કાયદા એવા હોવા જોઈએ કે જે ગુનાખોરી અટકાવે અને બીજાને ગુનો કરતા રોકે. કાયદાના ડરના કારણે ગુનો કરવા જ કોઈ પ્રેરાઈ નહીં એવો કાયદો હોવો જોઈએ.
આપણા દેશમાં એક પણ કાયદો આવો નથી. આવા કાયદા હોય તો આપણો દેશ અમેરિકા જેવો સમૃદ્ધશાળી અને શક્તિશાળી હોત.
વળી આપણા દેશમાં એવા પણ કાયદા છે કે જે ગુનેગારો સામે વાપરવાના બદલે બિનગુનેગારો, નિર્દોષો સામે વાપરવામાં આવે છે.
વળી કાયદાનો અમલ કરનાર પણ આપણા દેશમાં એવા છે કે જેઓ નિર્દોષોને સપડાવવા માટે કાયદાનો ઉપયોગ કરતા હોય છે.
વળી કાયદા એવા હોવા જોઈએ કે કોર્ટ એનો ચુકાદો આપવામાં વર્ષોના વર્ષો ન લગાડે.
વળી કાયદો એવો હોવો જોઈએ કે જે સત્તાશાળીને કે ચમરબંધીને પણ ન છોડે.
આપણા દેશમાં શું સ્થિતિ આ બાબતમાં છે એ જોઈએ.
આપણા કાયદાઓ કાયદાઓ નથી પણ કાયદાના નામે છટકબારીઓ છે.
આજકાલ આપણા દેશમાં આર્થિક ગુનાના બે કિસ્સા ચર્ચામાં છે. એક છે ભાજપના પ્રમુખ નીતિન ગડકરીનો અને બીજો છે કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરાનો.
દેખીતી રીતે બન્ને આર્થિક ગુનેગાર છે પણ કાયદાની આંટીધુંટીના કારણે બન્ને ગુનેગાર નથી ઠરતા. કાયદા જ એવા છે કે બન્નેને કંઈ જ થઈ શકે નહીં.
જોકે કરવું હોય તો, ઘણું થઈ શકે પણ બન્ને શક્તિશાળી હોવાથી કશું થઈ શકતું નથી.
જ્યારે ટીવી ચેનલ ‘લાઈફ ઓકે’ પર દરરોજ ‘સાવધાન ઈન્ડિયા’ અને ‘સોની’ ચેનલ પર ક્રાઈમ પેટ્રોલ પર આવા સાચા કિસ્સા તારીખ, વર્ષ, સ્થળ અને સમય દર્શાવતા આવે છે. એમાં આ પ્રકારના કિસ્સા હોય છે અને આપણા દેશમાં એવા કિસ્સા કેટલા નોંધાયેલા છે એની પણ આંકડાકીય માહિતી અપાય છે.
આપણા દેશનો ઇતિહાસ બતાવે છે કે રાજ્ય એટલે સત્તાધારીઓ અને સત્તાધારીઓના પ્રતિનિધિ જેવા પોલીસ વગેરે હંમેશા પ્રજાના શોષણકાર રહ્યા છે. આપણે જ્યારે ગુલામ હતા ત્યારે અંગ્રેજો આપણું શોષણ કરતા અને આપણને આઝાદી મળી પછી આપણા જ રાજનેતાઓ આપણું શોષણ કરતા રહ્યા છે.
આઝાદી મળ્યા પછી જનતાની સત્તાના નામે વેલફેર સ્ટેટ એટલે કલ્યાણકારી સ્ટેટની વાત ચાલી ત્યારે જનતાને થયું કે, હવે શોષણ મુક્ત રાજ્ય અને કાયદાનું તંત્ર આવશે પણ ૬૫ વર્ષમાં આપણને એવો અનુભવ થાય છે ખરો? સોરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ગુજરાત રાજ્યના ટોચના આઠ આઠ પોલીસ વડાઓ અને એક ગૃહપ્રધાન ઉપર લટકતી તલવાર છે.
