જો એવું જ હોય તો એ ચાર-પાંચ કે દસ-બાર વર્ષની બાળાઓ પર બળાત્કાર કેમ થતાં રહે છે ! શું તેમના નાજુક અંગોને પણ વાસનાખોરો માટે અંગપ્રદર્શન ગણી લેવાના ? એમનો દેખીતો શો વાંક ?
આવાં ધડ-માથા વગરના અને પાછલી સદીમાં લઈ જતાં વિચારો,મંતવ્યો અને નિવેદનો આજની આધુનિકતાના સંદર્ભે કેટલા યોગ્ય ગણાશે ?
ગત આઠમી ઓક્ટોબરે વલસાડના ગુંદવાડા ખાતે ચાર વર્ષની બાળકી આવનારી આપત્તિથી અજાણ તેના ઘર પાસે રમી રહી હતી. ત્યાં તેના ઘરની પાસે જ રહેતો કોઈ હવસખોર તેને કોઈ લાલચ આપી પરાણે પાસેની ઝાડી-ઝાંખરામાં લઈ ગયો, જ્યાં તેણે તેના પર બળાત્કાર કર્યો. બાળકીની ચીસાચીસથી બધા ભેગા થઈ જતાં તેને માર મારીને પોલીસને હવાલે કરી દેવાયો.
દિલ્હીમાં સ્કૂલેથી ઘરે જતી વિદ્યાર્થિનીને બે બાઈકસવારોએ ઉપાડી જઈને તેના પર બે દિવસ સુધી રેપ કર્યો.
દિલ્હીમાં જ કોઈ પ્રોજેક્ટ અર્થે આવેલી વિદેશી યુવતીને ચાલુ કારમાં અપહરણ કરીને ચાર નરાધમોએ તેના પર ગેંગરેપ કર્યો.
ગુજરાતના રાજકોટમાં એક મહિલાનો પતિ નોકરીએ જતાં એકલી પડેલી એ સ્ત્રી પર અજાણ્યા માણસોએ ઘરમાં જ પૂરીને બળાત્કારની કોશિશ કરી, પણ સ્ત્રીએ ખૂબ બૂમાબૂમ કરતાં પાડોશીઓએ આવીને તેને બચાવી લીધી. બેઉ માણસો નાસી છૂટયા.
વાત પાટણમાં બનેલા બળાત્કારકાંડની હોય, બીજલ જોષી ગેંગરેપની હોય કે પછી તાજેતરમાં જ બનેલા ગૌહાટી અને હરિયાણા જેવા સામૂહિક બળાત્કારની હોય ચિંતાનો અને ચિંતનનો આ વિષય ઘણો ગંભીર બનતો જાય છે. કાયદો અને સમાજે ત્રીજું નેત્ર ઉઘાડવું પડે તેવી ગંભીર. કેમ કે સમાજમાં રોજેરોજ આટલી મોટી સંખ્યામાં સ્ત્રીઓ, યુવતીઓ અને બાળકીઓ સાથે બની રહેલા છેડછાડથી માંડીને જાતીય સતામણી તથા બળાત્કારના બનાવો દેશ માટે શરમજનક હકીકત છે. કાયદો અને સમાજના હિતની રક્ષા કરનારા માટે તે ઘણો મોટો પડકાર પણ કહી શકાય.
સ્ત્રી સમાજ સાથે થતાં આવાં બનાવો પાછળ જવાબદાર કોણ ગણાય અને કયા પરિબળો તેમાં ભાગ ભજવતાં હોય તે વિષય મીડિયામાં સતત ચર્ચાતો રહે છે.
સામાન્ય રીતે આના કારણોમાં છૂટથી મળતું અશ્લીલ સાહિત્ય (પુસ્તક, ફોટા, સી.ડી. વગેરે...), સી ગ્રેડની ફિલ્મો, ટી.વી. ચેનલો પર આવતાં સ્ત્રી-પુરુષ વચ્ચેનાં મુક્ત સંબંધનાં દૃશ્યો, પુષ્કળ અંગપ્રદર્શન કરાતું હોય તેવાં દૃશ્યો, ભડકાઉ સંવાદો વગેરેને ગણાય છે. આ યાદીમાં વધુ એક મુદ્દો પણ ઉમેરાયો છે કે, સ્ત્રીઓ સાથે બળાત્કાર કે છેડછાડ થવા પાછળ તેમના કપડાં જવાબદાર છે. જાહેર જીવનમાં સ્ત્રીઓ, યુવતીઓ ટૂંકાં, પાતળાં અને શરીરનાં અંગો દેખાય તેવાં કપડાં પહેરે છે જેનાથી પુરુષની વાસના ભડકે છે અને તે રેપ કરવા પ્રેરાય છે...!!
