20121216

‘ગુરુ’

FunFunky.com



http://www.youtube.com/watch?v=QxHM_oPj_5E
http://www.youtube.com/watch?v=0f7_IPMyKV0

1.• गुरुर् साक्षात् पर:ब्रह्म: तस्मै श्रीगुरवे नम:

• गुरुर् ब्रह्मा गुरुर् वीष्णुर् गुरुर् देवो महेश्वर:
2. ગુરુ ગોવીંદ દોઉ ખડે કાકે લાગું પાય ?બલીહારી ગુરુ આપકી ગોવીંદ દીન્હો બતાઈ !
3. ગુરો: આજ્ઞા અવીચારણીયા…
4. ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનમ્…
           જે અંધકાર દુર કરે તેને ગુરુ કહેવાય. ઉપરનાં પ્રથમ બે અવતરણોમાં ગુરુ માટે અતીશયોક્તી છે. ત્રીજા અવતરણમાં સૈનીકી શીસ્તના દર્શન થાય છે. ચોથા અવતરણમાં ગુરુના મૌનને પણ વ્યાખ્યાનમાં ખપાવવાનો આદરયુક્ત ભાવ જણાય છે. પરંતુ જે ગુરુ દ્રોણ, શીષ્ય એકલવ્યનો અંગુઠો માંગે તેને શું કહેવું ? જે ગુરુ પોતાનું મહત્ત્વ વધારવા માટે પહેલાં આપણા પ્રણામ માંગે, ચેલા મુંડવાનો ભાવ મનમાં છુપાવે અને સંપુર્ણ આજ્ઞાપાલન માટે ‘કેમ ?’ જેવો  પ્રશ્ન પુછવાનો વીદ્યાર્થીનો જન્મસીદ્ધ અધીકાર છીનવીને કહે કે : ‘આજ્ઞાનું કેવળ પાલન જ કરવાનું છે; પ્રશ્ન ‘કેમ ?’ પુછવાનો નથી,’ તેના મૌનને પણ દંભમાં ખપતાં વાર ન લાગે. મૌનથી અજ્ઞાન છુપાવવાનો પ્રયત્ન, સત્યને સંતાડવાનો, અન્યાય અને અધર્મને સહન કરવાનો પ્રયત્ન ક્યાં નથી થતો ? આવા મૌનમાં કાયરતા પણ હોઈ શકે છે. બોલવાની જરુર હોય ત્યારે મુંગા રહેવું અને મુંગા રહેવાની જરુર હોય ત્યારે અસ્પષ્ટ બોલવું, તેમાં મનુષ્યની નીર્ભયતાના દર્શન થતાં નથી. આ નીર્ભયતા જ તો બધા ગુણોનો રાજા છે ! એના વીના બાકીના દસ ગુણોનું પાલન કરવું અશક્ય છે. આવા ગુરુનો મહીમા ભલે ગમે તેટલો ગવાયો હોય, પણ તે ગળે ઉતરતો નથી. એકવીસમી સદીની નવી પેઢી તો એવા પરમ મીત્ર અને માર્ગદર્શકની શોધમાં છે જે માર્ગદર્શન આપે. આમાં મુખ્ય વાત ‘દર્શન’ આપવાની છે. પણ માર્ગ તો જાતે જ શોધવાનો છે. આ માર્ગ શોધવાનું કામ અનુભવે, ઠોકરો ખાઈને અને પોતાની વીવેકબુદ્ધીને અજવાળે કરવાનું છે.
          જ્યારે આ કામ એકલપંડે કરવાનું હોય, ત્યારે સ્વતંત્ર ચીંતનનો વીકાસ કરવો પડે. આજના શીક્ષણનું એ ધ્યેય હોય કે તે આંધળું સમર્પણ કરવાને બદલે સ્વતંત્ર ચીંતનને માર્ગે એકવીસમી સદીની નવી પેઢીને વાળે. આ યુગની ઉદ્ધત ગણાતી નવી પેઢીના ગુરુ બનવાની હીંમત કોણ કરે ? એ આંખો બંધ કરીને ધ્યાન ધરવા બેસે તો નર્યું અંધારું જ દેખાય ! એટલે ઠોકરો ખાઈને ધક્કાપદ્ધતીથી  જ્ઞાન મેળવવાનો રસ્તો મોટે ભાગે એને માટે ખુલ્લો રહેશે ! સ્વતંત્ર અને વસ્તુલક્ષી સમતોલ ચીંતન કરવાનો માર્ગ અઘરો છે. લાંબો છે. જેને આ રસ્તે જવું હોય તેને એકલા પડી જવાની તૈયારી રાખવી પડે છે. એમના અજંપાને જોવા કોઈ આવવાનું નથી. એમનાં આંસુ જોવાનો કોઈને સમય નહીં હોય. આંસુ લુછવાની વાત તો ભુલી જ જવાની ! આંસુ તો જાતે જ લુછીને સ્વાવલંબી બનવાનું છે. વસ્ત્રસ્વાવલંબન અને અન્નસ્વાવલંબન કરતાં આ અઘરી વાત છે; પણ તે કરવા જેવી છે. સ્વતંત્ર ચીંતન કરવા ઈચ્છનારે આવી એકલતાની અવસ્થામાંથી પસાર થવું જ પડે છે. ત્યાર પછી જે સ્વતંત્ર વીચારદર્શન થશે તે સ્પષ્ટ હશે. બળ આપનારું હશે.
