20130601

GTUના રજિસ્ટ્રારે રાજીનામું આપ્યા બાદ નાટયાત્મક રીતે પાછું ખેંચ્યું

સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સહિતના આક્ષેપોથી ઘેરાયેલા

રાજ્ય શિક્ષણમંત્રીના સંબંધી ગિતેશ જોષી રાજકોટ યુનિ.માં હાજર થયા બાદ રાજીનામું પા


અમદાવાદ,શુક્રવાર
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના રજિસ્ટ્રાર ડો.ગીતેશ જોશીએ ગઇકાલે અચાનક રાજીનામુ આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ રાજકોટમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે હાજર થઇ ગયા હતા. આશ્ચર્યની વાત એ કે આજે એટલે કે શુક્રવારે બપોર પછી ગીતેશ જોશીએ પોતાનું રાજીનામુ પાછુ ખેચવા ઇચ્છતાં હોવાનો લેટર જીટીયુને મોકલી આપ્યો હતો. જેના કારણે સમગ્ર પ્રકરણમાં નાટયાત્મક વળાંક આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર જીટીયુના રજિસ્ટ્રાર ગીતેશ જોશી તેમની નિમણૂક સમયથી જ વિવાદમાં રહ્યા છે. તેમની કામ કરવાની પધ્ધતિ સામે અનેક કર્મચારીઓમાં છૂપો રોષ જોવા મળતો હતો. છેલ્લે કેટલાક મહિલાઓએ પણ તેમની સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આક્ષેપો કર્યા હતા.જેના પગલે ડબલ્યુડીસી એટલે કે વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે રજિસ્ટ્રાર સમક્ષ ડબલ્યુડીસીની ફરિયાદના પગલે ગઇકાલે તેમની પાસેથી રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. રજિસ્ટ્રારે તાકિદે યુનિવર્સિટીની ડીમાન્ડ પ્રમાણે રાજીનામુ આપી દીધું હતું. જો કે,રાજીનામુ માંગી લેવાયુ હતુ કે તેઓએ સામેથી આપ્યુ હતુ તે મુદ્દે કોઇ પક્ષ સ્પષ્ટતાં કરવા તૈયાર નથી. બીજીબાજુ શિક્ષણઆલમમાં જીટીયુના રજિસ્ટ્રારે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના પગલે રાજીનામુ આપ્યાની વિગતો જાહેર થતાં ભારે ઉત્તેજના ફેલાઇ ગઇ હતી. રજિસ્ટ્રારના રાજીનામાના પગલે પરીક્ષા નિયામકને રજિસ્ટ્રારનો વધારાનો ચાર્જ સોંપી દેવાની જાહેરાત કુલપતિ દ્વારા કરી દેવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ કે બપોર પછી અચાનક ગીતેશ જોશીએ પોતે રજિસ્ટ્રાર તરીકે આપેલુ રાજીનામુ પાછુ ખેંચતાં હોવાનો પત્ર યુનિવર્સિટીને લખ્યો હતો.
જેમાં પોતે માનસિક ત્રાસ પગલે રાજીનામું આપ્યુ હોવાનો ઉલ્લેખ કરાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. રજિસ્ટ્રાર તરીકે રાજીનામુ આપનારા ગીતેશ જોશી રાજય શિક્ષણમંત્રીના નજીકના સંબંધી હોવાથી આગામી દિવસોમાં આ મુદ્દે ભારે વિવાદ ઉભો થાય તેવી શકયતાં સૂત્રો વ્યક્ત કરે છે. આ મુદ્દે ગીતેશ જોશીનો સંપર્ક કરતાં તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી.