- રોગ મટાડવા માટે મંત્ર, જપ, નિયમ અને યજ્ઞા શરૃ કરી દેવા
જોઈએ. વિજ્ઞાાન કહે છે કે ધૂમાડા અને ગંધના પરમાણુ ખૂબ જ સૂક્ષ્મ હોય છે.
એટલે હવામાં ફેલાઈને આપણા શ્વાસમાં થઈને તરત શરીરમાં આવી શકે છે.
ઉત્તરાખંડમાં
આવેલી હોનારત પછી હમણાં કેદારનાથ ખાતે મંદિરના પરિસરમાં સાફસફાઈ ચાલે છે.
મંદિરને મલિન તત્ત્વોથી મુક્ત કર્યા પછી ત્યાં મોટો હવન થશે. જેથી
વાતાવરણની શુધ્ધિ થાય. ત્યાં સુધી ભગવાન કેદારેશ્વરની પૂજા-અર્ચના ઉખીમઠ
ખાતે થશે એવું કહેવાય છે. આજના જુવાનિયાઓમાંથી ઘણાંને એ નથી ખબર કે
હવન-યજ્ઞા એટલે શું?
હવન એટલે ઈંટો વડે ચણેલા નાનકડા કુંડમાં અગ્નિ પેટાવીને એમાં પૂજાપાની
સામગ્રી હોમવાની વિધિ. એને ઘણા યજ્ઞા પણ કહે છે. યજ્ઞા અથવા હવન આપણા
માટે નવી ચીજ નથી. સ્કૂલમાં ભણતી વખતે લવ-કુશના પાઠમાં અશ્વમેઘ યજ્ઞાની
વાત આવે છે. આપણા સમાજમાં જમીન ખરીદીને ઘર બાંધવાની શરૃઆત કરતાં પહેલા
ભૂમિપૂજન કરવામાં આવે છે, એમાં હવન થાય છે. મકાન બની ગયા પછી રહેવા જતા
પહેલા વાસ્તુપૂજન થાય એમાં પણ હવન અથવા યજ્ઞા કરવામાં આવે છે.
વરસાદની તારીખો વીતી જાય, છતાં વરસાદ ન આવે ત્યારે અખબારોમાં વાંચીએ
છીએ કે મેઘરાજાને રીઝવવા માટે ખાસ યજ્ઞાં શરૃ કરવામાં આવ્યો છે. હમણાં
બે-ત્રણ વર્ષ પહેલાં કેરળ રાજ્યના એર્નાકુલમ શહેરમાં આંતરરાષ્ટ્રીય
પુત્ર-કામેષ્ઠિ યજ્ઞા ગોઠવવામાં આવ્યો હતો. એની ખૂબ ચર્ચા થઈ હતી.
'સેન્ટર ફોર એસ્ટ્રોલોજિકલ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ' નામની એક સંસ્થાએ આ
યજ્ઞા ગોઠવ્યો હતો. યજ્ઞાના મુખ્ય પુરોહિત ચેરૃમુક્કી વાસુદેવને ત્રિપાદ
હતાં. બસ્સો મદદનીશ પુરોહિતો સાથે મળીને સોળ હજાર ચોરસ ફૂટના વિશાળ
મેદાનમાં સેંકડો કુંડમાં અગ્નિ પેટાવીને યજ્ઞા શરૃ કરવામાં આવ્યો હતો.
યજ્ઞામાં એક હજાર એકસો અઠયાવીસ યુગલ ભાગ લેવા બેઠા હતા, અને એ યજ્ઞા સાત
દિવસે પૂરો થયો હતો.
ક્રિયાકાંડમાં નહિ માનનાર ઘણા લોકો દલીલ કરે છે કે યજ્ઞાથી કેટલાને
ત્યાં પુત્રજન્મ થયો એની તપાસ કરવી જોઈએ. પણ એ સિવાયના લોકોને યજ્ઞા માટે
પૂરેપૂરી આસ્થા છે. પૂરો ભરોસો છે. ધર્મ પોતે જ શ્રધ્ધાનો વિષય છે એટલે
ધર્મની બધી વિધિઓ પણ શ્રધ્ધાથી જ થાય છે. યજ્ઞાની વિધિ હજારો વર્ષ જૂની
છે, અને આજે પણ આપણા મોટા ભાગના શુભ કામોમાં યજ્ઞા કરવામાં આવે છે. લગ્ન
વખતે પણ યજ્ઞાની વેદીમાં અગ્નિ પ્રગટાવીને એમાં આહુતિ આપવામાં આવે છે
અને અગ્નિની સાક્ષીએ લગ્ન કરવામાં આવે છે.
