20121218

|| શિક્ષાપત્ર ૧૩મું || અને ૧૩] તોઉ ન ગોરસ છાંડ દયો ... (પદ) ..


સંકલન : શ્રી વ્રજનિશ શાહ ...

આજના  શિક્ષાપત્ર તરફ આગળ વધીએ તે પૂર્વે આપણે બારમાં શિક્ષાપત્ર તરફ થોડી નજર કરી  જોઈએ તો ....
 

બારમાં શિક્ષાપત્રમાં ચાર સ્વામિનીજીનાં ભાવના સોળ (૧૬) શૃંગાર સ્વરૂપનાં ચોસઠ (૬૪) નામ સ્મરણ કર્યા. એમાં પચાસ નામ સંયોગાત્મક ભાવના છે. આ નામો દ્વારા શ્રી પ્રભુનાં ગુણ, લીલા અને સ્વરૂપનું સ્મરણ થાય છે. શ્રી સ્વામિનીજીની કૃપાથી હૃદયમાં ભાવ જાગૃત થશે. ભાવ પ્રક્ટશે. જેથી શ્રી પ્રભુ પોતાનો અનુભવ જગાવશે – કરાવશે.


તેરમાં શિક્ષાપત્રમાં ચિત્તનો વિરોધ પ્રભુનાં જ ચરિત્રો વડે કરવો. તે દર્શાવાય છે - બતાવાય છે – વર્ણવાય છે. આ શિક્ષાપત્ર અગિયાર શ્લોકથી અલંકૃત છે.


 
શિક્ષાપત્ર ગ્રંથની રચના આશરે ૪૦૦ વર્ષ પહેલા થી હશે તેવી માન્યતા છે. એ સમયનું વર્ણન શ્રી હરિરાયજી આચાર્યચરણ પ્રથમ ચાર શ્લોકમાં વર્ણવે છે. “આ કાળ મહાકાળ- વિકટ આવ્યો છે.”

 
‘કાલ:કરાલ:સમુપાગઙયં’ વિચાર કરવા જેવો વિષય છે. વાત છે. ૪૦૦ ચારસો વર્ષ પહેલા જો આ સમય-કાળ હોય તો આજે ૨૦૧૨ ની સાલમાં કાળને સરખાવતા કેટલી બધી અસમાનતા લાગે. ક્યાં કાલ ? અને ક્યાં આજ !!!! કેટલી મોતી સમજશક્તિની ઉણપતા વર્તાય.

 
ચારસો વર્ષ પહેલા કહેવાય છે કે, “શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભને શરણે આવે તેને કાળ પ્રતિબંધિત નથી.”

 
| શ્રીવલ્લ્ભાચાર્ય સમાશ્વિતનાં, ય:કાલકાલ: શરણં સ એવ |

 

શ્રી આચાર્યનું મહાપ્રભુજીના આશ્રિત વૈષ્ણવોનું શરણ તો કામનાકાળરૂપ પ્રભુ કૃષ્ણ જ છે.

 
કાલનું વર્ણન શ્રીમદ શ્રી વલ્લભાચાર્યજી – શ્રી મહાપ્રભુજી, શ્રીમદભાગવતજીનાં ત્રીજા સ્કંદના ઓગણત્રીસ (૨૯) અધ્યાયમાં છત્રીસ થી પિસ્તાલીસ (૩૬-૪૫) શ્લોક સુધી કાલનું વર્ણન સમજાવે છે. ત્રીસમાં (૩૦) અધ્યાયમાં ગૃહસ્થીને કાલના ભોગે થતા દુઃખોના વર્ણન સમાજવે છે.

 

શ્રી આચાર્ય ચરણ હરિરાયજી આ કાળને મહાકાળ કઠીન દર્શાવે છે. સંતપુરુષોની મતિનો નાશ કરનાર લખે છે.

 

બીજા શ્લોકમાં વર્ણન આવે છે કે, પુષ્ટિમાર્ગની મુખ્ય રીતિ પ્રમાણે ભગવત્સેવા થતી નથી. કથા થતી નથી. ભાવના પણ થતી નથી. સારી રીતે તો શ્રીજી આશ્રર્ય પણ નથી. હંમેશા ઉદ્વેગ યુક્ત મનવાળાનો સમય પણ સારો જતો નથી.

