20130701

`આમ` ફળોનો `ખાસ` રાજા-મેન્ગો.


`આમ` ફળોનો `ખાસ` રાજા-મેન્ગો.

मुझसे  पूछो, तुम्हें  ख़बर  क्या  है..!`आम` के  आगे  नेशकर  क्या  है..! 
और    दौड़ाईए    क़यास     कहाँ ? जान-ए-शीरीँ  में  ये  मिठास  कहाँ..!
(नेशकर = गन्ने का रस ; जान-ए-शीरीँ = शरबती प्रेमिका ।)
सुप्रसिद्ध शायर- मिर्झा ग़ालिब ।
અર્થાત્ - આપ તો કાંઈ જાણતા નથી પણ, જો મને પૂછો તો કહુંકે, મીઠી મધુરી કેરીની સરખામણીમાં શેરડીની મીઠાશ કોઈ વિસાતમાં નથી. હજી આગળ કલ્પના શું કામ કરો છો? મીઠી મધુરી પ્રેમિકાના પ્રેમમાં પણ, કેરીની મીઠાશ ક્યાંથી પામી શકાય..!

====== 

પ્રિય મિત્રો,

ચાલો, આપણે મહાકવિ કાલિદાસે જેને પ્રેમીઓના ફળ તરીકે નવાજ્યું છે, તેવા તમામ ફળોના રાજા Mango= आम = કેરીનો રસાસ્વાદ માણી, આપણા દાદા-પરદાદાઓએ પ્રેમથી વાવી, જેનું જીવની માફક જતન કરી, ઊછેરીને, આપણને મીઠી મધુર કેરીઓનો રસાસ્વાદ કરાવ્યો, તે તમામ  વડવાને આજે અત્રે યાદ કરી, તેઓનું યથાશક્તિ ઋણ ચૂકવવા નમ્ર પ્રયાસ કરીએ.

 
દોસ્તો, જાણીતા ચિંતક શેક્સપિયરે પ્રસિદ્ધ કથન, "What's in a name? That which we call a rose (mango?). By   any  other  name  would  smell  as  sweet." ભલે ઉચ્ચાર્યું હોય પરંતુ, શું આપ જાણો છોકે, જાણીતા ભજન, `હરિ તારાં નામ છે હજાર` ની માફક, વિશ્વભરમાં રસઝરતી કેરીનાં પણ, રસાલ, આમ, આમ્ર, અમ્બ, પ્રિયાંબુ, કેશવાયુધ, કામાયુધ, કામશર, કામાંગ, જેવાં સેંકડો વિવિધ નામ-દામ-કામ પ્રવર્તમાન છે? ઝનૂની `આમ્ર પ્રેમી` મોગલકાલિન સુપ્રસિદ્ધ શાયર શ્રીમિર્ઝા ગ઼ાલિબ તો વળી,આપણા આ લેખના મથાળે ટાંકેલા શેર પ્રમાણે,  અત્યંત મીઠડી શેરડી અને તેથી પણ, એક ડગલું આગળ વધીને કોઈ `શરબતી પ્રેમિકા`ના પ્રેમ કરતાંય વધુ મીઠાશ કેરીમાં સમાવિષ્ટ  છે, તેવી `ખાસ` શાયરી,`આમ`ને અર્પણ કરીને, પોતાની વહાલસોયી પ્રેમિકા કરતાં પણ, `આમ=કેરી`ને  ઊંચા સિંહાસને સ્થાપિત કરે છે. આથીજ નાનાં-મોટાં, ગરીબ-તવંગર, દેશી-વિદેશી હોય કે પછી, સ્વાદ-બદસ્વાદ, ભાવતા-ન ભાવતામાં તીવ્રપણે માનનારા કેટલાંક અભાગિયાં સજીવ પ્રાણીઓ હોય પણ આ તમામ, `આમ એટલેકે  સામાન્ય` ગણાતા ફળોમાં `આમ=કેરી`ને ફળોનો રાજા (राजफल) હોવાનું ગૌરવ બક્ષતાં જરા પણ ખચકાતા નથી..!

આમ તો, આપણી જીભ દ્વારા ઓળખવામાં આવતા સ્વાદ જેમકે, ખારો, ખાટો, મીઠો, કડવો, મોળો તથા તીખો એમ કુલ છ પ્રકારના રસને `ખટરસ` કહેવાય છે. આયુર્વેદમાં પણ મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય એમ કરીને કુલ છ રસનો ઉલ્લેખ છે. હવે કેરીને જો તમામ ફળોનો રાજા કહેવાતો હોય તો તેનું સચોટ કારણ એ છેકે, આંબાના વૃક્ષ પર મોર (ફૂલોનાં ઝૂમખાં.) બેસે ત્યારથી લઈને, કેરી પાકીને તૈયાર થાય ત્યાંસુધીમાં ઉપર વર્ણન કરેલા તમામ છ રસ તેમાં વિવિધ તબક્કે અનુભવાય છે.આપણાં શાસ્ત્રોમાં તો  કેરીને વહાલથી, `ઇન્દ્રાસની ફળ`નું ઉપનામ આપેલ છે, જેનો સરળ અર્થ થાય છે, `વર્ણન કરી ન  શકાય તેવો અદ્ભુત અનુભવ અથવા `इंद्रियानुभूत ज्ञान`,  બોલો, કોઈ કેરી-રસિયા જીવ હવે એમ કહી શકશેકે, આપણાં શાસ્ત્રકથન ખોટાં છે? જોકે, આ તમામ ખટરસનો સ્વાદ માણવા `આમ ફળ` પરત્વે `ખાસ પ્રેમ` હોવો અત્યંત જરૂરી છે. આજે સ્વાસ્થ્યને માટે હાનિકારક ફાસ્ટફૂડના યુગમાં પણ કેરીની બોલબાલા,તેનાં  અનેકવિધ વ્યંજન રૂપે સુપેરે સલામત છે. મને પાકી ખાત્રી છેકે, જે આમરસ પ્રેમી  વિરલાઓ પોતાના હોઠ-ગાલ-હાથપગ અથવા પોતાનાં વસ્ત્ર બગાડ્યા વગર કેરી અથવા કેરીની અથાણા જેવી અન્ય અનેક પ્રોડક્ટ આરોગવા ખરેખર  સક્ષમ  હશે, તેમને  કેરીના સાચા ચાહક માનવા, અઠંગ  `આમ્રરસ પ્રેમી` જેઠાલાલ ગડા હરગિજ તૈયાર નહીં  થાય..! (`તારક મહેતાના ઉલ્ટા ચશ્મા` સિરિયલવાળા.) બાપુજી ચંપકલાલ ગડા દ્વારા,`બબૂચક`નો મહાન સરપાવ પામીને પણ, જેઠાલાલ અકરાંતિયાની માફક જે રીતે કેરીના રસનો વાટકો મોં એ માંડી, ધરાઈને રસ પીધાના સંતોષનો  ઓડકાર ખાય છે તે નિહાળી, આ જગતમાં, ભલભલા કેરી પ્રેમીઓને પોતે એકલા `Mannerless` નથી તે બાબત જરૂર રાહત અર્પે છે..! હાસ્તો વળી, જમવામાં શરમ-સંકોચ શું કામ કરવો..! અને તેમાં પાછો આ તો કેરીનો રસ..!

