20130602

સમયાંતર - લલિત ખંભાયતા

૨૯-૦૫-૨૦૧૩ એવરેસ્ટ આરોહણના ૬૦ વરસ પૃથ્વીની ટોચ પરની એ પંદર મિનિટ

- ૧૯૫૩ની પહેલી એવરેસ્ટ યાત્રા

- એડમન્ડ હિલેરી અને તેનસિંગ નોર્ગેએ ૬ દાયકા પહેલાં એવરેસ્ટ આરોહણ શરૃ કર્યું ત્યારે તેમને ખબર ન હતી કે તેઓ ઈતિહાસ સર્જવા જઈ રહ્યાં છે. તેમની એ સાહસ-સફરનું શાબ્દિક પર્વતારોહણ..
- એવરેસ્ટની છત્રછાયામાં ઉભેલાં એડમન્ડ અને તેનસિંગ (ડાબે) તથાં એવરેસ્ટની ટોચ પરનો તેનસિંગનો હાથમાં બરફ કુહાડી સાથેનો ઐતિહાસિક ફોટો.


મજબૂત શારીરિક બાંધો ધરાવતા અને નાનપણથી જ પર્વતોના શોખીન ન્યુઝિલેન્ડના એડમન્ડ હિલેરી માટે પર્વતારોહણ ખાસ અઘરું ન હતું. પણ એ વખતે પર્વતારોહણના જોરે જીંદગી નીકળે એમ ન હતી. એટલે મધમાખીનો ઉછેર ચાલુ કર્યો. એ જ અરસામાં જ વિશ્વયુદ્ધનો આરંભ થતાં તેઓ ન્યુઝિલેન્ડની વાયુસેનામાં દિશાશોધક જોડાઈ ગયાં.
યુદ્ધ ખતમ થયા પછી ફરીથી એડમન્ડે પર્વતારોહી ટુકડીઓ સાથે ભાગ લેવાનું ચાલુ કરી દીધું. એવરેસ્ટ સુધી પહોંચવાનું સ્વપ્ન કોઈપણ પર્વતારોહકનું હોય, એડમન્ડનું પણ હતું. એમાંય એ વખતે તો એવરેસ્ટ સર કરવાના ઘણા પ્રયાસો થતાં હતાં પણ કોઈને સફળતા મળી ન હતી. એટલે પ્રથમ એવરેસ્ટ આરોહક સાહસિક તરીકે ઓળખાવાની તક પણ હતી. અલબત્ત, એડમન્ડને એ પણ ખબર હતી કે એપાર્ટમેન્ટના પગથિયાં ચડવા જેટલું સહેલું કામ એવરેસ્ટ આરોહણ નથી. માટે તેમણે તૈયારીઓ આરંભી દીધી. શરૃઆત ન્યુઝિલેન્ડના જ પર્વતશિખરોથી કરી. એવરેસ્ટની રેસમાં હોવા માટે કરવા જોઈએ એટલા નાનાં-મોટાં શિખરો પગતળે કરી લીધા. ન્યુઝિલેન્ડના સૌથી ઊંચા શિખર 'માઉન્ટ કૂક'ની પણ સફર ખેડી લીધી.
હવે એવરેસ્ટની દિશામાં નજર દોડાવવામાં વાંધો ન હતો.
