20130828

સ્પેકટ્રોમીટર - જ્ય વસાવડા

સ્પેકટ્રોમીટર - જ્ય વસાવડા

નવરંગ મૈત્રીના નવ રસ!

- મધરાતના જેમને કોલ કરી શકાય, એ શ્રેષ્ઠ મિત્રો હોય છે. પોલિસ સ્ટેશને કે હોસ્પિટલે દોડીને પહેલા એ જ પહોંચવાના!

જો કોઈ દિવસ રડવુ આવે
તો કોલ કરજે.
તને હસાવીશ જ,
એવી ખાત્રી નથી
પણ તારી સાથે રડી શકીશ.
જો કયારેક ભાગી છૂટવું પડે,
તો કોલ કરજે.
હું રોકીશ જ,
એવું જરૃરી નથી
પણ તારી સાથે ભાગી શકીશ.
જો કદી કોઈને સાંભળવા ન હોય
તો કોલ કરજે
હું વચન આપું છું કે
હું તારે માટે મોજુદ હોઈશ,
અને મૌન રહેવાનું પણ પ્રોમિસ.
પણ...
જો એક દિવસ
તું કોલ કરે
અને જવાબ ન મળે
તો દોડીને મારી પાસે આવજે
કદાચ ત્યારે
મારે તારી જરૃર હશે!

રોબર્ટ જે. લાવરીની આ સરળ છતાં હૈયું સજળ કરે એવી દોસ્તીકવિતા છે. કહેવાય છે ને, પરિચિતો તમારી જીંદગીની કહાની સાંભળતા હોય છે, પણ ખરા મિત્રો તો એ કહાની તમારી સાથે જીવ્યા હોય છે! ફેસબુક ફ્રેન્ડસ અને ફેસટુફેસ ફ્રેન્ડસ વચ્ચે આટલો ફરક તો રહેવાનો!
એફબી ફ્રેન્ડસ કરતાં એફટુએફ (મુખોમુખ મિત્ર, યુ નો?) ફ્રેન્ડસ વધુ બેસ્ટ હોવાના. ભલે, એમની સાથે રોજેરોજ વાતો ન થાય, પણ જયારે થાય ત્યારે રોજેરોજ બનેલી ઘટનાઓ મિનિટોમાં શેર થઈ જાય! આ એફટુએફ ફ્રેન્ડસ માટે આપણા મમ્મી-પપ્પા હંમેશા અંકલ - આન્ટી, માસી - માસા હોવાના અને એમના ય નામો ઘરની અવરજવરને લીધે એમને મોઢે હોવાના! એ તમારી હસતી તસવીરો જ નહિ, રડતો ચહેરો પણ જોઈ શકવાના અને તમે કયા ચોકમાં જડશો એનું લોકેશન એમને જીપીએસ મેપ વિના પણ ખબર હોવાની! એ તમને બહુ ગંભીરતાથી નહિ લે, અને કહેશે આ નિરાશા કે આ સિધ્ધિ તો વર્ષોથી સાંભળીને થાકી ગયો છું, ચેન્જ ધ ટોપિક! વરસાદમાં મોબાઈલ પલળી ગયો હોય તો ય આ એફટુએફ ફ્રેન્ડસને આપણો નંબર મોઢે હોવાનો. આપણા વાસણ કે કપડાં, સીડી કે ચોપડી આપણને ખબર ન હોય એમની ઘેરથી નીકળવાના. ટોળું તમને ઘેરી વળે, ત્યારે એ શાંતિથી સાઈડમાં જઈ મરક મરક હસવાના અને તમારી ઓળખાણની કોઈ દુહાઈ આપ્યા વિના સરકી જવાના. આ એવા દોસ્તો છે, જેમને ગિફટસ આપવાના અવસરો શોધવા નથી પડતા અને પૈસા ન ખર્ચવા માટે બહાના બતાવવા નથી પડતા!