કેરી કેરો ઇતિહાસ અનેરો.

એક કથા અનુસાર  એકવાર, શહેનશાહ અકબર અને તેમનાં બેગમ કેરીનું રસપાન કરતા હતા. અકબરે ચાલાકીથી પોતાનાં તમામ ગોટલી-છોતરાં પણ બેગમવાળા ઢગલામાં હડસેલ્યાં તેવામાં, અચાનક બીરબલ આવી ચડતાં અકબરે બેગમની મજાક કરી," જોને બીરબલ, ક્યારના બેઠા-બેઠા, બેગમે કેટલી બધી કેરીઓ એકસાથે આરોગી છે..!" બીરબલે હાજરજવાબીથી સામે ઉત્તર વાળ્યો," પરંતુ, જહાંપનાહ, આપે તો કેરીનાં ગોટલીને છોતરાં પણ ન છોડ્યાં..!"

જીહા, મોગલ બાદશાહ અકબરનો કેરી-રસાસ્વાદનો શોખ ઇતિહાસમાં નોંધાયેલો છે. ઈ.સ.૧૫૫૬થી ૧૬૦૫ દરમિયાન શહેનશાહ અકબરની  વાડીમાં, વિવિધ જાતિ-રસ-સુગંધ ધરાવતાં લગભગ ૧,૦૦,૦૦૦ (એક લાખ) જેટલાં આબાંના વૃક્ષો હોવાનો ઉલ્લેખ સુપ્રસિદ્ધ પ્રમાણિત ગ્રંથ `અકબર-એ-આઈના`માં કરવામાં આવ્યો છે. આપણા પૌરાણિક  સંસ્કૃત શાસ્ત્રોમાં આલેખાયા પ્રમાણે, આંબાની ખેતી લગભગ ચાર હજાર વર્ષ પૂર્વથી કરવામાં આવે છે. મૂળ દ્રવિડ પ્રજાના આગમન અને તેમના દ્વારા દેશમાં કેરી ફળની પ્રથમ  ઓળખ સાથે, તેઓની ભાષા તામિલમાં `Mankani` પરથી અંગ્રેજી શબ્દ `Mango` પ્રચલિત થયો હોવાનું મનાય છે. ભારત બહારના દેશોને કેરીના સ્વાદનો ચટકો  લગાડવાનું શ્રેય ચાઇનીઝ બૌદ્ધધર્મી પ્રવાસી હ્વેનસ્તાંગને (AD-645) ફાળે નોંધાયેલ છે. સોળમી સદી દરમિયાન પૂર્વ-પશ્ચિમ આફ્રિકા, બ્રાઝિલ, ફિલિપિન્સ,ઈન્ડોનેશિયા, જાવા, થાઈલેન્ડ, બર્મા, મલેશિયા અને શ્રીલંકા જેવા દેશોમાં આંબાની ખેતી થતી હોવાનું માનવામાં આવે છે. જોકે, અમેરિકાના મેક્સિકો તથા ફ્લોરિડામાં  ઓગણીસમી સદીમાં આંબાની ખેતી થયાનું ઇતિહાસકારો નોંધે છે. આ ઉપરાંત, સંસ્કૃત શબ્દ `આમ્ર` પરથી હીન્દીમાં `આમ=કેરી` શબ્દ ઉદ્ભવ્યો છે. આ `આમ` શબ્દની સાથે હીન્દી શબ્દ `આમદ= આગમન` તથા તેની સાથે `આમદાની=આવક` ને જોડી દઈએ તો, સરવાળે અર્થ એ મળેકે, બાગાયતી ખેતી કરનારા ખેડૂતની આમદાની(આવક),  આમ(કેરી)ના આમદ(આગમન) સાથે જોડાયેલી છે. કેરીના ધંધામાં કુદરત મહેરબાન હોયતો ક્યારેય ખોટ જતી નથી, આમ છતાં કોઈ કારણસર મોસમના મારને કારણે જો કેરીની ઓછી આવક થાય તોપણ અર્થશાસ્ત્રના માંગ-પુરવઠા-બજારભાવના સિદ્ધાંત મુજબ કેરીના  ભાવ આસમાને અડી જવાને કારણે, તે બમણો નફો રળી આપે છે. કેટલાક જાણકાર આંબાના વૃક્ષને `કલ્પતરુ`ની ઉપમા પણ આપે છે કારણકે, તેના મૂળ-થડ-પાનથી માંડીને કેરીની ગોટલી સુધીના તમામ અંગ આપણા વિવિધ ઉપયોગમાં આવે છે.અત્રે, એ પણ જાણવા જેવું છેકે, કેરીના એક વાટકી રસ અથવા ટુકડાઓમાં આશરે ૧૧૦ કેલરી સમાયેલ હોય છે. દિનભરની જરૂરિયાતના પૂરતા પ્રમાણમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી ઉપરાંત, મૅગ્નેશિયમ,પોટેશ્યમ તથા પાચનશક્તિને વેગ આપતા ફાઇબરનું પ્રમાણ પણ ખૂબ હોય છે.