 

- ક્રમશ :

 " જો સ્વર્ગ નામનું કોઈ સ્થાન હોય તો પ્રેમ ત્યાં જવાનો રસ્તો છે "

 

 લેખક સંકલન-વ્રજનિશ શાહ BOYDS-MD-U S A

pushtiprasadinc@hotmail.com
vrajnishshah@hotmail.com

 
ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ - યુ એસ એ..

 
નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમને e mail દ્વારા પૂછી શકો છો.

 
પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે... 

 
બ્લોગ લીંક:  http://das.desais.net - 'દાદીમા ની પોટલી'
email: dadimanipotli@gamil.com
========

 
૧૩]  તોઉ ન ગોરસ છાંડ દયો ...  (પદ) ..
કવિ- સૂરદાસજી



તોઉ ન ગોરસ છાંડ દયો,
ચહું ફલ ભવન ગહ્યો સારંગરિપુ, વાજિધુરા અથયો ।। ૧ ।।

અમી વચન રૂચિરચિત પટ હઠ, ઝગરો ફેર ઠયો ।
કુમુદિની પ્રફુલ્લિત, હોં જિય સકુચી, ચલે મૃગ, ચંદ ઉદયો ।। ૨ ।।

જાનિ નિશા શશિ રૂપ વિલોકત, નવલકિશોર ભયો ।
તબતેં “સૂર” નેક નહીં છૂતટ, મન અપનાય લયો ।। ૩।।

આ પદનો ભાવાર્થ શરૂ કરતાં પહેલા આ પદમાં રહેલ અમુક વ્રજભાષાનાં શબ્દોનો અર્થ જાણી લઈએ.

૧) ચહુ ફલ એટ્લે કે એવું વન જેમાં ચારે દિશામાં જ્યાં નજર જાય ત્યાં ફળફૂલનાં વૃક્ષો વાવેલા છે. બીજા અર્થમાં જોઈએ તો તે ચાર દિશા તે મનુષ્ય જીવનનાં પણ ૪ પાસા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.

૨) સારંગ શબ્દનાં પાંચ અર્થ થાય છે. સારંગ એટ્લે હાથી, સારંગ એટ્લે સિંહ, સારંગ એટ્લે હરણ, સારંગ એટ્લે દીવો અને સારંગનો પાંચમો અર્થ સર્પ. પરંતુ અહીં આ પદમાં સારંગનો અર્થ દીવો એ રીતે કરવો.

૩) રિપુ શબ્દનાં પણ બે અર્થ થાય છે. રિપુ એટ્લે હાથી અને રિપુ એટ્લે શત્રુ અને આ પદમાં રિપુનો અર્થ શત્રુ તરીકે કરવો.

૪) વાજિ એટ્લે કે ઘોડો

૫) ધૂરા એટ્લે કે રથની ધૂંસરી
જેનાં રથની ધૂંસરી સાથે ઘોડા જોડાયેલા છે તેવો રથ તે વાજિધૂરા પણ અહીં જેના રથની વાત થઈ રહી છે તે ભગવાન સૂર્યદેવનો રથ છે.