ઘણી વખત રિલેશનશિપનું હેલ્થ જેવું હોય છે, એને ગુમાવો ત્યારે જ એની કિંમત થતી હોય છે. પણ જીમ મોરિસન કહેતો એમ જે આપણને આપણા જેવા હોઈએ એવા જ બનવાની પૂરી સ્વતંત્રતા આપે વો હૈ યાર અપના! એક જમાનામાં પત્રોથી સચવાતા મિત્રો હવે વોટ્સએપથી એક ક્લિક અવે રહી ગયા છે. ફેસ ઓફ ફ્રેન્ડશિપ ઈઝ એન્જીંગ. 'તેરી જીત, મેરી જીત - તેરી હાર, મેરી હાર' લલકારી એકબીજા પર જાન છિડકવાવાળા મિત્રો મેલોડ્રામેટિક ગણાય છે. બડી રથીનને લાગે છે તેમ  નાઉ ઓલ આર હેંગિંગ આઉટ ટાઈપ્સ. સાથે શોપિંગ, મૂવી, ખાણીપીણી અને ગામગપાટાની ગોસિપ્સ. મિત્રોની જગ્યા એટલે મોબાઈલ લેતો જાય છે.
પરંતુ હજુ એ ફ્રેન્ડશિપ ઈઝ બેસ્ટ ફિલિંગ. 'કુકરે' જેવી મસ્તીકોર ફિલ્મમાં મેલ બોન્ડિંગની વાત હોય તો 'સિકસ્ટીન' જેવી ટીનએજ ફિલ્મમાં ચિક બોન્ડિંગ (ફિમેલ ફ્રેન્ડશિપ)ની વાત હોય. હોલીવૂડ પણ એવેન્જર્સથી હેંગઓવર કે મોનસ્ટર યુનિવર્સિટીથી લોન રેન્જર સુધી મૈત્રીમહિમા ગાયા કરે છે. હજુ યે દોસ્તો સાથે ખાવા કે ફરવા જવું એ પરફેકટ ટીપી યાને ટાઈમપાસ છે. મોમ, ડેડ, સર - મેડમ, ગુરૃજી સાથે જે સિક્રેટસ શેર નથી થતા, એ ફ્રેન્ડસને ચંદ કોન્ટસમાં બયાન કરી શકાય છે. આફટર ઓલ, દોસ્ત આપણા બધા પ્રોબ્લેમ્સ ઉકેલી શકતો જાદૂગર નથી, પણ એ બધા પ્રોબ્લેમનો મુકાબલો કરવામાં આપણને કંપની આપનાર જોડીદાર હોય છે!
સખ્ય એક સ્માઈલથી કપાતા જીવનના સેંકડો માઈલ છે. આપણા પોતાના આનંદથી પણ વધુ મૂલ્યવાન કશુંક છે, એની સ્વાભાવિક અનુભૂતિ એટલે મૈત્રી! ઈટ્સ સ્વીટ રિસ્પોન્સિબિલીટી ફોર સેન્સેટિવિટી  મિત્રો સરસ હોય, તો જ જીવવામાં રસ પડે છે.
રસ! ભારતીય સંસ્કૃતિએ સંસારને, તમામ અનુભવોને નવરસમાં વહેચી દીધા છે. લેટ્સ ચેક, કોન્ટ્રાડિકટરી કલર્સ ઓફ ફ્રેન્ડશિપ, વાયા આર્ટ ઓફ નવરસ!
* * *
(૧) શાંતરસ ઃ એકચ્યુઅલી, ખામોશી હંમેશા બહુ ભારેખમ લાગતી હોય છે. પરીક્ષાખંડથી શોકસભા, ટાઢ તડકાથી રાત્રિનો અંધકાર, બધામાં ભયથી સન્નાટો હોય છે. પણ જયારે બે વ્યક્તિઓ વચ્ચે મૌન પણ કમ્ફર્ટેબલ લાગે, બ્લેન્ક એસએમએસથી પણ કોમ્યુનિકેશન થઈ જાય.. એકબીજાના વિચારો એકસચેન્જ થઈ જાય, ત્યારે એ મૈત્રીની મેચ્યોરિટી, પ્યોરિટી છે. ઉત્તમ મિત્રો બાજુમાં બેઠા હોય તો ય સતત એમની સાથે બોલબોલ કરવાની જરૃર નથી પડતી. મિત્ર સાથે નાટક જોતી કે મ્યુઝિક સાંભળતી વખતે કયાં કોઈ વાત કરવાની હોય છે? છતાં બાજુની સીટ પર એની હાજરી ગમતી હોય છે! મિત્રતા ઠહરાવ છે, જયાં કોઈ ખભા ઉપર માથું ઢાળીને કે કે કોઈ હથેળીનો સ્પર્શ કરીને આપણી અંદર ચાલતા તોફાનો શાંત થઈ જાય છે!
