20150217

મળવા જેવા માણસ – પ્રભુલાલ ટાટારીયા


     Tatariya
     પ્રભુલાલભાઈનો જ્ન્મ ૧૯૪૩ માં કચ્છ જીલ્લાના માંડવીમાં થયો હતો. એમના જ્ન્મથી માત્ર દોઢ મહિના પહેલા જ એમના પિતાનું અવસાન થયું હતું. તે સમયે એમના મોટાભાઈ શામજીભાઈ માત્ર દસ વર્ષના હતા. એમના માતા રાધાબેન માત્ર ચોથા ધોરણ સુધી ભણેલા હતા. આવા સંજોગોમાં પ્રભુલાલભાઈનું બાળપણ આર્થિક સંકળામણમાં પસાર થયું. એમના માતા દિવસે બાંધણી બાંધવાનો અને રાત્રે ફાનસના કાઢી નાખેલા ઢાકણાની જગાએ, ફૂલ વાટકામાં તૈયાર થતી કાળી ચ્હા પી ને ગાદલા.રજાઇ અને ઓશિકાના કવરની સિલાઈના કામ કરી ઘર ચલાવતા. થોડા સમયબાદ એમ મુસ્લિમ શખ્સની ભલામણથી એમને અન્જુમન ઈસ્માઈલ સ્કૂલમાં  ગર્લસ સેકશનમાં પ્રાધ્યાપક તરિકે નોકરી મળેલી.શામજીભાઇ વર્નાક્યુલર ફાઇનલ થઇ જતા દાતુભાઇ ઇબ્રાહીમ ખોજા હોસ્પિટલમાં ડ્રેસર તરિકે નોકરી રહ્યા અને માની નોકરી છોડાવી દીધી
       પ્રભુલાલભાઈને આઠ વર્ષની વયે શેઠ ત્રિભુવનદાસ ભવાનજી પ્રાથમિક શાળામાં દાખલ કરવામા આવ્યા. પાંચમા ધોરણથી સાતમા ધોરણ સુધી શેઠ લીલાધર મુરારજી ભીમાણી માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ આઠમાં ધોરણથી દસમા ધોરણ સુધીનો અભ્યાસ રામકૃષ્ણ હાઈસ્કૂલમાં કર્યો. સ્કૂલના અભ્યાસ દરમ્યાન વર્ગમાં એમનો નંબર ૧૦ સુધી રાખવાની કાળજી લેતા જેથી એમને માસિક બે રૂપિયાની સ્કૂલ ફી જ્ઞાતિ તરફથી મળતી. શાળાના સમયમાં એમને વાંચન અને ડ્રોઈંગમાં વિશેષ રસ હતો.
      ૧૧મા ધોરણના અભ્યાસ માટે જ્ઞાતિની બોર્ડિન્ગમાં રહી જામનગરની નવાનગર હાઈસ્કૂલમાં દાખલ થયા. આ અભ્યાસ દરમ્યાન જ એમને Migraine ની તકલીફ ઊભી થવાથી નાપાસ થયા અને ફરી શેઠ ગોકલદાસ તેજપાલ હાઇસ્કૂલમાં દાખલ થઇ એમણે ૧૯૬૨ માં SSC કર્યા પછી વધારે ન ભણવાનું અને ઘરની આર્થિક સ્થિતી સુધરે એટલે નોકરી શોધવાનું શરૂ કર્યું. થોડા પ્રયત્નો બાદ એમને અમરાવતીની શ્રી લક્ષ્મી કોટન ટ્રેડર્સ પ્રા.લી. માં નોકરી મળી. આ કંપનીની ૧૪ બ્રાંચીસ હતી. પ્રભુલાલભાઈને  કાટોલ બ્રાંચમાં વેઈન્ગ કલાર્ક તરીકે નિમવામાં આવ્યા. ખાવું,પીવું અને રહેઠાણની સગવડ ઉપરાંત માસિક ૫૦ રૂપિયા પગાર નક્કી થયેલો. . કાટોલમાં વેઇન્ગ કલાર્કની ડ્યુટી કરતાં કરતાં તેમણે કોટન સિલેકશન અને એકાઉન્ટ શીખી લીધું અને બંધાતી કપાસની ગાંસડીનું સુપરવિઝન પણ કર્યું. કપાસની સીઝન પુરી થતાં એમના કામથી સંતોષ પામી એમનો પગાર ૫૦ ને બદલે ૬૦ રૂપિયા પ્રમાણે ગણવામાં આવ્યો.
