20130829

જીવો અને જીવવા દો કીતની હકીકત, કીતના ફસાના ?

જીવો અને જીવવા દો
કીતની હકીકતકીતના ફસાના ?

ધર્મ એટલે શું ? સંસ્કૃત શબ્દ ધ્રી તેનું મુળ છે, જેનો અર્થ થાય છે ‘ટેકો કે આધાર’ આપવો. પ્રેક્ટીકલ અર્થમાં જોઈએ તો ધર્મ એટલે પોતાની ફરજ નીભાવવી તે. સંસ્કૃત ભાષામાં ધર્મ શબ્દ કોઈ પર્ટીક્યુલર ધર્મને માટે  પ્રયોજાતો ન હતો. પણ માનવ માનવ તરીકે જીવે તે ધર્મ. દરેકનો ધર્મ અલગ છે. જેમ કે બાળકનો ધર્મ છે માતા–પીતા અને ટીચર કહે તેમ કરવું અને ભણવું. પેરેન્ટસનો ધર્મ છે બાળકનું યોગ્ય રીતે લાલન–પાલન કરી ઉછેરવું. પોલીસનો ધર્મ છે પ્રજાની રક્ષા અને સેવા કરવી. શીક્ષકનો ધર્મ છે વીદ્યાર્થીને જ્ઞાન આપવું. ડૉકટરનો ધર્મ છે પીડીતોની સેવા કરવી. ટુંકમાં, જેને ભાગે જે ધર્મ આવ્યો છે તેનું પાલન કરવું. સામાન્ય માણસ માટે જીવો અને જીવવા દો તે જ ધર્મ છે કે હોવો જોઈએ. પણ વાસ્તવમાં તેવું છે ખરું ?
હમણાં ગૌહાતીના પ્રખ્યાત કામાખ્યા મન્દીરે જવાનું થયું. ત્યાં પણ સાંઈબાબા કે તીરુપત્તીમાં હોય છે તેવી જ પાંજરાપોળ ટાઈપ લાઈન અને પૈસાના જોરે મોંઘા રુપીયાની ટીકીટવાળી પણ લાઈન ! પહેલીવાર કામાખ્યા આવી હતી તેથી જીજ્ઞાસાથી આજુબાજુ નજર ફેરવતી હતી. મન્દીરથી કંઈક ઉંચાઈ પર દર્શન માટેની લાઈનના પાંજરામાં દર્શનાભીલાષી ઉભા હતા. એટલામાં મન્દીરના વીશાળ પરીસરમાં ત્રણ બકરીનાં બચ્ચાં બાંધેલાં નજરે પડ્યાં. માથે તીલક, ગળામાં ‘જય માતા દી’ લખેલી લાલ રંગની ચુંદડીઓ બાંધેલી. તે જોઈને હવે તેમની શી દશા થવાની છે તેનો આછો આછો ખ્યાલ આવી ગયો. કારણ કે કામાખ્યાના મન્દીરમાં બલી અપાય છે તેવી વાત કાને તો આવી હતી; પણ મન માનતું ન હતું.
આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ, લોકો ચાંદ પર પગ મુકીને આવી ગયા ને હવે મંગળ પર પહોંચવાની તૈયારી કરી રહ્યા છે ને તેથી આ હાઈટૅક યુગમાં તે કોઈ ધર્મના નામે બલી થોડું ચડાવે ? આવી અધમતા થોડી આચરાતી હશે? પેલા ગદીડાં પણ આ વાત માનવા તૈયાર ન હોય તેમ ત્રણેય મસ્તીથી રમી રહ્યાં હતાં. જો કે તેમના ગળે બાંધલી દોરી બહુ જ ટુંકી હતી; તેથી બે–ત્રણ ફુટનું હલન–ચલન માંડ શક્ય હતું. છતાં નાનીવયની ચંચળતાથી તેઓ છલકાતાં હતાં. ત્રણેયના કાળા રંગ અને સુંવાળી રુંવાટીથી રુપાળાં દેખાતાં હતાં.
ત્યાં પીળા–કેસરી વસ્ત્ર પહેરેલો, તીલક કરેલો, જનોઈ પહેરેલો યુવાન આવ્યો અને ત્રણમાંથી  એક બચ્ચાને ગળે બાંધેલી દોરી છોડીને લઈને ચાલતો થયો કે બીજાં બચ્ચાંઓએ બેં બેં કરીને કાગરોળ કરી મુકી. કદાચ તેઓ જાણી ગયાં કે તેમનો દોસ્ત કે ભાઈને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે. તેમના બેંબેંમાં ‘મને બચાવો, બચાવો’ની બુમ સંભળાતી હતી. મારું એડ્યુકેશન–સોફીસ્ટીકેશન મને કોઈની પ્રાઈવેટ બાબતમાં દખલ કરવાની પરમીશન આપતું ન હતું. મને શરમ આવતી હતી કે હું એવા દેશની નાગરીક છું; જ્યાં ધર્મના નામે પ્રાણીની કતલ થતાં હું રોકી શકતી નથી. મેં મારી જાતને આટલી ની:સહાય ક્યારેય અનુભવી–જોઈ નથી.
અમારી સામેના નળીયાના છાપરાંવાળા ખુલ્લાં ઓસરીવાળા મકાનના પરીસરની એક બાજુ પથ્થર પર ખુંટો હતો. બચ્ચાના માથાને તે ખુંટા પર બે હાથથી દબોચીને ટેકવવામાં આવ્યું. અને લોહીના લાલ રંગથી તે પરીસર છવાઈ ગયું. બચ્ચાનાં ધડ અને પગ વગેરે અંગો સાથે પેલો જુવાન ફરી બહાર આવ્યો. એક લઘર–વઘર વ્યક્તીએ તે બચ્ચાનાં અંગોને પ્લાસ્ટીકની થેલીમાં ભર્યાં. પેલાં કેસરી વસ્ત્રોવાળા જુવાને તેને હાથમાં થોડી નોટો મુકીને તે પછી પેલો મુફલીસ માણસ બચ્ચાનાં રહ્યાં–સહ્યાં અંગોવાળી પેલી પ્લાસ્ટીકની થેલી લઈને ચાલતો થયો.
એક માણસ પેન્ટ ગોઠણ સુધી ચડાવીને સતત પાઈપથી પાણી  છાંટતો તે પરીસરની ફરસને ઘસી ઘસીને સાફ કરવા લાગ્યો. નીર્દોષ પશુના લોહીના ડાઘ એમ તે સહેલાઈથી ધોવાતા હશે ? જનોઈ પહેરેલા, તીલક કરેલા અને કેસરી ધોતીયાં ધારણ કરેલા બે ત્રણ વયસ્કો તે મકાનના ઓટલા પર બેસીને હાથમાં તમાકુ મસળતા હતા. થોડીવારે દસ–બાર વર્ષનો બાળક હાથમાં પતરાળા લઈને આનંદથી કુદતો કુદતો પરીસરમાં ગયો. પરીસરના ખુણામાં એક ચુલા પર તપેલું મુકાયેલું હતું.. થોડીવારે બધાં પ્રસાદનાં એઠાં પતરાળાં મકાનની બાજુના કચરાપેટીમાં નાંખવા આવ્યા.
 જે ઘટના બની હતી તેની કાળી છાયામાં હું અને મારાં સાથીઓ સ્તબ્ધ હતા. મા કામાખ્યા તારા દરબારમાં આવું ? એક માના દરબારમાં બચ્ચાની કતલ? પછી તો જાણવા મળ્યું કે અહીં તો રોજ ઓછામાં ઓછા દસ–વીસ બલી ચડે છે. જેમાં નર બકરા અને મોટા તહેવારો પર પાડાનો પણ બલી આપવામાં આવે છે.
હીન્દુ ધર્મના નામે ચાલતી અગણીત ક્રુર પ્રથામાં કોઈ સૌથી ક્રુર પ્રથા હોય તો તે આ બલીપ્રથા છે. પોતાનું, પોતાના કુટુંબીઓનું સારું થાય તે માટે કોઈ મુંગા પ્રાણીનો બલી આપવો તેમાં ક્યો ધર્મ સમાયેલો છે ? હીન્દુ સીવાય ખ્રીસ્તી ધર્મમાં બેપ્ટીઝમ અને મુસ્લીમ ધર્મમાં બકરી ઈદ નીમીત્તે ભારતમાં હજારો પ્રાણીઓની કલત થાય છે. મરધાં, બતકાં, બકરાં વગેરેનો બલી છાશવારે અગણીત, અતાર્કીક રીતે ચડાવવામાં આવે છે. સમજ્યા કે માણસ માંસાહારી હોય તો જીવવા માટે પ્રાણીને મારે; પણ માત્ર ધર્મના નામે પ્રાણીને મારવાં તેમાં કયો ધર્મ સમાયેલો છે ? મુંગા, લાચાર પશુ–પક્ષીઓના બલીદાનથી ઈશ્વર, અલ્લાહ કે ઈસુ પણ કોઈનું કલ્યાણ ન કરે તે સીધી સાદી વાત આપણે ક્યારે સમજીશું ?