         ગૌતમ બુદ્ધને આવી એકલતામાંથી પસાર થયા બાદ સ્પષ્ટ વીચારદર્શન મળ્યું. ગાંધીજીએ અને વીનોબાજીએ ગુરુની જગ્યા ખાલી રાખી હતી. શ્રી. અરવીંદે તો કહી જ નાખ્યું કે, ‘ગુરુ બનાવવાની જરુર જ નથી; તમે જ તમારો મંત્ર બનાવો.’
          એ વાત સાચી કે ગુરુપરંપરા સંગીત અને નૃત્યને ક્ષેત્રે ટકી છે. કંઠ, વાદ્ય અને અંગને કુશળ બનાવવાનાં ક્ષેત્રમાં આ સાચું હોય તોય; જીવનમાં અને તેના સર્વ વ્યવહારોમાં પોતાની વીવેકબુદ્ધીને જ ગુરુ માનવી પડશે.
         આ વીવેકબુદ્ધી મનના વેગીલા પ્રવાહમાં તણાઈ નહીં જાય; પણ સ્થીર રહેશે અને મનને કાબુમાં રાખશે. મનની ચોકી કરશે. ન જોઈતા વીચારોને ઘુસવા નહીં દે અને ઈન્દ્રીયોના આવેગોથી ઝંખવાવાને બદલે આ આવેગોનાં જન્મસ્થાનને શોધી કાઢીને તેને દુર કરશે.
          તરતાં શીખવું હોય તો પાણીમાં ઉતરવું પડે. વીવેકબુદ્ધીને સુક્ષ્મ, સંવેદનશીલ અને ભક્તીની ભીનાશવાળી બનાવવી હોય તો મન અને ઈન્દ્રીયોને વશમાં રાખ્યા વીના છુટકો નથી. આને યોગશાસ્ત્રનું નામ આપવું હોય તો ભલે આપીએ. એ યાદ રાખવું પડશે કે બધાને મનની ભુમીકા પરથી ઉંચે ઉઠવાનું છે. વીશાળ જનસમાજના હીતને કેન્દ્રમાં રાખીને જીવન જીવવાનું છે. એમાં પોતાના આગ્રહો, દુરાગ્રહો, પુર્વગ્રહોને છોડવાના છે. આ કામ ચંદ્ર પર પહોંચવા કરતાંય વધુ મુશ્કેલ છે; પણ અશક્ય નથી. કરવું તો પડશે જ. જીવન સામેના આ પડકારને ઝીલવા માટે પ્રથમ જાતે બદલાવું પડશે. શીક્ષણપદ્ધતીને બદલવી પડશે. બધાં પરીવર્તનોનો આરંભ પોતાનાથી કરવાનો છે. પણ વ્યક્તીના પરીવર્તનની સાથે સમાજનું પરીવર્તન થવું અનીવાર્ય છે. આ કામ પોતાને દીવડે શરુ કરીને તેનું તેજ સમાજમાં ફેલાવવાનું છે. પોતાનું પરીવર્તન સમાજમાં રહીને કરવાનું છે. એમાં સૌને સાથે રાખવાના છે. જંગલમાં જઈને કે પર્વતની ગુફામાં બેસીને પરીવર્તનનાં કામ હવે થઈ ન શકે. પરીવર્તનની દીશામાં વ્યક્તી એકલી આગળ વધશે તે એનું કુટુંબ અને સમાજ એને પાછળ ખેંચશે. આવો અનુભવ આપણને ક્યાં નથી થતો ?
          મધ્યયુગમાં સંતો અને ભક્તોની હારમાળા થઈ ગઈ. પણ સમાજ એક ઈંચ પણ આગળ ન વધ્યો. એટલે જે પરીવર્તનો થાય તે સમાજના સંદર્ભમાં થશે તો જ આગળ વધાશે. આ વાત દીવા જેવી સ્પષ્ટ થશે તે દીવસે સમગ્ર સમાજને જાગ્રત કરીને સાથે રાખવાની પ્રેરણા થશે. સમાજની વીવેકબુદ્ધીને જગાડવાનો પુરુષાર્થ કરવો પડશે. ‘ગુરુ બીન કૌન બતાવે વાટ’ એવું માંદલું ભજન ગાવાને બદલે, ‘તું તારા દીલનો  દીવો થાને, ઓરે, ઓરે, ઓ ભાયા !’ ગાવાનું છે. બુદ્ધને યાદ કરીને પોતાની જાતને ઢંઢોળીને કહેવાનું છે કે : ‘આત્મદીપો ભવ’.
લેખકનો સંપર્ક:
શ્રી. યોગેન્દ્ર પરીખ, ૨૧–એ, અલકા સોસાયટી, છાપરા રોડ, નવસારી–૩૯૬ ૪૪૫ ફોન : (02637) 259 529 મોબાઈલ : 990 997 4133 ઈ–મેઈલ :yogendraparikh@sify.com

By– ગોવીન્દ મારુ