટીનમાં ખામોશી છવાઇ ગઇ.
સંદીપે આસપાસ બેઠેલાંઓની પ્રતિક્રિયા નિહાળી. તે પછી સ્વસ્થ થતાં ધીમા અવાજે કહ્યું: "એની, હું શું ખોટું કહી રહ્યો છું. આર્મીમાં જોડાવાનો નિર્ણય મેં બહુજ સમજી વિચારીને લીધો છે. મને તો એ વાતની ખુશી છે કે આર્મીના ર્સિવસ સિલેકશન બોર્ડે મારી પસંદગી કરી લીધી છે."
એની ધ્યાનથી સંદીપની વાત સાંભળી રહી. સંદીપ પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. દેખાવમાં સુદંર અને સ્માર્ટ હતો. બધાંને ખબર હતી કે, આ પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટમાં ભણી એમ.બી.એ. થયા બાદ નોકરી શોધવા જવું પડતું નથી. ઊલટું દેશની અને વિદેશોની મોટી મોટી કંપનીઓ સામેથી તેમની યાદી મંગાવી ઊંચા પગારવાળી નોકરીઓ આપે છે. એ બધું છોડી એમ.બી.એ. થનાર સંદીપ સેનામાં જોડાવા જઈ રહ્યો હતો.
એનીએ સંદીપની વાત સાંભળી દૃઢતાથી જવાબ આપ્યોઃ "તું જ્યારે સેના સિલેકશન બોર્ડ પાસે ગયો હતો ત્યારે જ મને ખબર હતી કે તારું સિલેકશન થઇ જશે. પણ મને એમ હતુ કે તું થોડા સમય માટે માત્ર ચેઈન્જ ખાતર જાય છે. પણ હવે તો તું કાયમ માટે આર્મીમાં જોડાવાની વાત કરે છે."
સંદીપે કહ્યું : "એની, મને લાગે છે કે હું આર્મી માટે જ છું. શું આર્મીને મેનેજમેન્ટના નિષ્ણાત યુવાનોની જરૂર નથી ?"
એની બોલી : "તને ખબર છે કે તું એક વાર એમ.બી.એ. થઇ જઈશ એટલે તને મોટી કંપનીમાં નોકરી મળશે. ખૂબ પ્રતિષ્ઠા મળશે. મોટી કાર મળશે. ફાઇવ સ્ટાર હોટલોમાં રહેવાનું મળશે. તારી અને મારી આખી જિંદગી આરામથી ગુજરશે."
સંદીપ બોલ્યોઃ "જિંદગી મોટાં વેતન, મોટી કંપનીઓ અને ફાઇવસ્ટાર હોટલોમાં જ સીમિત હોતી નથી, એની."
ટેબલ પરથી પાણીનો ગ્લાસ ઉઠાવી પાણીનો ઘુંટ લેતાં એની બોલીઃ"સંદીપ! આર્મીમાં છે શું? મગફળીના દાણા જેટલો પગાર. દૂર દૂરના વિસ્તારોમાં પોસ્ટિંગ, વારંવાર થતી બદલીઓ અને જોખમથી ભરેલી જિંદગી અને રોજેરોજનો ખતરો."
સંદીપ બોલ્યોઃ "એની પ્લીઝ! આટલી અતિશયોક્તિ ના કર. એવું નથી કે આર્મીમાં બધુ નકારાત્મક જ છે. જો આખા દેશમાં ભણતાં તમામ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓના વિચાર તારા જેવા થઇ જાય તો આ દેશની સુરક્ષા કોણ કરશે? હું જાણું છું કે આર્મીમાં જોડાયા બાદ કેટલીક મુશ્કેલીઓ તો પડશે જ પરંતુ સેનામાં મને એવી એવી ચીજો પણ પ્રાપ્ત થશે કે જેની શાયદ જ કોઇએ કલ્પના કરી હશે."
એની સાંભળી રહી.
સંદીપ બોલતો રહ્યોઃ"એની, ચાલ એક વાત કર. દસ વર્ષ પછી તું મને કેવા રૂપમાં જોવા માગે છે? એશ આરામની જિંદગીના કારણે મોટા ફૂલી ગયેલા પેટવાળા માણસ તરીકે કે, એકદમ ફિટ સ્માર્ટ ઓફિસર તરીકે?"