યજ્ઞા કરવા પાછળ મૂળ ભાવના એવી છે કે યજ્ઞાનો અગ્નિ આહુતિની બધી
સામગ્રી આકાશના દેવો સુધી પહોંચાડશે અને આકાશના દેવો ખુશ થઈ જશે. આપણા
સહુના પૂર્વજ ગણાતા આર્ય જાતિના લોકો અગ્નિને દુનિયાનું મુખ્ય તત્ત્વ
માનતા હતા. પવિત્ર માનતા હતા. એની જ્વાળાઓ આકાશમાં જઈને દેવો સુધી પહોંચે
છે એવું બધા માનતા હતા. એટલે દેવોને પહોેંચાડવાની ચીજો અગ્નિને આપવાની
યજ્ઞાની વિધિ શરૃ કરી હતી.
પુરાણા જમાનાના ઈરાનના લોકો પણ નાનકડી વેદી બનાવીને એમાં અગ્નિ
પેટાવીને જાતજાતની ચીજો એમાં નાખતા હતા. પારસીઓના પ્રાચીન પુસ્તક જિન્દ
અવેસ્તામાં હવનને 'સવન' અને યજ્ઞાને 'યસ્ન' તરીકે લખવામાં આવ્યા છે. ખૂબ
જૂના જમાનામાં યહુદી સમાજમાં પણ કેટલીક ખાસ વસ્તુઓને અગ્નિમાં નાખવાનો અને
એની રાખ પ્રસાદ તરીકે આપવાનો રિવાજ હતો. ટયુટોનિક નામની જાતિના લોકો
ક્રિસમસના તહેવાર પર મોટા મોટા લાકડા સળગાવે છે. 'યુલ-લોગ' નામના એ
ઓળખાતા લાકડામાં જાતજાતની ચીજો પણ નાખવામાં આવે છે.
સમાજવિજ્ઞાાન અને મનોવિજ્ઞાાનના જાણકારો કહે છે કે અગ્નિની શોધ થઈ
ત્યારથી માણસો એને દિવ્ય શક્તિ માને છે. એક એવી શક્તિ કે જે બાંધી શકાતી
નથી. કાબૂમાં આવતી નથી. દરેક વસ્તુને ખાખ કરી નાખે છે. તેને કોઈ આકાર નથી
અને હમેશાં આકાશ બાજુ ઊંચે જવાની જ મથામણ કરે છે. અગ્નિથી ખૂંખાર
વાઘ-સિંહ પણ ગભરાય અને આખેઆખા ઘર તથા જંગલ ભસ્મ થઈ જાય એવા ચમત્કારો જોયા
પછી માણસો અગ્નિને દિવ્ય માનતા થઈ ગયા હશે.
એની જ્વાળાઓ ઊંચે ઊંચે આકાશમાં જઈને દેવતાઓ પાસે પહોંચી જાય છે એવું
આજે પણ ઘણા માને છે. અગ્નિમાંથી નીકળતો આકાર વગરનો ધૂમાડો અદ્ધર ઊંચે ચઢીને
અદ્રશ્ય થઈ જાય છે, એટલે અગ્નિમાં સળગી જનાર ચીજનો આત્મા છે અને
સ્વર્ગમાં પહોંચી ગઈ છે એવી માન્યતા થઈ છે. માણસનો આત્મા પણ સ્વર્ગમાં જઈ
શકે એટલા માટે મૃત્યુ પછી માણસના શરીરને પણ અગ્નિમાં હોમી દેવામાં આવે છે.
યજ્ઞા માટેનો જૂનો શબ્દ હવન છે. 'હવન' નામ મૂળ આવાહનમાંથીઆવ્યો છે.