૬) અથયો એટ્લે કે આથમ્યો

૭) ગોરસ એટ્લે માખણ, નવનીત

૮) જિય એટ્લે જીવ

એક સખી બીજી સખી સાથે શ્રી ઠાકુરજી સાથે વિતાવેલી અંતરંગ પળોની વાત કરી રહી છે તે પોતાની સખીને કહે છે કે પ્રિયે, આજે જ્યારે હું ચહુફલવનમાંથી એકલી ઘર તરફ આવી રહી હતી ત્યારે નંદલાલ મને વનમાં મળ્યાં. મને વનમાં એકલી જોઈ નંદલાલે મારો પાલવ પકડ્યો અને મારી સાથે મીઠા મધુરા વચનોથી મને રીઝવતા રીઝવતા મારી પાસે આવ્યાં અને મીઠા મધુરા ગોરસ માટે હઠ કરવા લાગ્યાં. પરંતુ મે તો નંદલાલાને ગોરસ દેવા માટે સાફ ના કહી દીધી ત્યારે તેઓ ગોરસ માટે વધુ ને વધુ હઠ કરવા લાગ્યાં. સખી તેમની ગોરસ માટેની હા અને અને મારી ગોરસ માટેની ના. આમ અમારી વચ્ચે ઝગડો થઈ ગયો. આખો દિવસ એમની ને મારી વચ્ચે હા અને ના વચ્ચેની લાંબી રકઝક ચાલતી રહી અને અમારી એ રકઝકનાં વચ્ચે સંધ્યા થઈ ગઈ ને હું તેમનાથી થાકી ગઈ પણ તેઓ થાક્યા નહીં. પ્રિય સખી સંધ્યા સમયે મે જોયું કે ગો રજ ગામ તરફ ઊડી રહી હતી, ગાયોના ધણ પોતાનાં વાછરડાંઑ પાસે જવા ઉતાવળા થઈ રહ્યાં હતાં, ભ્રમરોનો ગુંજારવ શાંત પડી રહ્યો હતો, મૃગો વનની અંદર રહેલા પોતાના પરિવાર પાસે જવા તત્પર બની રહ્યા હતાં, પંખીઓ પોતાના માળા તરફ લોટવા લાગ્યાં હતાં, નભ્રમાં ચંદ્રોદય થઈ રહ્યો હતો, કુમુદિની અને પોયણાઓ ખીલી રહ્યાં હતાં. રાત્રિનો એકાંતનો સમય વધી રહ્યો હતો. પરંતુ સખી મારી ને યશોદાનંદનની રકઝક ઉત્તરોત્તર વધતી જ ચાલી બસ, વધતી જ ચાલી. સખી અંતે સંધ્યા પણ ગઈ ને અંતે સૂર્ય પણ પોતાનાં અશ્વો સહિત રથની ધૂરા સંભાળતા પૃથ્વીની સીમા પરથી અદ્રશ્ય થયાં. (અર્થાત્ સૂર્ય આથમી ગયો) પ્રિય સખી જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે કુમુદિનીની શુભ્રતા પર ચંદ્ર કિરણો પોતાના તેજોમય સારંગ રૂપી પ્રકાશ રેલાવી રહ્યા હતાં, પોયણાઑ અને રાત્રિ પુષ્પો પૂર્ણ રૂપથી ખીલીને વ્રજભૂમિને મહેંકાવી રહ્યાં હતાં. મને પણ ગૃહ તરફ લોટવાની ઉતાવળ થઈ રહી હતી અને લોકલાજ, વડીલો તથા ગુરૂજનોની બીકે મારો જિય પણ સંકોચાઈ રહ્યો હતો. પરંતુ અમારો ઝગડો તો પૂરો થવાનો નામ જ લેતો ન હતો. પ્રિયે, તે નિશાનાં સમયે નંદલાલાએ તો પરમ આહ્લાદક એવા ચંદ્રપ્રકાશમાં સોહામણું એવું નવલું કિશોર સ્વરૂપ ધારણ કર્યુ ને મનમોહક હાસ્ય દ્વારા ને પોતાના પરમ ચતુર એવા નૈન, મધુરા સ્પર્શ, અને મધુપ વાણી દ્વારા મને ગમેતેમ કરીને મનાવી લીધી ને બદલામાં મને પરમરસ અને પરમ આનંદનું દાન કર્યુ ને મારી પાસેથી નવનીત-ગોરસની સાથે સાથે મારા ચિત્તને પણ ચોરી લીધું, સખી આવા તે શ્રી નંદનંદનની તો શી વાત કરવી? સખી ક્યારેક હું વિચારું છું કે તેઓ મારા પ્રાણેશ છે કે હું તેમની પ્રાણેશ છું? પરંતુ સખી સાચું કહું તો મને લાગે છે કે હું જ તેમની પ્રાણેશ છું તેથી જ તેમણે મને એટલા રસથી અને એટલા પ્રેમથી મને અપનાવી છે કે હવે તેમને છોડીને હું ક્યાંય ન જઈ શકું તેવી મારી સ્થિતિ થઈ છે. અહીં સખી રૂપે બે સ્વરૂપ રહેલા છે. પ્રથમ સખી સ્વરૂપે શ્રી સુરદાસજી રહેલા છે અને સખીના બીજા સ્વરૂપે આપણે વૈષ્ણવો રહેલા છે જ્યારે જ્યારે આપણે વૈષ્ણવો પ્રભુ પાસે આ પદ ગાઈએ છીએ ત્યારે ત્યારે આપણે જ એ સખીનું સ્વરૂપ લઈને આપણાં ગૃહમાં બિરાજી રહેલા શ્રી ઠાકુરજી સાથે સર્વે લીલાનો આનંદ માણીએ છીએ.

 
પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યનાં આધારે...
પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)
પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ 'દાદીમા ની પોટલી' ના ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

 
આજની પોસ્ટ 'દાદીમા ની પોટલી' પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ - BOYDS-MD-USA તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. ...