20150101

મળવા જેવા માણસ-૩૮ (શ્રી અરવિંદ અડાલજા)

અરવિંદભાઈનો જન્મ ૧૯૩૯ માં જામનગરમાં થયો હતો. એમના જન્મના ત્રણ-ચાર મહિના બાદ જ એમના પિતાનું અકાળ અવસાન થયું. અરવિંદભાઈ અને એમની મોટી બહેનને ઉછેરવાની જવાબદારી એમના માતા, નાની અને પરદાદાએ નિભાવી. પરદાદાને મળતું નજીવી રકમનું પેનશન અને માતા અને નાની ને નાના-મોટા કામો કરી મળતી આવકમાંથી કુટુંબનો  નિભાવ થતો.
અરવિંદભાઈનું પ્રાથામિક શાળાનું શિક્ષણ ગામની શાળામાં થયું. માધ્યમિક શાળાનું શિક્ષણ નવાનગર હાઈસ્કૂલમાં થયું. અહીંથી તેમણે ૧૯૫૬ માં SSC પરીક્ષા પાસ કરી. SSC બાદ તેમણે જામનગરની ડી. કે. વી. કોલેજમા આર્ટસમાં પ્રવેશ મેળવી, ૧૯૬૦ માં  અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર(Political Science) માં B.A. ની ડીગ્રી મેળવી. શાળા અને કોલેજના અભ્યાસ દરમ્યાન એમને મોઢ-વણિક જ્ઞાતિની સંસ્થાએ ખૂબ જ સહાય કરી. વાંચનનો શોખ એમનો શાળાના સમયની શરૂ થઈ ગયેલો, જે કોલેજના અભ્યાસ દરમ્યાન પણ જળવાઈ રહ્યો. અરવિંદભાઈ કહે છે, “વાંચને મને તટસ્થાતાથી વિચારવા પ્રેર્યો અને મારાં વિચારો પૂર્વગ્રહ રહિત તથા પ્રી કંડીશન્ડ નહિ થતાં ખૂલ્લા મને વિચારી મારાં પોતાના વિચારો ઘડતા શીખવ્યો.”
B.A. નો અભ્યાસ પુરો કરી, બેંકમાં નોકરી કરતાં કરતાં એમણે રાજકોટની લૉ કોલેજમાં અભ્યાસ કરી, ૧૯૬૨ માં L. L. B. ની ડિગ્રી મેળવી. નોકરી હોવાથી આર્થિક ભીંસમાંથી થોડી રાહત મળી.વકીલાત કરવા તેમની પસંદગી જામનગર ઉપર હતી, એટલે એમણે બેંકને વિનંતી કરી, પોતાની બદલી જામનગર ખાતે કરાવી લીધી. અહીં વકિલાત શરૂ કરતાં પહેલાં જ એમના હાથમાં “An Art Of An Advocate” પુસ્તક આવ્યું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક લાઈનમાં લખેલું, “WE HAVE TO LIVE ON OTHERS MISFORTUNE”. આ વાક્યે એમને વિચારતા કરી મૂક્યા. એમણે વકિલાત કરવાને બદલે બેંકની નોકરીમાં જ રહેવાનો નિર્ણય કર્યો.
૧૯૬૩ માં અરવિંદભાઈના લગ્ન હસુમતિબેન (કલ્પનાબેન) સાથે અત્યંત સાદાઈ પુર્વક થયા. આદંપતીને બે પુત્રીઓ અને એક પુત્રની પ્રાપ્તી થઈ. ૩૭ વર્ષના અત્યંત સુમેળ ભર્યા દાંપત્યજીવનબાદ, કલ્પના બહેનનો ૨૦૦૦ માં કેન્સરની બિમારીથી અવસાન થયું. અરવિંદભાઈ કલ્પનાબહેન વિષે કહે છે, “મારી જીવનસંગીનીએ અભ્યાસ ઈંટર આર્ટ્સ સુધી કરી છોડી દીધો હતો. પિયરમાં એકની એક દિકરી તરીકે લાડ-કોડમાં ઉછરેલી, સાસરવાસમાં એક અત્યંત સમજદાર,કુશળ અને પરગજુ ગૃહિણિ પુરવાર થઈ.”
