20130726

કૅન્સરની જેમ ફેલાઈ ગઈ છે અન્ધશ્રદ્ધા


કૅન્સરની જેમ ફેલાઈ ગઈ છે અન્ધશ્રદ્ધા

Fun & Info @ Keralites.net 


.
 



કેદારનાથમાં ગંગાના પ્રવાહમાં તણાઈ ગયેલા ભક્તોની સાથેસાથે મારી ઈશ્વર પ્રત્યેની સમ્વેદનાઓ ફરી એક વાર તણાઈ ગઈ. વાદળાં ત્યાં ફાટ્યાં અને પ્રશ્નોનો વરસાદ મારા હૃદયમાં તુટી પડ્યો છે.
દર બેચાર વરસે સમાચાર મળે છે કે ધર્મયાત્રાનાં સ્થળે કોઈ ને કોઈ અકસ્માતો સતત થયા જ કરે. પ્રભુનાં દર્શન કરવા ગયેલા ભક્તો, ડાયરેક્ટ પ્રભુના દરબારમાં પહોંચી જાય છે. તીરુપત્તી હોય કે વેટીકન હોય કે મક્કા–મદીના હોય, ભક્તોની ભીડને ભગવાન ભરખી લે છે ! ક્યારેક લોકો ભીડમાં કચડાઈ જાય છે, ક્યારેક પુરમાં તણાઈ જાય છે. આમ, ઈશ્વર પોતાના ચાહનારાઓને ચુપચાપ ખતમ થતાં શા માટે જોતો રહે છે ? છે કોઈ સૌથી ઉચ્ચ ઉત્તરાધીકારી પાસે આનો ઉત્તર ? ના. સોરી, હું નાસ્તીક નથી. હું આસ્તીક પણ નથી. હું અજ્ઞેયવાદી એટલે કે ઈશ્વર વીશે–અજાણ છું. ઈશ્વર હોય તો હોય પણ; ન હોય તો ન પણ હોય. પણ જો ઈશ્વર હોય તો એની આસપાસ રચાયેલા આ બધા જે ધર્મો છે એ મને બીલકુલ સમજાયા નથી!  ધર્મ વીશે જેટલું વીચારું છું, જેટલું વાંચું છું તો એ બધું મને વધારે ને વધારે કન્ફ્યુઝ કરે છે. પણ પ્રચલીત અર્થમાં જેને ધર્મ કહેવાય છે એના વીશે વીચારતાં લાગે છે કે ધર્મના કોર્સમાં જે બુક્સ છે એ અલગ છે અને જીવનમાં કંઈક જુદો જ ધર્મ છે. ધર્મની પાઠશાળામાં ભણાવાય છે કશુંક અલગ જ; અને પરીક્ષામાં કંઈક અલગ જ સવાલો પુછાય છે. ધર્મગ્રંથોની સારી સારી વાતો અલગ છે; પણ દુનીયામાં વ્યવહારમાં ધર્મોએ પોતાનો અલગ જ પ્રતાપ દેખાડ્યો છે. ખાસ કરીને હીન્દુસ્તાનમાં. પાખંડ, દોરાધાગા, જાતીવાદ અને મન્દીર–મસ્જીદના નામે થતી કત્લેઆમ એ બધું જોઈને થાય છે કે આ બધું સાલું, ધર્મ અને ઈશ્વરને નામે ? અને ખરેખર જો ઈશ્વર હોય તો એ આવું બધું ચલાવી લે ? અને આ બધાનો મારી–તમારી પાસે કે કોઈ પણ પાસે નકકર જવાબ નથી !’
40ના દાયકામાં પંડીત મેવાલાલ ‘વફા’ નામે પંજાબમાં મોટા શાયર થઈ ગયા. નાનપણમાં એમના ગામમાં ઝાડના એક થડ પર બેસીને એ ચણા ખાતા હતા અને એ જ થડની બીજી બાજુએ એક હરીજનનો છોકરો પણ બેઠો હતો. ગામના એક ધર્માત્માએ ત્યાં ‘વફા’ને હરીજન જોડે બેઠેલો જોઈ લીધો. એ માટે પંચાયત બેઠી અને હરીજન સાથે બેસીને ચણા ખાવા બદલ ‘વફા’ પર ગંભીર કાર્યવાહી થઈ. ખુબ લાંબી ચર્ચા પછી પંચોએ નક્કી કર્યું કે ‘વફા’ની ઉમ્મર 12–13 વર્ષની છે; એટલે એ હજી નાદાન ગણાય. એણે હરીદ્વાર જઈ હરકી પેડીમાં સ્નાન કરીને આ બાબતે પ્રાયશ્વીત્ત કરવું ! ‘વફા’ ને સમજાયું નહીં કે એવી તે એણે શું ભુલ કરી ! પંચાયત ઉઠી ગયા પછી પેલા ધર્માત્માએ ‘વફા’ને પાસે બોલાવ્યો અને ખાનગીમાં કહ્યું, ‘જો બેટા ! જીવનમાં અમે પણ અનેક ભુલો–પાપો કર્યાં છે. જુવાનીમાં બળાત્કારો, અપહરણો, ચારસો વીસી બધું જ કર્યું છે; પણ આજે બુઢ્ઢા થયા ત્યાં સુધી અમે ‘ધરમ’ નથી અભડાવ્યો ! અને એક તું છે કે બાળપણમાં જ ધર્મથી હાથ ધોઈ બેઠો ? આ તો ઠીક છે કે મેં બચાવી લીધો નહીં તો તારા ધર્મનું શું થાત ?’ આ સાભળીને ‘વફા’ તો ચુપ થઈ ગયા ! એમને થયું કે શું આ છે આપણા ધર્મની વ્યાખ્યા ? આ કેવો ધર્મ છે કે જેમાં બળાત્કાર, ખુન વગેરે માફ છે; પણ એક માણસ બીજા માણસ જોડે બેસી ના શકે ! કારણ કે બેઉની જાતી અલગ છે !
આજેય ચુંટણીઓ ધર્મને નામે, જાતીને નામે લડવામાં આવે છે. આજેય પાનાં ભરીને લગ્નવીષયક જાહેરાતોમાં ધર્મ–જાતીનાં હેડીંગ હોય છે. આજેય મુંબઈ જેવા શહેરમાં પણ અમુક ધર્મના લોકોને રહેવા માટે સારી સોસાયટીમાં ફ્લેટ નથી મળતા. ધર્મના નામે એકબીજાને ડરાવીને–ઉશ્કેરીને, કોમી હુલ્લડો કરાવીને સરકારો બનતી રહે છે અને લોકો એને ધર્મ, અસ્મીતા કે ગૌરવનું નામ આપીને હરખાય છે ! 1982 પહેલાં આપણા સમાજમાં જેટલી કટ્ટરતા હતી એના કરતાં બાબરી–ગોધરા કાંડ પછી બમણા જોરે સમાજની નસનસમાં ફેલાઈ ચુકી છે. ચલો, કટ્ટરતા તો દરેક પાર્ટીઓના રાજકારણીઓની દેન છે પણ ધર્માન્ધતાનું શું ? આજે એક બાજુ પહેલાંથી વધુ ઈશ્વરના દરબારોમાં ‘સોનાના મુગટો’ અને ‘દરવાજા’ઓ ભેટ ધરાવાય છે અને બીજી બાજુ શોષીત–દલીત–આદીવાસીઓ પાસે પીવાનું પાણી કે મુઠ્ઠી અનાજ નથી. ત્યારે થાય કે જરાક પણ નોર્મલ રીતે લૉજીકલી વીચારી શકતા માણસને એવા ધર્મ માટે સવાલ નહીં ઉઠતો હોય?
પણ દુ:ખની વાત તો એ છે કે આજે આપણાં મન્દીરોમાં–મસ્જીદોમાં પહેલાં કરતાં વધારે સંખ્યામાં ડરેલા યુવાનોની કતારો શ્રદ્ધાને બદલે આંધળી ભક્તી કરતી જોવા મળે છે. શનીથી ડરવું, હાથમાં અંગુઠીઓ પહેરવી, મંત્રતંત્રમાં માનવું, સારાં કાળ–ચોઘડીયાં જોઈને જ કામ શરુ કરવું, લાંબી દાઢી રાખવી, ટોપીઓ પહેરવી. આ બધું રોજરોજ વધતું જ જાય છે. હું જે ફીલ્ડમાં છું ત્યાં મેં 100 ટકા સેક્યુલર લોકો જોયા છે; પણ હવે ત્યાંય અન્ધશ્રદ્ધા કૅન્સરની જેમ ફેલાઈ રહી છે. ટી.વી.ની નીર્માત્રીઓ શનીવારે મીટીંગ નથી કરતી, કાળભૈરવના મન્દીરમાં અઘોરપુજાઓ કરાવે છે, પ્રાણીઓનો બલી આપે છે – જેથી એમની ટી.વી. સીરીયલો ‘હીટ’ થાય ! કાળી માતાને લોહી ચઢાવવા જેવી અજીબ પુજાઓ કરનારા મુંબઈમાં પણ પડ્યા છે !
       મારી પાસે ટી.વી. સીરીયલોના એપીસોડ સમ્વાદલેખન માટે આવે છે, એમાં અડધાં પાનાં ભરીને ભગવાનોનાં નામો શરુઆતમાં લખાયેલાં હોય છે. એમાં જો પાછો 13 નંબરનો સીન હોય તો એને ’12-A’ તરીકે લખવામાં આવે છે જેથી કરીને અપશુકન ના થાય. સીરીયલોનાં હીરો–હીરોઈનોનાં પાત્રો ડૉક્ટર કે વકીલ હોય તો પણ જાતજાતના ગ્રહોનાં વ્રત રાખે છે કે દોરાધાગા કરે છે ! ભણેલા મૉડર્ન લોકો પણ ઘરની બહાર જતાં પહેલાં માથા પર ભભુતી છાંટીને, દીશા પારખીને જ નીકળે એવી બાલીશ સ્ક્રીપ્ટો લખાય છે અને પાછી એ બધી સીરીયલો લોકોમાં સુપરહીટ પણ થાય છે !
