ગુજરાતનાં પનોતાં સંતાનો ગણી શકાય, એવી પ્રતિભાઓના તો ઘણા બધા પરિચય અહીં આપ્યા. પણ જે સંસ્થાઓએ આવાં અમૂલ્ય પ્રદાન કર્યાં હોય; એમનો ટૂંક પરિચય આપવાની આજથી શરૂઆત કરવામાં આવે છે.
અલબત્ત એવી સંસ્થાઓની પાછળ ‘સ્વ’ને પાર્શ્વભૂમાં મુકીને સેવાનો જ ભેખ ધારણ કર્યા હોય; એવા ઋષિઓ હોય જ છે. એવા ઋષિઓનો પરિચય પણ સાથે સાથે અપાતો જ રહેશે.
એની શરૂઆત ‘ફેસબુક’ પરથી મળેલ આ ‘રણમાં વીરડી’ જેવા ઋષિઓના ટૂંક પરિચય સાથે -
————–
સાભાર – શ્રી. કૃણાલ બન્ટી
——————
ઔપચારિક રીતે સંસારત્યાગ કરી સાધુ નહીં બનનારા, પરંતુ ગામડે બેસી પ્રજાની સેવા કરવા માટે ભેખ લેનારા કોડીબંધ લોકોથી ગુજરાત ધન્ય થયું છે. આવી રીતે ગામમાં સંસ્થા સ્થાપી, આસન જમાવી બેસનારા લોકોને હું ઋષિ કહું છું અને તેમની સંસ્થાઓને આશ્રમ કહું છું.
આજે આવા કેટલાક ઋષિઓનો પરિચય આપવા ઇચ્છું છું.
૧ આર્ય-વાહિની
૧ આર્ય-વાહિની
નર્મદા જિલ્લાના રાજપીપળા મથકથી ૧૫-૧૭ કિ.મી. દૂર નર્મદા નદીના તટે એસોસિયેશન ફોર રૂરલ કમ્યુનિટી હેલ્થ (આર્ય) અને જે. પી. સ્થાપિત યુવા-છાત્ર સંઘર્ષ વાહિની (વાહિની) બંને એકત્ર મળીને બનેલી આર્ય-વાહિની સંસ્થા વસેલી છે.
પ્રવેશતાં જ જાણે કોઇ આશ્રમમાં પ્રવેશતા હો તેવી અનુભૂતિ થાય. અંદર જાઓ એટલે એક હસતો ચહેરો જોવા મળે. ડૉ. અનિલ પટેલનો. સમુદાય સ્વાસ્થ્યના નિષ્ણાત ડૉ. અનિલ પટેલ ને હું મહર્ષિ કહું છું. આદિવાસીઓની સેવામાં જીવન આપી દેનાર આ આધુનિક ઋષિનાં પત્ની ડૉ. દક્ષા બહેન પટેલ છેલ્લાં સાત-આઠ વર્ષથી માંગરોળ છોડીને ધરમપુરમાં આદિવાસીઓની સેવા કરવા ગયાં છે. ડૉ. પટેલના સાથીદારો- અંબરીષ, રાજેશ અને તૃપ્તિબહેનને નર્મદાના વિસ્થાપિત આદિવાસીઓ સુપેરે ઓળખે છે.
૨. પ્રયાસ
આર્ય-વાહિનીના આશ્રમની લગોલગ બીજો આશ્રમ છે – પ્રયાસ. મહેન્દ્ર ભટ્ટ નામના ઇજનેર અહીં ધૂણી ધખાવીને બેઠા છે અને આમ આદમીની જરૂરો માટેની ટેક્નોલોજીના વિકાસના તથા અન્ય કામોમાં છેલ્લાં ૩૫ વર્ષોથી તપ તપી રહ્યા છે. જો અનિલ પટેલની પ્રેરણા જે. પી. છે તો મહેન્દ્રભાઇની પ્રેરણા વિનોબા છે.
૩. સેવા રૂરલ
અંકલેશ્વરથી રાજપીપળા જતાં ઝઘડિયા આવે. ઝઘડિયાના રસ્તે પસાર થાવ એટલે સેવા રૂરલની સુવાસ આવવા લાગે. ડૉ. અનિલ દેસાઇ અને ડૉ. લતા દેસાઇ અમેરિકાની લખલૂટ કમાણી વાળી તબીબી પ્રેક્ટિસ છોડી ગુજરાતના ગ્રામીણ-આદિવાસી ગરીબોના સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે અહીં સ્થાયી થયાં. સેવા રૂરલ આશ્રમમાં વિવેકાનંદના વિચારો અને આદર્શોની અસર જણાય છે.
