20130726

જુઠના ચહેરા અનેક (મંથન)

મંથન - શાંડિલ્યા
આવું જાણ્યા, અનુભવ્યા પછી પણ આજના લોકોની મૂંઝવણ એ છે કે, તેમને સાચું બોલવાવાળી હકીકત પલ્લે પડતી નથી. સત્યનું પૂંછડું પકડી રાખવાથી લાભ ઓછો અને નુકસાન વધારે થતું લાગે છે. સામે થોડું ખોટું ચલાવ્યે રાખવાથી મોટો ફાયદો થનાર હોય તો તે જુઠાણાનો પાલવ જ પકડશે. સંસાર આ જ નિયમ અપનાવીને ચાલતો રહે છે
સત્યનો એક જ ચહેરો છે જે સુંદર છે, હિતકર છે. સત્ય વચનીનું આચરણ પવિત્ર હોવાથી તે પ્રભુને પણ પ્રિય છે. આવો સરસ જીવનોપયોગી બોધપાઠ વર્ષોથી અપાતો આવ્યો છે, પણ સત્યની કરુણતા એ રહી છે કે, તેને સાબિત કરવા પ્રયોગો કરવાં પડે છે. વર્ષો સુધી અમુક ગંભીર ગણાય તેવાં જુઠાણાને દબાવ્યા કે છૂપાવ્યા પછી કોઈ એક પસ્તાવાની કે આત્મખોજની પળે સચનો સામનો કરવાના જાહેર પ્રોગ્રામો યોજવા પડે છે અને ત્યારે પેલા નગ્ન સત્યનો ચહેરો એટલો વિકૃત થઈ ચૂક્યો હોય છે કે, જે ક્યાંયથી પણ હિતકર અને પ્રિય લાગતો નથી.
આજે જુઠાઓની બોલબાલા ચારે બાજુ જોવાય છે. થોડું ખોટું બોલીને કે સત્યને મારી મચેડીને રજૂ કરવાથી ફાયદો થતો હોય તો તેવો લાભ કોઈ જતો નથી કરતાં. કહેવાય છે કે, એક જુઠાણું છુપાવવા સો વખત જુઠ્ઠું બોલવું પડે છે. એટલે કે બોલાયેલા જુઠાણાને સાચું બતાવવા અનેકવાર, અસંખ્ય મુદ્દે ખોટું ચલાવ્યે રાખવું પડે છે. એના કરતાં જો પ્રથમથી જ સાચું બોલી લેવાય તો પાછળની પળોજળોમાંથી બચી જવાય છે. સાચું બોલવા પણ હિંમત કેળવવી પડે છે. આવું જાણ્યા, અનુભવ્યા પછી પણ આજના લોકોની મૂંઝવણ એ છે કે, તેમને સાચું બોલવાવાળી હકીકત પલ્લે પડતી નથી. સત્યનું પૂંછડું પકડી રાખવાથી લાભ ઓછો અને નુકસાન વધારે થતું લાગે છે. સામે થોડું ખોટું ચલાવ્યે રાખવાથી મોટો ફાયદો થનાર હોય તો તે જુઠાણાનો પાલવ જ પકડશે. સંસાર આ જ નિયમ અપનાવીને ચાલતો રહે છે.
સલાહ તો સાચું બોલવાની જ અપાય છે, પણ એ આપનારા પણ કેટલા અંશે સત્યવચની હશે તે તેમનો માંહ્યલો જ જાણી શકે.