આંધ્રપ્રદેશના ડી.જી.પી.વી. દિનેશ રેડ્ડીએ થોડા સમય પર રજૂ કરેલા આ મુદ્દા પર ધ્યાનથી વિચારી શકાય, પણ એવું તારણ ના કાઢી શકાય કે, ફક્ત આ જ મુદ્દે સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે.
જો એવું જ હોય તો એ ચાર-પાંચ કે દસ-બાર વર્ષની બાળાઓ પર બળાત્કાર કેમ થતાં રહે છે ! શું તેમના નાજુક અંગોને પણ વાસનાખોરો માટે અંગપ્રદર્શન ગણી લેવાના ? એમનો દેખીતો શો વાંક ?
ગામડું હોય કે શહેર એવી સ્ત્રીઓનો પણ શો વાંક કે જેઓ સાડી પહેરે છે અને માથે ઓઢીને મર્યાદામાં પણ રહે છે. શું તેમના પર બળાત્કાર નથી થતાં ? શું પેલી પરિણીતા ઘર બહાર નીકળીને એ બળાત્કારીઓને આમંત્રણ આપવા ગઈ હતી !
હા, આવડા મોડા ભારતીય સમાજમાં અમુક એવી પણ સ્ત્રીઓ હોઈ શકે છે જેઓ પોતાનો કોઈ હેતુ સિદ્ધ કરવા અંગપ્રદર્શનના માધ્યમથી પુરુષને આકર્ષવાનો પ્રયત્ન કરતી હોય, પોતાનું કામ કઢાવવા કે લાભ મેળવવા રૂપને હથિયાર બનાવી જે-તે પુરુષની વૃત્તિઓને ભડકાવતી હોય અને પુરુષ મન પરનો કંટ્રોલ ગુમાવે ત્યારે બળાત્કાર કે છેડતીનો આરોપ લગાવી દેતી હોય. આવી અમુક ટકા સ્ત્રીઓને બાદ કરતાં બાકીની બહેન-બેટીઓનું શું? શું એવા દેશોમાં બળાત્કારની કે છેડછાડની ઘટના બનતી જ નથી જ્યાં સ્ત્રીઓ સતત બુરખામાં જ રહે છે ?
આપણે ત્યાં ઘણા વિચારકો અને ચિંતકો સુદ્ધાં આ બાબતે કંઈક આવા જ મંતવ્યો વ્યક્ત કરતાં રહે છે કે, સ્ત્રીઓએ તેમની જાતીય સતામણી રોકવી હોય તો માથેથી પગ સુધીના અંગો ઢંકાય તેવાં કપડાં પહેરવાં. ઘર છોડીને નોકરી-ધંધે ના જવું. પુરુષો સાથે હળવું-ભળવું જ નહીં... વળી ડી.એન.એ.ના લેખક યોગેશ પવારના મતે તો રેપ ના થવું હોય, બળાત્કારનો ભોગ ના બનવું હોય તો સ્ત્રી તરીકેનો અવતાર જ લેવો નહીં... કર લો બાત...!! આ ક્યાંનો ન્યાય ?
આવાં ધડ-માથા વગરના અને પાછલી સદીમાં લઈ જતાં વિચારો, મંતવ્યો અને નિવેદનો આજની આધુનિકતાના સંદર્ભે કેટલા યોગ્ય ગણાશે ?
શું કોઈના ઘરમાં ચારેકોર તાળાં માર્યા પછી પણ ચોરી નથી થતી ? તો શું ઘરમાલિકે ઘર જ ના ખરીદવું કે ચોરને પકડીને સજા કરવી ? આજે આ એવા લોકોનો દેશ બની ગયો છે જ્યાં પોતાના પગ તળે રેલો ના આવે ત્યાં સુધી માણસને જાગૃતિ આવતી નથી. પરિસ્થિતિની ગંભીરતા સમજાતી નથી.
જો કે, જરૂરી નથી કે, આવી જાગૃતિ આણવા સૌને આવા અનુભવો થવા જ જોઈએ, મુદ્દો એ છે કે, બદલાયેલા સમાજના ચિત્રને તેની આધુનિકતાના સંદર્ભે સ્વીકારીને પણ આવું ના થાય તેવા સચોટ ઉપાયો શોધવાની જરૂર છે.