યુએન આશ્રિત, `ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)`દ્વારા આંબાની ખેતીમાં  અનેક પ્રોત્સાહન તથા અવિરત સંશોધનના સફળ કાર્યક્રમોને કારણે, આજે તો અસંખ્ય પ્રકારના રંગ-રૂપ-કદ-સ્વાદની કેરી વિશ્વભરમાં જોવા મળે છે. `FAO`ના આખરી પ્રામાણિત અહેવાલ પ્રમાણે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે લગભગ ૫૦૦૦ હજાર હેક્ટર જમીનમાં અધધધ ૧,૨૦,૦૦,૦૦૦/- ટન કેરીનું  ઉત્પાદન થાય છે. જેમાં ભારત ૫૧.૧%  ઉત્પાદન સાથે સહુથી મોખરે છે,બીજા નંબરે ચીન, બાદમાં થાઈલેન્ડ અને છેલ્લે, પાકિસ્તાન, મેક્સિકો, ઈન્ડોનેશિયા જેવા દેશ પણ કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ફાળો નોંધાવે છે.


ભારત માંગે મોર(More)ને આંબે આવે મોર.

એક જાણીતી  કથા મુજબ એક અત્યંત  વૃદ્ધ ખેડૂતને, ખેતરના શેઢે ઊગેલા આંબાના છોડનું  અત્યંત કાળજીપૂર્વક જતન કરતા જોઈને કોઈ નવયુવાને ટીખળમાં પૂછી નાંખ્યુંકે," દાદા, તમે આ આંબાની કેરીઓ ખાવા પામશો..!" ત્યારે તે વૃદ્ધ ખેડૂતે સુંદર જવાબ આપ્યોકે,"ભાઈ, હું ભલે આ આંબાની કેરી ખાવા જીવતો નહીં હોઉં પરંતુ, કોઈકે રોપેલા આંબાની કેરી મેં બહુ ખાધી છે તેથી તે ૠણ  ચૂકવવા કાજે હું આ  આંબાનું જતન કરી રહ્યો છું. હું નહીં પણ તમે તો આ કેરી ખાશો ને?" કદાચ આથી જ સીમિત આયુષ્ય ધરાવતા આપણા કોઈ વડવાના હાથે પ્રેમથી અત્યંત જતનપૂર્વક ઊછરેલા આંબાનું  વૃક્ષ,  ખૂબ લાંબું આયુષ્ય ધરાવતા વૃક્ષોની સૂચિમાં સામેલ છે. આંબાના ઝાડનાં મૂળ ૨૦ ફીટ કરતાં પણ ઊંડાં જોવા મળે છે. નવાઈ લાગે તેમ આંબાનું ઝાડ ૩૦૦ વર્ષ  જુનું  હોવાનાં ઉદાહરણ સુદ્ધાં નોંધાયેલ  છે. જોકે, હવે તો કલમી વામન કદના આંબાની નવી જાતમાં છોડ વાવ્યા બાદ માત્ર બે-ચાર વર્ષમાં તેની કેરી ચાખવા મળે છે તથા વર્ષમાં એક કરતાં વધારે પાક પણ ઊતરે છે. કોંકણ-મહારાષ્ટ્રમાં તો વળી `સિંધુ` નામની `SEEDLESS`કેરીનું ઉત્પાદન પણ શરૂ થયેલ છે, તે બાબત  વિજ્ઞાન+માનવ બુદ્ધિનો ચમત્કાર જ ગણવો રહ્યો.

અમેરિકન હાસ્યકાર તથા લેખક મિ.માર્ક ટ્વેઈન જેને  માનવજાત માટે સૌથી વધારે જાણીતું સ્વાદિષ્ટ ફળ ગણાવે છે તે કેરી, આપણા દેશમાં  વિષુવવૃત્ત સ્થાનિય, મોટાભાગના વિસ્તારો વર્ષભર કાયમ લગભગ ગરમ તથા ભેજરહિત રહેતા હોવાને કારણે કેરીના પાકને ખૂબ અનુકૂળ ગણાય છે. કેરીના મબલક પાક માટે ૪૦° F ડિગ્રી તાપમાન યોગ્ય ગણાય છે. આંબાના વૃક્ષની ઊંચાઈ લગભગ ૨૫ થી ૪૦ મીટર તથા ગોળાઈ(વ્યાસ-ઘેરાવો) આશરે ૧૦ મીટર સુધી જોવા મળે છે. આંબાનાં પાન તેની જાત પ્રમાણે આશરે ૪" લાંબા તથા  ૨" પહોળા હોય છે. આંબા પર પીળા રંગનાં ફૂલ આવે  છે જેને આપણે મોર કહીએ છે. ભેજવાળા વાતાવરણમાં આબાંના મોર પર ફૂગને કારણે કેરીનું ઉત્પાદન ઘટી શકે છે. આંબા પર મોર આવ્યા બાદ લગભગ  બે થી અઢી માસમાં કેરી પૂર્ણરૂપે  વિકાસ પામે છે, જેનું કદ તેની જાત પ્રમાણે અવિકસિત અવસ્થામાં ૨" થી વિકસિત અવસ્થા દરમિયાન ૯" જેટલું લાંબું થાય છે. કેરી ફળમાં વિવિધતા રૂપે નાનકડા બોર જેટલી સાઈઝથી માંડીને, મોટું એકજ ફળ એકથી દોઢ કિલો સુધી કદ-વજનનું પણ જોવા મળે છે.દેશમાં દશહરી,લંગડો,ચૌસા, ફઝલી, મુંબઈ ગ્રીન, અલફ્રન્ઝો, બૈંગન પલ્લી, હિમસાગર, કેસર, કિશનભોગ, મલગોવા, નીલમ, સુવર્ણરેખા,વનરાજ, જરદાલુ, રાજાપુરી, તોતાપુરી, બદામ તથા સીડલેસ સિંધુ જેવી અનેક વેરાયટી બજારમાં જોવા મળે છે.

