20120901

રેસ્ટોરાની જેમ ખૂલતી જતી સ્વનિર્ભર કોલેજો


જોઈએ છે, કોલેજોને વિદ્યાર્થીઓ---વિવિધા - ભવેન કચ્છી
 ગુજરાત સમાચારની 23,ઓગષ્ટ,2012ને બુધવારની “ શતદલ “ પૂર્તિમાં શિક્ષણને નામે ચાલતો વેપલો વિષે આજના આધુનિક મા-બાપ તથા વિધ્યાર્થીઓની કેટલીક ડીગ્રીઓ માટે કરવામાં આવતી આંધળી દોટ ઉપર પ્રકાશ પાડતો શ્રી ભવાન કચ્છીનો આ લેખ આપ સૌને પસંદ પડશે તેમ ધારી બ્લોગ ઉપર મૂકી રહ્યો છુ.
સ-સ્નેહ
અરવિંદ

રેસ્ટોરાની જેમ ખૂલતી જતી સ્વનિર્ભર કોલેજો--જોઈએ છે, કોલેજોને વિદ્યાર્થીઓ
વિવિધા - ભવેન કચ્છી-

કેન્દ્ર સરકારે ઓલ ઇન્ડિયા પ્રવેશ પરીક્ષા ગુજરાતીમાં માન્ય રાખતા વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું... પણ રાજ્યમાં ફીના નામે થતી ઉઘાડી લૂંટની વેદનાનું શું ?
- રાજ્યમાં એન્જીનિયરિંગમાં ૭૪૦૦થી વધુ અને ફાર્મસીમાં ૩૪૦૦થી વધુ બેઠકો ભરાઇ જ નહી ઃ હવે મેડિકલ કોલેજોમાં પણ બેઠકો ખાલી રહે તે દિવસો દૂર નથી ટોચની બે-ચાર કોલેજોને બાદ કરતા મોટાભાગની કોલેજો હતાશ સ્નાતકો જ પેદા કરે છે

કેન્દ્ર સરકારે મેડિકલ અને ડેન્ટલ જેવી વિદ્યાશાખાઓમાં હવેથી પ્રવેશ માટે એક જ પરીક્ષા લેવાશે (નીટ) અને ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષાનો વિકલ્પ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેવી જાહેરાત કરતાં રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. સ્વાભાવિક છે કે હવે એન્જિનિયરિંગથી માંડી તમામ વિદ્યાર્થીઓમાં બોર્ડ, ગુજકેટ, અન્ય રાજ્યોની કોલેજો કે ડિમ્ડ યુનિ.ની અલગ પરીક્ષાઓના ચક્રવ્યૂહમાંથી વિદ્યાર્થીઓ છૂટકારો મેળવશે.
જો કે છેલ્લા વર્ષોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની સૌથી મોટી સમસ્યા પરીક્ષા કરતા પણ ગુણવત્તા કે માપદંડ વગરના અભ્યાસક્રમ ધરાવતી અને રીતસરની લૂંટ ચલાવતી મોટા ભાગની સ્વનિર્ભર કોલેજો અને તેની ફીનું ધોરણ છે. સ્વનિર્ભર કોલેજોને જે હદે મંજૂરી આપાતી જાય છે અને તેના માલિકો, ટ્રસ્ટીઓ પર નજર નાંખશો તો સમજાઈ જશે કે હોટલો કે રેસ્ટોરાં કરતા આપણે ત્યાં કોલેજોની સંખ્યા કેમ વધુ છે.

