20140402

ભારતચીન યુદ્ધનાં ૫૦ વર્ષઃ ભારતીય શાસકો ત્યારે પણ ઊંઘતા હતા, હજી પણ નિદ્રાધીન છે

આ મહિને ૨૦મી ઓક્ટોબરના રોજ ૧૯૬૨ના ચીની આક્રમણને ૫૦ વર્ષ પૂરાં થાય છે અને હજી આપણો ૩૭,૫૫૫ ચોરસ કિલોમીટર જેટલો લદ્દાખી પ્રદેશ ચીનના તાબામાં છે. હવે ચીન અરુણાચલ પ્રદેશ રાજ્યનો ૭૦,૦૦૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ કબજે લેવા માટે લશ્કરી તૈયારીઓ કરી રહ્યું છે, એટલે ત્યાંની મેક્મેહોન રેખા પર તેનું વહેલું મોડું જંગી આક્રમણ થાય એ બનવાજોગ છે.

આ ખતરા બાબતે દિલ્હી સરકાર બિલકુલ નિશ્ચિંત કે પછી નિદ્રાધીન હોવાનું સૂચવતો દાખલો ગયે મહિને જોવા મળ્યો, જેણે ૫૦ વર્ષ પહેલાંના નેહરુની અક્ષમ્ય બેફિકરાઇની યાદ તાજી કરાવી દીધી. બન્યું એમ કે ખુશ્કીદળે શિખરમાળા ધરાવતી ૪,૫૦૭ કિલોમીટર લાંબી ભારતચીન અંકુશરેખા માટે ૬૦,૦૦૦ સૈનિકોની પહાડી corps/કોર તાકીદે રચવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ આજે પચાસ વર્ષે પણ ૧૯૬૨ના ધબડકાનો કશો બોધપાઠ લેવા ન માગતી સરકારે તેને મંજૂર ન કર્યો.

કઇ વાતે પંડિત નેહરુની યાદ આવી જાય તે અહીં જણાવવું રહ્યું. ચીની લશ્કર ૧૯૬૨માં ચડી આવ્યું, પણ સરહદે અહીં તહીં ઘૂસપેઠ તેણે ત્રણ વર્ષ પહેલાં શરૂ કરી દીધી હતી. કાશ્મીરના લદ્દાખ તેમજ આસામના નેફા પ્રદેશમાં તેની વધુ ને વધુ પેટ્રોલિંગ ટુકડીઓ દેખાવા માંડી ત્યારે ભારતના માથે તોળાતા આક્રમણના સંકટ અંગે સંસદસભ્યો અને સામાન્ય નાગરિકો પણ ચિંતિત બન્યા. આથી વડા પ્રધાન નેહરુએ સૌને પોતાની જેમ નિશ્ચિંત કરી દેવા નવેમ્બર ૨૫, ૧૯૫૯ના રોજ સંસદગૃહમાં લોકસભાને પૂરા આત્મવિશ્વાસ સાથે જણાવ્યું:

‘આ ગૃહને હું એટલું કહી શકું કે આપણાં સૈન્યો આજે છે એટલાં સુસજ્જ અને સક્ષમ આઝાદી પછી ક્યારેય ન હતાં. હું તેમના વિશે બડાઇ હાંકતો નથી. કોઇ બીજા દેશ જોડે તેમને સરખાવતો નથી, પરંતુ મને ખાતરી છે કે આપણા દેશને સુરક્ષિત રાખવામાં તેઓ પાછાં પડે તેમ નથી.

લોકસભાના દસ્તાવેજી રેકોર્ડ પર નોંધાયેલા શબ્દોમાં લગીરે તથ્ય ન હતું. હિમાલયના પહાડી મોરચે ચીનના હુમલાને પહોંચી વળવા લશ્કર જરાય સક્ષમ ન હતું અને હુમલાના ભણકારા વાગતા હોવા છતાં તેને વેળાસર સુસજ્જ કરવાની નેહરુને આવશ્યકતા જણાતી ન હતી. ઊલટું, ફેબ્રુઆરી, ૧૯૬૧માં તેમણે દાવો કર્યોઃ ‘The situation has broadly changed in our favour.’ આ વાક્ય વાણીવિલાસ જેવું હતું.

ભારતે ૧૯૬૨માં આખરે કારમો પરાજય વેઠ્યો. (ઘણાં કારણો તેના માટે જવાબદાર બન્યાં, પણ મુખ્ય એ કે ઉત્તરે તમામ સરહદ પહાડી હોવા છતાં (અને વળી ૧૯૪૭-૪૮ દરમ્યાન ઉત્તરે કાશ્મીરના પહાડી મોરચે પાકિસ્તાનનું આક્રમણ વેઠી પ્રદેશ ગુમાવ્યા છતાં) ભારતે એકેય માઉન્ટન ડિવિઝન રચી નહિ. પ્રાથમિક કોમન સેન્સ ધરાવતી વ્યક્તિ પણ સમજી શકે કે દેશની ઘણી ખરી ભૂમિસરહદ પહાડી હોય એવા સંજોગોમાં લશ્કર પાસે બે કે ત્રણ માઉન્ટેન ડિવિઝન હોવી જોઇએ. આ સાદી વાત નેહરુની સમજ બહાર હતી. પરિણામ એ આવ્યું કે શિખરોની પાતળી હવા, ઠારબિંદુ જેટલી ઠંડી તથા હિમવર્ષા વચ્ચે અને ખાસ તો mountain warfare માટેનાં વિશિષ્ટ શસ્ત્રો વિના ભારતના મેદાની ડિવિઝનના જવાનો ચીનનો મુકાબલો કરી શક્યા નહિ.

દેશના સંરક્ષણ બદલે સત્તાની ખુરશીના સંરક્ષણ અંગે વધુ ચિંતિત રહેતી વર્તમાન કેંદ્ર સરકાર બેફિકરાઇનું એ જ વલણ દાખવી રહી છે કે જે નેહરુએ દાખવ્યું. ચીનનો ખતરો જોતાં ખુશ્કીદળ રૂા. ૬૫,૦૦૦ કરોડના ખર્ચે એવા ૬૦,૦૦૦ ખડતલ સૈનિકોની corps/કોરનું ગઠન કરવા માગે છે કે જેઓ દુર્ગમ પહાડોના ઠંડા અને પાતળા વાતાવરણમાં રહેવાને ટેવાયેલા હોય, સ્પેશ્યલ જાતનાં શસ્ત્રો વડે સજ્જ હોય તેમજ રક્ષણાત્મકને બદલે આક્રમક રણનીતિ વડે કામ લે. લશ્કરી પરિભાષા મુજબ કહો તો ખુશ્કીદળને હિટલરની નાઝી સેના જેવું strike corps રચવું છે, પણ બજેટ જોતાં સરકારને તે માન્ય નથી. દેશમાં જ્યાં રૂા.૧,૭૫,૦૦૦ કરોડથી રૂા.૨,૦૦,૦૦૦ કરોડના કૌભાંડો થતાં હોય ત્યાં રૂા.૬૫,૦૦૦ કરોડની રકમ કશી ગણનામાં લેખાય નહિ, છતાં સરકાર બજેટનું બહાનું આગળ ધરી રાષ્ટ્રીય સુરક્ષાને દાવ પર મૂકી રહી છે.

આ ગાફેલિયતનું પરિણામ શું આવે તે સમજવા સરકારે ઝાઝું ચિંતન કરવાની જરૂર નથી. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધનો કડવો અનુભવ તે ન ભૂલે એટલું પૂરતું છે.   

Saturday, March 3, 2012

વાંગડુંગ : ૨૫ વર્ષથી ચીનની એડી નીચે દબાયેલો ભારતીય પ્રદેશ

ભારતના અરુણાચલ પ્રદેશને અલાયદા રાજ્યનો દરજ્જો મળ્યાને ગઇ ફેબ્રુઆરી ૨૦ ના રોજ ૨૫ વર્ષ પૂરાં થયાં. પ્રસંગ સિલ્વર જૂબિલિનો હતો, જેની ઉજવણીના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે આપણા સંરક્ષણમંત્રીને તેડાવ્યા. દેશના સંરક્ષણમંત્રી પોતાના જ દેશના એકાદ રાજ્યની મુલાકાત લે એ બાબત આમ તો સામાન્ય ગણાય, પરંતુ ચીનને એ બાબત સામાન્ય ન લાગી. અરુણાચલ પ્રદેશમાં આપણા સંરક્ષણમંત્રીની હાજરી તેને કઠી--અને તે પણ એટલી હદે કે ચીનના વિદેશમંત્રીએ તીખા શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી એવા મતલબનું નિવેદન આપ્યું કે અરુણાચલ પ્રદેશમાં ભારતીય શાસકોનું આવવું બેય દેશો વચ્ચેના શાંતિસંબંધોને જોખમમાં મૂકી શકે છે. 
ચીનના વિદેશમંત્રીએ પોતાનો વિરોધ કર્યો કે પછી ભારતને ઠાવકી ભાષામાં ધમકી આપી એ નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ એક વાત નક્કી છે : અરુણાચલ પ્રદેશને રાજકીય તેમજ ભૌગોલિક રીતે પોતાનો ભાગ ગણતી બિજિંગ સરકાર એ સ્થળે ભારતીય આગેવાનોની હાજરી સાંખી લેવા માગતી નથી. ચારેક વર્ષ પહેલાં વડા પ્રધાન મનમોહન સિંહે જ્યારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી ત્યારે પણ બિજિંગ સરકારના પેટમાં તેલ રેડાયું હતું અને ડિપ્લોમેટિક ભાષામાં તેણે પોતાનો વિરોધ જતાવ્યો હતો. 

જાણીતી વાત છે કે ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યને ચીન વર્ષો થયે પોતાની માલિકીનું ગણતું આવ્યું છે. આશરે ૮૩,૭૦૦ ચોરસ કિલોમીટરના એ રાજ્યની સરહદમાં એટલે જ ચીની લશ્કર વારેતહેવારે નાનાંમોટાં છમકલાં કરતું રહે છે. ક્યારેક તે સરહદ ઓળંગીને અરુણાચલ પ્રદેશમાં ઘૂસી આવે છે, તો ક્યારેક સરહદી ગામોમાં લોકોને રાયફલની નોક પર ડરાવે-ધમકાવે છે. અરુણાચલ પ્રદેશચીન સરહદે ભારતીય લશ્કરે સ્થાપેલાં (અને શિયાળામાં રેઢાં પડેલાં) બન્કરોમાં ચીનના સૈનિકોએ તોડફોડ કર્યાના કિસ્સાઓ તો અનેક છે.   એક અજાણ્યો કિસ્સો ૧૯૮૬ની સાલમાં બન્યો, કે જેના નતીજારૂપે ભારતે ૨૮ ચોરસ કિલોમીટરનો ભૌગોલિક પ્રદેશ હંમેશ માટે ગુમાવી દેવો પડ્યો. 
બન્યું એવું કે ૧૯૮૬માં ભારતે અરુણાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપ્યો ત્યારે એ વિશાળ ભૌગોલિક પ્રદેશ પર પોતાનો હક્કદાવો જતાવ્યા કરતી બિજિંગ સરકાર વિફરી. અરુણાચલ પ્રદેશના તવાંગની ઉત્તર-પૂર્વે તેણે પોતાના લશ્કરને સરહદ રેખા ઓળંગી ભારતમાં દાખલ કરાવ્યું. આકરો શિયાળો ત્યારે ચાલી રહ્યો હતો, એટલે કેટલાક સરહદી વિસ્તારોમાં સ્થિત ભારતીય જવાનો પોતાની ચોકીઓ છોડી હેઠવાસમાં આવી ગયા હતા. ચીની સૈનિકોએ તેનો ફાયદો ઉઠાવી સુમદોરોંગ ચૂ કહેવાતા એરિઆમાં આવેલો વાંગડુંગ નામનો ભારતીય પ્રદેશ પોતાની એડી નીચે દાબ્યો. 

