20121201

અદ્દભુત વાતો – સંકલિત


ચારિત્ર્ય
કોઈપણ માણસનું ‘ચારિત્ર્ય’ એટલે તેની વૃત્તિઓનો સમૂહ, તેના માનસિક વલણોનો સરવાળો. સુખ અને દુ:ખ બંને એના આત્મા પાસેથી પસાર થાય ત્યારે તેના પર વિવિધ ચિત્રોની છાયા મૂકતાં જાય છે, અને આ સર્વ સંમિશ્રિત અસરોનું પરિણામ એ જ ‘ચારિત્ર્ય’
- સ્વામી વિવેકાનંદ
*********
બુદ્ધિની શુદ્ધિ
ભાવીનું અનિષ્ટ રોકવું હોય તો એક જ ઉપાય છે : સત્કર્મ. આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણાથી પ્રાણીમાત્રને જરાય હાનિ, કષ્ટ કે પીડા ન પહોંચે, કોઈનું જરા પણ અહિત ન થાય. આપણું બૂરું કરનાર પ્રત્યે જરા પણ બૂરાઈ કરવાનો વિચાર સુદ્ધાં ન આવે ત્યારે સમજવું કે બુદ્ધિમાં શુદ્ધિ આવી છે.
*********
યોગ્ય આચરણથી
‘યોગી’ બનાય !
ભૂલોની પરંપરાથી
‘ભોગી’ બનાય !
સંયમના શિરચ્છેદથી
‘રોગી’ બનાય !
*********
જીવન સંગ્રામમાં વિજય મળવો જ જોઈએ એવું કંઈ નથી. પરાજય જીરવવાનું ખમીર કેળવાય એય પૂરતું છે. વિજયને વર્યા કે પરાજયને પામ્યા એનું મહત્વ નથી. મહત્વ તો એ છે કે કાર્યમાં તમે કેટલો પ્રાણ પૂર્યો.
*********
શરીર નશ્વર છે અને જગત પરિવર્તનશીલ છે.
આ આપણે સૌ જાણીએ છીએ. પછી, આવેલા પ્રદાર્થનો હર્ષ
અને ગયેલા પ્રદાર્થનો શોક કરવો અનુચિત છે.
સ્વર્ગસ્થનો શોક શું ?
જે મનુષ્ય જેટલા પણ સંસ્કાર લઈને આવે છે તે ઋણાનુબંધ પૂરો થતાં જ અચાનક નિમિત્ત બનાવી ચાલ્યા જાય છે.
એમાં વિચાર શું ?
સ્વર્ગસ્થનો વિચાર વ્યર્થ છે.
*********
માનવજાતિ આંધળા પ્રાણીઓનાં કોઈ ટોળા પેઠે પોતે શું કરે છે, શા માટે કરે છે તે સમજ્યા કે જાણ્યા સિવાય ચારે બાજુ દોડાદોડ કરી રહી છે અને ફકત પરસ્પર અથડાઈ અને ટીચાઈ જ રહી છે. અને લોકો આ ક્રિયાને ‘કર્મ’ કહે છે, ‘જીવન’ કહે છે. એ ખાલી ચળવળ જ છે, અને નથી કર્મ કે નથી સાચું જીવન.
જીવનનું લક્ષ સુખ નથી. સામાન્ય જીવનનું લક્ષ્ય છે પોતાનું કર્તવ્ય કરી છૂટવું. આધ્યાત્મિક જીવનનું લક્ષ્ય છે ભગવાનની પ્રાપ્તિ. ધ્યેય વિનાનું જીવન હંમેશા દુ:ખી જીવન હોય છે. તમારું ધ્યેય ઉચ્ચ અને વિશાળ રાખો, ઉદાર અને આસક્તિ વિનાનું રાખો. એમ કરશો તો તમારું જીવન તમારે પોતાને માટે તેમજ અન્ય સર્વને માટે એક કિંમતી વસ્તુ બની રહેશે. ભગવાનનો સાક્ષાત્કાર કરવો એ જ આપણા જીવનની એક માત્ર ભૂખ બની રહો.
*********
સુખી પ્રત્યે મિત્રતા, દુ:ખી પ્રત્યે કરુણા, પુણ્યશાળી પ્રત્યે મૃદુતા અને પાપી પ્રત્યે ઉપેક્ષા રાખવાથી ચિત્ત પ્રસન્ન થાય છે. મન જો સંતુષ્ટ બની જાય તો જગતમાં કોઈ પૈસાદાર નથી અને કોઈ દરિદ્ર નથી માટે મનને જ સમજાવવાની જરૂર છે.