આવાહનનો અર્થ થાય છે બોલાવવું. યજ્ઞા માટેની વેદીમાં અગ્નિ પેટાવીને
વેદમંત્રો બોલીને દેવતાઓએને આમંત્રણ આપવું એ હવન કહેવાય છે. અને હવનના
અગ્નિમાં જાતજાતની ચીજો હોમીને દેવતાઓને આપવી એ યજ્ઞા કહેવાય છે. યજ્ઞા
માટેના જે મંત્રો છે એનો અર્થ એ જ થાય છે કે આ બધી આહુતિ દેવતાને પહોંચો.
ઋગ્વેદ સહુથી જૂનામાં જૂનો ધર્મગ્રંથ કહેવાય છે. ઋગ્વેદમાં સહુથી પહેલો
મંત્ર છે. 'અગ્નિમીંડૈ પુરોહિત યજ્ઞાસ્થ દેવમૃત્વિજમ્ હોતારં રત્નધાતમમ્!'
એનો અર્થ થાય છે અગ્નિ જ યજ્ઞાનો દેવતા છે, પુરોહિત છે, ઋત્વિજ અને હોતા
છે.
યજ્ઞાનો અર્થ વિશાળ છે. યજ્ઞાના અર્થમાં દેવપૂજા, સંગતિકરણ એટલે કે
હળવું-મળવું, દાન આપવું તથા દિવ્ય શક્તિઓ આસપાસમાં જ હોવાનો વિશ્વાસ રાખવો
, એમ ચાર વાતો આવી જાય છે. આ ચારેય કમ સારામરાં સારા છે. એટલે જ શતપથ
બ્રાહ્મણ નામના ગ્રંથમાં યજ્ઞાને સહુથી સારી વિધિ ગણવામાં આવી છે.
વિજ્ઞાાનના જમાનામાં હવે યજ્ઞાનો મહિમા પહેલા જેટલો નથી રહયા. બાકી
પુરાણા જમાનાના આર્ય લોકો તો યજ્ઞા વગર કોઈ કામ જ કરતા નહોતા. નાના, મોટા
કોઈપણ તહેવાર પર યજ્ઞા કરવામાં આવતો હતો. બાળકનો જન્મ થાય તો એની
ખુશાલીમાં યજ્ઞા કરવામાં આવતો હતો. બાળકનું નામ પાડવાનું હોય તો યજ્ઞા અને
મુંડન કરાવવાનું હોય તો પણ યજ્ઞા કરવામાં આવતો હતો.
બાળક જ્યારે સ્કૂલે એટલે કે ગુરુકુળમાં જાય ત્યારે યજ્ઞા કરવામાં આવતો
હતો. બાળક જ્યારે ભણી-ગણીને ગુરુકુળમાંથી પાછું આવે ત્યારે યજ્ઞા કરવામાં
આવતો હતો. લગ્ન પહેલાં અનેક વિધિમાં યજ્ઞાવેદી પેટાવવામાં આવતી હતી.
લગ્નની વિધિ માટે પણ યજ્ઞાવેદી પેટાવવામાં આવતી હતી.
જૂના જમાનાના ઋષિઓએ તો યજ્ઞાને રોજેરોજ કરવાની વિધિ ગણાવી છે. ઋષિઓએ
યજ્ઞાના પાંચ પ્રકાર ગણાવ્યા છે. બ્રહ્મયજ્ઞા, દેવયજ્ઞા, પિતૃયજ્ઞા,
અતિથિયજ્ઞા અને બલિવૈશ્યયજ્ઞા. રોજેરોજ શાસ્ત્રોનો અભ્યાસ કરવો તથા
શાસ્ત્રોનું પાલન કરવું એને બ્રહ્મયજ્ઞા કહેવાય છે. દેવતાને ખુશ કરવા માટે
રોજ હવન કરવો એને દેવયજ્ઞા કહે છે. આરતી અથવા ધૂપ-દીપ કરવાની વિધિ પણ
દેવયજ્ઞા કહી શકાય.
મા-બાપ અને કુટુંબના બધા વડીલોનું માન રાખીને એમની સેવા કરવી તથા એમને
ખુશ રાખવા એ પિતૃયજ્ઞા ગણાય છે. આપણા ઘેર આવનાર જાણકાર અને ભલા માણસોનો
આદર-સત્કાર કરવો, એમને નાસ્તો-પાણી કરાવવા એ અતિથિયજ્ઞા કહેવાય છે. પશુ,
પક્ષી, જીવ, જંતુ, કીડી, મકોડા વગેરેને ચણ આપવું અને ઘરમાં જે કંઈ રાંધ્યું
હોય એમાંથી થોડોક ભાગ ક્યાંક મૂકી દેવો એ બલિવૈશ્યયજ્ઞા કહેવાય છે. એને જ
ભૂતયજ્ઞા પણ કહે છે.