કઠોર શિયાળો પૂરો થતાં ભારતીય જવાનો પોતપોતાની ચોકીઓ તરફ રવાના થયા ત્યારે વાંગડુંગ ખાતે ૧૨મી આસામ રેજિમેન્ટને જે દ્રશ્ય જોવા મળ્યું તે ચોંકાવનારું હતું. ભારતીય બન્કરો પર ચીની સૈન્યએ કબજો જમાવી લીધો હતો એટલું જ નહિ, ત્યાં બીજાં કેટલાંક પાકાં બન્કરોનું તેમજ ચેકપોસ્ટ્સનું બાંધકામ ચાલી રહ્યું હતું. ૧૨મી આસામ રેજિમેન્ટના કમાન્ડિંગ અફસરે જોયું કે ચીનના સૈનિકોની સંખ્યા કમ સે કમ ૨૦૦ જેટલી હતી, એટલે પોતાની ટુકડી સાથે તેઓ મુખ્ય છાવણીએ પરત ફર્યા. 
ભારતીય પ્રદેશ પર ચીન પગદંડો જમાવીને બેસી ગયું તેના જવાબમાં આપણે શું કર્યું ?  શરૂઆતમાં સરહદી વિસ્તારોમાં લશ્કરી જમાવટ કરીને થોડુંક બળપ્રદર્શન અને પછી (રાબેતા મુજબ) રાજકીય વાટાઘાટો ! બેયમાંથી એકેય પગલું જો કે કશું પરિણામ આણી ન શક્યું. વાંગડુંગનો ૨૮ ચોરસ કિલોમીટરનો પ્રદેશ આપણે કાયમ માટે ભૂલી જવો પડ્યો. ૧૯૮૬માં અરુણાચલ પ્રદેશ ખાતે ફરજ બજાવનાર ખુશ્કીદળના એક સીનિઅર અફસરના કહેવા મુજબ સરહદભંગના આરોપસર વાંગડુંગ ખાતેના ચીની સૈન્યને ભારતે આસાનીથી ઉખાડી ફેંક્યું હોત, પણ દિલ્હી સરકારે શાંતિમંત્રણાનું વલણ અપનાવ્યું. 
ભારતે વાંગડુંગ ગુમાવ્યાને આજે પચ્ચીસ વર્ષ થયાં, છતાં દુશ્મન સામે શાંતિપાઠ જપ્યા કરવાની દિલ્હી સરકારની નીતિમાં કશો ફેરફાર આવ્યો નથી. આનો તાજો દાખલો એ કે અરુણાચલ પ્રદેશમાં આપણા સંરક્ષણમંત્રીની મુલાકાત સામે ચીને વિરોધ ઊઠાવી ભારતને દમ માર્યો તેના પ્રત્યુત્તરમાં દિલ્હી સરકારે હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. વારંવાર સીમા ઉલ્લંઘન કરીને ઘૂસી આવતા ચીની લશ્કર સામે કડક હાથે કાર્યવાહી કરવાની વાત તો બહુ દૂરની છે.

નીદ્રાધિન ભારતને ચીની ડ્રેગનનો ભરડો

વિવિધ કૌભાંડો, ફુગાવો, ટેલિફોન ટેપિંગ, ક્રિકેટ, સુપ્રિમ કોર્ટના સરપ્રાઇઝ ચુકાદાઓ તેમજ અન્ય હતાશાજનક સમાચારોની ભીડભાડ વચ્ચે કેટલાક મહત્ત્વના તેમજ સમગ્ર દેશના ભાવિ માટે ચિંતાજનક સમાચારો ઘણી વાર સાવ ખોવાઇ જતા હોય છે. અખબારો તેમને સામાન્ય ન્યૂઝ આઇટમ તરીકે છાપી નાખે છે, જ્યારે મોંઘવારીથી માંડીને બીજા સેંકડો પ્રશ્નો સામે ઝઝૂમતા સામાન્ય માણસના જીવનને એવા સમાચાર સીધી રીતે સ્પર્શતા ન હોવાથી તે ન્યૂઝ આઇટમને તેઓ ગંભીરતાથી લેતા નથી. ફક્ત મીડિઆએ તેમજ પ્રજાએ નહિ, આપણી નમાલી સરકારે પણ જેમને ગંભીરતાથી ન લીધા એવા કેટલાક સમાચારો અહીં વાંચો. દરેક ન્યૂઝ આઇટમના કેંદ્રમાં ચીન છે.

સમાચાર-૧ : તિબેટના લ્હાસા સુધી રેલવેના પાટા બિછાવી ચૂકેલી ચીની સરકાર હવે પાટનગર લ્હાસાથી ૨૮૦ કિલોમીટર છેટે (ભારત, નેપાળ અને ભૂતાનની સરહદ પાસે આવેલા) શિગાત્ઝે નામના નગર સુધી રેલવે લાઇન લંબાવી રહી છે. કામ ઝપાટાભેર ચાલી રહ્યું છે. શિગાત્ઝે સુધીનું રેલવે નેટવર્ક ઊભું થાય એ પછી બિજિંગ સરકારનો આગામી પ્લાન શિગાત્ઝે નગર સાથે નેપાળના પાટનગર કાઠમંડુને રેલવે લાઇન થકી જોડી દેવાનો છે.