રાજ્યમાં દર વર્ષે છેક ઓગસ્ટના અંત સુધી ૫૦ ટકા માર્કસના માપદંડ સાથે પ્રવેશ આપવાનું ચાલુ રખાતું હોવા છતાં ૭૪૦૦થી વધુ એન્જિનિયરિંગમાં અને ફાર્મસીમાં ૩૪૦૦થી વધુ બેઠકો ખાલી રહી છે. તેવું જ ડેન્ટલ, પેરામેડિકલ, ફાર્મસી, એમબીએનું છે. હવે તો સાયન્સ, કોમર્સ, આર્ટસથી માંડી બી.એડ્.માં પણ બેઠકો ભરાતી નથી. ખરેખર નોકરીની તકોની રીતે પણ પ્રત્યેક વિદ્યાશાખાઓની ટોચની જાણીતી ત્રણ ચાર કોલેજોના સારા માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓમાં જ કંપની રસ લે છે. બાકીની ૯૫ ટકા કોલેજોના વિદ્યાર્થીઓ બેકાર કે મહિને પાંચેક હજાર પગાર પણ માંડ મેળવી શકે છે.
કહેવાય ડોક્ટર, એન્જિનિયર, ફાર્મસી, એમબીએ, એમસીએ પણ શક્ય છે કે તેઓના ૫૦થી ૭૦ ટકા માંડ હોય. કોલેજ કઈ તે પૂછો તો ખબર પડે કે શિક્ષણના ફેલાવાના નામે કેવા ધંધા ચાલે છે.

વિદ્યાર્થીને અગાઉ ગુણવત્તાસભર બીએસસી, બી.કોમ. કે બી.એ.નું શિક્ષણ નજીવી ફીમાં મળતું. તે વખતના સ્નાતકો આજે કોઈ પણ ડબલ ગ્રેજ્યુએટ, સારું નામ ધરાવતી ડિગ્રી કે વ્યવસાયલક્ષી કોર્સના વિદ્યાર્થી કરતાં સંતોષજનક અને ભાષા પરનું પ્રભુત્વ પુરવાર કરી શકે તેમ છે.
પણ શિક્ષણના કૌભાંડે આ સિસ્ટમ ખલાસ કરી નાખી છે. બી.એસ.સી., બી.કોમ., કે બી.એ. કરતા એન્જિનિયર કે ડોક્ટર, ફાર્મસી, એમબીએનું રૃપાળું લેબલ મળતું હોય તો શું ખોટું? ભલે સજ્જતા ગમે તેવી કેળવાય. સ્વનિર્ભર કોલેજોના નામે એન્જિનિયરિંગ વગેરેમાં વર્ષે રૃા. ૭૦,૦૦૦થી બે લાખ અને હજુ બમણી ફી પ્રસ્તાવિત છે. મેડિકલમાં રૃા. ૩થી ૫ લાખ વર્ષના અને ડેન્ટલના રૃા. અઢી લાખ નક્કી છે. તે પછી કહેવાય એવું કે તમે માસ્ટર ડિગ્રી લો તો જ તેની વેલ્યુ. એટલે તેના બીજારૃા. ૧૫થી ૫૦ લાખનો ભાવ છે.
દસમા ધોરણનો શ્રીમંત વિદ્યાર્થી સ્કૂલમાં એવો રોફ મારતા જોઈ શકાય છે કે, મારા પપ્પાએ કહી દીધું છે કે, વીસ પચ્ચીસ લાખ ફેંકી દઈને તને ડોક્ટર બનાવી દઈશ. સ્વનિર્ભર કોલેજો અને તેને છૂટો દોર આપતી સરકારને લાખો વિદ્યાર્થીઓમાંથી એવા અમુક હજારો જ વિદ્યાર્થીઓ જોઈએ છીએ જેઓ દેવું કરીને, ઘર કે ઘરેણા ગિરવે મૂકીને રૃા. ૧૦ લાખમાંથી રૃા. ૫૦ લાખ ઉભા કરી શકે.
આ એક પોશ એરિયાનો રેસ્ટોરાં અને મલ્ટીપ્લેક્સ જેવો ધંધો થઈ ગયો છે. દરેકને તેમની કમાણી પૂરતા પાંચસો ગ્રાહકો જ જોઈએ છે. અમુક
જાણીતી અપવાદ કોલેજોને બાદ કરતા આવી કોલેજોમાં લેબોરેટરી, સંશોધન, પ્રોજેક્ટ, યુજીસીના માપદંડ પ્રમાણેનો સ્ટાફ, લાઇબ્રેરી, પ્રેક્ટિકલ તાલીમની સુવિધા હોતી નથી. ખરેખર આ હદે ઉંચી ફી લેવાય છે પણ તેનો વિદ્યાર્થી માટે ખર્ચ થાય છે કે કેમ તે નજરઅંદાજ કરાય છેે. મેનેજમેન્ટ ક્વોટા, એનઆરઆઇ ક્વોટા કેમ વધતા રહે તે જ કોલેજનં ધ્યેય હોય છે. હવે જરા આ સમગ્ર સ્થિતિને જરા જુદી રીતે પણ જોઈ લઈએ. 
એક જમાનામાં એવું હતું કે ડોક્ટર એટલે શૈક્ષણિક કારકિર્દી અસાધારણ જ હોય. સમાજ પણ એવું જ મનોમન માનતા કે ૯૨- ૯૫ ટકા ઉપર માર્કસ આવે ત્યારે જ ડોક્ટર બનવાના સ્વપ્ન સાકાર થાય. જ્યારે માર્કસનો એ હદે ફુગાવો નહોતો ત્યારે ૮૨- ૮૫ ટકા પણ અહોભાવથી જોવાતા હતા. આજે તો ૮૦ ટકા મેળવનાર ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનની મનોચિકિત્સકો પાસે સારવાર લેતા હોય છે ! તબીબી પ્રેક્ટિસ, નિદાન, સર્જરી જેવી ગંભીર અને જીવન-મરણ, સ્વાસ્થ્ય સાથે સંબંધ ધરાવતો જટિલ અભ્યાસ કરવા માટેની આખરે સજ્જતા તો હોવી જ જોઈએ ને ? આથી જ ડોક્ટરમાં પ્રવેશની લાયકાત એટલે સખ્ત મહેનત, ગ્રહણ શક્તિ, ટોપર પરિણામ અને ઉચ્ચ અભ્યાસક્રમની ક્ષમતા ધરાવતા હીરા જેવા વિદ્યાર્થી હોવું તે સહજ બાબત હતી. એમ ગમે તેવાનો થોડો આપણા શરીરને હાથ અડાડવા દેવાય ?