(૨) હાસ્યરસ ઃ ચાર્લ્સ લેમ્બ કહેતા કે મિત્રતાની મહેરબાની એ હોય છે કે મિત્રો સાથે ફાલતુ, નોનસેન્સ ગપ્પાગોષ્ઠી કરી શકાય છે, અને મિત્ર એ કે જે નોનસેન્સ વાતોને તુચ્છકારથી નહિ પણ આદરથી જુએ! ફ્રેન્ડઝ આર ઓલ્વેઝ ફન! કેટલાક મિત્રોનું આગમન જ ઈલેકટ્રિસિટીની માફક આપણી અંદર ઝળાંહળાં અજવાળું કરી નાખે છે, એમની કંપનીમાં હેવી ટેન્શન લાઈટ થઈ જતાં આપણે હેપી થઈ જઈએ છીએ! મૈત્રી મોજનું મેજીક છે. સાથે મળીને મસ્તી કરવી, ફેફસાં ફાડીને હસવું, જોક ફટકારવા, અમથેઅમથી કોમેન્ટસ પાસ કરવી, આસપાસની વ્યક્તિઓ કે વસ્તુઓની 'પટ્ટી પાડવી', ફોર ધેટ ફ્રેન્ડસ આર ફોરએવર! કોઈને 'બકરા બનાવવા' કે એકબીજાની 'સળી કરી'ને ગમ્મત કરવા યારલોગ હોય છે! જે માણસ મિત્રો સાથે મોકળા મને હસી શકતો નથી, એના દેહ પર થપાટ મારીને - એનું મગજ ગમે ત્યારે ખસી શકે છે!
(૩) બિભત્સરસ ઃ હેય સાલા, આવું કહીને જેને ગાળ દઈને બોલાવી શકાય અને જવાબમાં વિરોધને બદલે વ્હાલ છલકે, એ ફ્રેન્ડ! જે જન્મદાતા - પાલક માતા - પિતા કે લાઈફ પાર્ટનર સાથે પણ શેર ન થાય, એવી ફેન્ટેસીઝ, સેકસ્યુઆલિટીઝ અને નોનવેજ જોકસ ફ્રેન્ડઝ સાથે માઠું લાગવા / ન લાગવાની પરવા કર્યા વિના શેર થઈ શકે! સેલ પર કે નેટ પર દુનિયાની નજરે ગંદી લાગતી કે વલગર એવી તસવીરો, શાયરીઓ, ટૂચકાઓ કે કોમેન્ટસ મિત્રને સુંદર લાગતી હોય છે. (એટલે તો એ મિત્ર છે, મેજીસ્ટ્રેટ નહિ!) ટૂંકમાં, જેની હાજરીમાં શરીર નહિ, મનના કપડાં ઉતારીને મોકળા થઈ શકાય, એ મિત્ર! જે એડલ્ટ ઈરોટિક ફનને એન્ડ ઈટ ઈઝ યાને ફન તરીકે જ લે, અને સિરિયલ થઈને શિખામણોથી પકાવવા ના લાગે એ દોસ્ત મસ્ત! બિભત્સ રસની મૈત્રી પ્રેશર કૂકરની સીટી જેવી હોય છે, જેમાં ગરમ વરાળ બહાર નીકળતા જાનલેવા વિસ્ફોટ થતો નથી. ડાન્સ બારમાં જેની સાથે જઈ શકાય કે બ્લુ ફિલ્મ અને બ્લુ લેબલ બેઉ જેની સાથે માણી શકાય એ રિયલ ફ્રેન્ડ!