એની બોલી : "એ હું કાંઇ ના જાણું. હું તો એટલું જ જાણું છું કે, રસ્તા પરથી કોઈ ફોજી માણસ તેના ગણવેશમાં પસાર થાય છે ત્યારે સ્કૂલમાં જતાં નાનાં બાળકો એને 'ટાટા' કહે છે. નાનાં બાળકોને પણ એ વાતની ખબર છે કે આર્મીમાં નોકરી કરતી વ્યક્તિઓની જિંદગી અનિશ્ચિત છે, અને તેથી જ નાનાં બાળકો તેમના પ્રત્યેની સહાનુભૂતિ વ્યક્ત કરવા 'ટાટા' કરે છે.
સંદીપે કહ્યું:"વાહ, શું તારી નાનાં બાળકો અંગેની સાયકોલોજી છે?"
એની ચૂપ રહી.
થોડીવાર પછી એક ઊંડો શ્વાસ લેતાં એની બોલીઃ"ચાલ, હુ જાઉં છું. અત્યારે મારે બહુ કામ છે. હવે જે નિર્ણય લેવાનો છે તે તારે જ લેવાનો છે. કાલે સવારે હું તને ફોન કરીશ. આજની રાત તું વિચારી લેજે. તારે મારી અને આર્મીની નોકરી એ બેમાંથી ગમે તે એકની જ પસંદગી કરવાની છે."
એટલું બોલી એની ઊભી થઈ અને ઝડપથી કેન્ટીનની બહાર નીકળી ગઈ. એનીની ઝડપ જોઈ સંદીપ પણ એને જતી જોઈ રહ્યો. તે ઊભો થયો અને એનીની પાછળ દોડયો પણ એની ઊભી જ ના રહી અને હવે સંદીપની કોઈ વાત સાંભળવા પણ તૈયાર નહોતી. એ તેને જોતો જ રહી ગયો. સંદીપને પણ આખી કેન્ટીન ઘુમતી નજર આવવા લાગી. એ ફરી એના ટેબલ પાસે જઈ ખુરશીમાં બેસી ગયો એ વિચારવા લાગ્યો કે લોકો સેનાની બાબતમાં આવું વિચારતા કેમ હશે? આર્મીની નોકરીને ગૌરવપૂર્ણ કેમ લેતા નથી? એની એક સુંદર અને હોંશિયાર વિદ્યાર્થિની હતી. સંદીપ તેને તેની ભાવિ જીવન સંગીની માનતો હતો પણ હવે તે દ્વિઘામાં હતો. તેણે ફરી ચા પીધી. બીલ ચૂકવ્યું અને તેની હોસ્ટેલમાં જઇ ચૂપચાપ આડો પડયો. બહારથી તે શાંત હતો. પણ અંદર દ્વંદ્વ ચાલી રહ્યું હતું.
આ વાતને દસ વર્ષ વીતી ગયાં.
નૈનીતાલ દેશનું એક ખૂબસૂરત હિલ સ્ટેશન છે. નવ તળાવોથી તે ઘેરાયેલું હોઇ તેનું નામ નૈનીતાલ પડયું છે. નૈનીતાલ જવાના પહાડી રસ્તાઓ પરથી લશ્કરની ટ્રકો પસાર થઇ રહી હતી. તેમાં સૌથી આગળ લાલ લાઇટવાળી આર્મીની જીપ હતી. જીપ અચાનક અટકી ગઇ. રસ્તામાં એક મોટરકાર ખોટકાઇ પડી હતી. અંદર બેઠેલી એક યુવતી અને એક પુરુષ બાળકો સાથે બહાર ઊભા હતા. લશ્કરી જીપમાંથી એક આર્મી ઓફિસર ઊતર્યો. તેણે જોયું તો કોઇ સહેલાણીની કારના ટાયરમાં પંકચર હતું. આર્મી ઓફિસરે લશ્કરના જવાનોને કહ્યું:"ઇન કો મદદ કિજાય?"