આજે જે પણ બાહોશ ડોક્ટરો છે તેઓ સરેરાશ ૧૫- ૨૫ વર્ષથી પ્રેક્ટિસ કરે છે ગુજરાતની વાત કરીએ તો તેઓ સ્વનિર્ભર કોલેજોમાંથી સ્નાતક કે અનુસ્નાતક નથી થયા. તે વખતે આવી પ્રથાની કોઇને કલ્પના સુધ્ધા નહોતી. સરકારી મેડીકલ કોલેજોમાં જૂજ બેઠકો હતી. રાજ્યના ટોચના મેરિટના ૩૦૦ વિદ્યાર્થીઓ માંડ પ્રવેશ મેળવી શકતા.
વર્ષોત્તર સ્વનિર્ભર મેડિકલ કોલેજો વધતી ગઈ. દેશમાં વસ્તીદીઠ ડોક્ટરોની સંખ્યાની રીતે અન્ય રાષ્ટ્રોની તુલનામાં ભારતનો છેક ૪૦મો ક્રમાંક છે તેવો પ્રચાર વહેતો થયો. ડોક્ટરોની રાજ્યને, દેશને જરૃર છે તેવા ઠરાવને નજરમાં રાખીને સ્વનિર્ભર કોલેજોની મંજૂરી મળતી જ રહી. હજુ પણ આગામી વર્ષોમાં પ્રત્યેક જિલ્લામાં એકથી વધુ
મેડિકલ કોલેજો શરુ થવાની છે.