(૪) શૃંગારરસ ઃ ફ્રેન્ડઝ વિથ બેનિફિટ્સ શબ્દ સાંભળ્યો છે? એક આખી જનરેશન પૃથ્વી ગ્રહ પર નવી જ વિકસી ચૂકી છે - લવ નહિ પણ એડલ્ટરીના અફેરવાળી! અહીં રોમાન્સનો કોઈ ચાન્સ નથી. કોઈ સીરિયસ સંબંધો પણ નથી. પણ ઓપોઝિટ સેકસના વિજાતીય મિત્રો કોઈ ઈમોશનલ અત્યાચાર વિનાના બેડરૃમ બડીઝ બને છે. કલોઝ   બોયફ્રેન્ડ - ગર્લફ્રેન્ડસ! એક ચાદરમાં એક પથારીમાં સુતા સુતા સુખ ભોગવીને પોતપોતાની સેપરેટ લવલાઈફની નિખાલસ ચર્ચા થઈ શકે, એવી યે મૈત્રી હોય છે, લડકા - લડકીની. જેમાં બે ય પક્ષ પોતે ઈન્ટિમેટ રિલેશન્સ ધરાવતા ફ્રેન્ડઝ જ છે, પરમેનન્ટ લવર્સ કે મેરિડ કપલ નથી એ બાબતે ક્રિસ્ટલ કલીઅર હોય છે! મોર ધેન ફ્લર્ટિંગ, ડેટિંગ એન્ડ લેસ ધેન મેરેજ કપલ. એટ ધ મોસ્ટ લિવ ઈન! ઓકે બાબા, આ હાર્ડ કોર રિયાલિટી ગળે ન ઉતરે તો પણ પરસ્પર સેકસ્યુઅલ એટ્રેકશન વિના ય બે વિજાતીય મિત્રોને જોડી રાખતો તંતુ કોઈને કોઈ રસિક શોખનો હોય છે. ચિત્રો, સંગીત, સિનેમા, ભોજન, રખડપટ્ટી વોટએવર. એ શૃંગારમાં પડતો સહિયારો રસ પણ દોસ્તી ટકાવી રાખે છે. એન્ડ બાય ધ વે, અલ્ટીમેટલી મેરેજમાં પણ હસબન્ડ વાઈફે એકબીજાના પર્સનલ બેસ્ટ ફ્રેન્ડઝ જ બનવાનું છે ને! ઓમ્ સખે સપ્તપદી ભવ!
(૫) રૌદ્રરસ ઃ જે અણુઓ એકબીજા સાથે બોન્ડ બનાવી જોડાયેલા કે ખેંચાયેલા હોય, એના જ વિભાજનમાં પ્રચંડ ધડાકા સાથે ઊર્જા છૂટી પડે એ તો વિજ્ઞાાનનો પાયાનો નિયમ છે. સ્પ્રિંગની તાણની જેમ જેટલા કરીબ, એટલા જ પ્રત્યાઘાતમાં વધુ ઝડપે છૂટા! જયાં અપેક્ષા હોય, ત્યાં જ અભિમાન ઘવાય અને એટલે જ વધુ ગુસ્સો આવે. મિત્રો જ એને કહેવાય કે જેમની સાથે ફકત હાસ્યના ઠહાકા જ નહિ, ક્રોધના કડાકા પણ શેર થઈ શકે. પ્લાસ્ટિક કર્ટસીનો દંભ છોડી, ખુલીને દલીલો કરી શકાય, ફાઈટ આપી શકાય, કોઈ શરમસંકોચ વિના રાડો પાડી શકાય. ગુસ્સો તો નેચરલ ફીલિંગ છે, તબિયત સાચવવા ખાતર પણ કયાંક તો વ્યકત કરીને હળવા થવું ને! ત્યારે રૌદ્રરસ ઝીલી લેતા સ્ટ્રેસ રીલિવર પણ મિત્રો હોય છે. અને આપણા ભલા માટે, આપણી બૂરી આદતો કે વારંવારની ભૂલો ટાળવા માટે રૌદ્રરૃપ ધારણ કરીને આપણા પર કડક શબ્દોમાં ક્રોધ કરવાનો હક જતાવનાર પણ મિત્રો જ હોય છે! કજીયો કરીને પછી સાથે કોફી બનાવી પી શકાય એ ફ્રેન્ડ!
(૬) વીરરસ ઃ જેકી ભગનાનીના ગ્રહણને લીધે ઢંકાઈ ગયેલા ચંદ્ર જેવી એક ઉમદા ફિલ્મ હતી. પ્રિયદર્શનની 'રંગરેઝ'. કહાની સોલ્લિડ ફ્રેન્ડશિપની જ હતી, બટ વિથ એ ટ્વિસ્ટ. ફિલ્મમાં એક મિત્રને એની મહોબ્બત અપાવવા માટે સાવ સામાન્ય એવા સ્ટ્રીટ ફ્રેન્ડઝ રાતોરાત લડાયક વીરયોધ્ધા બની જાય છે. બહાદૂર બની પડકાર ફેંકે છે. શક્તિશાળી ખતરાનો મુકાબલો કરવા બધું જ દાવ પર લગાવે છે. શારીરિક ઈજાઓ અને માનસિક દર્દ પણ વેઠે છે. કુટુંબનો ઠપકો, સમાજની ધમકી, અંગત નુકશાન... છતાં ય અડગ નીડરતા, ટક્કર આપતો અભય! કયૂં? યારીદોસ્તી કી ખાતિર! જી હા, આમ દેખાવે - સ્વભાવે રાંક લાગતા લોકો ય મિત્રો માટે વાઘ જેવા બનીને વીફરી શકે છે. મિત્રની મુસીબતો સામે હિંમતભેર બખ્તર બનીને ટટ્ટાર ઉભા રહી જાય છે! બડીઝ આર ઓલ્વેઝ બ્રેવ. જીસ જગહ પે ખતમ સબ કી બાત હોતી હૈ, ઉસ જગહ સે હમારી શરૃઆત હોતી હૈ!
(૭) ભયાનકરસ ઃ ચાણકય કહી ગયા છે, 'જે ખાનગી વાત શત્રુને કહેવામાં જોખમ હોય, એ કદી મિત્રને પણ કહેવી નહિ!' મતલબ, મિત્ર ગમે ત્યારે શત્રુ બની શકે છે! આજે જે પાર્ટીની શાન હોય એ કાલે તમારા કાન ખેંચી શકે છે. ઈતિહાસ ગવાહ છે કે કંઈક ધુરંધર મહારથીઓ દૂરના દુશ્મનોને લીધે નહિ પણ નજીકના દોસ્તના દગાને લીધે ધૂળચાટતા થઈ ગયા છે. મિત્રતા ગાઢ હોય, એમ લાગણીઓ ય તીવ્ર હોવાની. જરાક અમથી વાતમાં વર્ષોની દોસ્તી કડડડભૂસ કરતી ચકનાચૂર થઈ જતી હોય છે. અને દોસ્ત દુશ્મન બને ત્યારે વેરની આગ વધુ તણખા ફેંકે છે. દોસ્તોની ઉપેક્ષાને લીધે આપઘાત થાય છે, દોસ્તો જ ચાલાકીથી છેતરપિંડી કરીને લૂંટી લે છે કે દોસ્ત રાઝ કી બાત જાણતો હોઈ બ્લેકમેઈલ કે અફવાઓનો અપપ્રચાર પણ કરે છે. મૈત્રીના ભરોસાના સફેદ દૂધમાં જયારે શંકાનું મેળવણ પડે, ત્યારે તે તરત ખટાશ પકડીને ઈર્ષાના દહીંમાં ફેરવાઈ જાય છે. નિષ્ફળતામાં સમદુખિયા મિત્રોની મૈત્રી ટકાવવી સહેલી છે, પણ સફળતામાં મિત્રો જ અંદરખાનેથી છૂપા હરીફો બનતા જાય છે મિત્ર હોવાને લીધે નબળાઈઓ કલોઝ અપમાં દેખાતી હોઈ, મહત્વાકાંક્ષી મિત્રો પોતાના જ સફળ મિત્રની ખૂબીઓને મનોમન અન્ડર એસ્ટીમેન્ટ કરી જલનમાં શેકાતા રહે છે! સકસેસ ક્રિએટસ ડિસ્ટન્સ!