*********
જો આપણાં દરેકનાં દુ:ખો અને દુર્ભાગ્યનાં પોટલાં બાંધીને તેનો ઢગલો કરવામાં આવે અને પછી તેમાંથી સહુને દુ:ખ સરખે ભાગે વહેંચી લેવાના હોય, તો મોટા ભાગના લોકો પોતાનું અસલ પોટલું ઉઘાડીને ચાલતા થવાના.
-સોક્રેટિસ.
*********
વર્તુળમાં શૂન્ય અંશનું જે સ્થાન છે
તે જ ત્રણસો સાઈઠ અંશનું પણ સ્થાન છે.
લઘુત્તમ અને ગુરુત્તમ
એક જ સ્થાનમાં રહેલા છે.
લઘુ માની લીધેલા મારા સ્વરૂપમાં જ
મારું પરમોચ્ચ-પરમાત્મ સ્વરૂપ રહેલું છે.
શૂન્ય સ્વરૂપ હું પૂર્ણ છું,
પરમાત્મ સ્વરૂપ છું,
તે હું જાણું
એટલો આશીર્વાદ આપજો પ્રભુ !
- નટુભાઈ ઠક્કર
*********
પવિત્રતા અને પ્રતિષ્ઠા
પવિત્રતા અને પ્રતિષ્ઠા એ બેમાં પહેલું સ્થાન પવિત્રતાનું આવે છે. પવિત્રતા હોય તો જ પ્રતિષ્ઠા આવે અને ટકે. પ્રતિષ્ઠા હોય ત્યાં પવિત્રતા આવેય ખરી અને ન પણ આવે. ગમે તેવું મોટું કામ હોય પણ પવિત્ર પુરુષ પહોંચી વળે, પ્રતિષ્ઠા નહીં પહોંચી વળે. પ્રતિષ્ઠાની બોલી જે કામ નથી કરતી, તે પવિત્ર પુરુષનો આચાર કરી બતાવે છે.
*********
મેલાં અને ઢંગધડા વિનાના કપડાંથી જો આપણને શરમ આવતી હોય તો પછી મેલાં અને ઢંગધડા વિનાના વિચારોથી તો આપણે શરમાવું જ જોઈએ.
- આઈનસ્ટાઈન
*********
ભવિષ્યનો જ વિચાર કરનાર
ગમે તે ઉંમરનો હોય,
એ બાળક જ છે !
ભૂતકાળની જ સ્મૃતિઓ
વાગોળ્યા કરનારો ગમે તે ઉંમરનો હોય
એ વૃદ્ધ જ છે !
વર્તમાનકાળમાં જ જીવતો હોય,
એ કોઈપણ ઉંમરનો હોય,
યુવાન જ છે !
-મુનિ રત્નસુંદર વિજયજી
*********
તમે હંમેશા કલ્પનાઓ તો કરતા જ હશો. સારી અને ખરાબ કલ્પનાઓ પણ તમને આવતી જ હશે. તમે ફક્ત સારી કલ્પનાઓ જ શા માટે નથી કરતા ? સારી કલ્પનાઓથી જ તમારું મન મજબૂત બને છે અને આવા મજબૂત મનમાં કલ્પનાઓ પણ સારી આવે છે. આ કલ્પનાઓ સફળ જ બને છે અને ફરી તમારું મન મજબૂત બને છે.
અને આ મજબૂત મનથી તમે પરમેશ્વરની કલ્પના કરી શકો. અને જ્યારે તમે તમારા મજબૂત મન વડે પરમેશ્વરની કલ્પના કરો છો ત્યારે તમારામાં અને પરમેશ્વરમાં કોઈ ભેદ છે રહે ખરો ? અને જ્યારે પરમેશ્વરની મનમાં કલ્પનાઓ જાગે ત્યારે એ કલ્પનાઓ કેટલી સુંદર હશે ? એ બધી જ સાકાર બને તો ?
આવો આપણે સુંદર-સારી-સુરુચિપૂર્ણ કલ્પના કરીએ. આ કલ્પનાઓ નિર્દંભ હોય અને નિ:સ્વાર્થ પણ હોય અને પછી જુઓ તમારું જીવન કેવું એક સુંદર ફૂલની જેમ ચારે બાજુ સુવાસ ફેલાવે છે !
- સુરેશ સોમપુરા