20150101

મળવા જેવા માણસ – ચિંતન વૈષ્ણવ


CV_1
       ચિંતનભાઈનો જન્મ ૧૯૭૧ માં અમદાવાદમાં થયેલો. માતા-પિતા બન્ને ડોકટર હોવાથી પૈસે-ટકે સુખી કુટુંબ ગણાતું. ચિંતનભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શાળાનો અભ્યાસ વડોદરાની એલેંબિક વિદ્યાલયમાં કરેલો અને અહીંથી જ એમણે ૧૯૮૬ માં SSC અને ૧૯૮૮ માં HSC ની પરિક્ષાઓ પાસ કરી. શાળામાં ચિંતનભાઈની ગણના તેજસ્વી વિદ્યાર્થીઓમાં થતી, પણ એમનું બારમા ધોરણમાં એમનું પરિણામ થોડું નબળું આવ્યું. આજે પાછું ફરીને જોતાં એમને લાગે છે કે કદાચ બારમા ધોરણમા અભ્યાસ સિવાયની ઈતર પ્રવૃતિઓમા વધારે પડતો સમય આપવાથી આવું થયું હશે, દાખલા તરીકે એમણે ૧૯૮૭ માં જ ક્લાસિકલ સંગીતમાં B.A. ની ડીગ્રી મેળવી લીધેલી.
        HSC માં ઓછા માર્કસ આવ્યા છતાં એમના માતા-પિતાએ ભવિષ્યનો વિચાર કરી એમને બેંગ્લોરની R.V. કોલેજમાં Electronics and Communications ના કોર્સમા દાખલ કર્યા અને ૧૯૯૨ માં એમણે અહીંથી B.E. ની ડીગ્રી પ્રાપ્ત કરી. આજે પણ ચિંતનભાઈ માને છે કે ઘરથી દૂર બેંગલોરમાં ગાળેલા આ ચાર વર્ષ દરમ્યાન એમને જે ગુણીજનો અને વાતાવરણ મળ્યું કે તેણે જીવન વિષે વિચારવાની એમની દ્રષ્ટી જ બદલી નાખી.
      બે વર્ષ ભારતમાં કામ કરી, ૧૯૯૪ માં ઉચ્ચ અભ્યાસ માટે ચિંતનભાઈ અમેરિકા આવ્યા અને અમેરિકામાં રહી એમણે ૧૯૯૬ માં M.S. in Electrical Engineering ની ડીગ્રી મેળવી. ડીગ્રી મેળવ્યા બાદ એમણે Lucent Technologies-Bell Laboratories માં નોકરી સ્વીકારી. મારો દિકરો ભાવેશ પણ આ જ કંપનીમાં કામ કરતો હતો. ચિંતનભાઈ અને ભાવેશ મિત્રો બની ગયા હોવાથી, મારો ચિંતનભાઈ સાથે આ સમય ગાળામાં પરિચય થયો. એ સમયે મારા અમેરિકામાં ટુંકા રોકાણ દરમ્યાન જ હું ચિંતનભાઈની કેટલીક ખાસીયતોથી પ્રભાવિત થયો હતો. એમની વાતચીતમાં ગંભીરતા, એમની મિત્રો પ્રત્યેની લાગણી, એમનો સંગીત પ્રેમ અને એમની Brain Storming ની આદતે મારૂં ખાસ ધ્યાન દોરેલું.
CV_2
       જાન્યુઆરી ૨૦૦૦ માં ચિંતનભાઈના લગ્ન હેતલ બુચ નામની ગુજરાતી યુવતી સાથે થયા. આજે ચૌદ વરસ પછી ચિંતમભાઈ કહે છે કે મારા જીવનમાં મળેલી અતિ પ્રેમાળ અને લાગણીશીલ વ્યક્તિઓમાં હેતલ મોખરે છે. લગ્નબાદ અમેરિકા આવ્યા પછી તરત જ હેતલબેને પણ વધારે ભણવાનું શરૂ કરી દીધું અને Computer વિષયક M.S. ડીગ્રી મેળવી લીધી.. હાલમાં આ દંપતી પોતાની સાડાચાર વર્ષની પુત્રી સાન્વીના ઘડતરમાં ફાળો આપી રહ્યા છે.