છેલ્લા મહિનાઓમાં દક્ષિણ ભારતમાં જ્યાં અણુવિજ મથક નાંખવાનું છે એ કુડનકુલમમાં શાંતિથી અહંિસક દેખાવો કરી રહેલા લોકોની વિરુદ્ધમાં ૨૦૦ કરતાં વધારે કેસ દાખલ કરીને ૧,૫૦,૦૦૦ માણસોને ગુનેગાર ઠરાવ્યા છે. એમની ઉપર જે કાયદા લગાવવામાં આવ્યો છે એ દેશદ્રોહનો દેશની વિરુદ્ધ કાવતરું કરવાનો અને દેશની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરવાનો છે.
ઝારખંડમાં પણ અલગ અલગ રિપોર્ટના આધારે લગભગ ૬૦૦૦ આદિવાસીઓને એવા જ કાયદા નીચે જેલમાં પૂર્યા છે.
ટૂંકમાં, દેશના દરેક રાજ્યમાં સરકારી તંત્ર એટલે કે પોલીસખાતાની ત્રાસવાદી વૃત્તિના ભોગ બનેલા નિર્દોષોના અનેક કિસ્સા છે. એ ત્રાસના કારણે કેટલાયને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે. કેટલાક એવા પણ છે કે પોલીસ એમને ઘરેથી ઉઠાવી ગઈ પછી હજી સુધી એનો પત્તો નથી.
દેશદ્રોહ અંગેનો આ કાયદો ફોજદારી કાયદાની કલમ ૧૨૪ છે. આ કાયદો અંગ્રેજોએ ૧૮૭૦માં બનાવેલો. ત્યારે અંગ્રેજોને આપણી ઉપર રાજ્ય કરવું હતું અને આપણને ગુલામ રાખવા હતા. એટલે એમણે એવા જ કાયદા બનાવેલા જેથી અંગ્રેજો એટલે કે સત્તાધારીઓ સલામત રહે અને નાગરિકોને સજા રૂપે ત્રાસ થાય. એટલે કે કાયદાના નામે કચડવાના. આ કાયદો ગાંધીજી, તિલક, મૌલાના આઝાદ વગેરે આપણા આઝાદીના બધા જ નેતાઓ ઉપર લાગુ કરાયેલો.
આઝાદી મળ્યા પછી આ કાયદાનો વિરોધ થવા લાગેલો. બંધારણ સભાની ચર્ચા દરમ્યાન પણ ઘણા આ કાયદાના વિરોધી હતા. દેશના પહેલા વડાપ્રધાન નેહરુએ પણ આ કાયદાનો વિરોધ કરેલો. એમણે, આ કાયદો લોકશાહી વિરોધી કાયદો ગણાવીને લોકશાહીમાં એ કાયદાને કોઈ સ્થાન હોય શકે નહીં એવું જાહેર કરેલું. છતાં પણ આ કાયદો આજે પણ ચાલુ છે અને એનો ઉપયોગ પણ થતો રહ્યો છે. સુપ્રિમ કોર્ટે ‘કેદારનાથ વિરુદ્ધ ભારત સરકાર’ના કેસમાં આ કાયદાને મર્યાદિત કરી દીધેલો.
બીજીબાજુ, આતંકવાદની સામે લડવા માટે અત્યાર સુધીમાં ઘણા કાયદા કરાયા. પરંતુ જેમ દેશદ્રોહ માટેનો કાયદો ખોટી રીતે વાપરીને જનતાને ત્રાસ અપાય છે. એમ આતંકવાદ વિરોધી કાયદો પણ ખોટી રીતે ઉપયોગમાં લેવાય છે. જેથી આતંકવાદ નાબૂદ થવાના બદલે ફેલાતો જાય છે.
