East Africa :The Serengeti
નક્કર વાસ્તવીકતા
નીયમીત રીતે થતાં અનેક સર્વેક્ષણોમાં આપણે એકનો ઉમેરો કરીએ છીએ. આ એક કાલ્પનીક મહાવરો છે. એની અન્દર એક સત્ય અને સન્દેશ છુપાયો હોવાથી એની ચર્ચા ઉપયોગી બને છે.
ધારો કે :
ધારો કે દુનીયાના બધા દેશ એક મતે એવું નક્કી કરે કે : જેને પણ પોતાનો દેશ છોડી અન્ય કોઈપણ દેશમાં જઈને રહેવાની ઈચ્છા હોય ત્યાં એ સહકુટુમ્બ જઈ શકે છે. એને માટે એમણે અત્યારે માત્ર નામ નોંધાવવાની જરુર છે. એમનો વારો આવે ત્યારે સરકાર એમના માટે પાસપોર્ટ, વીસા, ટીકીટ વગેરેની વ્યવસ્થા કરી આપશે. આને લીધે ગરીબ તેમ જ અશીક્ષીતને પણ સરખો લાભ મળી શકશે. સામાનમાં માત્ર એક સુટકેસ સાથે લઈ જઈ શકાશે.
નવા દેશમાં દરેકને લાયક કામની તેમ જ એક વરસ માટે રહેવાની અને શીક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યાર પછી બધાએ પોતપોતાની રીતે સગવડ કરી લેવાની રહેશે. નવા દેશમાં સૌ પોતાનો ધર્મ, તહેવાર વગેરે અંગત રીતે પાળી શકશે; પણ જાહેર સરઘસ અને દેખાવો પર પ્રતીબંધ રહેશે.
આવી તક મળે તો કેટલા લોકો તે ઝડપી લે, તે જાણવું રસપ્રદ રહેશે. જો કે આવી શક્યતા જરા પણ નથી. અત્યારે આપણે માત્ર આપણી કલ્પના દોડાવવાની છે.
હવે દોડાવીએ કલ્પના :
દેખીતી રીતે જેમની પાસે ગણનાપાત્ર મીલકત હોય એમની, આવી રીતે દેશાન્તર કરી અજાણ્યા પ્રદેશમાં જવાની ઈચ્છા, ઓછી હશે. જેમને પોતાની વર્તમાન સ્થીતીમાં ખાસ કશું ગુમાવવા જેવું નહીં લાગે એવા લોકો જ તૈયાર થશે. જેમને દુનીયાના અન્ય દેશો વીશે થોડી ઘણી માહીતી છે, તેઓ પોતાના પસન્દગીના દેશમાં જવા ઈચ્છશે. જેમને બહારની દુનીયા વીશે ખાસ ખબર નથી, એવાઓને ભાષા અને સંસ્કૃતીની સમાનતા હોય એવા પડોશના દેશમાં અથવા એમના સમ્બન્ધી જ્યાં હોય ત્યાં જવાની ઈચ્છા થશે.
સૌ પ્રથમ ભારતમાં શું થઈ શકે તે વીચારીએ. આ લખનારનું વ્યક્તીગત મન્તવ્ય છે કે : આજે જે દીશામાં પ્રવાહ ચાલુ છે તે દીશામાં જ વધુ ઝડપી બનશે. આપણા પડોશી એવા બાંગલાદેશ, પાકીસ્તાન, નેપાળ વગેરે દેશોમાંથી વધુ ને વધુ લોકો ભારત આવવા માગશે; જ્યારે ભારતમાંથી ઘણા વધારે બહાર જવા તૈયાર થશે. એમાંથી મોટા ભાગના લોકો પશ્વીમના વીકસીત દેશોમાં જવા માગશે. એકંદરે ભારતમાં આવનાર કરતાં ભારત છોડી જવા તૈયાર લોકોની સંખ્યા કેટલાયે ગણી વધારે હશે. આ બધું દેશાન્તર કોઈ પણ જાતના દબાણ વગર સ્વેચ્છાએ કરેલું હશે. નવા આવનાર અને જનાર વચ્ચે સમતોલન સધાય ત્યાં સુધી દેશની વસ્તી ઘણી ઓછી થઈ ગઈ હશે.
પોતપોતાનાં કારણોસર ભારતમાં જ રહેનારમાંથી એક વર્ગ સાધનસમ્પન્ન પરીવારોનો હશે, જે નોકરચાકરોથી ટેવાયેલો છે. તેઓ નોકરોની સખત તંગી અનુભવશે. તેમને પોતાનાં ઘણાં કામ જાતે કરવાની વાસ્તવીકતા સ્વીકારવી પડશે. ઉજળી બાજુ એ કે, સામાન્ય રીતે બધે નડતી ગીરદીનો સામનો કરવો નહીં રહે.
અન્ય દેશો વચ્ચે થતી દેશાન્તરની પ્રક્રીયા પણ લગભગ ભારત જેવી જ હશે. પડોશના ગરીબ દેશના લોકો ત્યાં આવવા ઈચ્છશે અને એ દેશના લોકો એમનાથી વધુ વીકસીત અથવા તો વધુ અનુકુળ દેશમાં જવા ઈચ્છશે. આ પ્રવાહ ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી આવા અનુકુળ કે ઈચ્છનીય દેશોની વસ્તી ઘણી વધી જાય જેથી એ દેશ પણ હવે એટલા ઈચ્છનીય ન રહે.
હવે કેટલાક પાયાના સવાલો :
આ કાલ્પનીક કવાયતનાં તારણો જો યોગ્ય હોય તો, કેટલાક સવાલ ઉભા થાય છે. ‘ધાર્મીક, આધ્યાત્મીક, પવીત્ર, સંસ્કારી’ ગણાતો ભારત દેશ છોડી, ‘ભૌતીકવાદી, ભોગવાદી, અનૈતીક’ ગણાતા પશ્વીમના દેશોમાં આટલી મોટી સંખ્યામાં લોકો શા માટે જવા માગતા હશે ? વળી, આપણી નજરમાં અનૈતીક ગણાતા પ્રદેશના લોકોને સંસ્કારી ભારતમાં આવવાની ઈચ્છા કેમ નહીં થતી હોય ? અને માત્ર ને માત્ર વધુ ગરીબ દેશના લોકો જ શા માટે ભારત આવવા માગે છે ?
આ બધા સવાલોનો સીધો સાદો ઉત્ત્તર એ છે કે બધાની નૈતીકતાની તેમ જ સંસ્કારીપણાની સમજ અલગ હોય છે. આપણી સમજનાં ત્રાજવે બધાને ન તોળાય. મોટા ભાગના લોકોને કુટુમ્બ સાથે રહેવા મળે અને પોતાનો ધર્મ, તહેવારો પાળવા મળે તો એમના માટે બીજું બધું ગૌણ બને છે. એમના માટે રોજબરોજની જરુરીયાતો વધુ અગત્યની હોય છે. એમને પોતાના પરીવારનું આજનું જીવન–ધોરણ સુધારવામાં વધુ રસ છે. ‘પરભવ’, ‘અધ્યાત્મ’, ‘સંસ્કૃતી’, ‘દેશપ્રેમ’ વગેરે બધું પછી આવે છે.
ગીતામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પુરુષાર્થનાં ચાર ક્ષેત્રો ગણાવ્યાં છે. આ ક્રમ ચોક્કસ હેતુસર રાખવામાં આવ્યો છે કે કેમ; તે ખબર નથી. વર્તમાન સમાજની મનોવૃત્તી પ્રમાણે ‘અર્થ’નો ક્રમ સૌથી પહેલો છે. દેશાન્તર કરનારનો હેતુ ચોખ્ખો દેખાય છે. તેમ જ દેશાન્તર નકારનારનું મુખ્ય કારણ પણ સંપત્તી ન છોડવાનું છે. સામાન્ય માણસનુંસંપત્તી માટેનું વળગણ નક્કર વાસ્તવીકતા છે.
આની પાછળ ત્યાંની પાયાની સગવડો, વસ્તુઓની વીપુલતા, કાયદો–વ્યવસ્થા, સ્વતંત્રતા અને આનંદલક્ષી અભીગમ કારણ–ભુત છે. દરેક વાતને પશ્વીમદ્વેષના ચશ્માંથી જોનાર ‘ઉન્નતભ્રુ’ માટે આ એક આંખ ખોલનારું – ‘eye opener’ છે.
આ કંઈ નવું નથી; બલકે આદીકાળથી ચાલ્યું આવે છે. આર્યોથી શરુ કરી અંગ્રજો સુધીના બધા સમૃદ્ધીની શોધમાં ભારતમાં આવ્યા હતા. બીજા આગળ નીકળી ગયા અને આપણે પાછળ રહી ગયા; એટલે હવે પહેલાનાં કારણસર અહીં કોઈ આવતા નથી. ઉલટા આપણે સમૃદ્ધીની શોધમાં પશ્ચીમના દેશોમાં જવા લાગ્યા. તે પણ રાજ કરવા નહીં; નોકરી કરવા ! પ્રાચીન સાહીત્યમાં આવતી દૃષ્ટાંત કથાઓમાં આમપ્રજાની વાસ્તવીકતા ઓછી અને લખનારનું ‘વીશફુલ થીંકીંગ’ વધુ છે.
