20130701

મોદીનો સિક્રેટ પ્લાન, જેની મદદથી ગુજરાતીઓને બહાર કાઢ્યા

ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ઉત્તરાખંડ ગયા અને ત્યાં ફસાયેલા ગુજરાતીઓને બહાર કાઢવા માટે બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેનું નેતૃત્વ ખુદ મુખ્યપ્રધાન મોદીએ કર્યું. દિલ્હી, ઉત્તરાખંડ સહિત ઉત્તરભારતના અખબારોએ મોદીની કામગીરી અંગે અહેવાલો છાપ્યાં અને તેની પ્રશંસા કરતાં લેખો છાપ્યાં.
મોદીને અચાનક જ મળેલી પ્રસિદ્ધિની સામે કોંગ્રેસે દ્વિપાંખિયો વ્યૂહ અપનાવ્યો છે. કોંગ્રેસી નેતાઓ મોદીની ટ્વિટર પર ઝાટકણી કાઢી રહ્યાં છે અને તેમને 'ફેંકુ' કે 'રેમ્બો' જેવી ઉપમાઓ આપીને કોઈ વ્યક્તિ આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને બહાર ન કાઢી શકે તેવા દાવા કરી રહ્યાં છે. બીજી બાજુ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જાહેરમાં આવ્યા છે. ઉત્તરાખંડના સંકટ સમયે રાહુલ ગાંધી વિદેશમાં હતાં. હાલમાં જ તેઓ ઉત્તરાખંડ પરત ફર્યા છે. નવીદિલ્હીમાં કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રીના ટ્રક્સને લીલીઝંડી બતાવ્યા બાદ તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે.મોદીના રેસ્ક્યુ પ્લાન અંગેનો એક વિશેષ અહેવાલ 'ફર્સ્ટ પોસ્ટ' દ્વારા છાપવામાં આવ્યો છે. જેમાં મોદીએ હાથ ધરેલા મિશન અંગે વિગતો આપવામાં આવી છે.તા. 18મીથી ગુજરાતના સનદ્દી અધિકારીઓ ઉત્તરાખંડમાં ઉતરી ગયા હતા. હજૂસુધી કોઈને સ્થિતિની ગંભીરતાનો અંદાજ ન હતો, ત્યારે આ અધિકારીઓ ગાંધીનગર ખાતે, 'ગ્રાઉન્ડ ઝીરો' પરથી રિપોર્ટિંગ કરતા હતા. જ્યારે બીજી ટીમ પહોંચી ત્યરા તેમની પાસે લોજીસ્ટિક સપોર્ટ હતો અને તેના માટે જરૂરી તમામ આંકડાઓ પણ હતા. કદાચ એવું પ્રથમ વખત બન્યું હતું કે, કોઈ એક રાજ્યનો મુખ્યપ્રધાન બીજા રાજ્યમાં જાય. ત્યાં કેમ્પ કરે અને પોતાના રાજ્યના નાગરિકોને બહાર કાઢવા અભિયાન હાથ ધરે.   ગુજરાતીઓ મોટાપાયા પર ચારધામની યાત્રા કરે છે. તે વાત વહીવટીતંત્ર સારી રીતે જાણતું હતું. આથી, ગુજરાતના રિલિફ કમિશ્નર અને પ્રિન્સિપાલ સેક્રેટરી પી. કે. પરમાર, અને બીજા વરિષ્ઠ અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા. જે આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓ ઉત્તરાખંડના હતા, તેમને અહીં મોકલવામાં આવ્યા. તેઓ ઉત્તરાખંડના લોકો અને વાતાવરણથી વાકેફ હોવાના કારણે આ વ્યૂહ અપનાવવામાં આવ્યો હતો. એક અધિકારીને ટાંકતા જણાવાયું છેકે, જ્યારે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન બહુગુણા લાચાર અને શૂન્યમનસ્ક જણાતા હતા, ત્યારે ઉત્તરાખંડના વહીવટીતંત્રમાં મોદીએ અનેક પ્રશંસકો જીતી લીધા હતા. એક અધિકારીને ટાંકતા અહેવાલમાં જણાવાયું છેકે, ''સ્થિતિને માપી લેવાની અને તેમના વહીવટી કૌશલ્યને નકારી શકાય નહીં. તેની પ્રશંસા કરવી ઘટે.અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, પોતાના સાથી અધિકારીઓ સાથે મોદીએ સ્થિતિનું મુલ્યાંકન કર્યું હતું. તેઓ ઉત્તરાખંડ ચૂનંદા અધિકારીઓ સાથે પહોંચ્યા હતા. આ અધિકારીઓ રાહત અને બચાવકાર્યમાં નિષ્ણાત છે. મોદીએ ભાજપની પાર્ટી મશિનરીને કામે લગાડી દીધી. ઘટનાના પગલે નકારાત્મકતામા સરી ગયેલા પાર્ટીના કાર્યકરોને કશુંક કામનું કરવાની તક મળી હતી. મોદીએ એક હોટલમાં ધામા નાખ્યા હતા. તેમની પાસે સંદેશાવ્યવહારની તમામ આધુનિક સવલતો હતો. અધિકારીઓ પાસે ભાજપના તાલુકા લેવલના પદાધિકારીઓના નંબર હતા. એવી જ રીતે ભાજપના પદાધિકારીઓને પણ અધિકારીઓના નંબર્સ આપી દેવાયા હતા. ભાજપના કાર્યકરોને ગુજરાત સરકાર કેવી મદદ આપી રહી છે અને મદદ કરી શકે છે, તેની માહિતી આપી દેવાઈ હતી. તેમને સંબંધીત અધિકારીઓનો સંપર્ક સાધવા કહેવામાં આવ્યું હતું. ડીજી રેન્કના અધિકારી ટીએસ બિસ્ટ અગાઉથી જ ગુપ્ત કાશી પહોંચી ગયા હતા. તેમણે ત્રણ દિવસ સુધી ઉત્તરાખંડનો પ્રવાસ ખેડ્યો હતો અને લોકોને મળ્યા હતા.ફસાયેલા ગુજરાતીઓને માટે અનાજ, ઈંધણ, અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, બસો સુધી પહોંચવા માટે ઈનવા અને બોલેરોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ઘરે પહોંચવા માટે બોઈંગ વિમાનોરાખવામાં આવ્યા હતા. મોદી દેહરાદુનમાં જોલીગ્રાન્ડ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર અટવાયેલા 125થી વધુ ગુજરાતી શ્રદ્ધાળુઓને પોતાના વિમાનની વળતી ઉડ્ડાણમાં રવાના કરી દીધા હતા.ઉત્તરાખંડ ભાજપના નેતા અનિલ બલુનીને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે, "કોંગ્રેસે અમારા નેતાના સારા કામોમાંથી શીખવું જોઈએ અને તેની પ્રશંસા કરવી જોઈએ. સંકટના સમયે મોદીએ અજોડ કૌશલ્ય બતાવ્યું છે. કમનસીબે તેમને લાગે છે કે, ગેરમાર્ગે દોરતું ટ્વિટ કરી લે એટલે તેમનું કામ પતી જાય છે. અથવા તો તેઓ મોદીજી સામે ઓછી સમજણવાળું નિવેદન કરીને સંતોષ માને છે. મોદીજીની હાજરીએ અમારા કાર્યકરોના ઉત્સાહમાં પ્રાણ ફૂંક્યા છે. મોદી પછી કોંગ્રેસના મુખ્યપ્રધાનો પણ ઉત્તરાખંડ પહોંચ્યા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી. રાહુલ ગાંધી પણ ઉત્તરાખંડમાં છે. કોંગ્રેસને આશા છે કે, તેના કારણે સ્થિતિ સુધરશે. અને મીડિયામાં છવાઈ ગયેલા મોદીને ખાળી શકાશે.