clip_image004
અરવિંદભાઈ, કલ્પનાબેન, ત્રણ બાળકો અને અરવિંદભાઈના માતા, એમ છ જણાના સુખેથી ચાલતા પરિવારમાં ૧૯૭૬ માં કટોક્ટી ઉભી થઈ. અચાનક એમના બનેવીનું અવસાન થતાં બહેનઅને એના ચાર બાળકોની તમામ જવાબદારી અરવિંદભાઈ ઉપર આવી પડી. આ સમયે તેઓજૂનાગઢમાં હતા.આમ એમના કુટુંબના છ અને બહેનના કુટુંબના પાંચ મળી ૧૧ વ્યક્તિની તમામ પ્રકારની જવાબદારી નિભાવવામાં એમની પત્ની કલ્પનાબેને  સિંહનો ફાળો આપ્યો. એ સમયને યાદ કરી અરવિંદભાઈ કહે છે, “કપરા કાળમાં જ વ્યક્તિની સમજદારી-કુનેહ, કુશળતા તથા વ્ય્વહારિક સમજની કસોટી થતી રહે છે, જેમાં મારી કલ્પુએ અમોને પાર ઉતાર્યા. આ સમય દરમિયાન એણે નોકરી કરી, કરકસરથી બંને પરિવારને સાચવ્યા, ઉપરાંત પાંચ વર્ષ સુધી પોતાના માટે એક કપડું નહિ ખરીદ્યું. અમારા બાળકોને પણ સાદાઈ અને કરકસરથી જીવન બસર કરવાના સંસ્કાર આપ્યા.બહેનની ત્રણ દિકરી અને એક દીકરાના શિક્ષણ, લગ્ન વગેરે સમજદારી પૂર્વક સાદાઈથી કરી, તેમને સર્વેને પોતાના પગ ઉપર ઉભા કરી તેમનો સંસાર વસાવી આપ્યો.સંસાર ચલાવવાની તેની કુનેહ અને હોંશિયારીને કારણે અમે અમારાં સ્વપનનું પોતીકું ઘર ” વિસામો ” બનાવી શક્યા, ઉપરાંત બાળકોના લગ્ન વગેરે પણ સારી રીતે ઉકેલી શકયા.”
અરવિંદભાઈ અને કલ્પનાબહેનના વિચારોનું એમના બાળકોએ પણ એમના પોતાના જીવનમાં અનુસરણ કર્યું છે. સ્વાલંબન, સાદગી અને કુટુંબ વત્સલતાના ગુણો એમના ત્રણે બાળકોએ અપનાવ્યા છે. જરૂરત વખતે સખત પરિશ્રમ કરી કુટુંબની મુશ્કેલીઓનો સામનો કરવામાં હાથ બઢાવ્યો છે, અને સમાજના ખોટા રીત રિવાજને તિલાંજલી આપી, એમણે સાદાઈથી લગ્ન કર્યા છે.ત્રણે બાળકો હવે જીવનમાં ઠરીઠામ થઈ પોતપોતાનું જીવન વ્યતિત કરે છે.
