ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ કદાચ ત્યાં હું સુખી હાલતમાં મળી જાઉં, મને હું મારી નજરની બહાર શોધું છું. -બરકત વિરાણી 'બેફામ' કયો માણસ કેવો છે એ કેવી રીતે ખબર પડે ? માણસને માપવાનું કોઈ મીટર નથી. માણસની ઊંચાઈ માપી શકાય છે પણ ઊંડાઈ માપી શકાતી નથી. કેટલાક માણસો છીછરા હોય છે, કેટલાંક ગૂઢ હોય છે, કેટલાક મૂઢ હોય છે. દરેક માણસનો પોતાનો એક પ્રકાર હોય છે. દરેકનું એક પોત હોય છે. આ પોત યોગ્ય પળ આવ્યે પ્રકાશતું હોય છે. આપણે બોલીએ છીએ કે પછી એનું પોત પ્રકાશ્યું. કેટલાંકનાં પોત પ્રકાશે ત્યારે અંધકાર છવાઈ જાય છે, કેટલાંક પોત ઉજાસ ફેલાવી જાય છે. માણસ જેવો હોય એવો વહેલો કે મોડો વરતાઈ આવતો હોય છે. માણસ અંદરથી જુદો હોય છે અને બહારથી બિલકુલ અલગ હોય છે. એટલે જ આપણે ઘણી વખત એને ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ. બહુ ઓછા માણસો અંદરથી અને બહારથી એકસરખા હોય છે. સ્ટાન્ડર્ડ પોઝિટિવ હોય કે નેગેટિવ, જે હોય તે રહેવું જોઈએ. ડબલ સ્ટાન્ડર્ડ લાંબું ટકતું નથી. માણસને ઓળખવાની ઉતાવળ ન કરવી, કારણ કે સમય આવ્યે એ મપાઈ જતો હોય છે. માણસ કાં તો સારો હોઈ શકે અથવા તો ખરાબ હોઈ શકે, કાં તો હીરો હોઈ શકે અથવા તો વિલન, કાં તો શેતાન હોઈ શકે અથવા તો ઈન્સાન. દરેક માણસ એક ફિતરત લઈને જન્મે છે અને એ જ ફિતરત લઈને મરે છે. માણસને ઓળખવો અઘરો છે પણ અશક્ય નથી. કોણ કેવો છે એ જાણવું હોય તો એના ઉપર ભરોસો મૂકો. એટલા માટે કે દરેક વ્યક્તિ ખરાબ જ હોય એ જરૂરી નથી. ભરોસો તો મૂકવો જ પડશે, કારણ કે એ વગર તો તમને ખબર જ નહીં પડે કે માણસ કેવો છે. જે માણસ કોઈના પર ભરોસો મૂકી શકતો નથી એને ક્યારેય સારા કે ખરાબની સાચી પરખ નહીં મળે. એક દુકાનદાર હતો. સેંકડો ગ્રાહકો તેની દુકાને ખરીદી કરવા આવે. એક ગ્રાહક ચોર હતો. એ દર વખતે કંઈક ને કંઈક ચોરી જતો. દુકાનદારને ખબર હતી કે આ માણસ ચોર છે પણ એ કંઈ બોલતો નહીં. દુકાનદારના માણસે એક વખત એ ચોર ગ્રાહકને પકડી લીધો. દુકાનદાર પાસે તેને લાવીને કહ્યું કે આ જ આપણી દુકાનમાંથી ચોરી કરે છે. દુકાનદાર એને સાઇડમાં લઈ ગયો. બે હાથ જોડીને કહ્યું કે તને એક વિનંતી છે કે હવેથી તું મારી દુકાને ન આવીશ. તને આવું કહેવાનું કારણ એ છે કે તું ચોરી જાય એની સામે વાંધો નથી, મને ડર એ લાગે છે કે તને જોઈને હું મારા સારા ગ્રાહકો ઉપર પણ શંકા કરવા લાગીશ. હું નથી ઇચ્છતો કે મારામાં કોઈ માટે શંકા