      બીજી સીઝનમાં એમને કાયમી કરવામાં આવ્યા.ઓફીસમાં હેડકલાર્કના હાથ નીચે એકાઉંટનું કામ સોંપવામાં આવ્યું. થોડા સમય બાદ કોટનસીડ ડિપાર્ટમેન્ટમાં અને ત્યાર બાદ ઓઈલમીલમાં એમ એમની બદલી થતી રહી. ઓઈલમીલના મેનેજર રીટાયર્ડ થતાં પ્રભુલાલભાઈને મેનેજર બનાવવામાં આવ્યા, ત્યારે તેમનો પગાર ૧૯૦ રૂપિયા હતો. આ કંપનીમાં એમણે ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી કામ કર્યું એ દરમ્યાન જ ૧૯૬૭માં એમનુ વેવિશાળ જયાબહેન સાથે થયું.
     ૧૯૬૮ માં સારા ભવિષ્ય માટે તેમણે મેસર્સ ખીમજી રામદાસ – મસ્કત (સલ્તનત ઓફ ઓમાન) માં નોકરી સ્વીકારી. ૧૯૬૮ થી ૧૯૭૪ સુધી સલાલા (ધુફાર)માં કંપનીમાં અલગ અલગ ખાતામાં જવાબદારી સંભાળી. ત્યારબાદ ૧૯૭૪-૧૯૭૫ મશિરાહ બ્રાંચમાં રહ્યા અને ૧૯૭૬થી હેડ ઓફીસમાં અલગ અલગ હોદ્દાઓમાં કામ કરી કંપની તેમને રિટાર્યમેન્ટની વય વટાવી ગયા છતાં તેમની નોકરી ચાલુ હતી પણ ૨૦૦૬ માં સ્વચ્છાએ નિવૃતિ લીધી.
       અહીં પરદેશમાં રહીને એમનું ગુજરાતી ભાષા પ્રત્યેનું આકર્ષણ ટકી રહ્યું. નોકરી દરમ્યાન એમણે ખીમજી રામદાસ કંપની માટે ગુજરાતીમાં સરક્યુલર બનાવવા,મુંબઇ ઓફિસ સાથે ગુજરાતી પત્ર વહેવાર કરવો, દિપોત્સવી પર્વ નિમિતે ચોપડા પુજન માટેના લખાણ તૈયાર કરવા,કંપનીના સંપૂર્ણ સ્ટાફ માટે કંપની તરફથી નવા વર્ષની ભેટના કવર તૈયાર કરવા તથા વિતરણની વ્યવસ્થા કરવી વગેરે કાર્યો એમણે હોંસે હોંસે કર્યા. પ્રભુલાલભાઇ આર્થિક પરિસ્થીતી કારણે કોલેજ ન જઇ શક્યા જો તેઓ ગ્રજ્યુએટ હોત તો રિટાયર્મેમેન્ટ વખતે મે.ખીમજી રામદાસ જેવી માતબર કંપનીના મેનેજર પદે હોત
    માત્ર કંપનીમાં જ નહિં પણ ત્યાંના ગુજરાતી સમાજની સેવામાં પણ એમણે ઉત્સાહ પૂર્વક ભાગ ભજવ્યો. હિન્દુ મહાજન એસોસિએશનના બધા ગુજરાતી સરક્યુલર લખવા, સોહાર ખાતેની હિન્દુ સ્મશાનભૂમીમાં અગ્ની સંસ્કાર કરાવવા જરૂરી વ્યવસ્થા કરવામાં પણ મદદરૂપ થવું વગેરે પ્રવૃતિઓ સ્વેચ્છાપૂર્વક સ્વીકારી. મસ્કત ગુજરાતી સમાજ તરફથી થનાર બધા આયોજનના ગુજરાતી બેનર તથા સ્મરણિકાઓ તૈયાર કરવી, ગુજરાતી સરક્યુલર લખવા તથા થયેલ આયોજનના  રિપોર્ટ તૈયાર કરી કચ્છમિત્રને મોકલવા જેવા કામો પ્રભુલાલભાઈએ જવાબદારી પુર્વક સંભાળ્યા.  “પ્રયત્ન”સાહિત્ય પરિવાર તરફથી આયોજીત મુશાયરામાં ભાગ લેવો તથા તેના નેજા હેઠળ પ્રકાશિત “પ્રયત્ન”હસ્તલિખિત દ્વિમાસિક તૈયાર કરવો(૧૯૮૮-૧૯૯૪) તેમજ ફોટોકોપી કરાવી વિતરણ કરવું વગેરેનો એમની મન ગમતી પ્રવૃતિઓમાં સમાવેશ થતો. તે સિવાય નવરાત્રી દરમ્યાન ભારતમાંથી ગરબા મંગાવવા અને ચીતરવા એમને ગમતા. કોઇની પણ અંગત જરૂરિયાત પ્રમાણે ગુજરાતી લખાણની અમુલ્ય સેવા આપવા માટે તેઓ ખૂબ જ જાણીતા હતા.તેમણે મસ્કતના રોકાણ દરમ્યાન લખેલા દરેક ગુજરાતી લખાણની જો નકલ રાખી હોત તો કદાચ ૨૫-૩૦ ઇન્ડેક્ષ ફાઇલ ભરાઇ ગઈ હોત. પ્રભુલાલભાઇ તેમના ગુજરાતી અક્ષરોથી જાણીતા હતા તે સિવાય તેમની બીજી ઓળખાણ હતી તેમણે પહેરેલા suspender બેલ્ટ જે મસ્ક્તમાં કોઇ નહોતું પહેરતું.
Tatariya_1
        પરદેશમાં નોકરી સ્વીકાર્યા બાદ બે વર્ષમાં, એટલે કે ૧૯૭૦ માં એમના લગ્ન એમની જ્ઞાતિના જ જયાબહેન સાથે થયા. આ arranged marriage હતા. લગ્ન માટે દોઢ મહિનાની રજા લઈ પ્રભુલાલભાઈ ભારત આવેલા. રજા પુરી થતાં તેઓ એકલા જ ધુફાર પાછા ગયા. ત્યાર બાદ ૧૯૭૦ થી ૧૯૭૬ સુધી નોકરી અને કુટુંબજીવન વચ્ચેની સમતુલા જાળવવા એમને દેશ અને પરદેશમાં સમયની ફાળવણી કરવી પડી. ૧૯૭૬માં એમની પત્નીને વિસા મળતાં, પહેલી સંતાન આશાને લઇ જયાબહેન પતિ સાથે રહેવા મસ્કત આવી, સાથે રહી સાંસારિક જીવન બસર કરી શક્યા. પ્રભુલાલભાઈ અને જયાબહેનને બે દિકરીઓ આશા અને મીતા તથા એક દિકરો પિયુષ એમ ત્રણ સંતાનો છે. પૌત્ર ધૈર્ય અને પૌત્રી ટીશા તથા દુહિત્રી દ્રષ્ટી અને જીવિકા, એમ દાદા અને નાના કહેનારા પણ છે જેનો તેમને હર્ષ અને સંતોષ છે
       ૩૭ વર્ષ સુધી એક જ કંપનીમાં એક દિવસ પણ ગેરહાજર કે મોડા આવ્યા વગર ઈમાનદારી પુર્વક નોકરી કરી,એમણે સ્વાથ્યના કારણોથી ૨૦૦૬ માં સ્વૈછિક નિવૃતિ લીધી અને કુટુંબ સાથે ભારતમાં કાયમી વસવાટ માટે આવી ગયા.આ દરમ્યાન બાળકો મોટા થઈ પોત પોતાના જીવનમાં ઠરીઠામ થઈ ગયા હતા. નિવૃતિના સમયનો સદઉપયોગ કરવા પ્રભુલાલભાઈએ ૨૦૦૮ માં ધુફારી નામે એક બ્લોગ શરૂ કર્યો. એમના ધૂફારના સમયને કાયમી યાદગીરી આપવા એમણે પોતાના લખાણ માટે ધૂફારી ઉપનામ અપનાવ્યું.