દરેક ક્ષેત્રમાં આજે જુઠનો ચહેરો ચમકતો દેખાય છે. સત્યનું સામ્રાજ્ય અસ્તાચળના આરે હોય તેવું જણાય છે. ભરોસો અને વિશ્વાસની વાતો કરનારાની ઠેકડી ઉડાવાય છે, કેમ કે સૌ જાણે છે કે, સત્ય એ આજે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેટલું દુષ્કર કામ બની ચૂક્યું છે. કોઈ કહેશે કે, સાચું કહું છું કે,ફલાણી વાત આમ છે તોયે કોઈ માનવા તૈયાર ના થાય તેવો માહોલ ચારેકોર છે. સાચું બોલનાર દીવડો લઈને શોધવા જવું પડે તે હકીકત છે. જો કે જુઠું બોલવું પણ એટલું સહેલું ક્યાં છે! ખોટું બોલનાર સૌપ્રથમ તો પોતાની જાતને જ છેતરી રહ્યો હોય છે. પછી સામેની વ્યક્તિને છેતરતો હોય છે. પરિણામે તેનો ચહેરો ક્યાંક તો ચાડી ખાઈ જ જાય છે. એકાદ લકીર તો સળવળીને કહી જ દેતી હોય છે કે, આ માણસ જે કહે છે તેમાં કશી ગરબડ છે. એટલે ખોટું બોલવાની હિંમત જોઈએ! જુઠનો આશરો લઈને વ્યવહાર ચલાવનારાની બીજી પણ એક સમસ્યા હોય છે કે, જ્યારે તેને લાગતાં-વળગતાં લોકો જાણતાં હોય કે સાચું શું છે તેવા સમયે ખોટું બોલવા કે વર્તવામાં મોટું જોખમ રહે છે. એમાંથી કોઈ જાણી જોઈને (દુશ્મનાવટમાં) કે અજાણતામાં પણ સાચું બોલી દે કે, તેને ઉઘાડો પાડી દે તેનો સતત ડર રહે છે. પોતાનું જુઠાણું ખોલી ના દે તેની પૂર્વ સાવચેતીરૂપે તેણે એ વ્યક્તિ કે વ્યક્તિઓને ખુશ રાખવાની મથામણો પણ કરવી પડે છે. આમ એક અસત્યની પાછળ અનેક પળોજણો પગ પકડતી રહે છે.
જુઠાણું એક એવાં કળણ સમાન હોય છે જેમાં એકવાર લાભ જોઈને પડયા કે ફસાયા...!! બહાર નીકળવું હોય તોયે મુશ્કેલ જ નહીં, પણ અશક્ય બની જાય છે. જેમ કોઈને વીજકરંટ લાગે ત્યારે તેને બચાવવા જનાર ખુદ ચોંટી જાય છે તેમ જુઠાણાના કળણમાંથી બચાવવાની કોશિશ કરનારાને પણ તેના છાંટા ઊડયા વગર રહેતાં નથી અથવા તો ખુદ બચાવકર્તાનો જીવ પણ જોખમમાં આવી જતો હોય છે.
અસત્યોની અગનપિછોડી ઓઢીને ચપટીક સુખ મેળવી લેવાની લાલચ અંતે બધું બગાડી મૂકે છે, બરબાદ પણ કરી મૂકે છે, પણ આ સત્ય હકીકત વેઠવાની આવે ત્યાં સુધી ઘણું મોડું થઈ જાય છે. ભૂંડાથી ભૂત પણ ભાગે છે તેમ ખોટું બોલનાર બગડેલી છાપથી તે પોતાના સંબંધો પણ બગાડી બેસતો હોય છે. આમ દેખીતો કે ત્વરીત ફાયદો થતો લાગે, પણ અંતે બાવાના બેઉ બગડતા હોય છે.
સત્યમાં તાકાત છે, તેજ છે અને અનેક લાભ પણ છે. સાચું બોલનારા પોતાની એક સારી છાપ ઊભી કરી શકે છે. લોકોમાં પોતાના માટે વિશ્વાસ જન્માવી શકે છે, પણ સાચું બોલવું પણ એટલું સહેલું તો નથી જ. સત્યનો ચહેરો નગ્ન ભાસે છે. સાચું બોલનાર આજે ઓછો લાભ મેળવે તેવું પણ બને છે. લોકો તેને કડવાબોલો સમજતાં હોય છે.
પણ સત્યની સરળ કેડીએ ચાલનારાને લાભ-નુકસાનની કોઈ પરવા હોતી નથી. ભલે તે જીરવવું અઘરું લાગે છતાં તેઓ શક્ય તેટલો તો સત્યનો સાથ નિભાવશે જ.
સાચું બોલી નાખવાથી કે સવળું વર્તન કરવાથી એક નિરાંત તો ખરી કે તેનાથી દિલ પર કોઈ ભારણ રહેતું નથી. કશું છુપાવવાનું મન પર દબાણ રહેતું નથી અને સોવાર સત્ય બોલવાની જરૂર રહેતી નથી, કેમ કે "જુઠના અનેક ચહેરા હશે, પણ સત્યનો તો એક જ ચહેરો હોય છે."
કામધંધાના સ્થળે, કોર્ટ-કચેરીના મામલે, ઘર-પરિવારમાં અને સામાજિક વ્યવહારમાં જુઠા વચનોની આપ-લે રોજ અને સતત થતી દેખાય છે. એમાંયે આજના રાજકારણીઓની જીભે તો કડવા, ગંદા અને કાદવિયા જુઠાણા સતત સળવળતાં દેખાય છે. આમાંથી ફિલ્મી કલાકારો અને અન્ય મીડિયા ક્ષેત્રના લોકો પણ બાકાત નથી, પણ છતાં જેમ કચરાના ઢગલામાં અરીસો પડયો હોય તો એ ચમક્યા વગર રહેતો નથી. કાદવમાં પડેલું કમળ મહોર્યા વગર રહેતું નથી તેમ સમય આવ્યે સત્ય પરનો કાદવ કે કચરો હટી જઈ તેને ઉજાગર કરી જ મૂકે છે. સત્યનો ચહેરો ચમકીલો જ હોય છે.
