20120921

નકારાત્મક દૃષ્ટિકોણ માણસને પથ્થર જેવો સખત બનાવી શકે છે


સ્પાર્ક - વત્સલ વસાણી
- અસ્તિત્વ તમને પોતાને જ પ્રતિબંિબિત કરે છે. તમે સારા તો જગત સારું, તમે બૂરા તો જગત આખું ખરાબ.
લખવા એ નિરંતર એવું કહેતા કે પાનખર આવે અને વૃક્ષો પરથી તમામ પાંદડા ખરી જાય તો એવું ન માનશો કે જગત ઉજ્જડ અને વેરાન થઈ ગયું છે. એ તો માત્ર વસંત આવવાની પૂર્વ તૈયારી છે. રડવાની કે ઉદાસ થઈ જવાની કોઈ જરૂર નથી. થોડી સમજ વિકસાવો અને દુર ભવિષ્ય તરફ દૃષ્ટિ દોડાવો. સુંદર મજાના કુમળા પાનથી ફરી આ વૃક્ષો લચી પડશે. એના પર રંગ બેરંગી, સુંદર મજાના સુગંઘી પુષ્પો આવશે. આખું વાતાવરણ ફરીથી ઉત્સવ આનંદ અને રંગોથી ભરાઈ જશે.
રાત અંધારી થઈ જાય અને ક્યાંય કોઈ અજવાસ ન દેખાય તો એવું ન માનશો કે સૂર્યોદય થવાનો નથી. ઘનઘોર રાત્રિ પછી જ સૂર્યોદયની સંભાવના છે. જીવનનું ચક્ર સતત ફરતું રહે છે. અહીં ક્યાંય કશું સ્થિર નથી. અંધકાર પછી પ્રકાશ, દુઃખ પછી સુખ, મૃત્યુ પછી નવજીવન અને પાનખર પછી વસંત, જીવનનો આ સતત ચાલ્યા કરતો ક્રમ છે.
કોઈ તમને છેતરી જાય, દુખ અને વિષાદથી હૃદય ભરાઈ જાય એટલી હદે નુકસાન પહોંચાડે તો પણ એવું ન કહેશો કે પૂરી માનવ જાત પરથી હવે વિશ્વાસ ઊઠી ગયો છે. એક, બે કે પાંચ-પચાસ માણસો પરથી પૂરી માનવજાત વિષે નિર્ણય ન લઈ શકાય. એના બદલે જો સુખી જ થવું હોય તો આ રીતે પણ વિચારી શકાય. ભલે આજે કોઈ એક મિત્ર તરફથી દગો થયો. તેણે તમારી આશા અને ધારણાને ઠેસ પહોંચાડી પણ મહત્વની વસ્તુ તો તમારી આશા, તમારી અંદર પડેલી શ્રદ્ધા અને વિધાયક દૃષ્ટિ છે. ભલે થોડું નુકસાન થાય પણ માનવ જાત પરનો વિશ્વાસ, એના તરફનો પ્રેમ અને સદ્‌ભાવ ન ઘટવો જોઈએ. ચીંથરાની સાથે જો રતનને પણ ફેંકી દઈએ તો એ સૌથી મોટું નુકસાન છે. જગતના મોટા ભાગના માણસો ભલે દગો કરે, પરંતુ છેલ્લો માણસ પણ જો હજી બાકી હોય તો એના પર વિશ્વાસ કરજો. કદાચ એ તમારી આશા પૂરી કરે. તમને છેતરવાને બદલે, તમારા જીવનકાર્યમાં કદાચ એ સહયોગ કરે. છેલ્લો એક માણસ પણ તમારી આસ્થા અને વિધાયકતાને બચાવી લેવા માટે પર્યાપ્ત છે. અને માનો કે છેલ્લો માણસ પણ તમને નુકસાન પહોંચાડે તો તેમ શા માટે એવું ન વિચારી શકો કે તમે જે વિચારો છો કે જીવો છો તેમાંજ કદાચ ભૂલ હોય? બીજા બધા ખોટા છે એના બદલે, તમે એ રીતે કેમ? વિચારી શકો કે તમેય ખોટા હોઈ શકો.
ઓશો તો કાયમથી કહે છેઃ તમારી અંદર જે પ્રેમ અને આસ્થાનો દીપક છે તે ખૂબ કીમતી છે. ચારેકોરથીએ દીપકને બુઝાવી દેવાની કોશિષ ચાલશે પણ તમે જીવનના જોખમેય એનું જતન કરજો કેમ કે એ દીપક તમને છેક મંજિલ સુધી લઈ જશે. કાયમ એ તમારું માર્ગદર્શન કરશે માટે એને બુઝવા ન દેશો.
માનો કે કોઈ એક માણસે તમારું દિલ તોડ્યું. તમારી ધારણાથી વિરુદ્ધનું વર્તન કર્યું, તો શું એ માણસના એકજ કૃત્ય પર તમે નજર કરશો? એના જીવનનાં શું બીજા કોઈ પાસા નથી? તમારા માટે કશુંક સારું પણ કર્યું હોય, એનું શું તમને સહેજેય સ્મરણ નથી? એના આ કૃત્યથી ભલે તમે એ માણસ પ્રત્યે નફરત કરો પરંતુ ભવિષ્યમાં એ જ માણસ સારો નહીં સિદ્ધ થાય એની ખાતરી શી? આખું ભવિષ્ય હજુ બાકી છે અને છેલ્લી ક્ષણે પણ માણસ સુધરી શકે.