જાગે, કારણ કે મને મારા ગ્રાહકોના ખરાબ કરતાં સારા અનુભવો વધારે થયા છે. જે દિવસે મને મારા ગ્રાહકો ઉપર શંકા જવા લાગશે એ દિવસથી ગ્રાહકોને મારા પરથી વિશ્વાસ ઊઠી જશે. એક માણસ સંત પાસે ગયો. સંતને પૂછયું કે લોકો સાથે સારા સંબંધ રાખવા શું કરવું ? સંતે કહ્યું કે તમને જેના ખરાબ અનુભવો થયા હોય એને ભૂલી જાવ અને સારા અનુભવોને યાદ રાખો. આપણી તકલીફ એ હોય છે કે ખરાબ અનુભવોને યાદ રાખીએ છીએ અને સારા અનુભવોને ભૂલી જઈએ છીએ. સંતે એ માણસ સામે બે કટોરા ધર્યા. એક કટોરો સોનાનો હતો અને બીજો માટીનો. સોનાના કટોરામાં ઝેર હતું અને માટીના કટોરામાં અમૃત. માણસને કહ્યું કે કોઈ પણ એક પસંદ કરી લે. માણસ સમજુ હતો, તેણે માટીનો કટોરો લીધો. સંતે કહ્યું કે, બસ આ જ વાત સમજવાની છે. માણસ કેવો છે એ મહત્ત્વનું નથી. માણસાઈ કેવી છે એ મહત્ત્વનું છે. જો તમે માત્ર કટોરાને જ જોશો તો છેતરાઈ જશો. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણું 'પોત' કેવું છે ? એક ફિલોસોફરે સરસ વાત કહી છે કે તમારે સારા દેખાવું છે? તો તમે જેવા હોવ એવા દેખાવ. બનાવટ કરવાની કંઈ જરૂર નથી. તમે સારા નહીં હોવ તો પણ તમને એવું વિચારીને સ્વીકારશે કે એ એવો જ છે. માણસ એની મોટાભાગની શક્તિ સારા દેખાવામાં જ ખર્ચી નાંખે છે અને સતત એ ડર સાથે જ જીવે છે કે ક્યાંક હું પકડાઈ ન જાઉં. કેવું છે, કોઈ ખરાબ અનુભવ થાય ત્યારે આપણે ક્યારેય આપણી જાતને દોષ દેતા નથી પણ સામેના માણસનો જ વાંક કાઢીએ છીએ. બે મિત્ર હતા. એક મિત્રએ બીજા સાથે દગો કર્યો. મિત્રએ કહ્યું કે તું આવો નાલાયક નીકળીશ એનો મને અંદાજ ન હતો. બીજાએ કહ્યું કે એમાં વાંક મારો નથી. હું તો આવો જ હતો, તેં મને ઓળખવામાં થાપ ખાધી. પેલાએ કહ્યું તારી વાત સાચી છે, વાંક તારો નથી પણ મારો છે. જોકે મને મારા આ વાંકનો અફસોસ નથી, કારણ કે તેં દગો ન કર્યો હોત તો મને એવો જ ભ્રમ રહેત કે તું મારો મિત્ર છે. હું તો તારામાંથી એટલું શીખ્યો છું કે કોઈ દિવસ તેં કર્યું એવું મારાથી ન થઈ જાય, કારણ કે હું નથી ઇચ્છતો કે અત્યારે મને જે પીડા થાય છે એવી પીડા મારા કોઈ મિત્રને થાય. એક માણસને થોડાક ખરાબ અનુભવો થયા અને તેણે નક્કી કરી લીધું કે હવે કોઈનો ભરોસો ન કરવો. આખી દુનિયા બદમાશ છે. એ માણસને એક દિવસ એક સંતનો ભેટો થઈ ગયો. સંતને કહ્યું કે તમે માત્ર ડાહી ડાહી વાતો કરો છો, તમે સંત છો, તમને લોકોના અનુભવ નથી. બધા જ લોકો બદમાશ છે, મને બધાના ખરાબ અનુભવો થયા છે. સંત હસવા લાગ્યા અને કહ્યું કે, એમ બધા જ ખરાબ છે? પેલા માણસે કહ્યું કે હા, બધા જ ખરાબ છે. સંતે કહ્યું, એક સવાલનો જવાબ આપ, તું કેવો માણસ છે? પેલાએ કહ્યું કે હું તો સારો માણસ છું. સંતે કહ્યું કે તું સારો છે તો પછી તું એમ શા માટે કહે છે કે બધા જ ખરાબ છે? હકીકત એ છે કે તું તારા સિવાય કોઈને સારો માનતો જ નથી. સંતે તેને કહ્યું કે એક કામ કર, આંખો બંધ કરી દે. પેલા માણસે આંખો બંધ કરી. સંતે તેના હાથમાં એક છોડ આપ્યો. છોડને પકડતા જ પેલા માણસને કાંટો વાગ્યો અને તેણે ચીસ પાડી. સંતે કહ્યું કે હવે આંખો ખોલીને જો આ શું છે? ગુલાબના છોડ ઉપર ફૂલોનું ઝૂમખું હતું. સંતે કહ્યું કે કાંટો વાગ્યો એનો મતલબ જરાયે એવો નથી કે ફૂલનું અસ્તિત્વ જ નથી. આ જગતમાં સારું પણ છે અને ખરાબ પણ છે. જો તમે સમજો કે બધું સારું છે તો તમને બધું જ સારું લાગશે અને ખરાબ સમજો તો ખરાબ જ દેખાશે. દરિયામાં અને નદીમાં આમ તો પાણી જ હોય છે પણ એક ખારું છે અને બીજું મીઠું. દરિયાના પાણીને ચાખીને આપણે નદીનું પાણી પીવાનું બંધ નથી કરી દેતા. સંતે છેલ્લે એટલું જ કહ્યું કે આપણે ભગવાનને ઘણી પ્રાર્થનાઓ કરીએ છીએ, બધી પ્રાર્થનાઓ ફળતી નથી. છતાં આપણે ભગવાનમાંથી શ્રદ્ધા ગુમાવતા નથી. તો પછી એક માણસના ખરાબ અનુભવ પરથી બીજા માણસ પરની શ્રદ્ધા શા માટે ગુમાવવી જોઈએ? તમે ઇચ્છો છોને કે આખું જગત સારું હોય? તો પછી સૌથી પહેલાં તમે સારા બની જાવ. જે લોકો જેવા છે એવા રહેવા દો, કારણ કે એ સમય આવ્યે સાબિત થઈ જ જવાનું છે. પોતાની વ્યક્તિની પરીક્ષા થઈ જાય એવો સમય દરેકની જિંદગીમાં આવતો જ હોય છે,એ સમય જ કહી આપશે કે એ માણસ પાસ છે કે નાપાસ. છેલ્લો સીન : જે વ્યક્તિ પોતાની જાત માટે નિયમો ઊભા કરે છે તેને બીજા કોઈ કાયદાની જરૃર રહેતી નથી. -અજ્ઞાત (‘સંદેશ’, તા. 23 જુન, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ) kkantu@gmail.com |
Dr. Vijay Pithadia, FIETE, PhD, MBA Director, PhD Guided: 5, Author of 6 Books, Google Scholar Citations - 617, h-index - 8, i10-index-8, M: +91 9898422655 UGC/Scopus/Web of Science Publication: 31, Referred Publication: 66, Book Chapters: 12, Full Papers Published in Conference Proceedings: 21, Patent Published: 3, Invited Lectures and Chairmanship etc.: 41, Conference Organized: 4, AICTE faculty ID: 1-24647366683