જૂના જમાનામાં રાજાઓ નામ કમાવા માટે એટલે કે કીર્તિ ફેલાવવા માટે રાજસૂય
યજ્ઞા કરતા હતા. સુખ મેળવવા માટે બૃહસ્પતિસ્તવન યજ્ઞા કરતા હતા.
ચારેબાજુના દેશ જીતી લેવા માટે અશ્વમેઘ યજ્ઞા કરતા હતા.
અશ્વમેઘ યજ્ઞામાં ખાસ પસંદ કરાયેલા અશ્વ એટલે કે ઘોડાને યજ્ઞા કર્યા પછી
છૂટો મૂકી દેવામાં આવતો હતો. એ ઘોડો જ્યાં જ્યાં ફરે એ બધી જમીન, એ બધા
ગામ, શહેર અશ્વમેઘ યજ્ઞા કરનાર રાજાના રાજ્યમાં આવી ગયેલા ગણાતા હતા. જેને
અશ્વમેઘ કરાવનાર રાજાની સત્તા કબૂલ ન હોય એ અશ્વમેઘ ઘોડાને બાંધી દેતા.
અને પછી ઘોડો મોકલનાર રાજા સાથે યુદ્ધ કરતા હતા.
પહેલના વખતમાં વરસાદ ન આવે તો વરસાદ લાવવા માટે યજ્ઞા કરતા હતા અને
ભારે વરસાદથી ચારેબાજુ પૂર આવી જાય, તો વરસાદ રોકવા માટે પણ યજ્ઞા કરતા
હતા. ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે બધા પ્રાણી ખોરાકના આધારે જન્મ્યા
છે અને એના જ આધારે જીવી રહ્યા છે. ખોરાક વરસાદથી ઉત્પન્ન થાય છે. અને
વરસાદ યજ્ઞા અથવા હવનથી ઉત્પન્ન થાય છે.
ગીતામાં રોગ મટાડવા માટે પણ યજ્ઞા કરવાની વાત કહેવાઈ છે. ગીતા કહે છે કે
રોગ મટાડવા માટે મંત્ર, જપ, નિયમ અને યજ્ઞા શરૃ કરી દેવા જોઈએ. વિજ્ઞાાન
કહે છે કે ધૂમાડા અને ગંધના પરમાણુ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. એટલે હવામાં
ફેલાઈને આપણા શ્વાસમાં થઈને તરત શરીરમાં આવી શકે છે.
આજથી બે હજાર વર્ષ પહેલાં નવા જન્મેલા બાળકને અને એની માતાને તથા એમના
કપડાને ઘૂણી કરીને ધૂમાડો આપવામાં આવતો હતો. રોમન સામ્રાજ્યમાં ધૂમાડાને
જંતુનાશક માનવામાં આવતો હતો. આજે પણ ધુમાડો વડે જંતુનાશક છાંટવાની વિધિ
'ફ્યુમિગેશન' ના નામે ઓળખાય છે.
યજ્ઞા અથવા હવનમાં વપરાતા ગુગળ, ચંદન, અગરુ, દેવદાર, લીમડો, સરસવ, કપૂર,
કૂઠ, તુલસી, જવ, ઘઉં, ઘી વગેરે પદાર્થોનો ધૂમાડો જંતુનાશક હોવાની સાથે
સાથે સુગંધી પણ હોય છે. એટલે યજ્ઞા થતો હોય ત્યાં આસપાસનું વાતાવરણ મહેકી
જાય છે. મન પ્રસન્ન થઈ જાય છે. એટલે જ જૂના જમાનામાં લોકો સવાર-સાંજ અગ્નિ
પેટાવીને એમાં ગુગળ, ચંદન, લીમડાના પાન નાખીને ઘરમાં ધૂમાડો કરતા હતા. એને
ધૂપ કર્યો કહેવાતો. એનાથી આખા ઘરમાં મઝાની સુગંધ ફરી વળતી, અને વાતાવરણ
જાણે પવિત્ર બની જતું હતું.