માણસની જરુરીયાતો, એમની પ્રાથમીકતા, અગત્ય, એની નૈતીક/આધ્યાત્મીક ઉન્નતી વગેરે વીશે 20મી સદીના મનોવૈજ્ઞાનીક અબ્રાહમ માસલોએ સુંદર અને સચોટ ચીતાર આપ્યો છે. એની વીસ્તૃત ચર્ચા માટે અલગ લેખ કરવો પડે.
એક ડગલું આગળ :
આ કાલ્પનીક કવાયત હજી એક ડગલું આગળ વધારીએ. બધા દેશો વચ્ચે જો મુક્ત દેશાન્તર શક્ય બને તો, આવતા સમયમાં બધા દેશોનું જીવન ધોરણ ઘણું સરખું થવા લાગે. સાંસ્કૃતીક અંતર ઘટે, ધાર્મીક મતભેદ ઓછા થાય અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની કલ્પના સાકાર બનતી લાગે.
નરી વાસ્તવીકતા તો એ છે કે દરેક સ્થીતી એક ચોક્કસ વર્ગ માટે ફાયદાકારક હોય છે. કોઈને પોતાનો વીશેષ દરજ્જો ગુમાવવો ગમતો નથી. આ વર્ગ ચાલુ સ્થીતીમાં કોઈપણ પ્રકારના બદલાવનો વીરોધ કરવાનો છે. પરીણામે આવું મુક્ત દેશાન્તર પ્લાનીંગથી ક્યારે પણ થવાનું નથી.
પ્લાનીંગથી નહીં; પણ ટૅકનૉલૉજીનો વીકાસ અને વીકસીત દેશોની જરુરીયાતને લીધે, વૈશ્વીકીકરણના માધ્યમથી, દુનીયા ધીરેધીરે એકરુપ થઈ રહી છે. ગરીબ દેશોનો શીક્ષીત યુવાવર્ગ મર્યાદીત દરે પણ વીકસીત દેશોમાં જઈ રહ્યો છે. પરીણામે એમનાં કુટુમ્બીઓનું જીવનધોરણ ઝડપથી બદલાઈ જાય છે. બીજી બાજુ સસ્તી મજુરીની ખોજમાં વીકસીત દેશોની કંપનીઓ ગરીબ દેશોમાં જવા લાગી છે, જે બધાના લાભમાં છે.
ધરમુળથી બદલાતી પરીસ્થીતીને ક્રાન્તી કહે છે. આજસુધીની બધી ક્રાન્તીઓ લોહીયાળ હતી. ધાર્મીક વીચારધારાઓની શરુઆત પણ આમાં અપવાદ નથી. આજની ધીમી ગતીથી બદલાતી પરીસ્થીતી, શાન્તીપુર્ણ ક્રાન્તીની શરુઆત છે કે પછી આજનો પ્રવાહ ભવીષ્યમાં અટકી જશે એવી શંકા ક્યાંક સેવાય છે. થોડા દાયકાઓથી શરુ થયેલ આ પ્રવાહમાં આર્થીક મન્દીઓના લીધે અવારનવાર અવરોધ આવ્યા કરે છે; પણ પ્રવાહ અટકતો નથી. સાહસીકો માટે ભાવી ઉજ્જવળ છે. ઉત્ક્રાન્તીવાદનો સીદ્ધાન્ત ‘સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ’ને બદલે ‘સક્સેસ ફોર ધ પ્રોગ્રેસીવ’ અત્રે વધુ લાગુ પડે છે.
બીજા શબ્દોમાં કહીએ તો હવેની સફળતા, નવું વીચારનારના પક્ષમાં છે. પરમ્પરાવાદીઓની પીછેહઠ નીશ્વીત છે.
–મુરજી ગડા
લેખક સમ્પર્ક:
શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટી કા સોસાયટી, વાસણા રોડ, વડોદરા- 390 007 ફોન: (0265) 231 1518 સ ેલફોન: 97267 99009 ઈ.મેઈલ: mggada@gmail.com
કચ્છી વીશા ઓસવાળ સમાજના મુખપત્ર ‘પગદંડી’ માસીકના 2009ના એપ્રીલ માસના અંકમાં અને કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2009ના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…