20121215

ભાષાનો આત્મા અને આત્માની ભાષા


માનવોની સૌથી અગત્યની પહેલી શોધ છે ભાષાની. એને થોડા ઉંડાણમાં તપાસીએ. આદી માનવ પોતાના વીચાર વ્યક્ત કરવા જુદા જુદા અવાજ કાઢતો હતો. વધુ વીવીધતાવાળા અવાજ કાઢવાના પ્રયત્ન સાથે એની સ્વરપેટી પણ વીકસતી ગઈ.
માત્ર અવાજોની વીવીધતા પુરતી નહોતી. વીચારો અને ઈચ્છાઓ વ્યક્ત કરવા એમણે શબ્દો બનાવ્યા. જરુરત પ્રમાણે શબ્દોના સમુહ બનાવી વાક્યો રચ્યાં. આ એક વ્યવસ્થીત બોલીની શરુઆત હતી.
માત્ર બોલીને વીચારો વ્યક્ત કરવાની ઘણી મર્યાદાઓ છે. બોલેલું સાંભળનાર બરાબર ન સમજે તો ગેરસમજ થઈ શકે છે. તેમ જ બોલેલું ક્ષણીક છે, નાશવંત છે. ગેરસમજ થઈ હોય ત્યારે કોણ સાચું એ નક્કી કરવું શક્ય નથી.
અગત્યના વ્યવહારો માટે લખવું જરુરી હતું એટલે પ્રગતીશીલ સમાજે લીપી બનાવી. આ માટે પહેલાં મુળાક્ષર બન્યા, પછી શબ્દો બન્યા અને વાક્યો રચાયાં. આ ભાષાની શરુઆત હતી. ભાષાને સમૃદ્ધ બનાવવા વ્યાકરણની રચના થઈ વગેરે વગેરે.
આજની જેમ કોઈ વૈજ્ઞાનીક ઉપકરણ એક ઠેકાણે શોધાયા પછી ઝડપથી પુરી દુનીયામાં ફેલાય છે તેમ બોલી કે ભાષાનો ફેલાવો નહોતો થયો. દરેક માનવ સમુદાયે સ્વતંત્ર રીતે પોતાની રીતે બોલી વીકસાવી હતી. એટલે જ દુનીયામાં હજારો બોલીઓ છે. આ સમાજોમાંથી બહુ થોડાએ પોતાની લીપી બનાવી જેની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે. એમના આસપાસના સમાજોએ એમની લીપી અપનાવી જ્યારે લીપીના અભાવે ઘણી બોલીઓ ભાષા બની શકી નહીં. પોતાની આગવી લીપી શોધનાર માનવસમાજ વધુ પ્રગતીશીલ હતા.
આજે આપણે ઘણી પ્રગતી કરી છે. માનવસર્જીત ઉપકરણોથી ઘેરાયેલા છીએ; છતાં ભાષાઓ સમજવાની બાબતમાં આપણી મર્યાદા છે. જે ભાષા આપણે શીખ્યા નથી તે આપણા માટે કોયડો માત્ર છે. કાગળ પર દોરેલી આડીઅવળી લીટીઓ બધા જોઈ શકે છે; પણ આપણી પરીચીત સંજ્ઞાઓના લખાણનો જ અર્થ સમજાય છે. બાકીની બધી સંજ્ઞાઓનો કંઈક અર્થ થાય છે એ જાણવા છતાં તે સમજી શકતા નથી.
કાગળ એક પદાર્થ છે. એના પર લીટીઓ દોરનાર કે સંજ્ઞાઓ બનાવનાર શાહી પણ પદાર્થ છે. કાગળ અને અક્ષરોનાં માધ્યમ ભાષાનો એક ભાગ બને છે. ભાષાનો બીજો ભાગ છે લખાણનો મતલબ. જે પદાર્થ નથી કે ઉર્જા નથી. એને રંગ, રુપ, આકાર નથી. એ વીશીષ્ટ છે, અમુર્ત છે, એવું કંઈક છે જે લખાણને અર્થ આપે છે. એ માહીતી છે.