મિત્રો, મને ખાત્રી છેકે, ઉનાળાના આકરા તાપમાં પણ, આંબાની ઘટાદાર શાખા ઉપર બેસીને, મનભાવન કેરીના આગમનની ખુશીમાં મીઠા-મધુર ટહુકાનો રાગ આલાપી, પોતાનો રાજીપો વ્યક્ત કરતી કોઈ કોયલને, નિરાંત જીવે માણ્યા બાદ જ, આપણા આદરણીય કવિ શ્રીગુલામ મોહમ્મદ શેખસાહેબે આ કવિતાની દમદાર પંક્તિ રચી હશે.

`ફૂલને  કંઠે કો`  ગીત રમે  ગરવું, સૂકી તે  ધૂળના  ભીના  ખૂણેથી.
આજ પાંગરવું,કાલ વળી ખરવુ; તોય ફૂલને કંઠે કો` ગીત રમે ગરવું.`


આપણા દેશમાં પણ, આશરે ૨૫૦૦ હેક્ટર ભૂમિમાં આવેલા અનેક આંબાવાડીયામાં, ઘટાદાર આંબાઓની ડાળે હજારો કોયલ ટહુકે છે.કદાચ, આ કોયલના રાજીપાના પ્રતાપે જ આપણે કેરી ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને હોવાનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યા છે.`Agricultural and Processed Food Products Export Development Authority`(APEDA) બેંગ્લોર-કર્ણાટકના ડાયરેક્ટર શ્રીએસ.દવેના જણાવ્યા પ્રમાણે,"વિશ્વમાં કેરીના કુલ -૧,૨૦,૦૦,૦૦૦. ટન ઉત્પાદન સામે ભારત ૨૩,૪૫૫,૦૦૦. ટન (૫૧.૧%) ઉત્પાદન કરે છે." રાજ્યવાર વિગત જોતાં, યુ.પી.-૨૪%; આંધ્રપ્રદેશ-૨૨%;કર્ણાટક-૧૧%; બિહાર-૯%;ગુજરાત-૭% તથા તામિલનાડુ-૫% કેરી ઉત્પાદન કરે છે. દેશમાંથી દર વર્ષે આશરે ૬૦,૦૦૦ ટન કેરી વિશ્વભરમાં નિકાસ થાય છે. જેમાંથી ૬૦% કેરી માત્ર યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ની પ્રજા આરોગી જાય છે.

ગુજરાતમાં કેરીનું ઉત્પાદન.


લંકાની અશોક વાટિકામાં આમ્રફળ દ્વારા ક્ષુધા તૃપ્તિમાં વિક્ષેપ થતાં અનેક વૃક્ષો ઉખાડીને રાક્ષસોમાં હાહાકાર મચાવનાર, રામભક્ત હનુમાનથી ભગવાન શ્રીવિષ્ણુજી સુધી, કવિ કાલિદાસથી  શાયર મિર્ઝા ગાલિબ સુધી, વિશ્વવિજેતા સિકંદરથી  શહેનશાહ અકબર સુધી તથા આમ આદમીથી  ભૂ.પૂ.વડાપ્રધાન શ્રીઅટલ બિહારી બાજપાઈજી સુધી, એમ સહુએ  કેરીના માનમાં દિલ ખોલીને તેનાં ગુણગાન ગાયા હોય ત્યારે, આપણા પરિવારનાં બાળકો શામાટે પાછળ રહી જાય..! આથીજ, આપણા દેશનાં ઘણા બધાં પરિવારની પ્રથા પ્રમાણે, વેકેશન જાહેર થતાં જ મોસાળમાંથી ભાણા-ભાણીને હરખભેર તેડું આવ્યું જ સમજો. શાળાઓમાં એપ્રિલ-મે-જૂનના વેકેશનના દિવસો એટલે બાળકો માટે તો મોસાળમાં ધામા નાંખીને નાના-નાની, મામા-મામીના સાંનિધ્યમાં ધીંગામસ્તી તથા  કેરીના રસની રેલમછેલ સાથે, બાકીના વર્ષભર માટે પ્રેમનું ભાથું ઠાંસીઠાંસીને ભરી લેવાના આનંદ ઉલ્લાસના દિવસો..! અમારા મોસાળમાં તો, મામાના આંબાવાડીયામાંથી આવેલી તાજી કાચી કેરીને,એક વિશાળ અંધારિયા ઓરડામાં ઘાસ(પરાળ) નીચે રાખી તેને બરાબર પકવવામાં આવતી.દરરોજ તેમાંથી પાકી ગયેલી કેરી એકઠી કરી તેમાંથી વિવિધ વ્યંજનો જેમકે, રસ, ફજેતો (મેન્ગોકરી), ટુકડા કે પછી આખું તનમન રસતરબોળ થાય તે રીતે દેશી કેરીને બરાબર ઘોળી-ઘોળીને સાવ નરમ કરી, જોર-જોરથી બુચકારાના અવાજ સાથે પાકી કેરી ચૂસવાની મઝા કાંઈ ઓર હતી..! પાકી ગયેલી દેશી કેરીઓમાંથી, ખાસ કરીને કાળો ડાઘ પડેલી કેરી (કોયલપદુડી?) હંમેશાં મીઠી સાકર જેવી નીકળતી.અગાઉ, આજના ઈલેક્ટ્રીક મિક્સરને સ્થાને, પથ્થરના ગોળ મોટા તપેલા જેવા પથ્થરિયા ઉપર મોટું શણિયું બાંધી, તેના પર કેરીના ગોટલા-છોતરાં ઘસીને કેરીનો રસ કાઢવામાં આવતો. તે સમયે, આખું ઘર કેરીની મહેકથી મઘમઘી ઊઠતું..! પૌઢાવસ્થાએ પહોંચેલા આપણા ઘણા વિદ્વાન પાઠક મિત્રો મોસાળના રસ-પૂરી-ગોટા કે રસ-ખમણ-ઢોકળાં-પાતરાંના જમણને યાદ કરી, આજે પણ પોતાના શૈશવને તાજું કરી લેતા હશે..!