૪. સિસ્ટર નિવેદિતા સ્કૂલ
રાજકોટમાં કોઇને પણ સિસ્ટર નિવેદિતા સ્કૂલ વિશે પૂછો એટલે સામે પૂછશે, ‘જાનીભાઇ ને?’ ગુલાબરાય જાની એ કોલેજનું આચાર્યપદ અને તેમનાં પત્ની ઉષા બહેન જાનીએ કોલેજનું પ્રાધ્યાપક પદ બાળકોની સેવા માટે છોડ્યાં. સિસ્ટર નિવેદિતા સ્કૂલ સ્થાપી. તેમાં પણ સંતોષ ન થતાં આજુબાજુનાં ગામડાનાં, નિશાળે ન જઇ શકતાં બાળકો માટે મોબાઇલ સ્કૂલ સ્થાપી.
૫. ડૉ. પ્રફુલ્લ દવે
જામનગરના એક નાના ખૂણામાં દવાખાનું છે ડૉ. પ્રફુલ્લ દવેનું. બહારથી બીજા કોઇ પણ નાના તબીબના ક્લિનિક જેવું જ લાગે. પ્રફુલ્લભાઇ દર્દીઓની દવા કરતા તબીબથી ઘણું વિશેષ કામ કરે છે. વિમલા તાઇ ઠકાર પ્રેરિત ‘ગુજરાત બિરાદરી’નું જે જૂથ ગુજરાતમાં વિકાસનો માનવીય અને આધ્યાત્મિક ચહેરો જોવા માટે ઊભું થયું તેના એક મોભી પ્રફુલ્લ ભાઇ.
૬. ઉદ્યોગવાડી
લિજ્જત પાપડને બધા જાણે છે, પરંતુ તેના મૂળમાં રહેલ વાલોડની ઉદ્યોગવાડીને બહુ ઓછા લોકો આજે જાણે છે. જુગતરામ દવે એટલે વેડછીનો વડલો. આ વડલાની વડવાઇઓ એટલે અલ્લુભાઇ, ભીખુભાઇ, બાબુભાઇ, પ્રફુલ્લ ત્રિવેદી, કોકિલા બહેન, અશોક ચૌધરી વગેરે ગણી શકાય. અલ્લુભાઇ બધામાં મોટા. તેમની આસપાસ આ જૂથ વિકસ્યું, વિસ્તર્યું અને ધીમે ધીમે વિખેરાવા પણ લાગ્યું. તેમાંથી કોકિલા બહેન અને અશોક ચૌધરી આજે અલગ અલગ રીતે સક્રિય છે. કોકીલા બહેન ધરમપુરના ડુંગરાળ વિસ્તારોમાં શિક્ષણનું કામ કરે છે, જ્યારે કુશળ ઇજનેર એવા અશોક ચૌધરી આદિવાસી જાગૃતિનું કામ કરે છે. સંચાલકીય ક્ષમતા ધરાવતા બાબુભાઇના અવસાનથી વાલોડની ઉદ્યોગવાડીનું કામ થોડું પાછું પડ્યું છે. તેમ છતાં આજે પણ ઉદ્યોગવાડીનું નામ આજુબાજુના વિસ્તારોમાં આદરથી લેવાય છે.
૭. હળપતિ સેવા સંઘ
સુરતથી બારડોલીના રસ્તે, બારડોલીના પાદરે, હળપતિ સેવા સંઘની વાડી દેખાય. દક્ષિણ ગુજરાતના હળપતિ અથવા દૂબળા આદિજાતિ એટલે જમીન વિહોણા ખેતમજૂરો. તેમનું શોષણ અનાવિલ, પારસી, વહોરા અને વાણિયા જમીનદારોએ કરેલું. આવા અનાવીલ જમીનદાર કુટુંબના નબીરા અરવિંદ દેસાઇને શું ધૂન ચડી કે, તેમણે હળપતિ સેવા સંઘની સ્થાપના, જુગતરામ દવેની પ્રેરણા હેઠળ કરી અને આદિવાસીઓનાં વિકાસ કાર્યોમાં જીવન સમર્પી દીધું.
૮. રતન ભગત
નસવાડી (વડોદરા જિ.)ના ડુંગરનાં ગામોમાં ડુંગરી ભીલો વસે. (આ પણ ગુજરાત છે, દોસ્તો!)
શાળા નહીં, પાકા રસ્તા નહીં, પાકાં મકાનો નહીં, વીજળી નહીં તેવાં અનેક ગામો. આ ગામોમાં શાળાઓ અને ઉત્પાદન કેન્દ્ર સ્થાપી ભેખડિયાના રતન ભગત અને તેમના મિત્રો કામ કરે. (જે આદિવાસી દારૂ -માંસ ત્યજી ‘ડાયો’ બની જાય તે ભગત કહેવાય. ભેખડિયાના રતન ભગતના કેન્દ્રની મુલાકાતે જાઓ તો આદિવાસી મહિલાઓની મહેનતથી બનેલા મસાલા જરૂર ખરીદજો.