આ કાગળ–પેનનું દૃષ્ટાંત હતું. આજના વીકસીત યુગમાં માહીતી ઘણી રીતે ઉપલબ્ધ છે. આવા દરેક પ્રકારમાં પદાર્થરુપી માધ્યમ અને એનો મતલબ એવા બે ભાગ હોય છે. માધ્યમ વગર માહીતીનું અસ્તીત્વ શક્ય નથી. જો પદાર્થનો (માધ્યમનો) નાશ કરવામાં આવે તો એની સાથે માહીતીનો પણ નાશ થઈ જાય છે.
ભાષાનું માધ્યમ અને માહીતીનું ઉદ્ ગમસ્થાન માનવ મગજ છે. એ જ પ્રમાણે કળાઓ, વીચારધારાઓ, રોજબરોજનાં ઉપયોગી સાધનો વગેરે આપણી આસપાસ જે છે તે પણ માનવસર્જીત છે, એ બધાનું  ઉદ્ ગમસ્થાન પણ માનવ સમાજ  છે. આ સત્ય વીશે કોઈ વીવાદ ન હોઈ શકે.
માણસની જેમ જ પ્રકૃતી(કુદરત) પાસે પણ પોતાની ભાષા છે. ફરક માત્ર એટલો છે કે માનવોની જેમ સેંકડો–હજારો નહીં; પણ પ્રકૃતી પાસે માત્ર એક જ ભાષા છે જેને આપણે પ્રકૃતીના નીયમ કહીએ છીએ. કુદરતની આ ભાષાની જટીલતા જરુર પ્રમાણે બદલાય છે. એના બે મુખ્ય પ્રકાર છે : નીર્જીવોમાં અંકીત થયેલ માહીતી અને સજીવોમાં અંકીત થયેલ માહીતી. આપણી ભાષાની જેમ પ્રકૃતીની ભાષા પણ ધીરે ધીરે વીકસી છે. અન્ય સમાજોની ભાષા સમજવી આપણા માટે અઘરી છે તો પ્રકૃતીની ભાષા સમજવી એના કરતાં ઘણી અઘરી છે.
અમુક ચોક્કસ તાપમાને પાણી થીજીને બરફ બને છે અને બીજા ચોક્ક્સ તાપમાને વરાળ બને છે. પાણીના અણુઓમાં આ માહીતી અંકીત થયેલી છે, લખાયેલી છે. આ ઉપરાંત બીજી પણ કેટલીક માહીતી છે. એવી જ રીતે દરેક પદાર્થમાં ઘણી માહીતી સમાયેલી છે જેને આપણે પદાર્થના ગુણધર્મ  કહીએ છીએ.
દરેક પદાર્થ પરમાણુઓનો બનેલો છે અને બધા જ પરમાણુ માત્ર ત્રણ ઘટકોના બનેલા છે : પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોન. પરમાણુઓમાં એમની વધુ–ઓછી સંખ્યા પ્રમાણે જુદા જુદા પદાર્થો બનેલા છે. આપણા જીવનદાતા ઓક્સીજનના પરમાણુમાં પ્રોટોન–ઈલેક્ટ્રોનની આઠ જોડીઓ છે જ્યારે નીષ્ક્રીય ગણાતા નાઈટ્રોજનમાં એમની સાત જોડીઓ છે. એક જોડીના વધવા–ઘટવાથી પદાર્થ બદલાઈ જાય છે, એના ગુણધર્મ બદલાય છે, એનો ઉપયોગ બદલાય છે. પરમાણુ અને ઘટકો પદાર્થ છે જ્યારે એમની વધતી–ઘટતી સંખ્યા અને વીશીષ્ટ રચના એમાં રહેલ માહીતી છે.