અરવિંદભાઈ અંધ શ્રધ્ધાથી ખૂબ જ દૂર રહે છે. ગ્રહદશા, બાધા-આખડી, શુકન-અપશુકન વગેરેમાં જરાપણ વિશ્વાસ ધરાવતા નથી. આજકાલ મંદિરોના હાલચાલ વિષે તેઓ કહે છે, “આપણાં દેશમાં મંદિરો વ્યવસાય બની ચૂક્યા છે. મંદિરોની ભવ્યતા, અઢળક ધનરાશી, સાધુ-સ્વામીઓ અને મહંતોની વૈભવી જીવન શૈલી જોઈ મગજ ચકનાચુર બની જાય છે. પશ્ચિમના દેશોને વાર તહેવારે ભાંડતા આ લોકો તેમના દ્વારા શોધાયેલી તમામ ચીજ-વસ્તુઓ પ્રેમથી વાપરે છે, અને ઉનાળાનાચાતુર્માસ પણ વિદેશમાં વિતાવે છે. આ લોકોની ધાર્મિકતા-આધ્યાત્મિકતા, નિષ્ઠા કેટલી પ્રમાણિક હોઈ શકે તેવો પ્રશ્ન મને સતત સતાવ્યા કરે છે.” વધુમાં તેઓ કહે છે, “દેશભરમાં અનેક મંદિરો અસ્તિત્વમાં હોવા છતાં સંપ્રદાયોની હરીફાઈને કારણે નવા મંદિરો બંધાયે જાય છે. આ મંદ્દિરો બાંધવા કે પુરાણા મંદિરોને ભવ્યાતિભવ્ય બનાવવા દાનવીરો દાન આપતા રહે છે. આવી દાનમાં આવતી ધનરાશી કયા વ્યવસાયમાંથી દાનવીરે પ્રાપ્ત કરી છે તે કોઈ દાન સ્વીકારનાર સાધુ-સંત-સ્વામી કે મંહત પૂછતા હોવાનું જાણ્યું નથી. મોટે ભાગે આ ધનરાશી ગેરરીતી દ્વારા મેળવેલી હોય છે. આવા દાનવીરોનો આત્મા કદાચ ક્યારેક ડંખતો હોવાને કારણે થોડું દાન આપી આત્માને મૂંગો કરવા સાથે કીર્તિ અને પ્રતિષ્ઠા મેળવી, સમાજમાં ધાર્મિક હોવાનું બીરૂદ પણ અંકે કરવા કોશિશકરતા રહે છે. આવી ગેરરીતી દ્વારા મેળવેલ ધનથી બંધાયેલા મંદિરોમાં પ્રાણ -પ્રતિષ્ઠા કરવા છતાંઇશ્વર આવે ખરો? “
આપણે ત્યાં મૃત્યુ પાછળ પણ અનેક કર્મકાંડ અને કુરિવાજો અસ્તિત્વ ધરાવે છે. જો આ કર્મકાંડ કે રિવાજો ના કરવામાં આવે તો મૃતકનો મોક્ષ ના થાય, સ્વર્ગ ના મળે અને નર્કની યાતનાઓ ભોગવવી પડે વગેરે અનેક પ્રકારનો ભય દેખાડી લાગણીઓનું બ્લેકમેલીંગ કરવામાં આવે છે,આવી માન્યતાઓને જાકારો આપી, અરવિંદભાઈએ એમના માતુશ્રી અને પત્નીના મૃત્યુ બાદ કોઈ જાતના કર્મકાંડની વિધિઓ નહિ કરી, સમાજને આ ઉપજાવેલી ભયાવહ વાતોમાંથી બહાર નિકળવા પ્રેરણા આપી છે.
આજે ૭૫ વર્ષની વયે અરવિંદભાઈ, બાળકો બધી રીતે સગવડ કરી આપવા તૈયાર હોવા છતાં,એકલા રહે છે અને રાંધવાના અને અન્ય ઘરના કામો જાતે કરે છે. એમના બ્લોગ
Inline image 1
આ ચિત્ર પર ‘ક્લિક’ કરી તેમના બ્લોગ પર પહોંચી જાઓ.
http://arvindadalja.wordpress.com/માં પોતાના વિચારો કોઈપણ જાતના આડંબર સિવાય નિર્ભયતાથી રજૂ કરતા રહે છે. એમના સ્વતંત્ર, un-biased વિચારો એમને મળવા જેવા માણસ બનાવે છે.
-પીકેદાવડા