સમાચારની પાછલી બાજુ : પેટ્રોલિયમ, ફર્ટિલાઇઝર, ખાંડ, ઘઉં, ચોખા, મકાઇ વગેરે અનેક ચીજો નેપાળની સરકાર હાલ ભારતથી આયાત કરે છે. જુદા શબ્દોમાં કહો તો સાગરકાંઠો ન ધરાવતા નેપાળ માટે આયાતી ચીજોની એકમાત્ર સપ્લાય લાઇન ભારત છેઅને નેપાળના અર્થતંત્રનો ઘણો દારોમદાર એ સપ્લાય લાઇન પર છે. કાઠમંડુ સુધી રેલવે લાઇન લંબાવીને બિજિંગ સરકાર ચીનનેપાળ વચ્ચે નવી સપ્લાય લાઇન ઊભી કરવા માગે છે. નેપાળને તે પેટ્રોલિયમથી માંડીને અનાજ સુધીની ચીજવસ્તુઓ પૂરી પાડી ભારતના નિકાસવેપારને ઠપ્પ કરવાની તજવીજમાં છે. નેપાળને ચીનનું ઓશિયાળું બનાવી થોડા વખતમાં તે ત્યાં પોતાનાં લશ્કરી મથકો સ્થાપી દે તોય નવાઇ નહિ.

સમાચાર-૨ : તિબેટના (ચીનના) લ્હાસા નગરથી ન્યંગત્રી નામના સ્થળ સુધીની રેલવે લાઇન નાખવાનું કાર્ય ચીને તાજેતરમાં પૂર જોશમાં શરૂ કર્યું છે.

સમાચારની પાછલી બાજુ : હિમાલયના ગગનચુંબી પહાડો વચ્ચે ન્યંગત્રી (અથવા ચીની ઉચ્ચાર મુજબ ન્યીંગચી) નામનું સ્થળ શોધ્યું ન જડે, પણ ચીન માટે વ્યૂહાત્મક દ્રષ્ટિએ તે સ્થળ અતિ મહત્ત્વનું છે. (ભારત માટે એટલું જ ચિંતાજનક છે). તિબેટનું ન્યીંગચી એટલે એ જ સ્થળ કે જ્યાંથી બ્રહ્મપુત્ર નદી પસાર થાય છે અને દક્ષિણ તરફ વહીને અરુણાચલ પ્રદેશમાં અર્થાત્ ભારતમાં પ્રવેશે છે. ન્યીંગચી પાસે વહેતી બ્રહ્મપુત્ર નદી પર ચીન જગતનો સૌથી મોટો બંધ બાંધી એ નદીનું વહેણ બદલી નાખવાની તૈયારી કરી રહ્યું છે. (આ નદી પર બધું મળીને ૬ ડેમ બાંધવાનો ચીનનો ઇરાદો છે). લ્હાસા સાથે ન્યીંગચીને રેલમાર્ગે જોડવા પાછળ ચીનનો હેતુ સ્પષ્ટ છે : ડેમ બાંધવા માટે જરૂરી માલસામાન તેમજ મજૂરોની હેરફેર તે રેલવે થકી કરવા માગે છે. ભવિષ્યમાં ચીન જો તેની મનમાની કરી બ્રહ્મપુત્રનું વહેણ બદલી નાખે તો એ નદી થકી ભારતને પ્રાપ્ત થતી ૨૮,૫૦૦ મેગાવોટની જળવિદ્યુત આપણે હંમેશ માટે ભૂલી જવાની !

સમાચાર-૩ : ભારતીય સરહદમાં ચીની સૈનિકો ઘૂસી આવ્યાનો વધુ એક બનાવ હમણાં લદ્દાખ ખાતે બન્યો. ચીની ખુશ્કીદળના કેટલાક સૈનિકો મોટરસાઇકલ પર સવાર થઇ લાઇન ઓફ કન્ટ્રોલ વટાવી લદ્દાખના દેમચોક પ્રાંતના ગોમ્બીર ગામમાં ઘૂસી આવ્યા. અહીં ભારત સરકારના બોર્ડર એરિઆ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ચાલતા રોડરસ્તાના બાંધકામમાં તેમણે વિઘ્નો નાખ્યા એટલું જ નહિ, કોન્ટ્રાક્ટરને તેમજ મજૂરોને ધાક-ધમકી આપી રસ્તાનું બાંધકામ રોકી પાડવા જણાવ્યું.

