શનિદેવ
હું ભારતના લોકોને કહું છું કે તમારી પાસે ઘણી, એકદમ સુંદર અને મહાન પરંપરાઓ છે. એને કદી ભૂલશો નહિ. જેનાથી ભારતવિખ્યાત છે, એ આ પરંપરાઓ તમે ભૂલી જશો તો એ વિશ્વ માટે એક ટ્રેજેડી હશે. આજના ખતરનાક સમયમાંથી પસાર થઈદુનિયા જીવી જશે તો લોકસંસ્કૃતિની પ્રક્રિયા જીવંત રહી આગળ ધપતી રહેશે.
– પીટ સીંગર (અમેરિકન લોકસંગીતકાર)
કવર સ્ટોરી - પ્રશાંત પટેલ
– પીટ સીંગર (અમેરિકન લોકસંગીતકાર)
શનિદેવ કોઈનું અનિષ્ટ ઇચ્છતા નથી
કવર સ્ટોરી - પ્રશાંત પટેલ
પુરાણો અને ધર્મગ્રંથો અનુસાર શનિદેવનો જન્મ વૈશાખ વદ અમાસના દિવસે થયો હતો, તેથી આ દિવસને શનિ જયંતી તરીકે મનાવવામાં આવે છે. તેમના પિતા સૂર્ય અને માતા છાયા છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણ અને શંકરના પરમ ભક્ત છે. તેમને તેમની માતા, પત્ની સહિત અનેક લોકોના શાપનો ભોગ બનવું પડયું છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને ક્રૂર માનવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં શનિદેવ ક્રૂર ગ્રહ નથી, તેઓ ન્યાયકર્તા છે. જ્યારે વ્યક્તિ પાપ કરે છે ત્યારે તે વ્યક્તિ પર શનિની સાડાસાતી કે ઢૈયા આવે ત્યારે તેઓ તેનાં પાપોનો હિસાબ કરે છે અને દંડ આપે છે
શનિદેવ કોઈનું અનિષ્ટ કરતા નથી. તેઓ વ્યક્તિને તેનાં પાપકર્મોનો જ દંડ આપે છે. શનિદેવના શરીરની કાંતિ ઇન્દ્રનીલમણિ સમાન છે. તેમના માથે સુવર્ણનો મુગટ, ગળામાં માળા તથા શરીર પર નીલા રંગનાં વસ્ત્ર સુશોભિત છે. તેમનો વર્ણ કાળો, વાહન ગીધ અને કાગડો તથા રથ લોખંડનો બનેલો છે. જીવાત્મા હોય કે પરમાત્મા દરેકે પોતપોતાનાં કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. શનિદેવ કે જે પોતે ન્યાયાધીશ અને દંડાધિકારી છે, તેમને પણ શાપને કારણે અપંગ (લંગડા) થવું પડયું હતું. શનિદેવ હંમેશાં લંગડાઈને ચાલે છે. તેની પાછળ બે-ત્રણ કથાઓ જોડાયેલી છે. તેમની માતાએ તેમને શાપ આપ્યો હોવાની કથા બહુ પ્રચલિત છે. ભગવાન ગણેશને ગજાનન બનાવવાનું શ્રેય પણ શનિદેવની દૃષ્ટિને જ જાય છે.
