20150105

મળવા જેવા માણસ-૩૪ (રેખાબહેન સિંધલ)


Sindhal_1
      રેખાબહેનનો જન્મ ૧૯૫૬ માં ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ગામે થયો હતો. એમના પિતા મેટ્રીક સુધીનો અભ્યાસ કરી મામલતદારના હોદ્દા સુધી પહોંચેલા, જ્યારે માતા અભણ હતા.પિતાએ રીટાયર્ડ થયા બાદ ગીરમાં કેસર કેરીનો બગીચો બનાવ્યો હતો, અને આમ કરનારા એ જીલ્લાના પ્રથમ ખેડૂત હતા.
     રેખાબહેને સાતમા ધોરણ સુધીનો અભ્યાસ વેરાવળની જે.પી.પ્રાથમિક ખાનગી શાળામાં કરેલો. તેઓ જ્યારે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે જ એમના માતા-પિતાએ એમનું સગપણ નક્કી કરી દીધું. ત્યારે તેમની ઉમ્મર માત્ર દસ વર્ષની હતી. આઠમા ધોરણથી S.S.C.સુધીનો અભ્યાસ વેરાવળ ગર્લ્સ હાઈસ્કૂલમાં કર્યો અને ૧૯૭૧ માં તેમણે S.S.C. પરીક્ષા પાસ કરી. શાળાના અભ્યાસ દરમ્યાન રેખાબહેન ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતમાં હંમેશાં સૌથી આગળ રહેતા.
      S.S.C. માં ઉત્તીર્ણ થઈ એમણે રાજકોટની માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજમાં અભ્યાસ કરી, ૧૯૭૬ માં Micro-Biology  વિષય સાથે B.Sc. ની ડીગ્રી પ્રાપ્ત કરી. B.Sc. નું છેલ્લું વર્ષ બાકી હતું ત્યારે જ, ૧૯૭૫ માં, એમના લગ્ન કરી દેવામાં આવ્યા. સાસરિયાની ઉતાવળને લીધે રેખાબહેનના માતા-પિતાને આવું કરવું પડેલું. આનાથી નારાજ થઈ, રેખાબહેને ભણવાનું અધવચ્ચે જ છોડી દેવાનું નક્કી કરેલું, પણ અભણ છતાં હૈયાંસુઝવાળી માતાએ શીખામણ આપી કે ભણતર નહિં હોય તો ખેતરોમાં મજૂરી કરવી પડશે, માટે ભણતર પૂરૂં કરી લે.રેખાબહેને આ સલાહ સ્વીકારી લઈ અભ્યાસ પૂરો કર્યો.
રેખાબહેન અને એમના પતિ શ્રી પ્રતાપભાઈ
રેખાબહેન અને એમના પતિ શ્રી પ્રતાપભાઈ
     ૧૯૭૬ માં B.Sc. ની ડીગ્રી મેળવ્યા પછી આગળની કારકીર્દીનો વિચાર કરે તે પહેલાંજ, એટલે કે ૧૯૭૭ માં એમણે બેલડાની બે દિકરીઓને જન્મ આપ્યો. દિકરીઓ ત્રણ-ચાર વર્ષની થઈ એટલે તરત જ, શિક્ષકની નોકરી માટે અત્યંત જરૂરી  એવી B.Ed. ની પરીક્ષા ૧૯૮૧ માં પસાર કરી. કુટુંબની વિચાર સરણીને અનુરૂપ થવા, ઉદ્યોગમાં સારી નોકરી મળતી હોવા છતાં એમણે  શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી. ૧૯૮૫ માં એમણે ત્રીજી દિકરીને જન્મ આપ્યો. ૧૯૮૯ સુધી શિક્ષક તરીકે કામ કર્યા બાદ, પોતાના અને સંતાનોના સારા ભવિષ્ય માટે અમેરિકા ભણી દૃષ્ટી કરી. ૧૯૮૯ માં અમેરિકા સ્થિત એમની બહેને Sponsor કરેલા Visa હેઠળ એમને ગ્રીનકાર્ડ મળતાં પતિ અને ત્રણ દિકરીઓ સાથે અમેરિકા આવી ગયા.
       અમેરિકા આવ્યા બાદ એક-દોઢ મહિનામાં જ પતિ-પત્ની બન્નેને નોકરીઓ મળી જતાં અમેરિકામાં જીવનની શરૂઆત થઈ  ગઈ. રેખાબહનને Medical Technologist તરીકે Clinical Laboratory માં કામ મળ્યું. અહીં કામ પ્રત્યેની ઇમાનદારી, સખત મહેનત, નવું નવું શીખવાની ધગસ વગેરેને લઈને જીવનમાં સ્થિરતા આવવા લાગી. અમેરિકનોની જેમ અંગ્રેજી બોલતાં શીખવા એમણે ખાસ વર્ગોમાં પ્રશિક્ષણ લીધું. ૧૯૯૪ સુધી આ ક્રમ જારી રહ્યો.