(૮) કરૃણરસ ઃ જેને અલવિદા કહેવી અઘરી હોય એવા મિત્રો મળ્યા હોય થોડાક, તો આપણી જાતને ભાગ્યશાળી માનવી અને જીવનમાં આયુષ્ય મળે, દોલત મળે, ખુશીઓ મળે - પણ એ વહેંચવાવાળા કોઈ મિત્ર ન મળે કે ન રહે તો આપણી જાતને કમનસીબ માનવી. મિત્રની વિદાય, કાયમી હોય કે હંગામી જીંદગીની એક કરૃણતા હોય છે, પછી સાસરે જતી છોકરી હોય કે પરદેશ જતો કલાસમેટ! કયારેક સમયની રેતી મિત્રતાના કિસ્લા પર છવાઈ જતાં સંબંધોના સમીકરણ ફરી જાય છે. કયારેક અંગત મિત્રે આપેલો આઘાત હૃદયમાં એવો અદ્રશ્ય જખમ કરી જાય છે કે એમાંથી આજીવન લોહી ઝમતું રહે છે. બૂંદ બૂંદ બનીને સંવેદનાઓ થીજાવવા! કયારેક ખોખલી થઈ ગયેલી મૈત્રીને પરાણે વેંઢારવાની ટ્રેજેડી તો કયારેક મિત્રની વ્યસ્તતાને લીધે થતી ઉપેક્ષા કે વિયોગની ટ્રેજેડી. ઓપોઝિટ સેકસના વન વે કે ટુવે લવર્સ મિત્રો બને, એનો કરૃણરસ કાતિલ હોય છે. પ્રેમને લીધે પાસે રહેવાની ઈચ્છાને લીધે મૈત્રી છૂટી નથી શકતી, અને નિકટ મૈત્રીને લીધે પ્રેમ છૂટી નથી શકતો!
(૯) અદ્ભુતરસ ઃ મૈત્રી એ ભાવસમાધિ છે. આધ્યાત્મિક અનુભૂતિ! એક એવો ચમત્કાર જે 'હું'ના સમર્પણ, અહમના ઓગળવા સિવાય શકય નથી! સનાતન કરૃણ, ઉદારતા, ક્ષમા, પ્રેમ, આનંદના પંચમહાભૂતો મૈત્રીનો પિંડ ઘડે છે. જીવની અથાક પીડાઓ સામે ફ્રેન્ડશિપનું ફયુઅલ બળીને મંઝિલ સુધી   પહોંચાડે છે. રજનીશે કહેલું મિત્રતા અંતે તો કોઈનામાં દેખાતું આપણી જાતનું પ્રતિબિંબ, કે કોઈના દ્વારા આંદોલિત થતાં આપણી અંદરના સંવેદનો છે. રિઝોનન્સ યાને પ્રતિદર્શન! જેની ભીતર સુગંધ છે, એને મિત્રો બનાવવામાં વાર એટલે નથી લાગતી! ઈટ્સ વન્ડરફુલ મિરેકલ! બકૌલ જયોર્જ હર્બર્ટ, 'જૂના દોસ્તથી વધુ બેહતર અરીસો બીજો કોઈ નથી!' મિત્ર આપણા વ્યક્તિત્વનો ગુંજતો પડઘો છે! મિત્રતા આમ તો મફત છે, પણ એને લીધે જ જીવન મોંઘેરૃં બને છે! હેપી ફ્રેન્ડશિપ ડે!
ફાસ્ટ ફોરવર્ડ
'સાચા મિત્રો સૌથી સુંદર ખોજ એ કરે છે કે એકબીજાથી અલગ પડયા વિના એ અલાયદા વિકસી શકે છે!' (એલિઝાબેથ ફોલી)

-Gujarat Samachar