સજીવોમાં અંકીત થયેલ માહીતી નીર્જીવો કરતાં ઘણી જટીલ છે. માતા–પીતાના માત્ર એક–એક કોષથી શરુ થયેલ માનવશરીર, વીકાસ પામતાં અબજો કોષોનું બને છે. એટલું જ નહીં; દરેક અવયવના કોષનું કાર્ય ભીન્ન હોય છે. કોષની નાભીમાં આપણું DNA હોય છે. DNAમાં રહેલ પરમાણુઓની ચોક્કસ પ્રકારની ગોઠવણ જે તે કોષને એના કાર્યની માહીતી પુરી પાડે છે. (જે રીતે ચોક્કસપણે ગોઠવાયેલ શબ્દોને લીધે વાક્યને એક સ્પષ્ટ અર્થ મળે છે એ જ રીતે.) આંખના કોષોને મળતી વીશીષ્ટ સુચનોને લીધે આપણે જોઈ શકીએ છીએ, જીભના કોષોને મળતાં વીશીષ્ટ સુચનોથી એ સ્વાદ પારખી શકે છે વગેરે. શરીરનો દરેક અવયવ આ રીતે કાર્ય કરે છે.
શરીર પદાર્થ છે, શરીરના કોષ પદાર્થ છે, કોષમાં આવેલ DNA પદાર્થ છે અને DNA રચતા પરમાણુ પણ પદાર્થ છે. આ બધા પદાર્થોમાં એમના પ્રકૃતીદત્ત ગુણધર્મ સચવાયેલા છે. DNAના પરમાણુઓની ચોક્કસ પ્રકારની રચનાને લીધે કોષમાં એક નવો ગુણ ઉમેરાય છે. એ પદાર્થ નથી, ઉર્જા નથી; પણ સુચના છે, માહીતી છે જે અમુર્ત છે.
આજે માઈક્રોસ્કોપની મદદથી કોષને જોઈ શકાય છે,  DNAના પરમાણુઓની ગોઠવણ બદલાતાં એમના કાર્યમાં થતા ફેરફાર જાણી શકાય છે. ભુતકાળના માનવોને જ્યારે આ બધી ખબર નહોતી ત્યારે સજીવોને નીર્જીવથી અલગ પાડતા તત્ત્વને ત્યારના વીચારકોએ નામ આપ્યું : ચેતના, આત્મા, પ્રાણ, જીવ વગેરે. પછી જેને જરુર પડી એણે એના મનઘડંત અર્થ કરી પોતાનો મતલબ સાધતા આવ્યા છે.
પદાર્થમાં રહેલ આ પ્રકારની વીશીષ્ટ માહીતી માટે પ્રાણ શબ્દ વાપરવો જ હોય તો ભાષાના અર્થને ભાષાનો પ્રાણ કહી શકાય, નીર્જીવોના ગુણધર્મને નીર્જીવોનો પ્રાણ કહી શકાય. એ રીતે આપણો પ્રાણ કે આત્મા, શરીરને જીવંત રાખવા માટેની જરુરી સુચનાઓ છે.
આત્મા જેવા સંવેદનશીલ વીષય પર પ્રચલીત માન્યતાથી ભીન્ન દૃષ્ટીકોણ રજુ કરવો હોય તો આટલી ઝીણવટભરી પ્રસ્તાવના કરવી જરુરી છે; છતાં કદાચ પુરતી ન પણ હોય ! જીવતા રહેવા માટેની જરુરી ક્રીયાઓ આપણી જાણ વગર આપોઆપ થાય છે અને મૃત્યુ સુધી ચાલતી રહે છે. આવી થોડી ક્રીયાઓ છે: દરેક અવયવને લોહી પહોંચાડવા માટે ધબકતું હૃદય, લોહીને શુદ્ધ કરતાં ફેફસાં અને કીડની વગેરે. આ બધા મર્મેન્દ્રીયો (Vital Organs) છે. એમને મળતી સુચનાઓ અટકી જાય એટલે આપણું મૃત્યુ થયું ગણાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે મૃત્યુ એટલે DNA પરના લખાણનો નાશ થવો. તે સમયના વહેણ સાથે ભુંસાઈ જાય કે આકસ્મીક રીતે છેકાઈ જાય.