પુત્રપ્રાપ્તિની ઇચ્છાથી ભગવાન શિવ તથા માતા પાર્વતીએ 'પુણ્યક વ્રત'નું આયોજન કર્યું હતું. આ જ પુણ્યક વ્રતના પ્રભાવથી માતા પાર્વતીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તેની ખુશીમાં શિવલોકમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બધાં જ દેવી-દેવતાઓને આવવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું. બધાંએ શિવ-પાર્વતીના પુત્રને અનેક ઉપહાર અને આશીર્વાદ આપ્યા. દેવી-દેવતાઓ, શિવગણ, ઋષિ-મુનિઓ સહિત બધાં જ લોકો આ માંગલિક ઉત્સવને કારણે ખૂબ જ પ્રસન્ન હતાં. આ સમારોહમાં શનિદેવ પણ આવ્યા હતા અને તેઓ પોતાનાં નેત્રો ઝુકાવીને મનોમન શિવપુત્રને આશીર્વાદ આપી રહ્યા હતા. આ દૃશ્ય માતા પાર્વતીએ જોયું. તેમને તે અપમાન જેવું લાગ્યું. તેમણે ગુસ્સે થઈને શનિદેવને પોતાના પુત્ર સામું ન જોવાનું કારણ પૂછયું. ત્યારે શનિદેવે જણાવ્યું કે હું મારી પત્નીના શાપ (તમે જેની સામે જોશો તે નષ્ટ થઈ જશે.)ને કારણે આપના પુત્ર ગણેશ તરફ દૃષ્ટિ નથી કરી રહ્યો, પરંતુ માતા પાર્વતીએ શનિદેવની આ વાતને મજાકમાં ઉડાવી દીધી અને કહ્યું, "મારા પુત્રને બધાં જ દેવી-દેવતાઓના આશીર્વાદ મળ્યા છે, તેથી તમારી દૃષ્ટિ મારા પુત્રનું કંઈ અમંગળ નહીં કરી શકે." માતા પાર્વતીના હઠને કારણે શનિદેવે ગણેશજી પર દૈવીદૃષ્ટિ કરી કે તરત જ તેમનું મસ્તક ધડથી અલગ થઈને બ્રહ્માંડમાં વિલીન થઈ ગયું. આ ઘટનાને કારણે શિવલોકમાં હાહાકાર મચી ગયો અને માતા પાર્વતી પુત્રવિયોગમાં વિલાપ કરતાં કરતાં મુર્છિત થઈ ગયાં ત્યારે ભગવાન વિષ્ણુ શિવગણો સહિત ઉત્તર દિશામાં ગયા અને તેમણે એક હાથીના બચ્ચાનું મસ્તક કાપી નાખ્યું અને શિવપુત્રના ધડ સાથે જોડી દીધું. જ્યારે માતા પાર્વતીજીને કળ વળી ત્યારે તેમણે શનિદેવને શાપ આપ્યો, પરંતુ ત્યાં ઉપસ્થિત સૌ દેવી-દેવતાઓએ શનિદેવનો પક્ષ લેતાં કહ્યું કે શનિદેવે તમારા હઠને કારણે તમારા પુત્ર પર દૃષ્ટિપાત કર્યો હતો. માતા પાર્વતીને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે પોતાના શાપને શનિદેવના એક પગની વિકલાંગતામાં બદલી દીધો. ત્યારથી શનિદેવ લંગડાઈને ચાલે છે.
શનિદેવના લંગડાપણા પાછળ બીજી એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. ઋષિ વિશ્વવાને બે પત્નીઓ હતી. એક હતી ઇડવિડા અને બીજી કૈકસી. ઇડવિડા બ્રાહ્મણ કુળની હતી, જેણે કુબેર અને વિભીષણ નામનાં બે સંતાન થયાં. જ્યારે અસુરકુળની પત્ની કૈકસીને રાવણ, કુંભકર્ણ અને શૂર્પણખા નામનાં ત્રણ સંતાન થયાં. કુબેરે ધનાધ્યક્ષની પદવી મેળવી લીધી હતી, જેને કારણે રાવણ અને તેના ભાઈ-બહેનને તેની બહુ ઈર્ષ્યા થઈ, તેથી પોતાનું તપોબળ વધારવા માટે રાવણે તેના ભાઈઓ સહિત બ્રહ્માજીનું તપ કરીને તેમને પ્રસન્ન કર્યા અને રાવણ પરમ શક્તિનો સ્વામી બની ગયો.
રાવણની પત્ની મંદોદરી જ્યારે ગર્ભવતી થઈ ત્યારે રાવણે પોતાનો પુત્ર અજેય અને દીર્ઘાયુ બને તે હેતુથી બધા જ ગ્રહોને પોતાની ઇચ્છા અનુસાર સ્થાપિત કરી દીધા. તેને કારણે બધા જ ગ્રહો ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓને લઈને ચિંતિત હતા, પરંતુ રાવણના ભયને કારણે તેઓ પોતાના સ્થાન પર જ રોકાઈ રહ્યા. જ્યારે મેઘનાદનો જન્મ થવાનો હતો બરાબર એ જ સમયે શનિદેવે પોતાનું સ્થાન પરિવર્તન કર્યું, જેને કારણે મેઘનાદનું દીર્ઘાયુ એ અલ્પાયુમાં બદલાઈ ગયું. શનિની બદલાયેલી સ્થિતિ જોઈને રાવણ ખૂબ જ ક્રોધિત થયો અને તેણે શનિદેવના પગ પર પોતાની ગદાથી પ્રહાર કર્યો જેને કારણે શનિદેવ લંગડા થઈ ગયા.