૯. ડૉ. મીનોચર (મીનુ) પરબિયા
સુરત એટલે હીરા અને કૃત્રિમ રેસાની ચકાચોંધ વાળું મોજીલું શહેર. આ શહેરની મધ્યમાં ચૌટાપુલ પાસે મીનુ પરબિયા નામના પારસી વસે છે. પારસી મીઠાબોલા ખરા, પણ આમ પ્રજાને ઉપયોગી ઓછા. ડૉ. મીનોચર (મીનુ) પરબિયા આમાં અપવાદ છે. આયુર્વેદની અને પ્રકૃતિ ચિકિત્સાની અનેક અવૈજ્ઞાનિક માન્યતાઓને હસતાં હસતાં નકારી કાઢેછે. છતાં પોતાના વૈજ્ઞાનિક જ્ઞાનનો લાભ લોકોના સ્વાસ્થ્ય માટે આપતા રહ્યા છે.
૧૦. સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ
હિંમતનગરથી શામળાજી જતાં રાજેન્દ્ર નગર ચોકડી પાસે સહયોગ કુષ્ઠ ટ્રસ્ટનું મથક છે. આને કુષ્ઠ યજ્ઞ આશ્રમ કહી શકાય. આ સંસ્થાના ઋષિ સુરેશ સોની અને તેમનાં પત્ની ઇન્દિરાબહેને કુષ્ઠરોગીઓની સેવામાં જીવન સમપ્ર્યું છે, જાણે પરચુરેશાસ્ત્રી નવો અવતાર ધરીને આવ્યા છે.
૧૧. ડૉ. અરુણ દવે
ભાવનગર- રાજકોટ રોડ પર સણોસરા ગામે નાનાભાઇ, મૂળશંકર ભાઇ અને મનુભાઇની મહેનતના પરિપાક રૂપ સંસ્થા લોક ભારતી આવી છે. ગો સંવર્ધન, સંકર ઘઉં અને જલસંવર્ધનનાં કામોનો અંદાજ લગાવી એ તો આ સંસ્થાની સેવાનું મૂલ્ય કરોડોમાં થાય. મનુભાઇની પ્રેરણાથી ડૉ. અરુણ દવે આ સંસ્થામાં જોડાયા. ભૌતિકશાસ્ત્રમાં એ જમાનામાં પીએચ.ડી. થયેલા ડૉ. અરુણ દવે ઇસરો જેવી સંસ્થામાં જોડાયા હોત તો આજે અબ્દુલ કલામ કે ડૉ. મશેલકરની હરોળમાં બેઠા હોત, પરંતુ આ ઋષિએ ગ્રામસેવા પસંદકરી. ગ્રામીણ ગુજરાતમાં વિજ્ઞાન અને પાયાની કેળવણીનાં કામમાં પડેલા ડૉ. અરુણ દવેનું હું સહેજે બ્રહ્નર્ષિ તરીકે સંબોધું.
૧૨. વિશ્વ ગ્રામ
મહેસાણા જિલ્લાનું પેઢામલી ગામ જરૂર ચુંબકીય તાકાત ધરાવતું હોવું જોઇએ. તેણે ઘણા લોકસેવકોને ખેંચ્યા છે. તેમાંના એક છે સંજય-તુલા. નારાયણ દેસાઇની શિબિરમાંથી પ્રેરણા લઈને અનેક પ્રવૃત્તિમાં ખૂંપેલા સંજયે છેલ્લાં કેટલાંક વર્ષોથી વિલિયમ બાપુ, મદની સાહેબ વગેરેની સાથે રહીને ગુજરાતમાં સદ્ભાવના ફેલાવવાનું મહા ભગીરથ કામ ઉપાડ્યું છે. સંસ્થા વિશ્વ ગ્રામ એક સુંદર બાલાશ્રમ છે.
આવા એક ડઝન ઋષિઓ અને તેમનાં તીર્થધામો વાસ્તવિક ગુજરાતની ઓળખ છે.
ગુજરાત એટલે અદાણી અને અંબાણી જ નહીં. સાચો ગુજરાતી વૈષ્ણવજન છે. આવા તો અનેક ઋષિઓ અને આશ્રમો ગુજરાતમાં છે. હવે જ્યારે મનમાં ધર્મભાવના પ્રબળ બને ત્યારે આવા એકાદ આશ્રમની મુલાકાત લેજો અને આવા એકાદ ઋષિને મળજો.
KB (KRUNAL BUNTY)