ગમે તેટલાં વર્ષો ખોટાનો સહારો લઈને માણસ જીતતો દેખાય, પણ પાણીમાંના પરપોટાની પેઠે જુઠ પરનો પડદો હટી જતાં સત્ય સામે તો આવે જ છે. સજા થાય કે ના થાય કે કેટલી થાય તેનો ન્યાય પછી ઉપરવાળો તોલે! (નીચેવાળાઓના ન્યાયમાં ઝાઝો ભલીવાર જ ક્યાં હોય છે?)
શાસ્ત્રોમાં તો જો કે એવું પણ કહેવાયું છે કે, સાચું બોલવાનો આગ્રહ રાખવો, પણ જરૂર પડે ત્યાં જુઠું પણ બોલી નખાય. એટલે કે જે જુઠાણાથી કોઈનું ભલું થતું હોય અને ખરાબ થતું અટકી જતું હોય ત્યાં ખોટું બોલી નાખવામાં કે સત્ય સંતાડી રાખવામાં પાપ નથી. શરત એટલી કે તેવા કોઈપણ જુઠાણામાં પોતાનો કોઈ સ્વાર્થ કે લાભ ના હોય અને બોલ્યા પછી મન ના ડંખે તેવું અસત્ય હજુય પાપની વ્યાખ્યામાં નથી આવતું.
ઘણા લોકો પોતાના જુઠાણાને કે ખોટી વાતને સાચી સાબિત કરવા સો પુરાવા અને પચાસ દલીલો રજૂ કરશે, પણ એનાથી એ સત્ય નથી બની જતું. સત્ય હોવાનો માત્ર ભાસ થતો હોય છે અને એવા અસત્યને વધુ વાર ટકાવી શકાતું નથી, કેમ કે સત્યની એટલી તો તાકાત છે જ જે આવા ભ્રમો, ભ્રમણાઓને હડસેલી મૂકે.
સતત જુઠની દુનિયામાં સુખી થઈને મહાલતો માણસ એવા અંગારા પર ચાલી રહ્યો હોય છે જે ગમે ત્યારે તેને દઝાડી શકે છે.
આજનો લેટેસ્ટ ટ્રેન્ડ છે કે, દરેક પોતાનું 'વરવું સત્ય' ઢાંકી રાખવા મથતો રહે છે અને અન્યોનું 'અસત્ય' ઉઘાડું પાડવા મથામણો કરતો રહે છે. એ માટે તે ખુરશી-દાવ, ખેંચ-પકડ, સંતાકૂકડી કે એવી જે ગેમ આવડે તે રમી નાખતો હોય છે. અરે પોતાનું સત્ય ઉઘાડું ના પડે તે માટે 'ખૂની જંગ' પણ ખેલી નાખતા અચકાતો નથી, પણ સુખી થવું હોય તો ખોટું બોલવાની આદત છોડી જુઠના આધારે જિંદગી જીવી લેવાનો મોહ છોડી સત્યને 'ખો' આપવી જરૂરી છે. એનાથી ભલે ફાયદો કદાચ ઓછો થશે (નફામાંથી થોડી નુકસાની ભોગવવાની આવશે), પણ ભાવિ તકલીફોમાંથી બચી જવાશે. કોઈ જોતું કે જાણતું નથી માટે 'લોલમલોલ' ચલાવ્યે રાખવાની એ માન્યતા ભૂલભરેલી છે. પોતાનો માંહ્યલો તો બધું જુએ જાણે જ છે! એનો હિસાબ પછી આકરો લાગશે.
વળી કુદરત અને ઈશ્વર જેવું પણ કંઈ છે તે હકીકત જલદી સ્વીકારી લેવી સારી.
ખોટા મન-વચન અને કર્મોથી બંધાયેલાં પાપના ઘડા જ્યારે છલકાઈ જાય ત્યારે ઈશ્વર પણ સજા કરવાના 'મૂડ'માં આવી જઈને 'શિશુપાલવધવાળી' કરી નાખે છે.
શાહમૃગ નીતિ છોડીને સાચા રસ્તે જીવવામાં જ ખરું સુખ અને કરો સંતોષ મળી શકે છે તે યાદ રાખવું.