20121203

ચાલો આપણે છંદનું ફરી પ્રચલન કરીએ ! – જુગલકીશોર


છંદ શા માટે ?

છંદ અને સ્વચ્છંદ બે શબ્દો છે તો સાવ નોખી જ માટીના, પણ એ બન્નેના વીરોધાભાસને આપણી વાત સમજવા માટે આપણે કામમાં લઈશું.
સ્વચ્છંદ એટલે મનસ્વીપણું. મનફાવે તેમ કરનારું; આડેધડ, અસ્તવ્યસ્ત ને અશીસ્તવાળું એમ કહી શકાય. જ્યારે કાવ્યનો છંદ વ્યવસ્થીતીનું, ગોઠવણીનું, શીસ્તનું, લયબદ્ધતાનું, સુસંવાદીતાનું, સુગ્રથીતતાનું ને અંગ્રેજીમાં જેને હાર્મની કહે છે તે સૌનું પ્રતીનીધીત્વ કરનારો શબ્દ છે.
સત્ય અને શીવને પ્રગટવા માટે સુંદરતાભર્યું પાત્ર હોય તો “સત્યમ્ શીવમ્ સુંદરમ્”નો મંત્ર સાર્થક બને છે.
છંદ એ કાવ્યનું બાહ્યાવરણ તો છે જ પરંતુ તે ઉપરાંત તે કાવ્યમાંના સત્ય–શીવને, કાવ્યના આંતરીક તત્ત્વ – થીમ –ને લયબદ્ધ કરીને, સુગ્રથીત કરીને, સંવાદીતા સ્થાપનારી, હાર્મની ઉભી કરનારી એક શાસ્ત્રીય ‘વ્યવસ્થા’ પણ છે.
વૈદીક સાહીત્ય વૈદીક છંદોમાં પ્રગટ થયું. એ છંદોમાં ગણો પછીથી આવ્યા. પણ પછી તો પીંગળ દ્વારા આપણને છંદોનો ખજાનો મળ્યો અને એક શિસ્તબદ્ધ વ્યવસ્થા વડે કાવ્યમાધુરીનો રસ્તો સાંપડ્યો. જ્યારે છાપખાનાં નહોતાં ને લખવાનીય પુરી સગવડો પુરતી નહોતી ત્યારે વૈદીક સાહીત્ય બધું કંઠોપકંઠ સચવાતું હતું. હજારો શ્લોકોને યાદ રાખીને તે સાહીત્ય જીવંત રખાતું હતું. આજે પણ બધી જ સગવડો હોવા છતાં વેદપાઠીઓ વેદગાન દ્વારા વેદોનાં શુદ્ધ ઉચ્ચારણો અને ઉચ્ચારણો દ્વારા પણ પ્રગટતા રહેતા ગુઢ અર્થોને સાચવી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે સો લીટીનો નીબંધ કંઠસ્થ કરી શકાતો નથી પણ એક હજાર પંક્તીનું પદ્ય કંઠસ્થ કરી શકાય છે. છંદ અને છંદો દ્વારા ઉભો થતો લય હજારો શ્લોકોને યાદ રાખવામાં બહુ મોટો ફાળો આપે છે.
આમ કીમતી સાહીત્યને કંઠોપકંઠ સાચવવામાં છંદોની લયબદ્ધતાએ બહુ મોટો ફાળો આપ્યો છે. આજે કાવ્યમાં છંદોનું ચલણ ઘટતું જાય છે ત્યારે એના વીશે જાણે કે નવેસરથી વીચારવાનું આવ્યું હોય તેમ ગણીને તેને પુરતું મહત્ત્વ આપવાની જરુર છે.
*****     *****     *****
છંદો શું કાવ્યમાં બંધનરુપ છે ?
કવીતાને ‘કાનની કળા’ કહી છે. કાન તો ગદ્યમાં પણ અનીવાર્ય હોય છે. જાહેરાતના ડ્રાફ્ટ્સનું કે પાટીયાંનું કે પછી સમાચારોનું ગદ્ય પણ કાનનો વીષય છે જ પણ તેમાં કળા પ્રગટતી નથી. કાવ્યમાં જે કળા રહેલી છે તેમાં કાવ્યમાં રહેલો આંતરીક અને બાહ્ય લય પણ કારણભુત છે. આ બાહ્ય લય આપનારું પ્રધાન તત્ત્વ પંક્તીની શીસ્તબદ્ધ ગોઠવણીમાં રહેલું છે. આ શિસ્તબદ્ધ યોજનારુપ છંદને બાદ કરીને કાવ્યનો વીચાર કરવાનું સહેલું નથી. પીંગળના છંદો કે જેમાં અક્ષરમેળ ઉપરાંત માત્રામેળ છંદોનો સમાવેશ છે તે સીવાય પણ મધ્યયુગીન પદોમાં, ગીતોમાં, ગરબીઓમાં, ભજનોમાં માત્રા ને તાલના જે નીયમો છે તેણે એ બધી રચનાઓને આટલી ઉંચાઈ અને શાશ્વતી આપી છે.