     આ સમયગાળામાં એમણે ગુજરાતી ભાષા પ્રત્યેના એમના પ્રેમને વાચા આપવાનું શરૂ કર્યું, એટલું જ નહિં પણ અમેરિકાસ્થિત અનેક ગુજરાતી સંસ્થાઓ સાથે જોડાઈ અને એમના કાર્યોમાં સહભાગી થઈ અનેક લોકોનો પ્રેમ સંપાદન કર્યો.
        ૧૯૯૪ થી ૧૯૯૮ સુધી એમણે Chiorn કંપનીમાં Quality Control Technician તરીકે કામ કર્યું. આ દરમ્યાન એમણે New England ના ભારતીય વિદ્યાભવનના Public Relation કાર્યકર તરીકે પણ સેવાઓ આપી. ગુજરાતી સાહિત્ય રસિકો સાથે મળીને એમણે રમેશ પારેખ, અનિલ જોષી, વિનોદ જોશી, આદિલ મનસુરી જેવા કવિઓને સાંકળી લઈને કવિ ચંદ્રકાન્ત શાહ સાથે કવિ સંમેલનોનું આયોજન કર્યું અને તારક મહેતા અને મનુભાઈ પંચોલી જેવા મહાનુભવોના કાર્યક્રમો યોજવામાં  અગ્રેસર રહી  ગુજરાતી પ્રજાને એનો લાભ આપ્યો.
       ૧૯૯૭માં રેખાબહેનના કુટુંબે બોસ્ટનથી નેશવિલે-ટેનેસી સ્થળાંતર કર્યું અને ત્યાં એક Mini Market ચલાવવાનું શરૂ કર્યું.૨૦૦૧ થી ૨૦૦૩ સુધી Vanderbilt University ના Pediatric cardiology માં Research Assistant તરીકે કામ કર્યું. અહીં  એમણે DNA અને DNA cloning નો અનુભવ મેળવ્યો. આ સમયગાળામાં પણ એમણે Non-profit સામાજીક સંસ્થાઓમાં સેવાઓ આપી અને સારા કામો માટે સંસ્થાને રકમ જમા કરવામાં મદદ કરી.
       ૨૦૦૫ માં રેખાબહેનને OUR LAB તરફથી Best trainer at a research and medical laboratory award આપવામાં આવ્યો. હવે એમણે વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન્સ આપવાની શરૂઆત કરી. ૨૦૦૭ થી ૨૦૦૯ ની વચ્ચે આ પ્રવૃતિને વેગ આપી પોતાના નિવાસસ્થાને વર્ગો ચલાવવાનું શરૂ કર્યું. સાથે સાથે ૨૦૦૭ માં South Asian Heritage Group ની સ્થાપના કરી. સંગીતકાર શેખર સેનને ‘કબીર’ના મોનો એક્ટ માટે સ્પોન્સર કર્યા તેમજ પરેશ રાવલના નાટકો યોજ્યા. અને અમેરિકનો સહિત ભારતિય લોકો માટે લાયબ્રેરી અને Cooking classes શરુ કર્યા. ૨૦૦૮ માં એમણે રીડ ગુજરાતીની વાર્તાસ્પર્ધામાં બીજું ઈનામ મેળવ્યું. ૨૦૦૮ માં જ પોતાનો સ્વતંત્ર બ્લોગ
આ ચિત્ર પર 'ક્લિક' કરી તેમના બ્લોગ પર પહોંચી જાઓ.
આ ચિત્ર પર ‘ક્લિક’ કરી તેમના બ્લોગ પર પહોંચી જાઓ.
     રેખાબહેનના લખાણોની મજા માણવી હોય તો એમના બ્લોગની મુલાકાત જરૂર લેજો. એમણે ત્રણ વર્ષ સુધી GAMT (Gujarati Association of Middle Tennessee–a non profit organization) નું ટ્રસ્ટીપદ પણ સંભાળ્યું.
     ૨૦૧૨ માં Mathfactorial નામ આપી લાયસન્સ સાથે ગણિતના વર્ગો શરૂ કર્યા. ૨૦૧૧ મા એમને ગુજરાતી સાહિત્ય  પરિષદ તરફથી ‘મારો અવિસ્મરણીય અનુભવ લખવા’ માટે પારિતોષિક આપવામાં આવ્યુ. ૨૦૧૧ માં જ એમણે મુંબઈની SNDT યુનિવર્સીટીમાંથી ગુજરાતી વિષય સાથે M.A. ની ડીગ્રી પ્રાપ્ત કરી. ૨૦૧૩ થી વેબ ગુર્જરીની સાહિત્ય સમિતિમાંજોડાયા બાદ  એક વિભાગના સંપાદનનું કાર્ય સંભાળી લીધું. ૨૦૧૩ માં એમની એક વાર્તા ઓસ્ટ્રેલીયાના રેડિયો સીડની ઉપર પ્રસારિત કરવામાં આવી, આ અગાઉ ૧૯૮૨ માં પણ આકાશવાણી રાજકોટ ઉપરથી યુવાવાણી કાર્યક્રમમાં ઉત્તમ  શિક્ષક વિષે એમનો એક વાર્તાલાપ પ્રસારિત થયો હતો.