મહત્વની વાત એ માણસે શું કર્યું તે નથી પણ તમારી અંદર જે આસ્થા અને પ્રેમનો દીપક છે તે બુઝાઈ ન જાય તેનો ખ્યાલ સદૈવ રાખવો ઘટે કેમ કે એ કીમતી છે.
આનો અર્થ એવો હરગીઝ નથી કે ધોખો ખાવો એ સારી વાત છે. અથવા તો કોઈ તમારું શોષણ કે નુકસાન કરતું રહે અને તમે બાધાની જેમ હંમેશા છેતરાતા જ રહો. સ્થૂળ કરતાંય વાત વઘુ સૂક્ષ્મ છે. બીજાના કારણે પોતાની જાતને જ નુકસાન ન પહોંચી જાય તેની સાવધાની રાખવાનો આ અંગુલી નિર્દેશ છે.
નિષેધ આવે ત્યાં દ્વાર બંધ થઈ જાય છે. વિસ્તરવાની વાત પણ ત્યાં સમાપ્ત થઈ જાય છે. નકારાત્મક દૃષ્ટિકોણ માણસને પથ્થર જેવો સખત બનાવી શકે છે. અને સખત બની જઈએ તો નુકસાન આપણને પોતાને જ થાય છે. ઓશો સદા હકાર અને વિધાયક દૃષ્ટિકોણના પક્ષ પાતી છે. એ તો કહે જ છે કે સામે આવતું એકાદ દ્વાર બંધ હોય તો અટકી જવાનું કોઈ કારણ નથી. દિશા બદલો અથવા થોડા આગળ વધો તો નજીકનું કોઈ દ્વાર જરૂર ખુલ્લું હશે અને માનો કે દ્વાર બંધ હોય તો થોડું ખટખટાવો એ જરૂર ખુલશે અથવા તો એવું પણ બને કે દ્વાર બંધ જ ન હોય. તમને જ ઝોકું આવી ગયું હોય અને હાથ તમારા દિવાલ પર ફંફોળતા હોય. જરા આંખ ખોલો અને બંધ દ્વાર પણ ખૂલી જશે.
ઝેન ધારા એકદમ નિરાળી અને સંઘર્ષહીન છે. લડ્યા વિના જ જીતવાની એ રીત છે. કેમ કે ઝેન ધારા સદૈવ એવું માને છે કે, જે લડે છે તે હારે છે. જગતમાં લડવા જેવું કશું છે જ નહીં. અહીં જે કંઈ પણ છે તે એક અને અદ્વૈત છે. પરસ્પર વિરોધી લાગતી વાતો પણ અંદરથી એક હોય છે. કેમ કે એકની જ આ બધી જુદી જુદી રીતે થતી અભિવ્યક્તિ છે. મણકો તો એક જ છે માત્ર એના પાસા જુદી જુદી જગ્યાએ ઊભા રહીને જોવાથી અલગ અલગ દેખાય છે. આખો આ વિરાટ મણકો દર્પણનો જ બનેલો છે. એની સામે જે રંગ લઈને જશો જેવી દૃષ્ટિ કે આકૃતિ લઈને ઊભા રહેશો તેને એ એવી જ પ્રતિબંિબિત કરશે.
અહીં જે, જેટલી... અને જે કંઈ લડાઈ છે તે પ્રતિબંિબની છે. લોકો પ્રતિબંિબ સામે જોઈને લડે છે. પણ મૂળ મણકાને (મૂળ સ્ત્રોતને) જોતા જ નથી. તમે જેવા છો, દર્પણનો બનેલો આ પાસાદાર મણકો તમને એવા જ પ્રતિબંિબિત કરે છે. તમે સારા તો જગત સારું. તમે બૂરા તો જગત આખું ખરાબ.
‘ઝેન’ સંતો પાસે જીવન અને જગતને જોવાની, આ એક તદ્‌ન નિરાળી, લડાઈ-ઝઘડા વિનાની વિધાયક દૃષ્ટિ છે જેમને દુઃખી નથી થવું, અહોભાવ સાથે જીવવું છે, રસ, રંગ, નૃત્ય અને ઉત્સવને જ જીવન ઘ્યેય માનીને જીવવું છે તેમણે અનિવાર્ય રીતે એમની આ વાત અને જીવનશૈલી પર ઘ્યાન આપવું જ પડશે.
ક્રાન્તિબીજ
ૈલ્‌યદ્વ્‌ષ્હૃઝ ાૃ્રશ્નઢ્ઢપ્‌ેંઊં પ્ઢહ્મછ ટ્રછપ્રદ્વ્‌યેંદ્બેંઊંથ ળ
હ્લઝ્‌યહ્લદ્વ્‌ઝ હ્લઢઙ્ખપ્‌પ્, હ્લ્‌હ્લ્‌પ્ હ્લઝ હ્લફક્નઝઊંશ્ર ળળ
‘જે વાત કરોડો ગ્રંથોમાં કહેલી છે તે વાત હું તમને અર્ધા શ્વ્લોકમાં કહી દઉં છું. પરોપકાર કરવામાં પુણ્ય છે અને કોઈને પણ પીડા પહોંચાડવામાં પાપ છે.’
- વ્યાસ મુનિ (મહાભારત)

-Gujarat Samachar