સામાન્ય રીતે છંદ તરફનો અ–ભાવ બે રીતે પ્રગટ થતો રહેતો હોય છેઃ એક, ‘છંદો અઘરા પડે છે’ અને બીજું, ‘છંદ એક બંધન છે.’ પહેલીમાં નીખાલસતા જણાય છે પણ બીજીમાં કંઈક સોફીસ્ટીકેશન – સુષ્ટુસુષ્ટુ રીત – જણાય છે.
છંદો અઘરા પડે છે એવું ખાસ કરીને અક્ષરમેળ છંદોને કારણે કહેવાતું હોય તેવું લાગશે, કારણ કે ઢગલાબંધ લખાતી ગઝલોમાં માત્રામેળ પ્રકારના જ છંદો લગભગ ફરજીયાત હોય છે ને તે છંદો સાવ સરળતાથી પ્રયોજાતા હોય છે.
વળી અઘરા પડતા લાગતા છંદોને અવગણીને માનો કે કાવ્યસર્જન કરવામાં આવે તો પણ કાવ્યત્વને પામી જ જવાશે તેની ખાત્રી તો નથી જ. કાવ્યતત્ત્વ કાંઈ સાવ સાધારણ અને સૌને હાથવગું બની રહેનારું તત્ત્વ નથી. વીચાર કે ભાવને સહેલાઈથી ગમે તેમ ગોઠવી દેવા માત્રથી કાવ્યત્વને પામી શકાતું નથી. મારા જેવા પોતાની પદ્યરચનાઓને કાવ્યને બદલે ‘કવીતડાં’ કહીને જ ઓળખાવવાનો આગ્રહ રાખનારને ખબર છે કે કાવ્ય–પદારથ એ ‘ભૂતળ ભક્તિ પદારથ’ની જેમ બહુ મોટી બાબત છે. ને અછાંદસ રચનામાંય છંદના બાહ્ય લયની જેમ આંતરીક લયની જરુર તો હોય જ છે. ઉત્તમ અછાંદસ રચનાઓમાં પણ જોવા મળતો આંતરીક લય તો કાવ્યનું પાયાનું તત્ત્વ છે. એટલે છંદ ફક્ત અઘરી બાબત હોઈ એનાથી ભાગવાનો કોઈ ખાસ અર્થ નથી.
બીજી બાજુ, છંદને કાવ્યનું બંધન કહેવામાંય જોખમ તો છે જ ! કેટલાંક બંધન અનીવાર્ય હોય છે ને કેટલાંક સ્વૈચ્છીક હોય છે. છંદને અનીવાર્ય કહો કે સ્વૈચ્છીક કહો, પણ એનું બંધન ખરેખર બંધન તો નથી જ. કાવ્યના ઉદાત્ત કે ભવ્ય છતાં અત્યંત નાજુક એવા ભાવ–વીચારને છંદની સાંકડી અને નીયમબદ્ધ પંક્તીઓમાં નંદવાઈ જવાનો ભય જોનારાને કહીશું કે વીશ્વના મહાન સર્જકોને આ તકલીફ ક્યારેય નડી નથી. જુઓને, ૪૦ ફુટના રસ્તા ઉપર પગે ચાલનારા ઘડીકમાં ભટકાઈ જતા હોય છે ને ૨૦૦થી ૪૦૦ ફુટના રસ્તા ઉપર પણ વાહનોના અકસ્માતો બનતા રહેતા જ હોય છે એની સામે પેલો બજાણીયો અને એની નાનકડી દીકરી ફક્ત દોઢ ઈંચ પહોળા દોરડા ઉપર કેવા ખેલ ખેલી શકે છે ?! કાવ્યનો સર્જક પણ છંદોના સાંકડા લાગતા કે કહેવાતા માપની અંદર રહીને કેવીકેવી શબ્દલીલાઓ કરી જાણે છે ?!!
“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે…”
“અસત્યો માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઈ જા…!”
રે, પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો !”
“ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે; ખંડેરની ભસ્મકણી ન લાધશે !”
“ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા !”
“વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા…”
“સમાધિમાં સ્થિતઃપ્રજ્ઞ જાણવો કેમ કેશવ ?” “કર્મણ્યે વા ધિકારસ્તે મા ફલેષુ કદાચન”
જેવી અમરતાને વરેલી પંક્તિઓમાં જુઓ (અનુક્રમે) ઝૂલણા, શિખરિણી, મંદાક્રાંતા, ઈન્દ્રવજ્રા, પૃથ્વી, વસંતતિલકા અને અનુષ્ટુપ કેવા ગોઠવાઈ ગયા છે !!!
અને હા, કટાવ જેવા માત્રામેળ છંદના ફક્ત ચાર જ માત્રાના જુથને બબ્બે શબ્દોની કુલ આઠ જ માત્રાઓમાં પ્રયોજીને શ્રી લાભશંકર ઠાકરે “વરસાદ પછી” નામક એક રચના આપણને આપી છે. ગાગા ગાગાના બબ્બે આવર્તનો વડે તેમણે વરસાદ પછી ભીંજાયેલી રાધીકારુપ ધરતી, તડકાનો ટુવાલ અને એને છુપાઈને જોઈ રહેલી કૃષ્ણરુપ કવીની આંખનું જે સચોટ દર્શન કરાવ્યું છે તે આવા સાવ સાદાસીધા છંદનો વૈભવ પ્રગટ કરે છે. આ કાવ્યને વાંચ્યાં પછી કોઈ નહીં કહી શકે કે છંદો બંધનરુપ હોય છે.
‘વરસાદ પછી’ શ્રી લાભશંકર ઠાકર

અને એક બીજી વાત, એક ખાત્રીરુપે !
જે કોઈને પણ છંદમાં કાવ્ય રચના કરવી છે તેમને માટે એક નુસખો બતાવી દઉં. રજાને (કે કોઈ પણ) દીવસે સવારથી મંદાક્રાંતા, શિખરિણી, અનુષ્ટુપ કે વસંતતિલકા છંદની કોઈ જાણીતી પંક્તીને જ્યારે પણ સમય મળે ત્યારે રટવા માંડો. એકની એક પંક્તીને દીવસ દરમીયાન રટ્યા જ કરવાની છે ! એ જ પંક્તીનું બંધારણ પણ બને તો રટવાનું સાથે જ રાખવું. જેમ કે –
મંદાક્રાંતાનુઃ ગાગાગાગા, લલલલલગા, ગાલગાગાલગાગા
શિખરિણીનુઃ લગાગાગાગાગા, લલલલલગા ગાલલલગા
વસંતતિલકાનુઃ ગાગાલગાલલલગાલલગાલગાગા
આ બંધારણ પણ પંક્તીની સાથે જ રટતા જવાનું. મારા તરફથી ખાત્રી છે કે રાતે સુતાં પહેલાં તમે દસેક લાઈનો જરુર તે છંદમાં રચી કશો !!
*****     *****     *****
છંદના પ્રકારો
છંદના મુખ્ય બે પ્રકારો છેઃ અક્ષરમેળ છંદો અને માત્રામેળ છંદો. (ત્રીજા પ્રકારના ગઝલના છંદો જોકે માત્રામેળ છંદો જ હોય છે પરંતુ તેમાં નીશ્ચીત માત્રાઓના એક કે વધુ સંધીનાં મીશ્રણો થતાં હોય છે અને એમ કરીને મુખ્ય જે ૧૯ છંદો છે તેમાં જુદાજુદા સંધીઓ દ્વારા અસંખ્ય છંદો બન્યા છે. અહીં આપણે ગઝલનાછંદોને હાલ તરત ચર્ચામાં લેતાં નથી.)
માત્રામેળ છંદોના સંખ્યામેળ, માત્રામેળ અને લયમેળ એવા વીભાગો છે અને તેમાં સંગીત અને તાલ મુખ્ય તત્ત્વો છે. આપણે એ પ્રકારોમાં પણ હમણાં નહીં જઈએ. અક્ષરમેળ છંદોને વૃત્ત પણ કહે છે ને ‘રૂપમેળ’ છંદ પણ કહે છે. અક્ષરમેળ છંદોમાં અક્ષરોનું સ્થાન નક્કી હોય છે અને ગણોની વ્યવસ્થા દ્વારા તેનું એક વ્યવસ્થીત રુપ બંધાતું હોવાથી તેને રુપમેળ છંદ કહે છે.
