20130602

ઈમીગ્રેશન ઃ ૯૯ સુધારા ગણત્રીમાં લેવાયા


- વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર માટે ૫૫ હજાર વીઝાનો ક્વોટા ફાળવાશે

કૌટુમ્બીક આધારીત કેટેગરી ક્વોટામાં કાપ

ઈમીગ્રેશન સુધારણા બીલ ઃ ડાયવરસીટી વીઝા લોટરી સિસ્ટમ નાબુદ થશે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો), તા. ૨૦

આઠ સેનેટરોએ ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે ૮૪૪ પાનાનો દસ્તાવેજ સેનેટરમાં રજુ કરેલ છે. અને તે દસ્તાવેજ અથવા બીલ અંગે હાલમાં સેનેટની જ્યુડીસરી કમીટીના સભ્યો ચર્ચા ચલાવી રહ્યા છે. આ બીલ અંગે કમીટીના ૧૮ સભ્યોની ત્રણ બેઠકો યોજાઈ ગઈ છે. અને છેલ્લી બેઠક મે માસની ૧૬મી તારીખને ગુરુવારે સવારે ૯.૩૦ કલાકથી બપોરે ૧.૩૦ કલાક દરમ્યાન યોજવામાં આવી હતી અને તે બેઠકમાં કુલ્લે ૨૬ સુધારાઓ અંગે વિસ્તૃત પ્રમાણમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને છેવટે ૧૬ સુધારાઓ મંજુર રાખવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં સેનેટની જ્યુડીસરી કમીટીના સભ્યોની કુલ્લે ત્રણ બેઠકો મળી ગઈ છે અને આ સમય દરમ્યાન ચર્ચા વિચારણાના અંતે ૯૯ સુધારાઓ ગણત્રીમાં લેવામાં આવેલ છે અને આ સમાચારો પ્રસિદ્ધ થશે તે પહેલાં મે માસની ૨૦મી તારીખને સોમવારે જ્યુડીસરી કમીટીના સભ્યોની એક બેઠક સવારે ૧૦ વાગે ઇમીગ્રેશન સુધારણા બીલ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવા અંગે મળશે. અને આ દિવસે ઈમીગ્રેશન સુધારણા બીલના ટાઈટલ ત્રીજા અંગે ચર્ચા હાથ ધરવામાં આવશે. આ અંગે વિશેષમાં જણાવા મળે છે તેમ આ મે મહિનાના અંત સુધીમાં જ્યુડીસરી કમીટીમાં ઈમીગ્રેશન સુધારણા બીલ અંગે નિર્ણયો લઈ તેને લટકો ફટકો કરી નાંખવાની એક યોજના છે અને તે આધારે સોમવારથી શરૃ થનાર જ્યુડીસરી કમીટીના સભ્યોની મીટીંગ સળંગ રીતે આખું અઠવાડીયું ચાલનાર છે અને તેમાં આ સમય દરમ્યાન અનેક સુધારા વધારા અંગેની અગત્યની માહિતી અંગે નિર્ણયો લેવામાં આવશે અને તેમાં ઈમીગ્રેશન ખાતાની હાલની જે કેટેગરીઓ છે તે અંગે પણ જરૃરી નિર્ણયો લેવામાં આવશે એવું સુમાહિતગાર વર્તુળોમાંથી જાણાવા મળે છે અને તેથી સમગ્ર લોકોનું ધ્યાન આ અઠવાડીયાની ચર્ચાઓ અને તે અંગે લેવાનારા નિર્ણાયો તરફ કેન્દ્રિત થયેલું જોવા મળે છે.
ગુરુવારે જ્યુડીસરી કમીટીના સભ્યોની જે બેઠક મળેલ તેમાં અમેરિકાનું આર્થિક ક્ષેત્ર કઈ રીતે મજબૂત અને સવિશેષ પ્રમાણમાં કઈ રીતે પગભર બની શકે તે અંગે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. તેમજ સંશોધનને કઈ રીતે ઉત્તેજન આપી તેને દેશના વિકાસના ઉપયોગમાં લઈ શકાય તે અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ દિવસે ઈબી-૫ રીજીઓનલ સેન્ટર્સ તથા પરદેશી રોકાણકારો કઈ રીતે આકર્ષીત બને તે અંગે પણ જરૃરી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.
વધારામાં જાણવા મળે છે તેમ પ્રતિ વર્ષે ડાયવરસીટી વીઝા લોટરી સીસ્ટમ હેઠળ ૫૫૦૦૦ જેટલા લોકોને વાર્ષિક વીઝા આપવામાં આવે છે. પરંતુ સેનેટના આઠ સભ્યોએ પોતાની ભલામણો અનુસાર આ વીઝા લોટરી નેસ્તનાબુદ કરવા માટે ભલામણ કરેલ છે અને વાર્ષિક ૫૫૦૦૦ જેટલી સંખ્યાનો જે ક્વોટા છે તેનો ઉપયોગ વિજ્ઞાાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ ધરાવતા કામદારોને ફાળવવા માટે કરવામાં આવેલ છે. આ વીઝા કેટેગરી નાબુદ થવાથી સારું શિક્ષણ મેળવેલ કામદાર અંગે આવવાથી સર્વાંગી વિકાસને તેનો ફાયદો થશે એક મોટા ભાગના લોકો માની રહ્યા છે.
