ગુજરાત બોર્ડના વાલીઓની રજૂઆત બાદ આખરે
શિક્ષણ વિભાગે કોમનમેરિટના ફાયદા-નુકસાનની વિગતો માંગી
અમદાવાદ,શુક્રવારડીગ્રી એન્જિનીયરિંગમા પ્રવેશ માટે ચાલુ વર્ષે કોમન મેરીટલીસ્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો અમદાવાદ,વડોદરા સહિત જુદા જુદા શહેરોમાં વિરોધ થઇ રહ્યો છે. ધીમે ધીમે વાલીઓનો વિરોધ ઉગ્ર બનતાં હવે શિક્ષણ વિભાગે આ મુદ્દે પ્રવેશ સમિતિના સભ્યોને બોલાવીને ખુલાસો માંગ્યો હતો. આમ, કોમન મેરીટના મુદ્દે આગામી દિવસોમાં ભારે વિવાદ ઉભો થાય તેવી સ્થિતિ સર્જાઇ છે.
એન્જિનીયરિંગમાં પ્રવેશ માટે પ્રથમ વખત કોમન મેરીટલીસ્ટ તૈયાર થાય તે પહેલા જ વિવાદ શરૃ થઇ ગયો છે. ગુજરાત બોર્ડના કેટલાક વાલીઓએ આ મુદ્દે સરકાર સમક્ષ કોમન મેરીટલીસ્ટનો નિર્ણય ખોટો હોવાની રજૂઆત કરી હતી. જેના અનુસંધાનમાં તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ સમિતિના સભ્યોને બોલાવીને આ મુદ્દે સ્પષ્ટતાં માંગવામાં આવી હતી. આવતીકાલે પણ પ્રવેશ સમિતિના અધિકારીઓ સાથે શિક્ષણમંત્રીએ બેઠક કરવાનું નક્કી કર્યું છે. આ મુદ્દે પ્રવેશ સમિતિના અધિકારીઓ કહે છે શિક્ષણમંત્રી જે નિર્ણય કરશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બોર્ડ દ્વારા જે પરિણામ જાહેર કરાયુ છે તે ટકાવારી એટલે કે ગ્રેડ પ્રમાણે છે. જેને પર્સન્ટાઇલમા કન્વર્ટ કરવામાં આવશે. ત્યારબાદ બન્નેનું કોમન મેરીટલીસ્ટ તૈયાર થશે. હજુસુધી સેન્ટ્રલ બોર્ડ દ્વાર પર્સન્ટાઇલ તૈયાર કરવામાં આવ્યા નથી. જો કોમન મેરીટલીસ્ટ કરવામાં આવે તો ગુજરાતના વિદ્યાર્થીઓને કોઇ નૂકશાન નથી. માત્ર સેન્ટ્રલ બોર્ડના જે વિદ્યાર્થીઓને અત્યાર સુધી માત્ર ચોક્કસ બ્રાન્ચ મળતી હતી તેના બદલે ઇચ્છીત બ્રાન્ચ મેળવી શકશે. આ ઉપરાંત પ્રોરેટા પ્રમાણે બેઠકો ફાળવવામાં કોઇ કિસ્સામાં કોઇ બ્રાન્ચમાં એક જ બેઠક હોય તો સેન્ટ્રલ બોર્ડના ઓપન કે રીઝર્વેશન પૈકી કોને ફાળવવી તેની મુશ્કેલી નડતી હતી. કોમન મેરીટ બનતાં હવે આ સમસ્યા નિવારી શકાશે તેવી રજૂઆત પણ સમિતિ તરફથી કરવામાં આવી હતી. વાલીઓએ એવી રજૂઆત કરી હતી કે જો કોમન મેરીટલીસ્ટ બનાવવું હોય તો તેની જાહેરાત અગાઉથી કરવી જોઇએ.અગાઉથી જાહેરાત થઇ ન હોવાથી ચાલુ વર્ષે આ નિર્ણય પડતો મુકવો જોઇએ.
પ્રવેશ સમિતિના સભ્યો કહે છે શિક્ષણમંત્રી જે નિર્ણય કરશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
http://gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-common-engineering-degree