આ અક્ષરમેળ અને માત્રામેળ છંદોની બન્નેની વીશેષતાઓ જરા વીગતે જોઈશું –
૧) અક્ષરમેળ છંદોમાં પંક્તીમાંના અક્ષરોની સંખ્યા નીશ્ચીત હોય છે અને દરેક અક્ષરનું ચોક્કસ સ્થાન હોય છે. ત્રણ ત્રણ અક્ષરોના કુલ આઠ ગણોને આધારે અક્ષરમેળ છંદો ઓળખાય છે.
દા.ત. ઈન્દ્રવજ્રા છંદના ૧૧ અક્ષરો, ઈન્દ્રવંશાના ૧૨ અક્ષરો, વસંતતિલકાના ૧૪, પૃથ્વી–મંદાક્રાંતા–શિખરિણી વગેરેના ૧૭, શાર્દૂલવિક્રીડિતના ૧૯ અને સ્રગ્ધરાના ૨૧ અક્ષરો.
જ્યારે માત્રામેળ છંદોમાં માત્રાની સંખ્યા નીશ્ચીત હોય છે પણ અક્ષરોની સંખ્યા નીશ્ચીત હોતી નથી પરીણામ સ્વરુપ અક્ષરોનું કોઈ ચોક્ક્સ સ્થાન હોતું નથી. દા.ત. ચોપાઈની ૧૫ માત્રા, દોહરાની ૨૪ માત્રા, હરિગીતની ૨૮ માત્રા વગેરે.
૨) અક્ષરમેળ છંદોમાં લઘુગુરુનું સ્થાન નક્કી હોવા ઉપરાંત તેમાં એક ગુરુને બદલે બે લઘુ પ્રયોજી શકાતા નથી, જ્યારે માત્રામેળ છંદોમાં બે લઘુને એક ગુરુ તરીકે કે એક ગુરુને બે લઘુ તરીકે પ્રયોજી શકાય છે જેથી માત્રાની સંખ્યા જળવાઈ રહે છે. અક્ષરમેળમાં આમ કરવા જઈએ તો અક્ષરોની સંખ્યા વધી કે ઘટી જાય છે.
અક્ષરમેળ છંદોમાં એક માત્રાના લઘુની ઓળખ માટે ‘લ’ અને બે માત્રાના ગુરુ માટે ‘ગા’ લખાય છે જ્યારે માત્રામેળ છંદોમાં લઘુ માટે ‘લ’ અને ગુરુ માટે ‘દા’ લખાય છે.
૩) અક્ષરમેળ છંદોમાં (ઈન્દ્રવજ્રા કે વસંતતિલકા જેવા જુજ છંદોને બાદ કરતાં બાકીના છંદોમાં) યતી નામક પઠન કરતી વેળા આવતો વીરામ નક્કી હોય છે. દા.ત. મંદાક્રાંતાની પંક્તીમાં ચાર અને દસ અક્ષરો પછી યતી આવે છે.
જ્યારે માત્રામેળ છંદોમાં છંદગત યતી હોતી નથી.
૪) માત્રામેળ છંદોમાં ચરણાંતે પ્રાસની યોજના મહત્ત્વની ગણાય છે. જ્યારે અક્ષરમેળ છંદોમાં પ્રાસ અનીવાર્ય નથી.
૫) અક્ષરમેળ છંદોમાં જેમ ગણોની યોજના હોય છે અને તેને અનુસરવાનું અનીવાર્ય હોય છે તે જ રીતે માત્રામેળ છંદોમાં નીશ્ચીત માત્રાઓના સંધી નીશ્ચીત હોય છે અને પંક્તીમાં એ સંધીઓનાં આવર્તનો – સંધીઓનું સાતત્ય – અનીવાર્ય હોય છે. દા.ત. –
 ત્રણ માત્રાનો ત્રીકલ સંધી ‘દાલ’ છે. જેમકે દાલ દાલ દાલ દાલ દાલ દાલ દાદા.
(“આવ, આવ, ઓ સમીર, શીત સ્પર્શ દે મને” – જુ.)
ચાર માત્રાનો ચતુષ્કલ સંધી ‘દાદા’ છે. જેમકે દાદા દાદા દાદા દાદા દાદા દાદા દાદા.
(“આવ્યો, આવ્યો, ઓ ઘન ગાજ્યો ! મેઘ તણો સંદેશો લાવ્યો !” – જુ.)
પાંચ માત્રાનો પંચકલ સંધી ‘દાલદા’ છે. જેમકે દાલદા દાલદા દાલદા દાલદા દાલદા દાલદા દાદા.
(“આપણો ચીંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઉગરે એક ઉદ્વેગ ધરવો” – નરસિંહ મહેતા)
સાત માત્રાનો સપ્તકલ સંધી ‘દાદાલદા’ છે. જેમકે દાદાલદા દાદાલદા દાદાલદા દાદાલદા.
(“ નરદેવ ભીમકની સુતા દમયંતિ નામે સુંદરી, સુણીને પ્રશંસા હંસથી નળરાયને મનથી વરી.” – પ્રેમાનંદ)
અક્ષરમેળ છંદોના ગણો અંગે વીગતવાર અલગથી જોઈશું.
*****     *****     *****
લઘુ અને ગુરુ અક્ષરો
વાક્યનું એકમ જેમ શબ્દ છે તેમ શબ્દનું એકમ અક્ષર છે. ગળામાંથી ઉચ્છ્વાસ દરમીયાન સ્વરતંત્રીને કંપાવીને નીકળતા ઉચ્ચારોનું સૌથી નાનું યુનીટ અક્ષર બે પ્રકારે હોય છે –
૧) નીકળતી હવા ક્યાંય પણ અટક્યા કે ઘસાયા વીના ઉચ્ચાર કરે તે સ્વરો કહેવાય છે જ્યારે –
૨) જીભ કે હોઠ દ્વારા અટકાયત પામીને કે ઘસારા સાથે પસાર થઈને ઉચ્ચારાતા ધ્વનીને વ્યંજનો કહે છે. વ્યંજનો ક્યારેય સ્વર વીના ઉચ્ચારી શકાતા નથી. બ બોલવા માટે બ્+અ મળીને જ બ ઉચ્ચારી શકાય છે.  આ બન્ને મળીને શ્રુતી થાય છે. એને અક્ષર પણ કહીએ છીએ.
એક માત્રાના લઘુ અક્ષરોઃ અ, ઇ, ઉ અને કોમળ અનુસ્વાર સાથેનો કોઈ અક્ષર.
બે માત્રાના ગુરુ અક્ષરોઃઆ, ઈ, ઊ, એ, ઓ, અઃ તથા તીવ્ર અનુસ્વારવાળો કોઈ અક્ષર.
અક્ષરો કે જે લઘુ કે ગુરુ હોય છે તે તેને બોલવામાં વપરાતા સમયને આધારે નક્કી થાય છે. લઘુ અક્ષરની એક માત્રા અને તેનાથી બે ગણો સમય લેતા ગુરુની બે માત્રા ગણાય છે. (લયમેળ છંદોના સંગીતમાં અક્ષરને તાલના આધારે વધુ લંબાવીને બેથી વધુ માત્રાના પણ કરવામાં આવે છે.)
નોંધઃ ગુરુ અક્ષરને જલદી ઉચ્ચારી દઈને લઘુ કરી શકાતો નથી કારણ કે તેથી કાનને તે કઠે છે. પરંતુ લઘુ અક્ષરો ત્રણ પ્રકારે આપોઆપ ગુરુ બની શકે છે તે આ મુજબ છે –
૧) તીવ્ર અનુસ્વારવાળો અક્ષર લઘુ હોય તો પણ ગુર બને છે જેમ કે, સંધ્યા, મંદ, રંધો વગેરે
૨) શબ્દમાં જોડાક્ષરની આગળ આવતો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ બને છે. જેમ કે, પુષ્ટિનો પુ; ભદ્રાનો ભ; શક્તિનો શ વગેરે.
૩) પંક્તીને છેડે આવતો ચરણાંત અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણાય છે. પઠનમાં પંક્તી પુરી થયા પછી બીજી પંક્તી પર જતાં જે સમય લાગે છે તેને કારણે તે અક્ષર ગુરુ બને છે. દા.ત. –
“ઉગેલી ઝાડી તે બિચ વિલસતું નિર્ઝર લઘુ
સમું લીલી સાડી મહીં ગુપત હૈયું મધુરવું.” (‘યાત્રા’માં સુંદરમ્)
અહીં બન્ને પંક્તીને અંતે આવતા ‘ઘુ’ અને ‘વું’ અક્ષરો લઘુ હોવા છતાં ગુરુ બન્યા છે.
નોંધઃ  ઈ અને ઉ બન્નેના ગુજરાતી ઉચ્ચારોમાં ભેદ ન હોવાથી કાવ્યસર્જકો હ્રસ્વ ઇ–ઉને ગુરુ તથા દીર્ઘ ઈ–ઊને લઘુ તરીકે સદાય પ્રયોજતા આવ્યા છે. આ ભેદને લીધે ગુરુ અક્ષર પણ લઘુ બનતો રહ્યો છે.
===================================
યતી અને ગણો અંગે વીગતે હવે પછી…