૧૯૮૫માં પંજાબમાં આતંકવાદી ખાલિસ્તાન આંદોલન સાથે જે કાયદો કરવામાં આવેલો એ ‘ટાડા’ એટલે ‘ટેરરીસ્ટ એન્ડ ડિસ્ટપ્ટીવ એક્ટીવીટીઝ પ્રિવેનશન એક્ટ’ જાણીતો છે. એ કાયદાને બે વર્ષ પછી આખા દેશમાં લાગુ કરવામાં આવ્યો.
એ ટાડાના કાયદા નીચે કુલ ૭૬,૦૦૦ માણસોને જેલમાં પુરવામાં આવેલા. એકલા ગુજરાતમાં જ ૧૯,૦૦૦ માણસોને ટાડા નીચે જેલમાં પુરવામાં આવેલા. ગુજરાતમાં કદી આતંકવાદનો પડછાયો પણ નથી છતાં ભાજપ સરકારે એન્કાઉન્ટરો કરાવ્યા અને આમ હજારોને જેલમાં પૂર્યા.
ટાડાનો આ રીતે વ્યાપક ગેરઉપયોગ થતો હોવાથી એનો ઘણો વિરોધ થયો એટલે એને સમાપ્ત કરીને ૨૦૦૨માં ભાજપ સરકારે પોટા એટલે પ્રિવેન્શન ઓફ ટેરરીઝમ એક્ટ લાગુ કર્યો. એનો પણ શરૂઆતથી જ વિરોધ થયો. એના પણ દુરૂપયોગના કિસ્સા બન્યા. એમાં દિલ્લી યુનિવર્સિટીના એક પ્રવક્તાને પોટા અદાલતે ફાંસીની સજા કરેલી. પછી દિલ્લીના હાઈકોર્ટે એમને નિર્દોષ જાહેર કરીને છોડી મુકેલા.
૨૦૦૪માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર થઈ અને એણે પોટાને પણ નાબૂદ કરીને અનલોકુલ એકટીવીટીઝ પ્રિવેન્શન એક્ટ બનાવ્યો જે પેલા ટાડા અને પોટાના બાપ જેવો હતો. ‘અન લોકુલ’ શબ્દ જ વ્યાપક અર્થ ધરાવનાર છે. એનો ગમે તે અર્થ કરીને ગમે તેને જેલમાં પૂરી શકાય. તો ય મુંબઈ ઉપર આતંકવાદી હુમલો થયો. એટલે આ કાયદા કહેવાય આતંકવાદ દૂર કરવા માટેના પણ એનાથી આતંકવાદ દૂર થતો નથી. એને આ કાયદાથી દૂર કરવાનો ઈરાદો પણ નથી હોતો પણ એના બદલે એનો ઉપયોગ પોતાના વિરોધીઓને દાબી દેવા માટે જ કરાતો હોય છે. કાશ્મીર બાર એસોસીએશન પ્રમુખ એફ. એ. કુરેશી કહે છે કે, ‘આ કાયદો નવી બોટલમાં જૂનો દારૂ આપવા જેવો છે. આ કાયદો દરેક સરકારને મનફાવે તેમ કરવાની સત્તા આપે છે. સરકારના કોઈપણ વિરોધીનો અવાજ પણ દબાવવા આનો ઉપયોગ કરવામાં આવે છે. એને લાંબા સમય સુધી જામીન નથી અપાતા.’
આ કાયદાથી એક પણ આતંકવાદી પકડાયો નથી કે આતંકવાદ કાબુમાં નથી આવ્યો. એના બદલે આ કાયદાનો દુરૂપયોગ કર્યાના હજારો કિસ્સા બન્યા છે. આ કાયદો પોલીસને અને સરકારી અમલદારોને અમાય સત્તા આપે છે અને મનફાવે તેમ દમનચક્ર ચલાવે છે.