दानं प्रियवाक्‍ सहितं ज्ञानमगर्व क्षमान्वितं शौर्यम् ।
वित्तं त्याग नियुक्तं दुर्लभमेतच्चतुष्टयं लोके ॥


અર્થાત્- આ લોકમાં ચાર વસ્તુ દુર્લભ છે. જેમકે પ્રિયવાણી સાથે દાન આપવું, ગર્વ વગરનું જ્ઞાન, ક્ષમાયુક્ત શૂરવીરતા અને ત્યાગયુક્ત ધન.

ઘણા વિદ્વાન પાઠક મિત્રો એ બાબત સાથે અવશ્ય સહમત થશેકે, આંબાના `કલ્પવૃક્ષ`માં આ ચારે-ચાર વસ્તુ મોજૂદ છે. કોયલની મીઠી પ્રિયવાણી સાથે આ કલ્પવૃક્ષ આપણને રસઝરતી કેરીનું દાન આપે છે. આ કલ્પવૃક્ષની શાખાઓ પર કેરીનો ભાર જેમ વધે તેમતેમ, સહેજ પણ ગર્વ કર્યા વગર, ધરતીમાતા તથા ખેતરના માલિક પ્રતિ આભાર વ્યક્ત કરવા આંબો વધારેને વધારે નીચે નમે છે. આંબાનું કલ્પવૃક્ષ, પોતાને પથ્થર મારનારને પણ ક્ષમા અર્પી અત્યંત ઉદારતા સાથે પથ્થરના બદલામાં, તેની ઝોળીને ઇચ્છિત ફળથી છલકાવી આપે છે અને છેલ્લા, પોતાના શરીરના એક-એક અંગનો અંતે ઉદારતાપૂર્વક ત્યાગ કરી, તે અંગો સમગ્ર પ્રાણી સમાજના કલ્યાણ અર્થે ભેટ ધરે છે.

આ વર્ષે જોકે, આ આંબાના `કલ્પવૃક્ષ` બાબત, મામા-મામીનાં ભાણા-ભાણી માટે થોડી મૂંઝવણભરી સ્થિતિ એ છેકે, ગુજરાતમાં વર્તમાન વર્ષે કેટલાક વિસ્તારો દુષ્કાળગ્રસ્ત જાહેર થયા હોવાથી, ઉપરાંત તાજેતરમાં મોસમમાં આવતા અચાનક પલટાને કારણે અવારનવાર થતા માવઠાંની સ્થિતિને કારણે કેરીના પાકને માઠી અસર થવા સંભવ છે.. છતાં પણ,  આ વર્ષે ગુજરાતમાં આશરે ૧૫૦ હેક્ટર ભૂમિમાં  ૧૧૦૦ ટન કેરીના ઉત્પાદનનો અંદાજ  છે. દેશમાં આશરે ૩૦ પ્રકારની કેરીની જાત છે જેમાં, ગુજરાતની અલ્ફ્રાન્ઝો, રાજાપુરી તથા સુંદરી કેરીનું આગમન મે-જૂન માસમાં બજારમાં આવી જશે. આમપણ સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રખ્યાત કેસર કેરીની માંગ દેશ-વિદેશમાં ખૂબ રહે છે. આપણા રાજ્યમાં કેરીનું મબલક ઉત્પાદન,વલસાડ,નવસારી, સુરત, વડોદરા,ભરૂચ (નર્મદા કિનારો), જૂનાગઢ, અમરેલી,ભાવનગર જેવા વિસ્તારોમાં વિશેષ પ્રમાણમાં થાય છે.આપણી ગુજરાતી અલ્ફ્રેન્ઝો તથા કેસર કેરી, ખેત ઉત્પાદન પ્રમાણપત્ર પ્રદાન કરતા, આંતરરાષ્ટ્રિય બિન સરકારી સંગઠન,`GLOBALGAP`ના આકરા માપદંડમાં ૧૦૦% પાર ઊતરે છે તે, આપણા ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે.


કેરીના પ્રકાર, સમાવિષ્ટ જીવન રક્ષક તત્વ તથા પ્રોડક્ટ્સ.