સમાચારની પાછલી બાજુ : લદ્દાખનો દેમચોક પ્રાંત ચીની સરહદથી ખૂબ નજીક છે. અહીં ભારત દ્વારા રોડ-રસ્તાનું કાર્ય હાથ ધરાય એ સામે ચીનને સતત વાંધો રહ્યો છે, કેમ કે પાકી સડકનું નેટવર્ક સ્થપાયા બાદ ભારત ત્યાં પોતાનાં લશ્કરી મથકો સ્થાપે એવી તેને ભીતી છે. દેમચોકમાં રોડ ડેવલપમેન્ટનું કાર્ય અટકાવી દેવા ચીની ડ્રેગન ભારત સામે અગાઉ અનેક ફૂંફાડા મારી ચૂક્યો છે--અને શરમની વાત કે ફૂંફાડા માત્રથી ડરીને ભારતની નમાલી સરકારે દેમચોકમાં સડક બાંધવાનું કાર્ય થોડોક સમય બંધ રાખ્યું ! દેમચોકના સરહદીય વિસ્તારોમાં ભારતીય ગતિવિધિ પર ચીનની આજે પણ ચાંપતી નજર છે. વખતોવખત તેના સૈનિકો લદ્દાખમાં ઘૂસી આવે છે અને મજૂરોમાં તેમજ સ્થાનિક લોકોમાં શસ્ત્રોના જોરે ભયનું વાતાવરણ પેદા કરી કન્સ્ટ્રક્શનને ખોરંભે પાડી દે છે. આના ફળસ્વરૂપે થયું છે એવું કે ભારત-ચીન સરહદ નજીકના ભારતીય વિસ્તારોમાં આપણી સરકારે રોડ-રસ્તાના બધું મળી જે ૭૩ પ્રોજેક્ટ્સ થોડાં વર્ષ અગાઉ હાથ ધર્યા તે પૈકી માત્ર ૧૨ પ્રોજેક્ટ્સ પાર પડી શક્યા છે. બાકીના લગભગ દરેકમાં ચીની દૈત્ય સતત વિઘ્નો નાખતો આવ્યો છે. અરુણાચલ પ્રદેશની જેમ આપણા લદ્દાખ પર તેમજ ઉત્તરાખંડના ઉત્તરી પ્રદેશો પર ચીની ડ્રેગનનો ડોળો મંડાયેલો છે. મોકો આવ્યે તે પ્રદેશો હડપ કરી લેવાની તે પેરવીમાં છે.

સમાચાર-૪ : જાન્યુઆરી, ૨૦૧૧માં બિજિંગ ખાતે વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે જવા માગતા અરુણાચલ પ્રદેશના બે વેઇટલિફ્ટર ખેલાડીઓને દિલ્હી એરપોર્ટ પર રોકી પાડવામાં આવ્યા, કેમ કે તેમના પાસપોર્ટ પર બિજિંગ સરકારની મહોરવાળા વિઝા ન હતા. ચીને તેમને વિઝા અલાયદા કાગળ પર પ્રિન્ટઆઉટના સ્વરૂપે આપ્યા હતા. 

સમાચારની પાછલી બાજુ : ભારતના અરુણાચલ પ્રદેશનો વતની ચીન જવા માગતો હોય તો તેને બિજિંગ સરકાર ભારતીય પાસપોર્ટના પાને કદી વિઝા આપતી નથી, કેમ કે ચીનના મતે અરુણાચલ પ્રદેશ ભારતની માલિકીનું નથી બલકે ચીનનો જ એક ભાગ છે. અરુણચાલ પ્રદેશ જો ચીનનું છે, તો ત્યાંનો નાગરિક ભારતીય પાસપોર્ટધારક શા માટે હોવો જોઇએ ? એવું લોજિક બિજિંગ સરકાર લડાવે છે. પરિણામે અંગ્રેજીમાં જેને સ્ટેપલ્ડ વિઝા કહેવાય એવો પ્રિન્ટઆઉટરૂપી વિઝા અરુણાચલ પ્રદેશના નાગરિકને તે ઇશ્યૂ કરે છે. (FYI: અરુણાચલ પ્રદેશના નાગરિક પાસે ચીની સરકાર વિઝા ફી લેતી નથી). આ તરફ જમ્મુ-કાશ્મીર માટે પણ ચીને વિઝાના મામલે અરુણાચલ પ્રદેશ જેવી જ નીતિ અપનાવી છે. આપણા જમ્મુ-કાશ્મીર રાજ્યને તે પોતાની તેમજ પાકિસ્તાનની સહિયારી માલિકીનું ગણે છે. પરિણામે એ રાજ્યના લોકોને પણ બિજિંગ સરકાર સ્ટેપલ્ડ વિઝા આપે છે. પારકા પ્રાંતોને પોતાના ગણાવવાની બાબતે ચીન કેટલું ઝીણું કાંતે છે તેનો દાખલો સ્ટેપલ્ડ વિઝા છે.

સમાચાર-૫ : રશિયામાંથી સ્વતંત્ર દેશ તરીકે છૂટા પડેલા તાજિકિસ્તાનનો ૧,૦૦૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ જાન્યુઆરી, ૨૦૧૧માં ચીને વિના યુદ્ધે પોતાની છાબડીમાં ખેરવી લીધો.

સમાચારની પાછલી બાજુ : ચીન-તાજિકિસ્તાન સરહદ નજીક પામીર પર્વતમાળાનો વિસ્તાર બિજિંગ સરકારના મતે વર્ષો થયે ચીની માલિકીનો છે, જેને તાજિકિસ્તાને અત્યાર સુધી દાબી રાખ્યો હતો. પામીરનો પ્રદેશ પરત કરવા માટે ચીન ઘણા વખતથી તાજિક સરકારને દબાણ કરી રહ્યું હતું. સરકારે આખરે ચીનના લશ્કરી મસલપાવર સામે ઝૂકવું પડ્યું અને ૧,૦૦૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ ભેટ ધરી દેવો પડ્યો. આટલેથી વાત અટકે તેમ નથી, કેમ કે ચીનનો ડોળો પામીરના ૨૮,૫૦૦ ચોરસ કિલોમીટરના પ્રદેશ પર છે--અને લશ્કરી તાકાતના જોરે તે પ્રદેશ ચીન ભવિષ્યમાં આંચકી લેવાનું છે. મધ્ય એશિયામાં પોતાના ઔદ્યોગિક તેમજ લશ્કરી હિતો જોતું ચીન તાજિકિસ્તાન, કિર્ગિઝ્સ્તાન, કઝાખસ્તાન વગેરે દેશોના સરહદી પ્રદેશો પચાવી પાડવા ભારે ઉત્સુક છે. વિકિલિક્સના એક રિપોર્ટ મુજબ કિર્ગિઝ્સ્તાનમાં અમેરિકાનાં લશ્કરી મથકો બંધ કરાવવા બિજિંગ સરકારે કિર્ગિઝ્સ્તાનને ૩ અબજ ડોલરની લાંચ ધરી હતી. મધ્ય એશિયામાં તેમજ વાયા કાસ્પિયન સમુદ્ર રશિયા-યુરોપમાં ચીની માલ ખડકવા માટે વ્યાપારી દ્રષ્ટિએ કિર્ગિઝ્સ્તાન ચીન માટે બહુ મહત્ત્વનું મથક છે. આ દેશમાં અમેરિકન લશ્કરની હાજરી બિજિંગ સરકારને ખૂંચે છે, એટલે અમેરિકાને ત્યાંથી હડસેલી મૂકવા માટે કિર્ગિઝ્સ્તાન પાસે નાણાંકોથળી તેણે ખૂલ્લી મૂકી હોય એ બનવાજોગ છે. 