એવરેસ્ટ ઊર્ધ્વીકરણના બે રસ્તા પૈકી મોટા ભાગના પર્વતારોહીઓની પહેલી પસંદ નેપાળતરફી રસ્તો હોય છે. ચીન પોતાના તરફનો રસ્તો બંધ રાખે છે. નેપાળ સરકાર એ વખતે એવરેસ્ટ માટે વર્ષે એક જ ટુકડીને પરવાનગી આપતી હતી. ૧૯૫૨માં આવી એક ટુકડી એવરેસ્ટ તરફ ધસમસી રહી હતી. એના એક સભ્યનું નામ હતું તેનસિંગ નોર્ગે! જોકે એવરેસ્ટની ટોચ લગભગ ૮૦૦ ફીટ આઘી હતી ત્યાંથી જ એ પલટણે પારોઠના પગલાં ભરવા પડયા. તોફાની હવામાને પ્રવાસને અટકાવી દીધો. એવરેસ્ટ આરોહણ-અવરોહણ માટે સૌથી મોટી અડચણ ત્યાંનું ગમે ત્યારે કરવટ બદલતું વાતાવરણ છે. જીણવટભરી તૈયારી, પુરતો મહાવરો, સાવધાની અને ગમે તે સ્થતિને પહોંચી વળવાની હામ હોવા છતાં વાતાવરણ ભલભલા પર્વતારોહીઓ અને એવરેસ્ટની ટોચ વચ્ચે લોખંડી પડદો બની રહે છે. બર્ફીલો પવન સતત ફૂંકાતો રહેતો હોય, ગમે ત્યારે હિમસ્ખલન થાય તો દટાઈ જવાનો અને વર્ષો સુધી લાશ ન પણ મળે એવો ભય પણ ખરો, જ્યાં પગ ટેકવીએ બરફનું એ જ પડ તૂટે તો ખીણમાં સાંગોપાંગ ઉતરી જવાનો વખત પણ આવે. ૧૯૨૪માં પ્રખ્યાત પર્વતારોહક જ્યોર્જ મેલરીનો પ્રવાસ પણ કદાચ થોડા અંતર માટે જ બાકી રહી ગયો હતો. ટૂંકમાં એવરેસ્ટ સવારી જરા પણ પાંસરું કામ ન હતું. આજે પણ નથી. પૃથ્વી પરના સૌથી અઘરા-વિકટ-ભયંકર સાહસોમાં એવરેસ્ટ અધિરોહણ એટલે જ સ્થાન પામે છે.
૧૯૫૩માં બ્રિટિશ સરકારે એવરેસ્ટ પર એક કાફલો મોકલવાનું નક્કી કર્યું. એડમન્ડનો પણ તેેમાં સમાવેશ કરાયો હતો. 'જોઈન્ટ હિમાલયન કમિટિ' નામના એ દળકટકમાં ૩૬૨ સામાન ઉપાડનારા મજૂરો અને એવરેસ્ટને બરાબર પારખી જાણનારા ૨૦ શેરપા સહિત કુલ ૪૦૦ જણા હતાં. તેમનો કુલ મળીને ૪,૫૦૦ કિલોગ્રામ સામાન હતો.
૧૯૫૩ના માર્ચ મહિનાની ગરમી વચ્ચે હિમલાયની તળેટીમાં ચહલ-પહલ વધી ગઈ. જાત-ભાતના કલરના તંબુઓ તણાઈ ગયા. કમિટિનાના સભ્યો કયા માર્ગે એવરેસ્ટ જવું, ક્યારે ક્યાં પહોંચીશું, બર્ફીલા તોફાનનો  સામનો કેમ કરવો વગેરે આયોજનો કરવામાં લાગી પડયા. એવરેસ્ટ આરોહણ આજે તો કેટલાક પર્વતારોહકો માટે કલાકોનો ખેલ છે, પણ એ વખતે એક એક ડગલું વિચારીને ભરવાનું હતું.
પ્રવાસ શરૃ થયો. સંઘર્ષ અને સફળતા સાથે એક પછી એક કેમ્પ પસાર કરતો સંઘ ૨૫,૯૦૦ ફીટની ઊંચાઈએ આવેલી અને 'સાઉથ કોલ' તરીકે ઓળખાતી જગ્યાએ આવી પહોંચ્યો. ત્યાં સુધીમાં મે મહિનાનું અંતિમ અઠવાડિયું આરંભાઈ ચુક્યુ હતું. બધા સભ્યો તો એવરેસ્ટ પર પહોંચી શકવાના ન હતાં એ પહેલેથી નક્કી હતું. કેટલાક થાકી ગયા હતાં, માંદગીને કારણે કેટલાક રસ્તામાંથી પરત ફર્યા હતાં, તો કેટલાક વિવિધ કેમ્પ પર રાહ જોઈ રહ્યાં હતાં, અમુકનો વળી ઓક્સિજન ખલાસ થઈ ગયો હતો. એટલે ૨૬મી તારીખે ટીમના આગેવાન બ્રિગેડિયર જોન હન્ટે એવું નક્કી કર્યું કે બોર્ડિલોન અને ઈવાન્સ નામના બે પર્વતિયાઓ એવરેસ્ટ પર જાય. બાકીના અહીં જ રહે. બોર્ડિલોન-ઈવાન્સની જુગલબંધીએ પ્રવાસ શરૃ કર્યો પણ રસ્તામાં જ તેમનો ઓક્સિજન ખલાસ થઈ જતાં તેમણે પરત આવવું પડયું.