મિત્રો,આપણે લેખની શરૂઆત મિર્ઝા ગ઼ાલિબની શાયરીથી કરી છે ત્યારે, આ મહાન શાયરની એક  હાજરજવાબીનો કિસ્સો પણ અત્રે મમળાવી લઈએ. મિર્ઝા ગ઼ાલિબ જેટલા આમ-પ્રેમી હતા તેનાથી બિલકુલ વિપરીત તેમના એક દોસ્ત, નામે હકીમ રજ઼ીઉદ્દીન ખાઁને કેરીઓથી એટલીજ  નફરત હતી.એક દિવસ બંને મિત્રો મકાનની ઓશરીમાં બેઠા હતા, એટલામાં ત્યાંથી એક ગધેડાંવાળો  પોતાનાં ગધેડાં સાથે પસાર થયો. મિર્ઝા ગ઼ાલિબે કેરી ખાઈને ઓટલા પાસે ફેંકેલાં ગોટલા-છોતરાંને, ગધેડાં ફક્ત સુંધીને, ખાધા વગર આગળ ચાલતાં થયાં, તે જોઈને હકીમે ગ઼ાલિબની ટિખળ કરવા કહ્યું," દેખિયે જનાબ, આમ ઐસી ચીજ઼ હૈ, જિસે ગધે ભી નહીં ખાતે..!"  મિર્ઝાએ, હકીમજીની કેરી પ્રત્યેની નફરત પારખી જઈ, ટિખળનો ઉત્તર ટિખળથી આપ્યો, " હાઁ મિયાં, બેશક, ગધા હી આમ નહીં ખાતા..!" જોકે, મિર્ઝા ગ઼ાલિબજીની આ વાત તો સાવ સાચી જ હશે કારણકે, ગદર્ભરાજ  સરીખાં, કેરીને નફરત કરનારાં તમામ પ્રાણીને કેરીના ગુણધર્મ ક્યાંથી માલૂમ હોય..!  જુઓને, આપણા દેશમાં મોટાભાગે કેરીના પ્રકાર અથવા કેરીની ગુણવત્તા અંગે વાતચીત સાંભળવા મળે ત્યારે, અંતે એક વાક્ય જરૂર સાંભળવા મળે," ઊંચી ગુણવત્તાવાળી કેરી તો  વિદેશમાં ઍક્સ્પૉર્ટ થઈ જાય છે,આપણને તો કાયમ સી ગ્રેડની કેરી માણવા મળે છે...!"  અત્રે, અત્યંત દુઃખ સાથે કહેવું પડે છેકે, મહદ અંશે આ વિધાન બિલકુલ સાચું છે..!


`વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન` તથા  યુ.એન. સંચાલિત `ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન` દ્વારા નક્કી કરવામાં આવેલા `CODEX STANDARD FOR MANGOES` (એગમાર્ક) મુજબ, કેરીના  ત્રણ  ગ્રેડ નક્કી કરવામાં આવ્યા છે. (૧) એક્સ્ટ્રા ક્લાસ (શ્રેષ્ઠ) - જેમાં કોઈ ખામી ન હોય તથા કેરીના પ્રમાણિત કરેલા વજન કરતાં તફાવત ૫% થી વધુ ન હોય.ઉપરાંત, આકર્ષક પેકિંગ કરેલ હોય. (૨) ક્લાસ -૧. (મધ્યમ) - જેમાં સાધારણ ખામી હોય પરંતુ, કેરીની ગુણવત્તા સારી હોય. કૉડેક્સ સ્ટાન્ડર્ડ વજન કરતાં ૧૦%થી ઓછું વજન તથા સાઈઝ નાની ન હોય. સારું પેકિંગ કરેલું હોય.(૩) ક્લાસ -૨ (ગૌણ) - એક્સ્ટ્રા ક્લાસ તથા ક્લાસ-૧ ના માપદંડમાં ખરી ન ઊતરતી તમામ કેરી, જેમાં ક્લાસ-૨ માટે નક્કી કરાયેલા કૉડેક્સ સ્ટાન્ડર્ડ વજન કરતાં ૧૦%થી ઓછું વજન તથા સાઇઝ  ન હોય.


જોકે, ભારત, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી કેરીનું ઉત્પાદન કરતા દેશોમાં, અગ્ર સ્થાન ધરાવે છે. ભારતીય કેરી રંગરૂપ આકાર તથા સ્વાદમાં બેનમૂન હોય છે. સહકારી સંસ્થાઓ તથા સરકારના કૃષિ વિભાગની મદદ સાથે, આધુનિક ટેક્નોલૉજીના આદાનપ્રદાન દ્વારા કેરીની ગુણવત્તા તથા ઉત્પાદનમાં દર વર્ષે સતત વધારો નોંધાય છે. હવે તો, કેરી ઉત્પાદકોની સવલત ખાતર, કેરી ઉત્પાદનના નજીકના સ્થળે જ પેકેજિંગ તથા ઍક્સ્પૉર્ટ ઝોનની સગવડ કરવામાં આવી છે, ત્યારે સરહાનપુરના કેરી ઉત્પાદકોએ તો વળી, તેમની કેરીને, `નવાબ` બ્રાન્ડથી નવાજીને તેની પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. કેરી, સ્ટોરેજના મામલે, ખૂબ સંવેદનશીલ ફળ હોવાથી તેને  કોલ્ડ સ્ટોરેજમાં `13°C ± 0.5°C` તાપમાન તથા `90–95%` રિલેટીવ ભેજયુક્ત વાતાવરણમાં ફક્ત ત્રણથી સાત અઠવાડીયાં સુધી જ સાચવી શકાય છે. જોકે, કેરીના પલ્પને એરટાઈટ પેકિંગમાં -1° F તાપમાન પર લાંબા સમય સુધી સાચવી શકાય છે. આથીજ, દેશમાં હવે પાકી કેરીનો પ્રિઝર્વેટીવ પ્રોસેસ્ડ પલ્પ-રસ, તથા કેરીની અન્ય પ્રોડક્ટ જેમકે, કાચી કેરીની ચટણી, કચુંબર, બારમાસી આંબોળીયાં, આમચૂર પાવડર, પન્ના શરબત, અથાણા, મુરબ્બા,જામ,જેલી,મેંગો જ્યૂસ-શેક,આઈસક્રીમ,ચોકલેટ-ટૉફી,મેંગો લસ્સી,બિસ્કિટ, નાનખટાઈ,પાઈ, કેક, સ્વીટચીલી મેંગો સૉસ, પાકી કેરીના પાપડ, કેરીની ગોટલીમાંથી આયુર્વેદિક ચૂર્ણ તથા મુખવાસના અઢળક ઉત્પાદન ઉપરાંત, વિશ્વમાં કાચી-પાકી કેરીમાંથી બનાવેલી અન્ય સેંકડો વાનગી બારેમાસ મળે છે, જેમાંથી કેટલીક સામગ્રી તો આપણે ક્યારેય જોઈ, સાંભળી કે ચાખી પણ નથી.