મૃત્યુ સમયે કોષ નીષ્ક્રીય થાય છે, નાશ પામતા નથી. DNAની માહીતી ભુંસાય છે, બીજે ક્યાંય પણ જતી નથી. એટલે કહ્યું છે તેમ માહીતીરુપી આત્માને હંમેશાં પદાર્થરુપી શરીરની જરુર પડે છે. શરીરથી સ્વતંત્ર આત્માનું અસ્તીત્વ શક્ય નથી.
આત્માનો અંશ માત્ર બે રીતે બીજી કોઈ વ્યક્તીને આપી શકાય છે. એક છે રક્તદાન કે અવયવોનાં દાન દ્વારા. બીજી રીત છે આપણાં સંતાનોને મળતો આપણો જૈવીક વારસો. આ બન્ને કીસ્સાઓમાં માહીતી સાથેનો જીવંત કોષ પોતે ટ્રાન્સફર થાય છે. માતા–પીતાના બે એવા કોષ છે જેમાં જીવનને જરુરી બધી માહીતી અંકીત થયેલી છે. તે સીવાય આત્મા સ્વતંત્ર રીતે બીજા કોઈ શરીરમાં પ્રવેશતો નથી કારણ કે દરેક સજીવમાં ગર્ભાવસ્થાથી જ આત્મા હોય છે. નહીં તો એની વૃદ્ધી ન થાય.
ચોરાશી લાખ યોનીમાંથી પસાર થતા આત્માની વાતો પણ એટલી જ પાયા વગરની થઈ જાય છે. નાનાં જીવજંતુઓના DNA આપણાથી એટલા જુદા હોય છે કે એમની સુચનાઓ વધુ વીકસીત જીવોને ઉપયોગી ન થઈ શકે. એમનો ‘આત્મા’ બધે ફરીને માનવ શરીરમાં આવવો અશક્ય છે. હા, એમની ઉત્ક્રાંતી થઈ કરોડો વરસ પછી માનવ અસ્તીત્વમાં આવ્યો છે, જે આત્માના ફરવા કરતાં સાવ અલગ બાબત છે.
દુનીયાની બહુમતી પ્રજા પુનર્જન્મમાં માનતી નથી. જેઓ માને છે એમની અમર આત્માની માન્યતા પુરાણી સમજ અને ત્યારે ઉપલબ્ધ માહીતી આધારીત હતી. આજે આપણે શરીરની રચના વીશે જેટલું ઝીણવટથી જાણીએ છીએ એના આધારે પ્રચલીત માન્યતાને ત્યજી વાસ્તવીક દૃષ્ટીએ (Pragmatically) વીચારવું જરુરી છે.
શરીરથી સ્વતંત્ર એવા અમર આત્માના અસ્તીત્વનો ગળે ઉતરે એવો આધાર કે એના અસ્તીત્વને નકારવાના સંગીન પુરાવા કોઈ પાસે નથી. એના પરોક્ષ પુરાવા અહીં આપ્યા છે જે એની તરફેણમાં અપાતા પુરાવાઓ કરતાં ઘણા વીશ્વસનીય છે. તરફેણમાં અપાતા પુરાવાઓની પોકળતાને પડકારતા લેખ અત્રે 4 માર્ચ 2011 અને 1 એપ્રીલ 2011ના રોજ પ્રસીદ્ધ  થઈ ચુક્યા છે. તે બન્ને લેખો માટે નીચે અનુક્રમે લીંકસ આપી છે:http://govindmaru.wordpress.com/2011/03/04/murji-gada/ અને http://govindmaru.wordpress.com/2011/04/01/murji-gada-2/ જરુરી જણાય તો પુર્વસંદર્ભ માટે જોઈ જવા વીનંતી.
આ વાતને બીજી રીતે સમજીએ. આજે અવકાશયાત્રીઓ પૃથ્વીને સમ્પુર્ણપણે જોઈ શકે છે. એની પ્રદક્ષીણા કરી પૃથ્વી ગોળ હોવાનું ઠોસ પ્રમાણ આપી શકે છે. ચારસો વરસ પહેલાં પૃથ્વી ગોળ હોવાની વાત જ્યારે વીજ્ઞાનીઓએ કરી ત્યારે અવકાશયાત્રા શક્ય નહોતી. એમણે પરોક્ષ પુરાવા દ્વારા પૃથ્વીનો ગોળ આકાર સાબીત કર્યો હતો જે હવે સર્વસ્વીકૃત છે. એવી જ રીતે અન્ય અવકાશી પદાર્થો, નીયમો અને ઘટનાઓ વીશે પણ પરોક્ષ પુરાવાઓ રજુ કરાય છે જે સમય જતાં સીદ્ધ થાય છે.