આનો એક નમૂનારૂપ દાખલો ઉત્તરપ્રદેશમાંથી પ્રગટ થતા ‘દસ્તક’ નામના મેેેગેઝીનનો જૂઓ. એણે ‘ગંગા એક્સપ્રેસ વે’ નામનો જે હાઈવે બની ગયો છે એ બન્યો એ પહેલાં ૨૦૧૦ના ફેબુ્રઆરીના અંકમાં એ રસ્તાના જોખમો વિષે લેખ છાપેલો. એ હાઈવેના બાંધકામના ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા સરકારી અમલદારો અને કોન્ટ્રાકટરોએ એ મેગેઝીનના તંત્રી માલિક માઓવાદી સાહિત્ય પકડાયાનો આરોપ મૂકવામાં આવેલો. એ પછી લગભગ ત્રણ વર્ષ સુધી એમને જેલમાં રાખ્યા પછી અલ્હાબાદ હાઈકોર્ટે જામીન ઉપર છૂટા કરાયેલા.
આજે આખા દેશમાં જુદા જુદા રાજ્યોમાં માઓવાદી સાહિત્ય પકડાયાના નામે હજારો માણસોને જેલમાં પુરવામાં આવ્યા છે.
આ અંગે સુપ્રિમ કોર્ટે ૨૦૧૧ના ૧૫ એપ્રિલે જણાવેલું કે, ‘ફ્કત કોઈ પ્રતિબંધિત સંસ્થાનો સત્ય હોય કે એને ત્યાંથી કોઈ સાહિત્ય પકડાય એટલે એ ગુનેગાર નથી બની જતો. કોઈ હંિસક બનાવમાં એની સંડોવણી હોય તો જ એ ગુનેગાર ગણાય છે.’
જેમ ગુજરાતમાં ભાજપ સરકાર ખોટા બહાના ઊભા કરીન એન્કાઉન્ટર કરાવીને માણસોને મારી નાંખતી અને રક્ષણ માટે કમાન્ડોનો કાફલો રાખે છે એમ બીજા રાજ્યોમાં નિર્દોષ નાગરિકોને દસ-દસ પંદર-પંદર વર્ષ સુધી જેલમાં રાખે છે અને છેવટે કશો કેસ ન બનતા દસ પંદર વર્ષ પછી છોડી મૂકે છે. દા.ત. દિલ્હીમાં આમિર નામના એક છોકરાને પોલીસે જેલમાં પૂર્યો એ વખતે એની ઉંમર ૧૮ વર્ષની હતી. એનો કેસ ૧૪ વર્ષ સુધી ચાલ્યો અને ૧૪ વર્ષ પછી એ નિર્દોષ જણાતા જેલમાંથી એને છૂટો કરવામાં આવ્યો.
જંિદગીના મહત્ત્વના ૧૪ વર્ષએ આમિરના એળે ગયા એનું શું? એ માટે કોણ જવાબદાર?
અમેરિકા કે બીજા કોઈ પણ દેશમાં આવું નથી બનતું. અહીં આપણા દેશમાં તો ન્યાયના નામે અન્યાય જ થાય છે. બીજા દેશોમાં કેસનો ચુકાદો આપવાની સમય મર્યાદા રાખેલી હોય છે. કેસમાં મુદત પણ નથી અપાતી. મુદત અપાય તો પણ એક-બે દિવસની જ અપાય છે.
આપણે ત્યાં તો, જેમ જેલમાં પુરવામાં ભ્રષ્ટાચાર ચાલે છે એમ મુદ્ત લેવામાં અને આપવામાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે. જામીન મેળવવામાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે. ખોટી રીતે માણસને લાંચ લેતી હોય છે. અમદાવાદના પેલા આશારામ અને એના દીકરો કોર્ટમાં હાજર થવામાંથી બબ્બે વર્ષથી છટક્યા કરે છે તો પણ એ હાજર નથી થતા અને કોર્ટને લબડાવ્યા કરે છે... કોર્ટ પણ કશું કરતી નથી! આવું આપણે ત્યાં જ ચાલે!
- ગુણવંત છો. શાહ