माता समं नास्ति शरीर पोषणम् ।

અર્થાત્- માતા સમાન શરીરને પોષણ આપનાર કોઈ નથી.

જોકે, ઉપરોક્ત સુભાષિતને લગીર મઠારીએ તો, એમ કહી શકાયકે, કેરીનો રસ, માતાના દુગ્ધપાનથી સહેજ પણ ઊતરતો નથી. આપે નિહાળ્યું હશેકે, ઘણી માતાઓ પોતાના બાળકને સ્તનપાન છોડાવવા ઇચ્છતી હોય ત્યારે, તે બાળકને કેરીનો રસ,દુધમાં ભેળવી, પિવડાવી  સફળતાપૂર્વક સ્તનપાનની આદત છોડાવી શકે છે.નવાઈની બાબત એ છેકે, આ કીમિયો લગભગ દરેક બાળક સાથે કારગત નીવડે છે. કેરીની અસીમ લોકપ્રિયતાનું અન્ય એક કારણ, તેમાં સમાયેલા માનવજીવનને પોષક અનેક જીવનરક્ષક તત્વોને આભારી છે. યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર (USDA Database ) અનુસાર, પ્રતિ ૧૦૦ ગ્રામ  કેરીમાં, તેની ન્યૂટ્રીશીયસ વૅલ્યૂ-૩.૫ ઔંસ,કેલરી ૨૫૦,કાર્બોહાઈડ્રેટ- ૧૫ ગ્રામ,શર્કરા-૧૩.૭,પાચક રેસા-૧.૬ ગ્રામ,ફેટ-૦.૩૮ ગ્રામ,પ્રોટીન-૦.૮૨ ગ્રામ,વિટામિન A- ૫૪ માઈક્રો ગ્રામ,બીટા સેરોટીન(હાઇડ્રોકાર્બન)-૬૪૦ માઈક્રો ગ્રામ,વિટામિન B1 - ૦.૦૨૮ મિલીગ્રામ,B2-૦.૦૩૮ મિલીગ્રામ, B3-૦.૬૬૯ મિલીગ્રામ,B5-૦.૧૯૭ મિલીગ્રામ,B6- ૦.૧૧૯મિલીગ્રામ, B9-૪૩ માઈક્રોગ્રામ,વિટામિન C - ૩૬.૪ મિલીગ્રામ, વિટામિન E - ૦.૯ મિલીગ્રામ, વિટામિન  K - ૪.૨ માઈક્રો ગ્રામ, કૅલ્શિયમ- ૧૧ મિલીગ્રામ, આયર્ન - ૦.૧૬ મિલીગ્રામ, મૅગ્નેશિયમ- ૧૦ મિલીગ્રામ, મેગેંનિઝ-૦.૦૬૩ મિલી ગ્રામ, ફોસ્ફરસ-૧૪ મિલીગ્રામ,પોટૅશિયમ-૧૬૮ મિલીગ્રામ, સોડિયમ- ૧ મિલીગ્રામ તથા ઝિંક-૦.૦૯ મિલીગ્રામ સમાવિષ્ટ છે. આ હિસાબે કેરીને સુદ્ધાં એક સંપૂર્ણ આહાર કહી શકાય..!


આયુર્વેદિક શાસ્ત્ર અનુસાર કેરીનાં પાંચ અંગ અત્યંત ઉપયોગી છે.આંબાના વૃક્ષની છાલનો અર્ક પ્રદર તથા આંતરડાના રક્તસ્ત્રાવને રોકવા સમર્થ છે.આંબાના વૃક્ષનાં મૂળ તથા પાન, વાત-પિત્ત- કફનાશક છે. આંબાનાં કૂણાં પાનને આખી રાત પાણીમાં પલાળી, સવારે તેને એજ પાણીમાં પીસીને પીવાથી ડાયાબીટીસમાં રાહત થાય છે. આંબાનો મોર શીતલ,વાતકારક, મલરોધક,પાચન અગ્નિદીપક હોવાથી તેનું ચૂર્ણ, અતિસાર તથા સંગ્રહણી જેવા રોગ માટે અકસીર દવા છે.કાચી કેરીનું સેવન મૂત્રવ્યાધિ તથા યોનિરોગમાં કામ આવે છે. આ ઉપરાંત ઉનાળાના આકરા તાપમાં બહાર ફરનારને, કાચી કેરીનું શરબત પીવાથી લૂ  લાગતી નથી. પાકી કેરીનું સેવન પણ વીર્યવર્ધક,પ્રમેહનાશક, શ્વાસ,પથરી,અમ્લપિત્ત, યકૃતવૃદ્ધિ, ક્ષય રોગ તથા લોહીના રોગોમાં અત્યંત ઉપયોગી થાય છે.ફક્ત કાચી-પાકી કેરી જ નહીં,"આમ કે આમ ગુટલીયોં કે ભી દામ..!" કહેવત અનુસાર,ઉનાળાની આકરી ગરમીને કારણે જ્યારે નસકોરી ફૂટે ત્યારે, કેરીની ગોટલીના રસનાં માત્ર બે ટીપાં નાકમાં નાંખવામાં આવે અથવા તો તેનું ચૂર્ણ સૂંઘવામાં આવે તો તરતજ નાકમાંથી લોહી વહેતું બંધ થઈ જાય છે. ગોટલીનું ચૂર્ણ પીસીને તેનો લેપ  નાભિ(દૂંટી)ની  આસપાસ લગાવવાથી અતિસારમાં રાહત થાય છે. આંબાના અન્ય ઉપયોગોમાં, આંબાના ઝાડની તાજી શાખામાંથી કલમ બનાવી, કલમી આંબાના નવા રોપા તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં, આંબાના ઝાડનું દળદાર મજબૂત લાકડું ફર્નિચર બનાવવામાં કામ આવે છે.