કેટલીક બાબતો એવી હોય છે જેમના નક્કર પુરાવા આપી શકાતા નથી. એમને લોજીક, રીઝનીંગ કે સાંયોગીક પુરાવાને આધારે (by circumstantial evidence) સાબીત કરાય છે. કાયદામાં આ એક ખુબ પ્રચલીત રીત છે. અમર આત્મા, પુનર્જન્મ, મોક્ષ વગેરે એવા વીષય છે જે પરોક્ષ રીતે પણ પુરવાર થયા નથી. માત્ર ધ્યાન ધરવાથી કોઈને બધું જ્ઞાન આવી ગયું કે આવી શકે એ એક પરીકલ્પના છે.
સત્યને કે બ્રહ્મને સમજવા અને પામવા જાતજાતના સાધકો થઈ ગયા છે અને થઈ રહ્યા છે. એમાંથી કેટલાક સંસારની જવાબદારીઓથી ભાગનાર પલાયનવાદીઓ છે, કેટલાક સાધકના નામે મળતા માનમરતબા અને લોકપ્રીયતાથી અંજાઈ સાધક બની બેઠેલા ઢોંગી છે; તો કેટલાક વળી ભોળાભાવે આ મૃગજળ પાછળ જીવનભર દોડી આભાસી સંતોષ મેળવે છે. વાસ્તવીકતા એ છે કે આ પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર કોઈ પાસે નથી. એટલે સંસારમાં જન્મેલા આપણે, સંસારમાં રહી પ્રામાણીકપણે આપણી જવાબદારીઓ નભાવીએ. એ સાથે માનવસમાજ અને પ્રકૃતીના ભલા માટે આપણાથી થાય એટલું કરી છુટીએ એ વધુ અગત્યનું છે.
જેવી રીતે ભાષાનો અર્થ એનો આત્મા ગણાય, પદાર્થોના ગુણધર્મ એમનો આત્મા ગણાય એ જ રીતે આપણા શરીરને ટકી રહેવા મળતા જરુરી સંકેતોને આપણો આત્મા ગણી શકાય. પ્રચલીત માન્યતાઓને બાજુએ રાખી આ નવી શક્યતા પર વીચાર કરનાર સત્યની શોધનો ઉપાસક ગણાશે. વધુ નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી એને સ્વીકારવું વધુ રૅશનલ હશે. યાદ રહે કે કેટલાંક સત્યની શોધ એક ગતીમાન લક્ષ (moving target) હોય છે. ઘણા પ્રયત્નો અને શક્યતાઓ તપાસ્યા પછી ત્યાં પહોંચાય છે.
 માનવસર્જીત ભાષા, કળાઓ, વીચારધારાઓ, ઉપકરણો વગેરે બધામાં માનવે ‘પ્રાણ’ પુર્યા છે. તો પછી પ્રકૃતીમાં ‘પ્રાણ’ (વીશીષ્ટ માહીતી) કોણે મુકી છે ? માણસ વીચારતો થયો ત્યારથી આ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો પણ હજી અનુત્તર છે. આ સર્જનહાર, જો હોય તો, પ્રચલીત માન્યતા પ્રમાણેનો ઈશ્વર ન હોઈ શકે, બીજું જ કંઈક હોવું જોઈએ, એની વીસ્તૃત ચર્ચા અલગ લેખમાં કરવામાં આવશે.
–મુરજી ગડા
લેખક સમ્પર્ક: શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1518 સેલફોન: 97267 99009ઈ.મેઈલ: mggada@gmail.com


By– ગોવીન્દ મારુ