આજે જે હદે સ્વનિર્ભર મેડિકલ કોલેજો બની ચૂકી છે તેના લીધે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે વિદ્યાર્થીને ૭૨- ૭૪ ટકા માર્કસ હોય તોપણ મેડિકલમાં, ડેન્ટલમાં જેવામાં ૬૦ ટકામાં પણ પ્રવેશ મળી શકે ! સરકારી કોલેજોમાં ૯૨ ટકાથી વધુમાં જે જૂજ બેઠકો છે તે ભરાઈ જાય છે જેની ફી નગણ્ય રૃા. બે- ત્રણ હજાર હોય છે તે પછીના ૭૪ ટકા સુધીના વિદ્યાર્થીઓ સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવી શકે. સ્વનિર્ભર મેડિકલ કોલેજોની સરેરાશ ફી વર્ષે ત્રણથી ચાર લાખ હોય છે ! જો તમે વર્ષે પાચેક લાખ સરેરાશ ફી લેખે રૃા.૨૫ લાખ આપવા તૈયાર છો તો તમે પણ ડોક્ટર બની શકો. અનુસ્નાતકના (પી.જી.) મેરિટ પર પ્રવેશ મળે તો બીજા રૃા. વીસેક લાખની જોગવાઈ કરવાની. ભવિષ્યમાં એન્જિનિયરિંગ જેમ મેડિકલની બેઠકો પણ ખાલી રહેવાની.
હવે ૭૦- ૭૫ ટકા મેળવનાર વિદ્યાર્થીને પણ મેરિટ પ્રમાણેનો ગણીને સ્વનિર્ભર મેડિકલમાં પ્રવેશ મળે છે તો શું ભૂતકાળની જે એવી માન્યતા હતી કે અસાધારણ હોશિયાર વિદ્યાર્થી જ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકે તેને જ આવી નિદાન, સારવાર, સર્જરીની જવાબદારી સોંપી શકાય તે ખોટી હતી ? ભવિષ્યના જે ડોક્ટરો બહાર નીકળવાના છે તે તો બધા ૬૦- ૬૫ ટકા થકી પણ પ્રવેશ મેળવનારા હશે. મેનેજમેન્ટ ક્વોટામાં તો મેરિટ આના કરતા પણ નીચું હોય છે. એન્જિનિયરિંગની જેમ મેડિકલ કોલેજોનો પણ રાફડો ફાટતો જાય છે. બહારના રાજ્યો અને ચીન, રશિયા જેવા દેશો આપણા ૫૦ ટકા મેળવેલ વિદ્યાર્થીઓને પણ ડિગ્રી આપે છે.