આમતો જોકે, કેરીમાં આટલા બધા સદ્ગુણ હોવા છતાં,`અતિ સર્વત્ર્ય વર્જયેત` તે ન્યાયે, જેમને ડાયાબિટીસ ની તકલીફ હોય તેમણે કેરીમાં શર્કરા હોવાથી તેના સેવનમાં અવશ્ય કાળજી રાખવી જોઈએ. ઉપરાંત, જેમને મેદસ્વીપણું હોય તેઓને હૉર્મૉનનું બેલેન્સ બગડવાની પૂરી સંભાવના હોય છે. ઘણાની પ્રકૃતિને માફક ન આવે તો મોં આવી જાય છે.

क्षीरदग्धजिह्वा न्यायः।

અર્થાત્- દુધનો દાઝેલો છાશ પણ ફૂંકી-ફૂંકીને પીવે.

છતાંય કોણ જાણે કેમ પણ, આપણે કેરીની વાત આવે એટલે આપણું પેટ જાણે પારકું હોય તેમ  કે ઘરમાં, હૉટલ-રેસ્ટોરન્ટમાં કે, લગ્નસરાના ભોજનસમારંભમાં પણ બજારના તૈયાર ભેળસેળીયા અખાદ્ય કેરી-રસની(..!) વાટકી ફૂંક્યા વગર, સૉ..રી, સમજ્યા વગર ગટગટાવી જતાં સહેજ પણ વિચારતા નથી..! હા મિત્રો, આજકાલ કૃત્રિમ રીતે પકવેલી કેરી તથા ભેળસેળ કેરીના અખાદ્ય રસ તથા તેની અન્ય નકલી પ્રોડક્ટ પાછળ, ખૂબ સાચવી, જોઈ, તપાસીને સેવન તથા ખર્ચ કરવા જેવું છે, જેથી પરિવારને છેવટે દવાખાના ભેગા થવાના દિવસો ન જોવા પડે..! કેટલાક જાણકારોના મતે તો, ઇન્ટરનેટ પર પણ, ખાસ કરીને ઓનલાઈન કેરીના ઑર્ડર આપનારે, નકલી વેપારી કંપનીઓથી માયાજાળથી  ચેતવાની ખાસ જરૂર  છે.

અને અંતે લેખના સમાપનમાં, એક લોકકથાનુસાર, ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા, ગરીબ બાપ-દીકરો  આંબાવાડીમાં કેરીની ચોરી કરી ભૂખ ભાંગવા પેઠા તે સાથેજ બાપે, દીકરાને પોતાને ચોરી કરતાં કોઈ જોઈ જાય તો પોતાને તરત ચેતવવાનું કહ્યું અને આંબા ઉપર ચડી જઈ બાપ કેરીઓ તોડવા લાગ્યો ત્યારે, દીકરાએ બાપાને સહસા બૂમ પાડીને કહ્યું, "બાપા જલદી નીચે આવો, ભગવાન બધું જુવે છે." હવે, આજકાલ આપણા દેશમાં, જેમ `રામ`ના નામ પર પથ્થર તરી  ગયા તેજ પ્રકારે, `આમ` એટલેકે, સામાન્ય દેશવાસીઓની  વ્યથાને વાચા આપનારા તથા ઊંચા સિંહાસને બિરાજીને  સામાન્ય માનવીની વારંવાર ઠેકડી ઉડાડનારા, સત્તાના મદમાં અંધ બનેલા,જાલિમ ઝેરીલા બાદશાહોના જ્યારે રાફડા જ ફાટ્યા છે તથા આ શહેનશાહ-રાજાઓ, લોકશાહીમાં પ્રજાસત્તાકના બગીચાને, પોતાના સગા આદરણીય પરમપૂજ્ય પિતાશ્રીની માલિકીનો બગીચો માની લઈને, ભ્રષ્ટાચારનાં મનભાવન રસ-ઢોકળાં-પાતરાં સાથે દેશની તમામ કેરીઓ, શહેનશાહ અકબરની માફક  ગોટલી-છોતરાં સાથે  બેશરમ બની ભરપેટ આરોગી રહ્યા છે,ત્યારે આવા નફ્ફટ રાજાઓને કારણે ઉદ્ભવેલી મોંઘવારીના અસહ્ય મારને કારણે, મોંઘા `આમ`ની સુગંધ પણ સરખી રીતે ન પામી શકનાર, સસ્તો-લાચાર `આમ` એટલેકે, સામાન્ય દેશવાસીઓ ચોક્કસ કોઈ `અવતાર`ની રાહમાં છે..! જોકે, આ દેશમાં કેટલાક નેતાઓએ ફેલાવેલી અંધાધૂંધી જોઈને  ક્યારેક, મને સવાલ થાય છેકે, ખરેખર આમઆદમીને તુચ્છ ગણનારા આ રાષ્ટ્રિય દામાદો તથા સ્વાર્થી-જુલમી રાજાઓનાં કારસ્તાન જોવા ભગવાન શું નવરા હશે ખરા..! અમારા એક પત્રકાર મિત્ર મને પૂછે,"સૃષ્ટીના સર્વપ્રથમ નરનારી, આદમ-ઇવએ સફરજનને બદલે જો આમફળ ચાખ્યું હોત તો?" મેં જવાબ વાળ્યો," શું કામ આમલી રોપીને આમ ખાવાની ખોટી આશા ધરો છો..!" પણ વધારે વિચારતાં એમ લાગે છેકે, જો ખરેખર આદમ-ઇવએ સફરજનને બદલે આમફળ ચાખ્યું હોત તો કદાચ આખુંય જગત ટંટાફસાદ વગર, આપણી કેસર કેરી જેવું મીઠુંમધ હોત..! વહાલા પાઠક મિત્રો, આપનું શું માનવું છે?

અસ્તુ.

માર્કંડ દવે. તાઃ ૧૯-૦૪-૨૦૧૩.