બાળકો અને પતિ સાથે ઊભેલી યુવતી એ આર્મી ઓફિસર સામે જોઇ રહી. આર્મી ઓફિસર ઓળખી ગયો. આ એજ યુવતી હતી જે ૧૦ વર્ષ અગાઉ મેનેજમેન્ટ કોલેજની કેન્ટીનમાં તેને છેલ્લે મળી હતી. એ એની હતી. અલબત્ત એનીને આર્મ્સ ઓફિસરના યુનિફોર્મમાં સંદીપને ઓળખતા વાર લાગી. સંદીપ હવે એક મેજર હતો. એણે એની અને આર્મી એ બેમાંથી આર્મીની પસંદગી કરી લીધી હતી. એની કેટલીકવાર બાદ એને ઓળખી ગઈ. એની ધીમેથી બોલી : "સંદીપ?"
"હા... એની... હાઉ આર યુ?"
એની બોલી : "ઠીક છું" બસ એટલી જ વાત થઇ.
સંદીપને બધી જ વાતો યાદ આવી ગઇ. એ રાત્રે કેન્ટીનમાંથી છૂટા પડી તે હોસ્ટેલની રૂમ પર ગયો હતો. આખી રાત વિચારતો રહ્યો હતો. એ પોતાની જાતને પૂછતો રહ્યો કે શા માટે દેશની ઘણી બધી યુવતીઓ લશ્કરમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે એની જેવા જ વિચારો ધરાવતી હશે? અથવા તો શા માટે માતા-પિતા પણ તેમના બાળકોને આર્મીમાં જતા રોકે છે.".... અને છેવટે એણે મોટી કાર, મોટો બંગલો અને કોઇ મોટી કંપનીના મેનેજર બનવાનો તથા એનીને પત્ની બનાવવાનો વિચાર છોડીને એણે આર્મીમાં જોડાવાનો નિર્ણય લઈ લીધો.
કારનું ટાયર બદલાઇ ગયા બાદ લશ્કરી જવાનોએ કહ્યું:"યોર કાર ઈઝ રેડી મેમ"
એની કાંઇ જ બોલી શકી નહીં. એણે "થેંકસ" કહ્યું અને કારમાં બેસી ગઈ. એની હવે પરણી ચૂકી હતી, એની હવે કોઈની પત્ની હતી. એની આંખોમાં કશું ગુમાવ્યાનો અહેસાસ હતો. તે ઘણું કહેવા માંગતી હતી પણ તે બોલી શકી નહીં. કાર એનો પતિ ચલાવી રહ્યો હતો. થોડી જ વારમાં કાર રવાના થઇ ગઇ પણ એની કારમાં બેઠી બેઠી પાછળ મેજર સંદીપને નિહાળતી રહી.
મેજર સંદીપ કહે છેઃ એનીએ ભલે મને છોડી દીધી પણ હું ખુશ છું. જે સ્ત્રીઓ લશ્કરના જવાનોને કે આર્મીના ઓફિસરોને પરણી છે તે પત્નીઓ ખૂબ સન્માનથી તેમના પતિને સાથ આપે છે. તેમના પતિને જ્યારે યુનિફોર્મમાં જુએ છે ત્યારે ગૌરવ અનુભવે છે. આ સ્ત્રીઓને પણ લાગે છે કે, અમે પણ દેશ પ્રત્યેનું કર્તવ્ય નિભાવવા અમારા પતિને સાથ આપીએ છીએ. હું જ્યારે એની જેવી યુવતીઓની વિચારધારા પર વિચારુ છું ત્યારે મને તેની પર દયા આવે છે." કહેતા મેજર સંદીપ એમની વાત પૂરી કરે છે. એ ઘણીવાર વિચારે છે કે, "શા માટે દેશના લશ્કરમાં આજે પણ ૧૨૦૦૦ જેટલા આર્મી ઓફિસરોની ખોટ છે?"
અને હા, મેજર સંદીપે આજ સુધી લગ્ન કર્યું નથી.
(સુપ્રસિદ્ધ હિન્દી લેખક મહેન્દ્ર તિવારી apnamahi@gmail.com લિખિત કથાનો ભાવાનુવાદ)
- દેવેન્દ્ર પટેલ