આજે ભારતમાં અગણીત સંસ્થાઓ એનીમલ ક્રુઅલ્ટી રોકવા માટે કામ કરે છે; પણ કેટલી સંસ્થાઓએ ધર્મને નામે આચરાતી કતલ સામે આવાજ ઉઠાવ્યો છે ? માત્ર હીરો–હીરોઈન પાસે કપડાં ઉતરાવીને શરીર પર પ્રાણી જેવાં ચીતરામણ કરાવીને ફોટા પડાવવાથી આ હીંસા અટકશે ? કેમ કોઈ સાધુ–સન્ત ફકીર, મુલ્લા કે પાદરીને આ બલીનો વીરોધ કરવાનું સુઝતું નથી ?
માત્ર ભારતના ગણ્યાંગાંઠ્યાં રાજ્યો કેરળ, તામીલનાડુ, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને પોંડીચેરીનાં મંદીરોમાં પશુ–પંખીનાં બલીદાન ન અપાય તેવા કાયદા છે. પણ આવા કાયદાનો કેટલો અને કેવો અમલ થતો હશે તે તો રામ જાણે ! તામીલનાડુ રાજ્યમાં તીરુચી જીલ્લાના એક મન્દીરમાં એક સાથે પાંચસો બળદનો બલી અપાય છે. મુખ્યપ્રધાને તે રોકવા માટે 2002માં કાયદો કરવાનું પણ વીચાર્યું. પણ પછી કાયદાને કારણે તે વીસ્તારના દલીત–મુસ્લીમ મત  ગુમાવવા પડશે તેવું જણાતાં, તે ખરડાને પડતો મુકવામાં આવ્યો. સાંભળવા મુજબ 2008માં યુપીએ સરકાર પાર્લામેન્ટમાં વીશ્વાસમત જીતે તેને માટે 242 બકરાં અને ચાર પાડાનું ગૌહાતીના કામાખ્યા મન્દીરમાં બલીદાન અપાયું હતું. રાજકારણીઓ પાસેથી બીજી શી અપેક્ષા રાખી શકાય ? કાળી ચૌદસ કે અમાસના દીવસે તાન્ત્રીકો ઘુવડ, ગલુડીયાં, મરઘાંનો બલી આપે છે. બલી આપવા માટેનાં પ્રાણી શહેરમાં ક્યાં, કેવી રીતે અને કેટલામાં વેચાતાં મળે છે તેની જો આમ આદમીને ખબર હોય, તો પોલીસને કેમ ન હોય !
એક વાર્તા વાંચી હતી. આફ્રીકાના જંગલમાં કેટલાક માસાંહારી આદીવાસી રહેતા હતા. તેઓ જ્યારે કોઈ પશુ–પક્ષી ન મળે અને ભુખ્યા હોય ત્યારે માનવને મારીને પણ ખાતા. તેમનું નરભક્ષીપણું છોડાવવા માટે એક–બે પાદરી ત્યાં ગયા. પેલા આદીવાસીઓની સમજમાં તેમની વાત આવી અને તેમણે માણસનું માંસ ન ખાવાની પ્રતીજ્ઞા લીધી. એક દીવસ એમ જ જંગલમાં ફરતા હતા અને પાદરીને શીકાર કરવાનું મન થતાં તેણે એક પક્ષીનો શીકાર કર્યો. પછી તેને ત્યાં જ મુકીને ચાલતા થયા. આથી પેલા આફ્રીકન આદીવાસીએ તેને પુછ્યું, ‘તારે પક્ષી ખાવું ન હતું તો માર્યું કેમ ?’ અભણ–જંગલી પણ જો તેનું પેટ ભરવા માટે જ હીંસા કરતો હોય, તો ધર્મના નામે હીંસા કરતા આપણે સંસ્કૃત કે ભણેલા કહેવાઈએ ? કોઈ નીર્દોષ પશુ–પક્ષીની હીંસા કરવાથી ઈશ્વર, અલ્લાહ કે ઈસુ પ્રસન્ન થતા હોત તો આજે દુનીયામાં કોઈ દુ:ખી ન હોત. ‘જીવો અને જીવવા દો.’ બસ, આ એક ધર્મ માણસ નીભાવશે તો દુનીયાના દરેક સજીવ મજેથી જીવશે. આખરે બકરીના બચ્ચામાંયે જીવ તો છે જ ને !
–કામીની સંધવી
‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈ (તા. 13 જુલાઈ, 2013)માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…
લેખીકા સમ્પર્ક:
કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271-39563ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…