હવે?
હવે કોને ઉપર મોકલવા?
શેરપા તેનસિંગ અને એડમન્ડ બન્નેના શરીરો હજુ ઝિંક જીલી શકે એમ હતાં. તેનસિંગે અગાઉ પણ આ રીતે પર્વતારોહી દળ સાથે એવરેસ્ટની નજીક જવા પ્રયાસ કર્યો હતો. માટે અંતિમ સફરમાં તેમની હાજરી અનિવાર્ય હતી. બીજા ૩ સાથીદારો પણ હતાં જેમણે ૨૭,૮૮૭ ફીટની ઊંચાઈએ આવેલા ચોથા કેમ્પ સુધી જઈ તંબુ બાંધી રહેવાનું હતું. એવરેસ્ટને નજર સામે રાખી પાંચેય ઉપડયા અને ૨૮મીએ રાત્રે ચોથા કેમ્પે પહોંચ્યા. અહીં જ રાવટી તાણી રાતવાસો કર્યો.
૨૯મી મેની સવાર પડી. હવે બન્નેએ એવરેસ્ટારોહણ માટે અંતિમ સફર આરંભવાની હતી. વિનાવિઘ્ને એ સફર પુરી થાય એવું તો બને જ ક્યાંથી? એડમન્ડના બૂટ બરફમાં થીજી ગયા હતાં. માટે બરફ ઓગળે એટલો તડકો થયો ત્યાં સુધી બન્નેએ રાહ જોવી પડી. બેએક કલાક પછી બૂટ પહેરવાલાયક થયા એટલે કુલ ૧૪ કિલોગ્રામ સામાન સાથે તેનસિંગ-એડમન્ડ એવરેસ્ટ તરફ આગળ વધ્યા. હવે તેનસિંગ અને એડમન્ડ બે હતાં અને સામે એક શિખરની અણિયાળી ટોચ દેખાતી હતી. તેનસિંગ અને એડમન્ડ બન્ને એકલા દુનિયાના સૌથી ઊંચા શિખરની ટોચથી થોડા નીચે હતાં. ચોતરફ નજર પહોંચે ત્યાં સુુધી માત્ર હિમાચ્છાદિત શિખરો દેખાતા હતાં. સૂર્યપ્રકાશ સામે ઢગલાબંધ અરિસાઓ ગોઠવ્યા હોય એવો હિમાલયનો દેખાવ હતો. તમામ પ્રકારના પ્રવાહીઓ થીજી જાય એવી ઠંડી વચ્ચે પગલાંઓ ભરાતા હતાં.
ટોચ થોડી દૂર હતી ત્યાં ૪૦ ફીટના એક ખડક પરથી ગબડતાં ગબડતાં એડમન્ડ માંડ બચ્યા. એમને બચાવવાનું કામ તેનસિંગે કર્યું. એ જગ્યા હવે 'હિલેરી સ્ટેપ' તરીકે ઓળખાય છે. એવરેસ્ટ આરોહણનો સૌથી અઘરો તબક્કો હિલેરી સ્ટેપ પસાર કરવું ગણાય છે. એ જગ્યા પસાર થયા પછી એવરેસ્ટ આરોહણ કર્યા વગર કોઈ આવે એવું સામાન્ય રીત બનતું નથી. પણ હિલેરી સ્ટેપ પસાર કરવામાં જ એવરેસ્ટની તમામ દુષ્કરતા દેખાઈ આવે છે (વર્ષો પછી એ હિલેરી સ્ટેપ પરથી એક પર્વતિયો ગબડી પડતો હતો ત્યારે તેને એક શેરપાએ બચાવ્યો હતો. ગબડી પડનાર પર્વતારોહક હિલેરીનો પૌત્ર હતો અને બચાવનાર તેનસિંગનો પૌત્ર હતો, એ વળી અજબનો યોગાનુયોગ છે!).