શનિદેવની ક્રૂર દૃષ્ટિનું રહસ્ય
શનિદેવની દૃષ્ટિમાં જે ક્રૂરતા છે તે તેમની પત્નીના શાપને કારણે છે. બ્રહ્મપુરાણમાં ર્વિણત એક કથા અનુસાર શનિદેવ બાળપણથી જ ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓ હંમેશાં શ્રીકૃષ્ણના ધ્યાનમાં મગ્ન રહેતા. તેઓ વયસ્ક થયા ત્યારે તેમનાં લગ્ન પિતાએ ચિત્રરથની કન્યા સાથે કર્યાં. તેમની પત્ની સતી-સાધ્વી અને પરમ તેજસ્વિની હતી. એક રાત્રે ઋતુસ્નાન કર્યા પછી પુત્રપ્રાપ્તિની ઇચ્છાએ શનિદેવ પાસે પહોંચી, પરંતુ તેઓ તો શ્રીકૃષ્ણના ધ્યાનમાં ખોવાયેલા હતા. તેમને બાહ્ય સંસારનું કોઈ ભાન જ નહોતું. તેમની પત્ની પ્રતીક્ષા કરીને થાકી ગઈ. તેનો ઋતુકાળ નિષ્ફળ થઈ ગયો, તેથી ક્રોધમાં આવીને તેણે શનિદેવને શાપ આપ્યો કે, "તમે જેની સામે જોશો, તે નષ્ટ થઈ જશે." જ્યારે ધ્યાન તૂટયું ત્યારે શનિદેવે પોતાની પત્નીને મનાવવાનો પ્રયત્ન કર્યો. પત્નીને પણ પોતાની ભૂલ પર પશ્ચાત્તાપ થયો, પરંતુ શાપનું સમાધાન તેની પાસે નહોતું, ત્યારથી શનિદેવતા પોતાનું માથું નીચું રાખીને ચાલે છે, કારણ કે તેઓ નથી ઇચ્છતા કે તેમના દ્વારા કોઈનું અનિષ્ટ થાય. આ વાત પરથી એક વાત સારી રીતે સમજી શકાય છે કે આવા વિચારોવાળા શનિદેવ કોઈનું અનિષ્ટ કેવી રીતે કરી શકે?
શનિદેવને તેલ શા માટે ચઢાવવામાં આવે છે?
દર શનિવારે લોકો હનુમાનજી અને શનિદેવના મંદિરે જઈને તેમને તેલ ચઢાવે છે, પરંતુ તેમને તેલ શા માટે ચઢાવવામાં આવે છે તેનાથી મોટાભાગના લોકો અજાણ છે. આ અંગે આનંદ રામાયણમાં એક ઉલ્લેખ જોવા મળે છે. જ્યારે ભગવાન શ્રીરામની સેનાએ સમુદ્ર પર સેતુ બાંધી દીધો ત્યારે રાક્ષસ સેતુને કોઈ નુકસાન ન પહોંચાડી શકે તેના માટે તેની સુરક્ષાની જવાબદારી હનુમાનજીને સોંપવામાં આવી. એક દિવસ જ્યારે હનુમાનજી પોતાના ઇષ્ટદેવ શ્રીરામના ધ્યાનમાં મગ્ન હતા ત્યારે સૂર્યપુત્ર શનિદેવ ત્યાં આવ્યા અને ક્રોધપૂર્ણ કહ્યું, "હે વાનર, હું દેવતાઓમાં સૌથી શક્તિશાળી શનિ છું. મેં સાંભળ્યું છે કે તમે બહુ શક્તિશાળી છો. આંખો ખોલો અને મારી સાથે યુદ્ધ કરો." આ સાંભળી હનુમાનજીએ ખૂબ જ વિનમ્રતાપૂર્વક કહ્યું, "હું આ સમયે મારા પ્રભુને યાદ કરી રહ્યો છું. તમે મારી પૂજામાં વિઘ્ન ન નાખશો. આપ મારા આદરણીય છો. કૃપા કરીને અહીંથી ચાલ્યા જાઓ." જ્યારે શનિદેવ એકના બે ના થયા ત્યારે હનુમાનજીએ તેમને પોતાની પૂંછડીમાં લપેટવાનું શરૂ કર્યું, પછી તેમને કસવા લાગ્યા. પોતાનું તમામ બળ વાપરવા છતાં પણ શનિદેવ તે બંધનમાંથી મુક્ત ન થઈ શક્યા. પછી હનુમાનજીએ સેતુની પરિક્રમા કરીને શનિદેવનો ઘમંડ તોડવા માટે પોતાની પૂંછડી વડે શનિદેવને પથ્થરો પર પટકવાનું શરૂ કર્યું. શનિદેવનું શરીર ઈજાને કારણે લોહીલુહાણ થઈ ગયું, તેમની પીડા વધતી ગઈ, તેથી શનિદેવે હનુમાનજીને પ્રાર્થના કરી કે મને બંધનમુક્ત કરો. હું મારા અપરાધની સજા મેળવી ચૂક્યો છું, મારાથી ફરી આવી ભૂલ નહીં થાય. શનિદેવની વિનંતી પર હનુમાનજીએ કહ્યું, "હું તમને ત્યારે જ છોડીશ, જ્યારે મને વચન આપશો કે શ્રીરામના ભક્તોને ક્યારેય પરેશાન નહીં કરો. જો આમ કર્યું તો હું તમને હજુ પણ કઠોર દંડ આપીશ." ત્યારે શનિદેવે વચન આપતાં કહ્યું, "હું વચન આપું છું કે ક્યારેય ભૂલથી પણ હું તમારા અને શ્રીરામના ભક્તોને કષ્ટ નહીં આપું. મને મુક્ત કરો." ત્યારબાદ હનુમાનજીએ શનિદેવને મુક્ત કર્યા અને શનિદેવની પીડા શાંત થાય તે માટે શનિદેવના શરીરે તેલ લગાવ્યું. હનુમાનજીના તેલ લગાવતાંની સાથે જ શનિદેવની પીડા એકદમ શાંત થઈ ગઈ. તે જ દિવસથી શનિદેવને તેલ ચઢાવવાની પરંપરા શરૂ થઈ. તેનાથી તેમની પીડા શાંત થઈ જાય છે અને તેઓ તેલ ચઢાવનાર પર પ્રસન્ન થાય છે.
શનિમંદિર
કળિયુગમાં શનિદેવ પ્રત્યે લોકોની શ્રદ્ધા દિવસે ને દિવસે વધતી જાય છે. નવાં-નવાં બની રહેલાં શનિમંદિરો તેની સાબિતી છે. આમ તો ભારતમાં શનિદેવનાં ઘણાં મંદિરો છે, પરંતુ ત્રણ પ્રાચીન અને ચમત્કારિક મંદિર છે જેનું બહુ મહત્ત્વ છે. આ ત્રણ વિવિધ સ્થળે આવેલાં શનિમંદિરે જઈને પોતાનાં પાપોની ક્ષમા માંગી શકાય છે અને શનિદેવના દંડથી બચી શકાય છે. જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય અથવા શનિ ગ્રહનો પ્રકોપ હોય તો અહીં આવીને ભયમુક્ત થઈ શકાય છે. ભારતમાં આવેલાં શનિદેવનાં ત્રણ પ્રસિદ્ધ મંદિરો વિશે જાણીએ.
શનિ શીંગણાપુર
શનિ શીંગણાપુરમાં શનિદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. શીંગણાપુર ગામમાં શનિદેવનો અદ્ભુત ચમત્કાર જોવા મળે છે. આ ગામ વિશે એવું કહેવામાં આવે છે કે અહીં કોઈ ઘરોને તાળું મારતું નથી અને આજ સુધી અહીં ચોરી થઈ નથી. તેની પાછળ એવી માન્યતા છે કે બહારની કોઈ વ્યક્તિ કે સ્થાનિક વ્યક્તિ જો ચોરી કરવાનો પ્રયત્ન પણ કરે તો તે આ ગામની સીમા પાર જઈ શકતી નથી. તેની પહેલાં જ શનિદેવનો પ્રકોપ તેને ભોગવવો પડે છે. ચોરે તેની ચોરી કબૂલવી જ પડે છે અને શનિ ભગવાન સમક્ષ જઈને તેને માફી માંગવી પડે છે.