CV_3
      રીસર્ચ-ક્ષેત્રે અગ્રેસર એવી Bell Laboratory માં નોકરી કરવા છતાં પણ એક વાત ચિંતનભાઈને વારંવાર ખટકતી કે, ટેકનોલોજીમાં એટલી પ્રગતિ પછી પણ ગરીબી અને ભૂખમરા જેવી મૂળભૂત સમસ્યાઓનો હલ આપણે શામાટે લાવી શક્યા નથી? થોડા વિચાર પછી તેમને એમ સમજાયું કે આ પ્રશ્નનો જવાબ આપવા તેમણે engineering ઉપરાંત વિષયો સમજવા પડશે। આથી, 2003 માં આ સારા પગારની નોકરી છોડી એમણે 2005 સુધી SM in Technology and  Policy નો અભ્યાસ કર્યો અને 2005 થી 2009 સુધી Technology, Policy, and  Management નો અભ્યાસ કરી Ph.D ની ડીગ્રી પ્રાપ્ત કરી. આ જ્ઞાન પ્રાપ્તિ યજ્ઞ દરમ્યાન પાંચ વર્ષ માટે ઘર ચલાવવા એમને અને એમની પત્નીને MIT ની Under Graduate Students Hostel ના વોર્ડન તરીકે કામ કરવું પડેલું. આ પરિસ્થિતીને પણ Positive દ્ર્સ્ટીથી જોતાં ચિંતનભાઈ કહે છે, “આ કામ કરતાં કરતાં મને યુવા માનસમાં ડોકિયું કરવાની તક મળી. મોટા ભાગના ગોરા વિદ્યાર્થીઓથી ભરેલી આ MIT ની હોસ્ટેલના ઇતિહાસમાં, અમે પહેલા જ અમેરિકામાં નહિં જન્મેલા, અને ગોરા નહિં એવા વોર્ડન હતા. પણ પ્રેમ અને સમજદારીથી અમે વિદ્યાર્થીઓનો સારો એવો પ્રેમ સંપાદન કરેલો.”
       ચિંતન વૈશ્નવ MIT ની Sloan School  માં સીનીયર લેકચરર છે.તેમની રીસર્ચ મહદઅંશે બે વિષયો ઉપર કેન્દ્રિત છે. મુખ્યત્વે, તેઓ આર્થિક અને સામાજિક ભીડમાં જીવી રહેલ વિસ્તારોની સમસ્યાઓ માટે ટેક્નોલોજી અને વ્યવાસ્થાત્મક ઉપાયો ઉપર શોધખોળ કરી રહ્યા છે.  તદોપરાંત, તેઓ ટેકનોલોજી માં આવતા ઝડપી ફેરફારો ને કાર્યકરો, પ્રશાશકો અને નિયમનકારો કઈ રીતે સમજી શકે તેનો અભ્યાસ કરી રહ્યા છે. તેમનું આ કામ ખેતીવાડી, ઈન્ટરનેટ અને ટેલીકોમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, અને શહેરીકરણ ને સમજવામાં ફાળો આપી શકે તેમ છે. ચિંતનભાઈ કહે છે કે તેમના કાર્યકાળ દરમ્યાન સૌથી યાદગાર પ્રસંગ એ રહ્યો છે તેઓ MIT માં જે ક્લાસને ભણાવે છે તેમાં એક વાર રતન ટાટા આવેલા.
       ચિંતનભાઈની હાલની પ્રવૃતિઓ માત્ર બે વસ્તુઓ ઉપર કેંદ્રીત છે. (૧) શિક્ષણ આપવું, અને લોકોને પોતાનું જીવન સુધારવાની શક્તિ પ્રદાન કરવા શોધખોળ કરવી. અને (૨) એમની આસપાસના લોકોને એમની શક્તિની ચરમ સીમા સુધી પહોંચવામાં મદદરૂપ થવું. સ્કોલરશીપ અંગેની લોકોની મૂળભૂત મુશ્કેલીઓનું સંકલન કરી સમાધાન શોધવા માટે પણ ચિંતનભાઈ કાર્યરત છે. ચિંતનભાઈ માને છે કે રચનાશક્તિ નો ધ્યેય જનકલ્યાણ છે.
        ચિંતનભાઈ કહે છે એ ઈશ્વરનો આભાર માને છે કે ગાંધીજી સાથે નજીકનો સંબંધ ધરાવતા એમના નાના શ્રી પ્રતાપરાય તુલજાપ્રસાદ છાયાએ એમને પ્રમાણિકતા અને પરિશ્રમનું જે મહત્વ સમજાવેલું એનું એ પોતે કુતુહલ અને હિંમતથી અનુસરણ કરવાની કોશીશમાં રહ્યા છે.
-પી. કે. દાવડા