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા જો પોતાની બીજી ટર્મમાં પોતાને અનુકૂળ હોય તેવા ઈમીગ્રેશન સુધારણા બીલ પર સહી કરવા તૈયાર હોય તો તેમનું આ પગલું ઘણું જ ડહાપણવાળું ગણવામાં આવે છે જ્યારે રીપબ્લીકન પાર્ટીના સેનેટર કે જેઓ આગામી વર્ષોની ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવાર છે તેઓ આ ઈમીગ્રેશનનો ભાર પોતાના શીરે લઈને ફરે છે એઓ એવું માની રહ્યા છે કે લેટીનો કોમ્યુનીટીના તેઓ એક તારણહાર છે અને ટી પાર્ટીના રૃઢીચુસ્ત સભ્યોમાં તેઓ પ્રખ્યાત બનવાના જરૃરી પ્રયાસો કરી રહ્યા છે પરંતુ હાલમાં ઈમીગ્રેશન સુધારણા બીલ સેનેટની જ્યુડીસરી કમીટીના સભ્યોમાં તે ચર્ચાની એરણ પર છે અને ત્યાં આગળ આ બીલ કેવો આકાર લે છે તેના પર સર્વે લોકોની નજર હાલમાં રમતી દેખાય છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશે પોતાના પ્રમુખપદની બીજી ટર્મમાં ઈમીગ્રેશન સુધારણા બીલ અંગે જરૃરી પ્રયાસો હાથ ધરેલા હતા પરંતુ તેમની પાર્ટીના સભ્યોએ જેટલો સાથ આપવો જોઈએ તે આપ્યો નહતો આથી તેમની ઈમીગ્રેશન સુધારણા બીલની તમામ મહેનત એળે ગઈ હતી. આજે સમગ્ર અમેરિકામાં લેટીનોના ઈલેક્ટ્રોરેઈટ દસ ટકા જેટલા થવા જાય છે. અને ગયા વર્ષના નવેમ્બર માસમાં થયેલ પ્રમુખ પદની ચૂંટણીમાં પ્રમુખ બરાક ઓબામાને ૭૦ ટકા જેટલા મતો લેટીનોના મળ્યા હતા માટે રીપબ્લીકન પાર્ટીના સભ્યો આ બીના અંગે ગંભીરતાથી વિચારે અને ઈમીગ્રેશન સુધારણા બીલમાં પોતાનો સહયોગ આપે એ હાલના સમયમાં તાતી જરૃરત છે એવું અભ્યાસી લોકો માની રહ્યા છે. અમેરિકાના ઉદ્યોગોને ઈમીગ્રેશન સુધારણા બીલની ખાસ જરૃરત છે કારણ કે તે દ્વારા તેઓને પોતાના ધંધામાં કામદારો જરૃરીયાતના પ્રમાણમાં મળી રહે અમેરિકાની પ્રજા એ પણ જાણવા આતુર છે કે અમેરિકાની સરકાર સરહદ પર નાકાબંધી અંગે જરૃરી પગલાં ભરી રહી છે અને તેની સલામતી અંગે ચોક્કસ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. હાલમાં વેરો ભરનારા તમામ લોકો એ જોવા ઈચ્છી રહ્યા છે કે ૧૧ મીલીયન લોકોને જો અત્રે કાયમી વસવાટ કરવાનો હક આપવામાં આવે તો તેઓ અમેરિકાનાં આર્થિક પાસાને પાણીના વમળમાં ડુબાડી તો ન દેને.
વિશેષમાં નવા ઈમીગ્રેશન સુધારણા બીલમાં કામદારોની કેટેગરીઓને વધુ પ્રમાણમાં વીઝાનો ક્વોટા આપવામાં આવે તો કૌટુમ્બીક આધારીત કેટેગરીઓના વીઝાના ક્વોટામાં સ્વાભાવીક રીતે કાપ આવવાની શક્યતાઓ છે. ઈમીગ્રેશન સુધારણા બીલ જે જોગવાઈઓ કરવામાં આવેલ છે તેમાં તેઓને અમેરિકન નાગરિકત્વ આપવાનો સરળ માર્ગ અપનાવવામાં આવ્યો નથી. ગેરકાયદેેેસર વસાહતીઓને અત્રે કામચલાઉ ધોરણે અત્રે રહી કામ કરવા માટે પરવાનગી આપવામાં આવશે. પરંતુ આ ત્યારે જ શકય બનશે કે જ્યારે સરહદો પર ચોક્કસ પ્રકારનો બંદોબસ્ત થયેલો જણાશે તો જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે જ્યુડીસરી કમીટીના સભ્યો કેવાં પગલાં ભરે છે તે તરફ સૌ અમેરિકનોનું ધ્યાન કેન્દ્રિત થયેલું જોવા મળે છે.
સેનેટના આઠ સભ્યોએ એક બીલ તૈયાર કરી ચર્ચા માટે તેને રજુ કરેલ છે તે મુજબ હાઉસના રાજકીય આગેવાનો પણ ઈમીગ્રેશન સુધારણા બીલ લગભગ પૂર્ણતાને આરે આવીને ઉભેલું છે અને હવે નજીકના જ ભવિષ્યમાં તેને હાઉસમાં રજુ કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર પરિસ્થિતિનો સાચો ખ્યાલ આવી જશે. સેનેટની જ્યુડીસરી કમીટીમાં આ બીલ અંગે કેવાં પગલાં ભરવામાં આવી રહ્યા છે તેની સંપૂર્ણ વિગતો અમો અમારા વાંચક વર્ગ માટે આવતા અઠવાડીયે વિસ્તૃત પણે પ્રસિદ્ધ કરીશુ જેનાથી ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે કેવાં પગલાં ભરાઈ રહ્યા છે તેની માહિતી સૌને મળી રહે તેવા અમારા નમ્ર પ્રયાસો છે. આવતા અઠવાડીયે વિસ્તૃત હેવાલ માટે થોભો અને રાહ જુઓ.

-Gujarat Samacha