નેપાળ, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ અને તાજિકિસ્તાન ઉપરાંત બાંગલા દેશ અને મ્યાનમારમાં પણ ચીન ધીમે ધીમે પોતાનો પગદંડો જમાવી રહ્યું છે. હિંદી મહાસાગર મારફત જહાજી ટ્રાફિક ચલાવી શકાય એવું એકેય બંદર ચીન પાસે નથી, એટલે બાંગલા દેશમાં તેમજ મ્યાનમારમાં લશ્કરી તેમજ વ્યાપારી બંદરો સ્થાપવાનો તેનો લાંબા ગાળાનો પ્લાન છે. ટૂંકમાં, આવતી કાલનું સુપરપાવર રાષ્ટ્ર બનવા માગતું ચીન પોતાનો ભૌગોલિક તેમજ લશ્કરી સાથરો વિસ્તારી રહ્યું છે. આયોજન બહુ ગણતરીપૂર્વકનું છે. Better do in inches than in yards એવા મતલબની ચીની કહેવતને બિજિંગ સરકાર શબ્દશઃ અનુસરી રહી છે. દુશ્મન તરફ દબાતા પગલે જવું અને પછી એકાએક તેને ધમરોળી દેવો એ ચીની ડ્રેગનની ખૂબી છે. 
 
વર્ષો પહેલાં તિબેટને ચીન એકાએક ગળી ગયું ત્યારે જગત સ્તબ્ધ રહી ગયું. હવે ચીની ડ્રેગનનો કોળિયો બનવાનો વારો કદાચ નેપાળનો છે અને ત્યાર પછી સંભવતઃ ભારતના અરુણાચલ પ્રદેશનો અને લદ્દાખનો ! ચીની ડ્રેગનની હિલચાલને હળવાશથી લેતી દિલ્હીની કુંભકર્ણ સરકાર ત્યારે સફાળી જાગશે, પરંતુ અવસર ગયે બુધ ક્યા કરની?

Monday, November 2, 2009

ન્યૂઝ ફ્લેશઃ ભારતની બ્રહ્મપુત્ર નદીને ચીન હાઇજેક કરી ગયું!

સંપાદકનો પત્ર
'સફારી'
 November, 2009

શીર્ષકમાં જે ચોંકાવનારૂં વાક્ય લખ્યું છે તે ભવિષ્યમાં અખબારોમાં સમાચારરૂપે વાંચવા મળે તે બનવાજોગ છે. વાત દૂરના ભવિષ્યની છે કે નજીકના ભવિષ્યની એનું મહત્ત્વ નથી. ચિંતાજનક બાબત એ છે કે ચીની ડ્રેગનનો ડોળો ભારતના સરહદી પ્રદેશો પછી હવે ભારતમાં વાયા ચીન અને તિબેટ પ્રવેશતી નદીઓ પર સ્થાયી થયો છે.

૧૯૫૯ થી સતત પચાસ વર્ષ સુધી ભારતને ઘોંચપરોણા કરતા આવેલા (અને બદલામાં આપણી માટીપગી સરકારો દ્વારા આળપંપાળનો લહાવો માણતા રહેલા) ચીનના નવા કાંકરીચાળા અંગે તાજા ખબર વાંચો--

ચીને બ્રહ્મપુત્ર નદીના ૫૦% કરતાં વધુ જળપ્રવાહને તેના ગોબી રેગિસ્તાન તરફ વાળી એ પ્રદેશને હરિયાળો બનાવવાનો એન્જિનિઅરિંગ પ્લાન તૈયાર કરી નાખ્યો છે. એક પશ્ચિમી સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ પ્લાન અનુસાર કામકાજ આરંભી દીધું છે. ભારતની અનુમતિ લેવાનું તો ઠીક, બલકે ભારતને જાણ કરવાનું પણ તેણે જરૂરી માન્યું નથી. ભારત તેને મન નીચી બોરડી છે, જેને ગમે ત્યારે અને ગમે તેટલી વખત ખંખેરી શકાય છે.