હવે એમણે પોતાના ગુજરાતિ અને કચ્છી ભાષા પ્રત્યેના પ્રેમને વાચા આપી. કચ્છી અને ગુજરાતીમાં કવિતા,ગીત,ગઝલ.રાસ,ભજન, મુક્તક, હાઇકુ, છપ્પા, દોહા તથા અછાંદસ, અને નવલિકા પોતાના તેમજ અન્ય લોકોના બ્લોગ્સમાં મૂકી, ખૂબ ઝડપથી લોક ચાહના પ્રાપ્ત કરી. પોતાના જન્મ સ્થાનની બોલી કચ્છી પ્રત્યે એમના ખાસ પક્ષપાતને લીધે એમણે અનેક ઉચ્ચ કક્ષાની કચ્છી કવિતાઓ લખી છે, એમાની કચ્છી સંગરમાં લખાયલી એમની કવિતાઓ મને બહુ ગમી છે. ખાસ કચ્છી ભાષાનો એમનો બ્લોગ “કચ્છીજો મજૂસ” (http://kachchhi.wordpress.com). માત્ર કચ્છી ભાષાઓની રચનાઓ જ રજૂ કરે છે.
આ ચિત્ર પર ક્લિક કરી તેમના બ્લોગ પર પહોંચો.
આ ચિત્ર પર ક્લિક કરી તેમના બ્લોગ પર પહોંચો.
        પ્રભુલાલભાઈની બહુમુખી પ્રતિભાને આ નાના લેખમાં આવરી લેવું મારા માટે શક્ય નથી. સાહિત્ય ઉપરાંત એમના શોખના વિષય છે, પેઇન્ટીંગ, ગ્લાસ એનગ્રેવિંગ, ફોટોગ્રાફી,અને એકટીન્ગ. એમણે મસ્કત ગુજરાતી સમાજના નેજા હેઠળ સ્ટેજ થયેલ ત્રણ ગુજરાતી નાટક ‘દે દામોદર દાળમાં પાણી’, ‘બાવીસ વરસનો બાબો’ અને ‘પત્તાની જોડ’ નાટકોમાં અભિનય કરેલો.
પ્રભુલાલભાઈ માને છે કે, “ જે મળે ટાણે તે ન મળે નાણે. અન્નનો કોઇ દિવસ અનાદાર ન કરવો. થાળીમાં એટલું જ લેવું જે તમે ખાઇ શકો. થાળીમાં આવ્યા પછી એઠું કદી ન મુકવું.  થાળી પર બેસીને રસોઇનો વાંક ન કાઢવો ચુપચાપ જમી લેવું. જે છે એમાં જ આનંદ માણવો કદી પણ નથી… નથી….ની માળા ન જપવી.”
પ્રભુદાસભાઈનો પુરો પરિચય જાણવો હોય તો એમના બ્લોગ્સની મુલાકાત લઈને જ મળી શકે.
-પી. કે. દાવડા