શનિશ્વરા મંદિર
મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે આવેલું શનિશ્વરા મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. તેના વિશે એવી કિંવદંતી છે કે અહીં હનુમાનજી દ્વારા લંકાથી ફેંકેલો અલૌકિક શનિદેવનો પિંડ છે. અહીં શનિશ્વરી અમાસના દિવસે મેળો ભરાય છે. ભક્તો અહીં શનિદેવને તેલ ચઢાવે છે અને પોતે પહેરેલાં કપડાં, ચંપલ વગેરે અહીં જ છોડીને જાય છે. આ પરંપરા પાછળ એવી માન્યતા છે કે આમ કરવાથી પાપ અને દરિદ્રતામાંથી છુટકારો મળી જાય છે.
સિદ્ધ શનિદેવ
ઉત્તરપ્રદેશની કોસીથી માત્ર છ કિલોમીટર દૂર કૌકિલા વનમાં શનિદેવનું મંદિર આવેલું છે. તેનું નામ સિદ્ધ શનિદેવનું મંદિર છે. તેના વિશે એવી પૌરાણિક માન્યતા છે કે અહીં શનિદેવના રૂપમાં ભગવાન શ્રીકૃષ્ણ વિદ્યમાન રહે છે. એવું પણ માનવામાં આવે છે કે જે આ વનની પરિક્રમા કરીને શનિદેવની પૂજા કરશે તેના પર શ્રીકૃષ્ણની કૃપા વરસશે અને તેના પરથી શનિદેવનો પ્રકોપ દૂર થશે.
શનિદેવને શીઘ્ર પ્રસન્ન કરવાના ઉપાયો
હિન્દુ ધર્મ ગ્રંથોમાં શનિદેવને ન્યાયાધીશ કહેવામાં આવ્યા છે. એટલે કે મનુષ્ય સારાં-ખરાબ કર્મો કરે તો તેનું ફળ આપવાનું કામ શનિદેવનું છે. જેની જન્મકુંડળીમાં શનિદેવ પ્રતિકૂળ સ્થાનમાં બેઠા હોય તેને આખી જિંદગી કોઈ ને કોઈ પ્રકારની મુશ્કેલીઓ કે કષ્ટોનો સામનો કરવો પડે છે. જ્યોતિષ તથા તંત્રશાસ્ત્રમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક પ્રાચીન ઉપાયો આજે પણ કારગર છે જે નીચે પ્રમાણે છે.
* કોઈ પણ શનિવાર અથવા શનિશ્વરી અમાસના દિવસે સૂર્યાસ્ત સમયે એટલે કે સાંજે જે ભોજન બનાવ્યું હોય તેને પત્રાળામાં લઈને તેના પર કાળા તલ નાખીને પીપળાની પૂજા કરવી તથા તેનો નૈવેદ્ય ધરાવવો અને આ ભોજન કાળી ગાય અથવા કાળા કૂતરાને ખવડાવી દેવું.
* તેલનું પરોઠું બનાવીને ગોળ અથવા કોઈ મીઠાઈ સાથે ગાયના વાછરડાને ખવડાવવું. આ ઉપાય ખૂબ જ કારગર અને સરળ છે.
* કાંસાની વાટકી કે પાત્રમાં તેલ ભરીને તેમાં પોતાનો પડછાયો જોવો અને આ તેલનું કોઈ ગરીબને દાન કરી દેવું. શનિદેવને પ્રસન્ન કરવાનો આ ખૂબ જ પ્રાચીન અને ઉત્તમ ઉપાય છે. આ ઉપાયને છાયાદાન તરીકે પણ ઓળખવામાં આવે છે.
* સરસવના તેલમાં લોખંડની ખીલી નાખીને તેનું દાન કરવું અને પીપળાના મૂળમાં આ તેલ ચઢાવવું. આ ઉપાયથી શનિદેવ જલદી પ્રસન્ન થાય છે સાથે-સાથે મનોકામના પણ પૂર્ણ કરે છે.
* શનિવાર અથવા શનિશ્વરી અમાસના દિવસે શનિદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી અને પોતાનાં જાણતાં-અજાણતાં થયેલાં પાપકર્મોની ક્ષમાયાચના કરવી.