મારો મુદ્દો શ્રદ્ધાના વીરોધનો નથી. એક ભક્તની, સાધકની પરમતત્ત્વ પરની આસ્થાને સો–સો સલામ; પણ અન્ધશ્રદ્ધા અને ધર્મના વેપારીકરણની વાત, પરમ્પરાના નામે પાખંડનો વલ્ગર અતીરેક મને ઈશ્વરના અનાદર જેટલો જ ખુંચે છે !
વ્યાસપીઠ પરથી દરીદ્રનારાયણનો મહીમા ગાનારા કથાકારો વાસ્તવમાં નગદનારાયણ આપતા માલેતુજારો સામે પીઠ ઝુકાવે છે ત્યારે ખુબ દુ:ખ થાય છે. બીજી બાજુ, મદરેસાઓ આતંકવાદની લૅબોરેટરી બનવા માંડ્યાં છે ત્યારે દુ:ખ સાથે ડર પણ જન્મે છે, ઈશ્વર-અલ્લાહ બેઉ માટે ! હું જન્મે દ્વારકાનો ગુગળી બ્રાહ્મણ છું એટલે મન્દીરોના વહીવટ અને શ્રદ્ધાળુઓને ભોળવનારાં તત્ત્વોને ખુબ નજીકથી મેં જોયાં છે.
ઈન્કમ–ટૅક્સ ડીપાર્ટમેંટની જેમ ડરાવી ડરાવીને, માણસને કમજોર કરીને, મન્દીરોમાં પરાણે દાનદક્ષીણા કરાવે, એવો ધર્મ કે ઈશ્વર મને સમજાતો નથી. એ જ દાનની રકમ જો સમાજના વંચીતોને આપવામાં આવે તો ઈશ્વરને વધુ ગમવું જોઈએ એવી મારી કૉમનસેંસ છે. વીવકાનંદે કહ્યું છે એમ : ‘જે ધર્મ વીધવાનાં આંસુ નથી લુછી શકતો એ ધર્મ મને મંજુર નથી.’
હું જાણું છું કે ધર્મ વીશેની મારી સમજ શાયદ ધુંધળી હશે, અધુરી હશે; પણ અધ્યાત્મ અને પરમતત્ત્વમાં શ્રદ્ધા રાખવી અને ધર્માંધ હોવામાં ચોક્કસ ફરક છે. અફસોસ કે છેલ્લાં અનેક વર્ષોથી આપણો સમાજ ધર્મપુરુષો અને ધર્મસ્થળોની નજીક સરતો જઈને ખરા ઈશ્વરથી દુર જઈ રહ્યો છે. બાકી મારા માટે તો ‘ધર્મ’ આર્ટ ફીલ્મ જેવો છે. જેને માન બધા આપે; પણ સમજાય જરાય નહીં. અથવા તો ધર્મ એક કમર્શીયલ ફીલ્મ છે, જે પોતાની ફોર્મ્યુલાઓ વડે સમાજને બગાડે છે. બાકી ખરો ધર્મ, ખરો ઈશ્વર લોકોનું ક્યારે ભલું કરશે એ તો ઈશ્વર જ જાણે !
અંતમાં, જ્યારે જ્યારે હું ઈશ્વરના અસ્તીત્વ વીશે સીરીયસ્લી વીચારું છું ત્યારે સીરીયસ્લી સમજાતું નથી; પણ એક સીરીયસ જોક યાદ આવે છે:
એક ભીખારી સવારથી મન્દીર–મસ્જીદ–ચર્ચ પાસે ભીખ માગી માગીને થાકી ગયો; પણ એને એક રુપીયોયે ના મળ્યો. ભુખ્યોતરસ્યો એ રાત્રે ઘરે પાછો જતો હતો. એવામાં એક દારુના બારમાંથી નીકળી રહેલા એક દારુડીયાએ એને બુમ પાડીને પાસે બોલાવ્યો. દારુડીયાએ એને સામે ચાલીને 100 રુપીયા આપ્યા ! ભીખારીની આંખમાં આંસુ આવી ગયાં. એણે 100ની નોટ જોયા કરી અને પછી આકાશ તરફ જોઈને કહ્યું : ‘વાહ રે ઉપરવાલે, તુ ભી અજીબ હૈ. રહેતા કહીં ઓર હૈ; ઔર એડ્રેસ કહીં ઓર કા દેતા હૈ !’
બાય ધ વે, તમારામાંથી કોઈને જો સાચા ઈશ્વરનું સાચું એડ્રેસ મળે તો પ્લીઝ અમને મોકલાવજો ! વાદળાં તો કેદારનાથમાં છેક હમણાં ફાટ્યાં; પણ પરમાત્મા વીશેના પ્રશ્નોનો વરસાદ, અમારા હૃદયમાં ક્યારનોયે વરસી રહ્યો છે!
– સંજય છેલ
‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈ (તા. 23 જુન, 2013)માં એમની લોકપ્રીય કટાર ‘મીજાજમસ્તી’માં, પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…