નવમી ઓક્ટોબરના એક સમાચાર મુજબ હરિયાણામાં નરવાના ગેંગરેપ પ્રકરણ પછી ત્યાંની ખાપ પંચાયતે (અખિલ ભારતીય જાટ મહાસભાએ) લગ્નની ઉંમર ઘટાડવાની વાત કરી નવો મુદ્દો છેડયો છે. અન્ય જ્ઞાતિઓની ખાપ પંચાયતો સાથે મળીને આ મુદ્દા પર મહાપંચાયત યોજવાનું એલાન કર્યું છે.
હિન્દુ મેરેજ એક્ટ મુજબ છોકરીના લગ્નની ૧૮ વર્ષની વય ઘટાડીને ૧૬ વર્ષની કરવાની દરખાસ્ત લઈ કેન્દ્ર સુધી જવાની વાત કરતી આ ખાપ પંચાયતનું કહેવું છે કે, બળાત્કારના બનાવો રોકવા માટે છોકરીઓના નાની ઉંમરમાં જ લગ્ન કરાવી દેવા જોઈએ. આવું કરવાથી છોકરીઓ પરના બળાત્કારની ઘટનાઓ ઓછી બનશે... !! આ તો ઘાણીનો બળદ ત્યાંનો ત્યાં જ કે... !!
સ્ત્રીઓની, છોકરીઓની જાતીય સતામણી રોકવા તેમને થોડી મર્યાદા થોડી સંયમથી વર્તવાની સલાહ અપાય તે જરૂરી તો છે જ,પણ એ વાતની કોણ ગેરંટી આપશે કે નાની ઉંમરમાં જ પરણાવી દેવાથી તેઓ પર થતાં બળાત્કારો બંધ થઈ જ જશે ? બળાત્કાર તો પરણેલી સ્ત્રીઓ અને વૃદ્ધાઓ પર પણ થઈ જ રહ્યાં છે ને !
નરવાના સચ્ચાખેડા સ્થિત એ સોળ વર્ષીય કિશોરીનો વાંક શું એ હતો કે, એણે સ્ત્રી તરીકે જન્મ લીધો હતો ? આ દુર્ઘટના પછી અત્યંત દુઃખદ મનઃસ્થિતિમાં લાગી આવવાથી એ કિશોરીએ ગળે ફાંસો ખાઈ લીધો તે માટે કોણ જવાબદાર ? તેને સ્ત્રી તરીકે જન્મ આપનાર ભગવાન ? તેનાં માતા-પિતા કે પછી તેના પર કુકર્મ કરનાર એ બે હવસખોરો ? જવાબ સહેલો છે, પણ ઉપાય આપણા દેશમાં તો જટિલ છે. કાયદાની ઢીલાશ, ન્યાયતંત્ર અને સરકાર પરનો અવિશ્વાસ વગેરેથી વ્યક્તિ એ કિશોરીની માતાએ ન્યાયનો પોકાર કરતાં કહ્યું કે, એ નરાધમોને જલદી અને કડક સજા નહીં કરાય તો પોતે પણ આપઘાત કરશે !
મુદ્દો આ જ છે. સ્ત્રી પરના બળાત્કારના બનાવો રોકવાનો ઉપાય પણ કંઈક આવો જ હોઈ શકે છે કે, સ્ત્રીઓને ભોગની વસ્તુ સમજી તેના તન-મન સાથે વાસનામય ખેલ ખેલતાં પુરુષોને કડકમાં કડક સજા કરાય. ન્યાયની વર્ષો ચાલતી લાંબી છટકબારીઓ સાથેની પ્રક્રિયા બંધ કરીને બને તેટલી જલદી અને જલદ સજા કરવામાં આવે. એવી સજા કે અન્ય વિકૃત મનોવૃત્તિ ધરાવતાં લોકોને ડરામણો સબક શીખવા મળે અને આવું કરવામાં લાંચ, લાગવગ કે પુરુષપ્રધાન માનસિકતાને વચમાં લાવ્યા સિવાય ન્યાય પ્રક્રિયાને સીધી-સરળ અને ઝડપી બનાવી કડક સજાની જોગવાઈ કરતી કલમો ઉમેરાય તે વ્યક્તિ સ્વાતંત્ર્યની હિમાયત કરતાં અને મૂલ્યનિષ્ઠ વારસો ધરાવતાં ભારત દેશ માટે અત્યંત જરૂરી બને છે.