હાઇજેકિંગની રાહે ‘મલ્ટિનેશનલ’ નદીના પ્રવાહને આંતરરાષ્ટ્રીય શિષ્ટાચારની ઐસી તૈસી કરીને ઉપરવાસમાં આંતરી લેવો એ ચીન માટે નવી વાત નથી. પાંચ વર્ષ પહેલાં તેણે માનવાન અને દચાઓશાન નામના બે ગંજાવર બંધો વડે મેકોંગ નદીને બાન પકડી અને હેઠવાસ તરફ જતા મેકોંગના જળપ્રવાહને ખાસ્સો ઘટાડી નાખ્યો. આ નદી ૪,૧૮૦ કિલોમીટર લાંબી છે. ઉદ્દભવ ચીનમાં થાય છે, પરંતુ મોટા ભાગની મજલ તે થાઇલેન્ડ, કમ્બોડિયા, લાઓસ, વિયેતનામ તથા મ્યાનમાર એમ પાંચ દેશોમાં ખેડે છે. ચીનની યોજના જાણ્યા પછી એ દેશોએ મેકોંગના જળભંડારની ફાળવણી અંગે સમજૂતી પર આવવા માટે સમિતિ રચી, પરંતુ ચીન તેમાં જોડાયું નહિ. હવે તેના બહારવટાનું માઠું ફળ પાંચેય દેશો લાચારીપૂર્વક વેઠી રહ્યા છે. દાખલા તરીકે અગાઉ કમ્બોડિયાને મેકોંગના સમૃદ્ધ વહેણમાંથી દર વર્ષે ૨૦ લાખ ટન માછલાંનો પુરવઠો મળી રહેતો, પરંતુ ચીનના બંધોને કારણે જળપ્રવાહ કપાયા બાદ આજે તેનો મત્સ્યોદ્યોગ ખાડે ગયો છે. ઊંડાઇ ઘટ્યા પછી આંતરિક જળમાર્ગ તરીકે પણ મેકોંગનો ઉપયોગ સીમિત બન્યો છે. વિયેતનામ, લાઓસ, મ્યાનમાર અને થાઇલેન્ડ માટે પણ સ્થિતિ ખાસ જુદી નથી. ભવિષ્યમાં ઓર બગડી શકે, કારણ કે ચીન મેકોંગ આડે વધુ બે મોટા બંધો ચણી રહ્યું છે.

બ્રહ્મપુત્રની વાત કરો તો ચીન દ્વારા તેનું સંભવિત હાઇજેકિંગ ભારતને ક્યાંય વધુ કફોડી સ્થિતિમાં મૂકી દે તેમ છે. પહેલાં જો કે બ્રહ્મપુત્ર પર ચીનનો ડોળો કેમ મંડાયો તેનો ખુલાસો જોઇએ. ઉત્તરપશ્ચિમનું ગોબી રેગિસ્તાન ચીનનો (તથા અમુક હદે મોંગોલિયાનો) ૧૩,૦૦,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ રોકે છે અને તેની સીમારેખા બધી તરફ વાર્ષિક ૩ કિલોમીટર લેખે ફેલાતી જાય છે. આજે પાટનગર બિજિંગ સાથે તેને માત્ર ૧૬૦ કિલોમીટર જેટલું છેટું રહ્યું છે. ગોબી ઠંડું રણ છે. પાણી વડે તેને નવસાધ્ય કરી શકાય, પરંતુ ચીનનો મીઠા પાણીનો ફક્ત ૭% જેટલો પુરવઠો ગોબીમાં છે. ચીન પોતાની હુઆંગ-હો અને યાંગત્સે જેવી એકેય નદીને રણ તરફ વાળવા માગતું નથી, કેમ કે એ નદીઓ પર જળવિદ્યુત મથકો સ્થપાયાં છે અને સિંચાઇ માટે નહેરોનું વ્યાપક નેટવર્ક રચવામાં આવ્યું છે.

તિબેટમાં કૈલાસ પાસે જન્મ લેતી (અને તિબેટમાં ત્સાંગ-પો તરીકે ઓળખાતી) બ્રહ્મપુત્ર નદીની બાબતે ચીને કશું ગુમાવવાનું રહેતું નથી. (એટલાસમાં બ્રહ્મપુત્રના વહેણનો માર્ગ તપાસો). હિન્દુ પુરાણોએ નદીને નદ તરીકે ઓળખાવેલી બ્રહ્મપુત્રનું વાર્ષિક ૭૧.૪ અબજ ઘન મીટર જેટલું પાણી છેવટે અરુણાચલ પ્રદેશના સીમાડા ઓળંગીને ભારતમાં વહી જાય છે, એટલે ચીનને ગોબી માટે તેનું ૪૦ અબજ ઘન મીટર જેટલું પાણી તિબેટ ખાતે જ આંતરી લેવાનું પ્રલોભન થાય તેમાં આશ્ચર્ય નથી. ઇજનેરી દ્રષ્ટિએ તે કામ પડકારરૂપ નીવડે, પરંતુ ચીન પાસે તેના માટેની જરૂરી ટેક્નોલોજિ છે અને ભરચક તિજોરી પણ છે.

માની લો કે આંતરરાષ્ટ્રીય શિષ્ટાચારને અવગણી ચીન પોતાનું ધાર્યું કરીને રહ્યું, તો ભારત કેટકેટલી રીતે મુસીબતમાં આવે પડે તેની હિટલિસ્ટ જેવી યાદી વાંચો--