અનામત પ્રથા અંગત રીતે આર્થિક પછાત વિદ્યાર્થીના ધોરણે જ હોવી જોઈએ તેમ મોટા ભાગના નાગરિકોનું માનવું છે. છતાં પણ આટલા વર્ષોથી અનામત પ્રથાનો વિરોધ કરનારાઓ તે વખતે યોગ્ય લાગે તેવી હૈયાવરાળ ઠાલવતા કે અનામતના આધારે ઓછા ટકા મેળવીને ડોક્ટર કે એન્જિનિયર બનતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કઈ રીતે અને કેવી પ્રેક્ટિસ કરવાના. તેઓની કુનેહ અને કાર્યક્ષમતા પ્રત્યે અને તમાંથી નિર્માણ પામતી તબીબી અને એન્જિનિયરિંગ દુનિયા પર દર્દીઓ કે પ્રોજેક્ટો પર કેવી વીતી શકે તેનો રોષ પણ ઉતારાતો રહ્યો છે.
હવે સ્વનિર્ભર કોલેજોની જેઓ પણ ફી ભરી શકે તેમ છે તેવા ૭૦- ૭૫ ટકા મેળવનારા પણ પ્રવેશ મેળવવનારાઓ કે પછી રૃા. ૫૦ લાખ ભરીને મેનેજમેન્ટ કે એનઆરઆઇ જેવા ક્વોટાની વિદ્યાર્થીઓ પણ ડોક્ટર કે એન્જિનિયર બને છે તો અનામત જેમ જ આ ઓછા માર્કસ ધરાવનારા શ્રીમંતોની અનામત ના કહેવાય ? તેના માટે કેમ રોષ નહીં ? તાલીમ અને અભ્યાસ પછી ૬૦ ટકાથી માંડી ૯૫- ૯૭ ટકા મેળવનારા બધા જ દેશની આરોગ્ય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી સંશોધનમાં સમાન ધોરણે કામ કરી શકવાની નિપુણતાનું ઓનપેપર લેબલ મેળવતા જ હોય છે.
ડોક્ટરો અને એન્જિનિયરો જ કહે છે કે અમે ક્યાંથી ડિગ્રી મેળવી, કેવી પ્રેક્ટિકલ તાલીમ લીધી, યોગ્ય ફેકલ્ટી હતી કે નહીં તે કોઈ પૂછતું નથી. અમે શહેર કે રાજ્યના વિખ્યાત આઠ દસ ડોક્ટરો કે એન્જિનિયરો તરીક પ્લેસમેન્ટ ન મેળવીએ તો પણ અમને વાંધો નથી. અમે અમારી રીતે ઉચ્ચ પગારની નોકરી કે વ્યવસાયમાં સંતુષ્ટ છીએે. ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કે છેક સુધી ઝળહળતી કારકિર્દી ધરાવનારાના કરતા ૬૦- ૬૫ ટકા મેળવીને સ્વનિર્ભરમાં પ્રવેશ મેળવીને આગળ આવેલા વધુ કમાણી કરતા હશે કે તેના પિતાના મોટા સેટઅપમાં ધીકતી પ્રેક્ટિસ આગળ ધપાવશે.
હવે ફીની વાત. એવા કેટલાય વિદ્યાર્થીઓ હોય છે. જેમના સરકારી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવાની ક્ષમતા કરતા થોડા જ ઓછા માર્ક આવ્યા છે પણ સ્વનિર્ભર કોલેજોની ફી તેઓને પરવડે તેમ નથી.
જરા થોભીને વિચારો કે રૃા. પચ્ચાસ લાખ એક ઉચ્ચ મધ્યમવર્ગીય કે ધનાઢ્ય કરતા એક સ્ટેજ ઉતરતા શ્રીમંતને પણ ક્યાંથી પરવડે ? બેંક લોન પણ વાલીની આવક કે સંપત્તિ સામે મળતી હોય છે.
આજે રાજ્યમાં અને દેશમાં એવા હજારો હોનહાર ભાવિ એન્જિનિયરો કે તબીબો કે અન્ય શાખાના દેશની મૂડી બની શકે તેવા હોંશિયાર છતાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણના નામે ઉઘાડી લૂંટને લીધે આપણે ગુમાવીએ છીએ.
માની લો કે, જેમની પહોચ ના હોય તે દેવું કરીને આટલી મોંઘી ફી સાથે ડિગ્રી મેળવી પણ લે. તો સ્વાભાવિક છે કે તેઓનું સૌ પ્રથમ લક્ષ્ય આ જંગી રકમ પરત મેળવવાનું હોય. આ ઉપરાંત તેણે જે અદ્યતન સેટઅપ, સાધનો સાથે મોકાની જગ્યાએ તેનું એકમ સ્થાપ્યું હોય છે તેનું

રોકાણ પણ અભ્યાસના ખર્ચ જેટલું જ હોય છે. આ બધો બોજ દર્દી કે ગ્રાહક પર જ આવે તે એકદમ સ્વાભાવિક છે. આ લૂંટારૃ માનસનો પાયો શિક્ષણના કૌભાંડને લીધે નંખાયો હોય છે.
ઘણા એવી દલીલ કરે છે કે અમેરિકા, યુરોપમાં મોંઘી ફી અને ખાનગી યુનિવર્સિટીઓ છે જ ને ! પણ તમે વિદેશની કોલેજો તો જુઓ. આપણી કોઈ પણ શાખાની જાણીતી ત્રણ- ચાર સ્વનિર્ભર કોલેજોને બાદ કરતા મોટા ભાગની કોલેજોમાં લાયકાત પ્રમાણેનો શૈક્ષણિક સ્ટાફ જ નથી. ૬૦- ૭૦ ટકા સાથે પ્રવેશ આપતી એન્જિનિયરિંગ કોલેજોના તાજા ગ્રેજ્યુએટ થયેલા છોકરા- છોકરી લેક્ચરર તરીકે હોય છે. હોસ્પિટલોમાં પણ તેવો જ નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ જોવા મળે છે.
માત્ર પરીક્ષા પદ્ધતિ જ નહીં સ્વનિર્ભર કોલેજો, ફી અને ક્વોલીટી ડિગ્રીધારી આવે આવે તે જોવું તેના કરતા પણ વધુ ગંભીર બાબત છે. રાજ્ય હતાશ યુવા પેઢીનું કારખાનું બનતું જતું હોય તેમ લાગે છે.