હિલેરી સ્ટેપની અગ્નિપરીક્ષા વટાવ્યા પછી પ્રમાણમાં સરળ રસ્તો હતો. થોડા આગળ ચાલી બન્ને ઉભા રહ્યાં. એ સ્થળથી ઊંચી જગ્યા હવે કોઈ હતી નહીં, કેમ કે એ જ હતી એવરેસ્ટની ટોચ. ઊંચાઈ ૨૯,૦૨૮ ફીટ. અનેક સાહસિકોની નિષ્ફળતા અને કેટલાંક જીવોના બલિદાન પછી આખરે બે ભડવીર એવરેસ્ટની ટોચે પહોંચ્યા ત્યારે ઘડિયાળમાં સવારના સાડા અગિયારનો સમય થયો હતો.
ટોચ પર પહોંચવુ સહેલું છે, પણ ટકી રહેવું અઘરું છે એવી કહેવત છે. એવરેસ્ટ માટે એવુું કહી શકાય કે ટોચ પર પહોંચવુ પણ અઘરું છે અને ત્યાં ટકી રહેવુ પણ. એડમન્ડ અને તેનસિંગ ૧૫ મિનિટ કરતાં વધારે સમય ટોચ પર રહી ન શક્યા. એ દરમિયાન એડમન્ડે એવરેસ્ટ, એવરેસ્ટ પરથી દેખાતા હિમલાય, તેનસિંગ વગેરેના ફોટા પાડયા. તેનસિંગે એડમન્ડનો ફોટો પાડવાની તૈયારી દાખવી પણ એડમન્ડે ના પાડી! તેનસિંગની જીવનકથામાં નોંધાયા પ્રમાણે શા માટે ફોટો પાડવાની ના પાડી તે ખબર ન હતી. જોકે તેનસિંગે પહેલા ક્યારેય ફોટા પાડયા ન હતાં એટલે અહીં પહેલી વખત એ ફોટા પાડવા જાય અને અગાઉના ફોટાને પણ નુકસાન પહોંચે એવો ડર એડમન્ડને હોય એવુ બની શકે (આ ૬૦ વર્ષ પહેલાની ટેકનોલોજીની વાત છે). અથવા બીજું કોઈ કારણ પણ હોઈ શકે. પરંતુ એવરેસ્ટની ટોચ પર એડમન્ડ ઉભા હોય એવો કોઈ ફોટો આખી દુનિયામાં નથી. એડમન્ડના જે ફોટાઓ છે એ વધુમાં વધુ ૨૭,૯૦૦ ફીટની ઊંચાઈ સુધીના છે, કેમ કે ત્યાં તેમના ૩ સાથીદારો હતાં.
પંદર મિનિટના રોકાણ દરમિયાન હિલેરીએ અહીં ખિસ્ત્રી ધર્મના ક્રોસની એક પ્રતિકૃતિ મુકી, તેનસિંગે કેટલીક ચોકલેટો મુકી દીધી. ધ્વજારોપણ કર્યું. એવરેસ્ટ પર પહોંચ્યાના પુરાવા માટે જરૃરી હતાં એવા બધા ફોટા લીધા અને બન્નેએ પરત પ્રવાસ આરંભ્યો. એવરેસ્ટના કિસ્સામાં ટોચ પર પહોંચવુ અઘરું છે, ટકી રહેવું તેનાથીય અઘરું છે અને ઉતરાણ કરવું તો આગળના બન્ને પરાક્રમો કરતાં અઘરું છે (એવરેસ્ટ પર થતા ઘણાખરા મોત ઉતરાણ વખતે જ થાય છે). અલબત્ત, એવરેસ્ટાધિરાજ થયાના ઉત્સાહમાં ખાસ કશી અડચણ વગર તેનસિંગ અને એડમન્ડ નીચે ઉતરી આવ્યા. થોડેક નીચે તેમનો લોવા નામનો સાથીદાર બન્ને માટે સૂપ લઈને રાહ જોઈને જ ઉભો હતો.