  • ભારતની જળવિદ્યુતને લગતી ક્ષમતા ૧,૫૦,૦૦૦ મેગાવૉટ છે. આમાંથી ૫૪,૦૦૦ મેગાવૉટ જેટલી ક્ષમતા પૂર્વોત્તર રાજ્યોમાં (મુખ્યત્વે અરુણાચલ પ્રદેશમાં) છે, જ્યાં બ્રહ્મપુત્ર મુખ્ય નદી છે. આ સમૃદ્ધ નદી દ્વારા ભારતને પ્રાપ્ત થવાપાત્ર જળવિદ્યુત ૨૮,૫૦૦ મેગાવૉટ કરતાં ઓછી નથી, જે પૈકી ૨,૦૦૦ મેગાવૉટની પ્રાપ્તિ માટે NHPC/નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશને પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને બીજા ૨૩,૫૦૦ મેગાવૉટનો કોન્ટ્રાક્ટ રિલાયન્સ પાવરને, એથેના એનર્જી એન્ડ માઉન્ટેન ફોલ્સ લિમિટેડને તથા જયપ્રકાશ પાવરને આપ્યો છે. હવે એ દરેક પ્રોજેક્ટ ત્રિશંકુની દશામાં આવી પડ્યો છે અને છેવટે અબજો રૂપિયાનો ખર્ચ માથે પડે એવી હાલત છે. ટૂંકમાં, ભારતે ફક્ત પાણીની નહિ, વીજળીના ખાતે પણ જે નુકસાન વેઠવાનું થાય તે જેવું તેવું નથી. ચીની સરકારની ગુસ્તાખ હરકત ચાંચિયાગીરી કરતાં સહેજ પણ કમ નથી.
  • બ્રહ્મપુત્રએ આસામને ફળદ્રુપ બનાવ્યું છે. શણની, ચાની અને ડાંગરની મબલખ પેદાશ તેને આભારી છે. ચોમાસા દરમ્યાન નદી બે કાંઠે થાય ત્યારે બન્ને તરફ ડાંગરનાં ખેતરોને સિંચાઇનું પાણી કુદરતી રીતે મળી રહે છે. વહેણ પચાસ ટકા જેટલું કપાયા પછી ભારતે આવા બધા નૈસર્ગિક (અને સરવાળે આર્થિક) લાભો ગુમાવવા પડે તેમ છે--અને તે પણ વળી એવા લાભો કે જેમનું તે કાયદેસર હક્કદાર છે.
  • ભારતમાં બ્રહ્મપુત્રનો ૯૧૮ કિલોમીટર લાંબો પ્રવાહ માલની અને મુસાફરોની હેરફેર કરતી નૌકાઓના જળમાર્ગ તરીકે વપરાય છે. હાઇવે જેટલું જ તેનું મહત્ત્વ છે. ઉપરવાસ અને હેઠવાસ વચ્ચે પુષ્કળ ટ્રાફિકની આવનજાવન રહે છે. (‘સફારી’ની પ્રવાસી ટીમ તેનો અભિભૂત કરી દેતો અનુભવ મેળવી ચૂકી છે). પરિવહનના ક્ષેત્રે આસામ માટે બ્રહ્મપુત્ર ધોરી નસ છે. જળપ્રવાહ ઘટ્યા પછી નદીની સંખ્યાબંધ વિશાખાઓ ખાસ કરીને શિયાળા દરમ્યાન કોરા પટમાં ફેરવાય અને નદી સાથે જે તે વિશાખાનું જોડાણ કપાતાં હજારો ગામડાં વિખૂટાં પડી જવા પામે. ગામલોકો રોજીરોટી માટે અહીંથી ત્યાં આવજા કરી ન શકે અને વધુમાં તેમને રોજિંદી જીવન જરૂરિયાતની ચીજો પહોંચાડવાનું મુશ્કેલ બને. મત્સ્યોદ્યોગને પડતો ફટકો વધુ ગંભીર નીવડે, કેમ કે આસામની (તેમજ અરુણાચલની) પ્રજાના આહારમાં માછલાં કેન્દ્રસ્થાને છે. બ્રહ્મપુત્રની દુર્લભ સ્પિસિસની ડોલ્ફિન જેવી વિરલ જળસૃષ્ટિનો અને જળપ્લાવિત વનસ્પતિસૃષ્ટિનો લાંબે ગાળે જે વિનાશ થાય એ વળી પર્યાવરણની દ્રષ્ટિએ મોટું નુકસાન છે.
પરિસ્થિતિની ગંભીરતાનો હજી સ્પષ્ટ ખ્યાલ મેળવવો હોય તો મગજમાં બે મુદ્દાઓ બરાબર નોંધી લો--

(૧) ભારતમાં તાજા પાણીનો વ્યક્તિદીઠ વાર્ષિક પુરવઠો ૩,૯૨૦ ઘન મીટર કરતાં વધારે નથીએટલે કે રોજનો માત્ર ૧૦.૭૫ ઘન મીટર જેટલો છે અને તેમાં ઔદ્યોગિક તેમજ કૃષિના ક્ષેત્ર માટે વપરાતા જથ્થાનો પણ સમાવેશ થાય છે. કેટલાક રેગિસ્તાની દેશોને તથા માલદીવ જેવા ટાપુસમૂહોને બાદ કરો તો બીજે ક્યાંય મીઠા પાણીની આટલી કારમી તંગી નથી. (અમેરિકાનો ફિગર : ૧૦,૩૩૩ ઘન મીટર). ચીનના પાપે બાર મહિને પુરવઠામાં ૪૦ અબજ ઘન મીટરનો કાપ આવે તે હરગીઝ પોસાય નહિ.

(૨) ભવિષ્યની વાત કરો તો પ્રશ્ન એકલી બ્રહ્મપુત્ર નદીનો નથી. ઉત્તર ભારતની ગંગા સિવાયની બધી નદીઓ ચીનશાસિત તિબેટમાં જન્મ લે છે. ગંગાની પણ બે મુખ્ય શાખાઓ તિબેટમાંથી આવે છે. ધારો કે ચાંચિયા સ્વભાવનું ચીન બ્રહ્મપુત્રના મામલે પોતાનું ધાર્યું કરીને રહ્યું અને પચાસ વર્ષ થયે ચીનને પસવાર્યા કરતું ભારત મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતું રહ્યું, તો એ ડ્રેગન દેશ ભારતને બોડી બામણી સમજી આવતી કાલે બીજી પણ નદીઓને પોતાના ભૌગોલિક પ્રદેશ તરફ ન વાળે તેની ગેરન્ટી છે ખરી ?

દેશ સામે આટલો મોટો પ્રશ્ન ઊભો છે, છતાં ભારતની નિર્માલ્ય સરકારોના પેટનું પાણી સુદ્ધાં હલતું નથી. જાડી ચામડીના નેતાઓ માટે તો શું કહીએ ?