         રેખાબહેનમાં લીડરશીપના ગુણો તો શાળાના સમયથી વિકસતા રહેલા, તરૂણ વયે જ ફાધર વોલેસ જેવા ફીલોસોફર સાથે  નિયમિત પત્રવ્યહવાર પણ કરતા. મુશ્કેલીઓ સામે લડી લેવાનું વલણ એમણે નાનપણથી કેળવેલું. ગરીબી, ભેદભાવ,અવગણના વગેરે રૂકાવટોને ઓળંગી જઈ, જીવનમાં એમણે જે પ્રગતિ કરી છે એ જોઈને સહેજે જ મારો હાથ એમને સલામ કરવા ઉપડી જાય છે.
     ફક્ત વીસ ડોલરની નોટ સાથે અમેરિકા આવ્યા બાદની મનોદશા વ્યક્ત કરતાં રેખાબહેન કહે છે, “અહીં અમેરીકા આવ્યા ત્યારે શરૂઆતમાં તો ખોવાઈ ગયા જેવી દશા! એક મહિનામાં નોકરી ન મળે તો માથે કરજ લઈ  વીલા મોંએ દેશ પાછું ફરવાનું હતું. ભાષાનો પ્રશ્ન સૌથી મોટો! પાસે કાર નહી (અમેરિકામાં કાર વગરનો માણસ એટલે કેદી). દીકરીઓને ઘરે એકલી રખાય નહી.  ભાઈ-બહેન સાથ આપતા હતા પણ એ ટેમ્પરરી વ્યવસ્થા હતી મુંઝવણનો પાર નહી..કેમ કરીશું ? એ પ્રશ્ન અજગરની જેમ ભરડો લઈને ભીંસતો હતો…
      આખરે મને લેબોરેટરીમાં રાતની નોકરી મળી કે તરત કારના હપ્તા શરૂ કર્યા. દિવસે દીકરીઓને માટે હું ઘરે રહું અને મારા પતિ કામ પર જાય. બંનેએ તનતોડ મહેનત કર્યા વગર છૂટકો ન હતો, કારણ કે મારા પતિ પાસે ઉચ્ચ ડીગ્રી ન હતી અને આજીવિકા માટેના પૈસાની જરૂર માટે પરમાત્મા સિવાય કોઈનો આધાર નહી. ધીરે ધીરે આર્થિક તકલીફના વાદળો વિખરાવા માંડ્યા, પણ યુવાન દીકરીઓ અને ભિન્ન સંસ્કૃતિ ! એક ઘડી ય રેઢી મૂકતા મન ન માને એટલે સાહિત્ય કે શિક્ષણમાં ડૂબવું પોસાય નહી..વળી એમના કોલેજના શિક્ષણ માટેની વ્યવસ્થાની ચિંતા તો ખરી જ ! પરણાવવાની ચિંતાને તો દૂર જ રાખી હતી પણ આ બધી સાંસારિક ચિંતાઓ જે બધાને જ હોય છે તે પરદેશની ભૂમિ પર અજાણ્યા સમાજ વચ્ચે અનેક ગણી વધી જાય છે તે દેશવાસીઓ ન સમજાય  તેવી વાત છે.”
રેખાબહેનના દોહિત્ર અરમાન અને રોનિત
રેખાબહેનના દોહિત્ર અરમાન અને રોનિત
      આજે પ્રભુ કૃપાએ રેખાબહેનનો સંસાર સુખી છે. બે દોહીત્ર સાથે અતિ આનંદની પળો પસાર કરતા રેખાબહેન સામાજીક  અને સાહિત્યની પ્રવૃતિઓમાં ઉમંગની ભાગ લે છે. સ્વભાવે ખૂબ જ ઊર્મિલ રેખાબહેન જીવનની ફીલોસોફી તરીકે કહે છે,
     “ જીવન એક આધ્યાત્મિક સફર છે અન્ય જીવનયાત્રીઓ સાથેના સંબંધોમા આપણે આપેલા ભાવોના એવા જ પ્રતિભાવો આપણને મળે છે. તેથી જો શુદ્ધ ભાવો આપીએ તો શુદ્ધ સંબંધો વીકસે. અન્યના દોષો જોવાથી આપણા પોતાના અંતરની  શુદ્ધિ જ આપણે ગુમાવીએ છીએ. અન્યના ગુણ અને પોતાના દોષ જોવાની દ્રષ્ટિ કેળવવાથી દિલમાં પ્રકાશ પથરાય છે.”
પી. કે. દાવડા