20130625

સંસ્થાબધ્ધ ધર્મો માટે માણસ એક પાલતુ પશુ-----અન્તર્યાત્રા - ડૉ.સર્વેશ પ્ર.વોરા

ગુજરાત સમાચારની 29/05/2013ને બુધવારની “શતદલ” પૂર્તિમાં આવેલ શ્રી સર્વેશ પ્ર. વોરાનો આ લેખ આપ સૌ મિત્રોને વાંચવો અને વિચારવો ગમશે તેમ ધારી તેઓ બંનેના સૌજન્ય અને આભાર સાથે રજૂ કરેલ છે..
અન્તર્યાત્રા સર્વેશ પ્ર.- ડૉ.વોરા
સંસ્થાબધ્ધ ધર્મો માટે માણસ એક પાલતુ પશુ
બે આંગળીઓ સરખી ન હોય બે માણસ સરખા ન હોય. એક પરિવારમાં એક જ ઉપાસના-પદ્ધતિ, એક જ છત્ર, એક જ શિસ્તનાં બંધારણ હેઠવ રહેતા પાંચ બાળકો સરખાં ન હોય તેમ એક વ્યક્તિ પ્રત્યે સન્માનભાવથી વાત કરો તો એ સન્માનભાવને તમારી કોઇક નિર્બળતા ગણે, અન્ય વ્યક્તિ તમારી સન્માનદર્ષક વર્તણૂકની યોગ્ય કદર કરે. ઘરમાં બેઠેલા પિતા, માતા, ભાઇ કે રોજ લોકલ ટ્રેનમાં તમારી સાથે ખભા જોડીને મુસાફરી કરતો તમારો અદનો પાડોશી તમને વંદનીય ના લાગે, પણ વ્યાસપીઠ પર એ જ વ્યક્તિ હજારોને મંત્રમુગ્ધ કરતી વાણી કહે, તમે એને રોજ ના મળતા હો તો એ તમને પ્રભાવિત કરે, ભલે એના કરતાં અનેક ગણી વેધક અને સચોટ વાત તમારા પિતા-માતા-ભાઇ કરતાં હોય !
કદી વિચાર કર્યો છે માણસ જાતના અતિગહન અતિસંકુલ મનોવિજ્ઞાાન વિષે ? જો મનોવિજ્ઞાાનની સમજનું એકાદ પ્રકાશકિરણ પણ તમને લાવે, તો કહેવાતા- ધાર્મિક અને નીતિમત્તા મંડિત આન્દોલનો તમને ખરેખર ખોખલા કે પત્તાના મહેલ જેવા લાગે. પછી સમજાય કે કોઇ ભ્રમણા કે છીછરી ઉધારી માન્યતા લઇને ભલે ને વિરાટ જનસમૂહ રાસડા લેતો હોય, છતાં એ 'વિરાટ'સંખ્યામાં જોરથી ભ્રમણા સત્ય નથી બનતી.
નિયમો, બંધારણીય શિસ્ત દ્વારા માણસને શાંતિ, મોક્ષ, મુક્તિને પંથે લઇ જવાનો દાવો કરનારી તમામ સંસ્થાબધ્ધ ઉપાસના-પદ્ધતિઓએ શું ઉકાળ્યું છે ? ઝનુન અને જાત અંગેની ખોટી આત્મવંચક ભ્રમણા સિવાય ? તમે જે ક્ષણે સત્ય અનુભવો, સુખ-શાંતિ અનુભવો, આંતરિક પ્રસન્નતા અનુભવો, તે ક્ષણથી તમને ઝંખના જાગે છે કે આ સુખ, આ પ્રસન્નતા મારા ભાંડરૃ, ભાઇ, બહેન, સ્નેહીને પણ મળે, આ ઝંખના ખોટી નથી, પણ જે ક્ષણે તમે તમારી અનુભૂતિ માટે કોઇ ''ફોર્મ્યુલા''કોઇ નુસખો, કોઇ નીતિ-નિયમોનો દસ્તાવેજ ઘડી, અન્યને કંઠે બાંધી, અન્ય પણ તમારા જેવી અનુભૂતિ પ્રાપ્ત કરે એવું ઇચ્છો છો, એવું કરવા નક્કર પ્રયત્ન આદરો છો ત્યારથી મુર્ખતાની શરૃઆત થાય છે. સંપ્રદાયની શરૃઆત થાય છે. કહેવાતા- સંસ્થાબદ્ધ ધર્મની શરૃઆત થાય છે. તમે ભૂલી જાવ છો કે દરેક માણસ એક સ્વતંત્ર અસ્તિત્વ છે, દરેક વ્યક્તિ અમુક આગવે તબક્કે, અમુક ખાસ સ્તરે ઉભેલ યાત્રાળુ છે, એના પોતાના પ્રતિભાવ છે, એની પોતાની સંસ્કારગત સબળતા અને નિર્બળતા છે. એ પાળતુ પશુ નથી કે તમે એને અમુક આહારવિહારની સૂચિ ગોખાવી દો, બાહ્ય વર્તણૂકના અમુક ઢાંચામાં ઢાળી દો એટલે બસ ! યાદ રાખો, નીતિ-નિયમો, સંસ્થાગત લશ્કરી બંધનોથી તમે કસાઇવાડે જવા તૈયાર લાખો ઘેટાં તૈયાર કરી શકશો, સિંહો હરગીઝ નહી !
માણસનું વ્યક્તિત્વ એક વાજિંત્ર-સમૂહ,એક ઓર્કેસ્ટ્રા જેવું છે. જ્યાં સુધી એનાં વ્યક્તિત્વનાં ઊંડામાં ઊંડા સ્તરથી અમુક વાતનો સ્વીકાર નહી થાય, ત્યાં સુધી એનાં વાજિંત્ર સમૂહમાંથી બેસુરૃ, ત્રાસજનક સંગીત ઉઠશે. તમે કોઇને આદેશ આપો છો, નીતિ, કહેવાતી ધાર્મિક માન્યતા આપો છો ત્યારે એનાં વ્યક્તિત્વનાં ઉંડાણના ક્યાં સ્તર સુધી એ માન્યતા પહોચે છે ? હકીકત તો એ છે કે માન્યતાનો ધ્વનિ એનાં હૈયાના પાતાળમાંથી ઊઠીને ચહેરાની, વર્તણુકની સપાટી સુધી વ્યાપી જવો જોઇએ.
પરંતુ જ્યારે જ્યારે અનુભૂતિની તૈયાર ફોર્મ્યુલા, તૈયાર નુસખોને વેંચવા સંપ્રદાય ઉભા કરવામાં આવે છે. ત્યારે એ તૈયાર વસ્ત્રો ંપહેરવા હજારોની કતાર તૈયાર હોય છે, પણ એ વસ્ત્રો ભારે બેહુદાં લાગે છે. કારણ સીધુ સાદું છે. માણસના આંતરિક આધ્યાત્મિક વ્યક્તિત્વને કોઇએ આપેલા કારખાનાંના જથ્થામાંથી આવેલા વસ્ત્રો કામ આવતાં નથી એને તો પોતાના ઢાંચાને અનુરૃપ, આગવાં વસ્ત્રો જોઇએ.
પરંતુ બધાને એક ઢાંચે બાંધવાની પ્રવૃતિ હજુ પણ બંધ થઇ નથી, બધા જ સંસ્થાબદ્ધ ધર્મોની કરૃણ, ઐતિહાસિક, વિરાટ નિષ્ફળતા પછી પણ !