સુપના ઘૂંટડાઓ ઉતારી ત્રણેય પછી તો નીચેે ઉતરતાં ગયા એમ સાથીદારોની સંખ્યા વધતી ગઈ. બધા તળેટીએ આવ્યા. નોંધાયેલા ઇતિહાસમાં પહેલી વખત કોઈ બે પગા માણસો એવરેસ્ટ પર પહોંચ્યા હતાં. એ સમાચાર બ્રિટન પહોંચ્યા ત્યારે એલિઝાબેથ રાણી તરીકે શપથ લઈ રહ્યાં હતાં(એડમન્ડ ન્યુઝિલેન્ડના હતાં, પણ આરોહક ટુકડી બ્રિટનની 'રોયલ જિયોગ્રાફિક સોસાયટી' તરફથી એવરેસ્ટ આવી હતી). પરત ફરેલા સભ્યોને બ્રિટન સહિત અનેક દેશોમાંથી માન-સન્માન પ્રાપ્ત થયાં અને એ સિલસિલો લાંબો સમય સુધી ચાલતો રહ્યો.
એડમન્ડ કે તેનસિંગની સફર એ પછી અટકી ન હતી.
'સર'નો ખિતાબ પામેલા એડમન્ડ હિલેરીએ ૧૯૫૬થી ૧૯૬૫ વચ્ચે વારંવાર હિમાલયની સફર ખેડી ૨૦ હજાર ફીટ કરતાં વધુ ઊંચા હોય એવા બીજા દસ શિખરો સર કરી નાખ્યા. એ પૈકી કેટલાક શિખરોનું ચઢાણ એવરેસ્ટ કરતાં પણ મુશ્કેલ હતું (પર્વતારોહણમાં એવરેસ્ટ સૌથી ઊંચુ શિખર છે, સૌથી અઘરું નહીં). ૧૯૫૮માં ન્યુઝિલેન્ડ સરકાર તરફથી તેઓ દક્ષિણ ધુ્રવ પહોંચ્યા. ભારતમાં ગંગાના ઉદ્ગમસ્થાનથી ગંગા દરિયાને મળે ત્યાં સુધીની સાહસયાત્રા યોજાઈ તેમાં જોડાયા, પ્રથમ ચંદ્રયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ સાથે ઉત્તર ધુ્રવની સફર ખેડી, ચૂંટણી લડયા, ભારતમાં ન્યુઝિલેન્ડના હાઈ-કમિશ્નર પણ બન્યાં. અંતિમ વર્ષોમાં એડમન્ડને હિમાલય-નેપાળ પ્રત્યે અનેરો લગાવ થઈ ગયો હતો. પરિણામે તેઓ તક મળે કે તુરંત નેપાળ આવતા. શેરપાઓના બાળકો ભણી શકે એ માટે તેમણે દસેક સ્કૂલો બંધાવી છે અને બીજા સારાં કામો પણ કર્યાં છે. ૨૦૦૮માં સાહસકથાઓ અને સાયન્સ ફિક્શન વાંચતાં વાંચતા સાહસકથા જીવી ચુકેલા એડમન્ડનું મોત થયું ત્યારે તેઓ ૮૮ વર્ષના હતાં.
દરમિયાન તેનસિંગ ભારતે સ્થાપેલી 'હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટીટયૂટ'ના ૨૨ વર્ષ સુધી ડિરેક્ટર રહ્યાં. દાર્જિલિંગમાં રહેતા તેનસિંગનું ત્યાં જ ૧૯૮૬માં ૭૧ વર્ષની વયે અવસાન થયું. સાતેક ભાષા બોલી જાણતા તેનસિંગ અંગુઠાછાપ હતાં એટલે તેમને એક પણ ભાષા લખતાં આવડતી ન હતી, પણ તેનું નામ દુનિયાની તમામ જાણીતી ભાષાઓમાં અમર છે.

-Gujarat Samachar