20130828

Gujarat Samachar

નેટોલોજી - ઈ-ગુરુ

આનંદો.. ઈન્ટરનેટ સ્પીડ ૪૦ ટકા વધશે

ભારતમાં ઈન્ટરનેટની એવરેજ સ્પીડમાં વધારો થવાનો સંભવ છે. એક અંદાજ પ્રમાણે આ સ્પીડ ૪૦ ટકા જેટલી વધશે. એટલે કે આગામી ૧૨ મહિનામાં સ્પીડ 1.8 Mbps ની થશે. સ્પીડ વધવાની સંભાવના પાછળનું કારણ હાઇસ્પીડ ફાયબર નેટવર્ક હોવાનું મનાય છે. ૨૦૧૩ના પ્રથમ છ મહિનામાં ભારતની એવરેજ ઈન્ટરનેટ સ્પીડ  1.3 Mbps હતી (મેગાબાઇટ પ્રતિ સેકન્ડ). જોકે હાલનો ઈન્ડસ્ટ્રી ગ્રોથ જોતાં આગામી ૧૨ માસમાં ઈન્ટરનેટ સ્પીડમાં ૪૦થી ૫૦ ટકાનો વધારો થશે. આનો અર્થ એ થયો કે સ્પીડ 1.3 થી 1.8 Mbps પર પહોંચશે. ૨૦૧૨ના શરૃઆતના છ મહિનામાં દેશમાં ઈન્ટરનેટ સ્પીડ 1.0 Mbps હતી. તેમાં ૨૦૧૩ના શરૃઆતના 0.3 Mbps નો વધારો થયો હતો.
વિશ્વમાં ૨૦૧૩ દરમ્યાન ઈન્ટરનેટ સ્પીડમાં સતત વધારો જોવા મળ્યો હતો. વિશ્વમાં ચાર ટકાનો વધારા સાથે સ્પીડ 3.1 Mbps પર પહોંચી હતી. આમ ભારતમાં જ્યારે ઈન્ટરનેટ સ્પીડ 1.3 હતી ત્યારે વિશ્વમાં તે 3.1 હતી.
સરકાર કહે છે કે તાજેતરમાં ટેલિકોમ કંપની, કેબલ ઓપરેટર્સ અને સર્વિસ પ્રોવાઇડર તરફથી પેમેન્ટ વધતા શહેરી વિસ્તારોમાંના ફાયબર કનેકશનની સ્પીડ વધશે.
ઘણા વપરાશકારો મોબાઇલથી ઓનલાઇન રહે છે. તેમના માટે હાઇસ્પીડ ડેટા પ્લાન સર્વિસ પ્રોવાઇડર આપે છે તે પોષાય એવો હોય છે. મોબાઇલ દ્વારા ઈન્ટરનેટ વપરાશકારોને હાઇસ્પીડ પ્લાન ખૂબ ઉપયોગી બની રહેશે.
એક અંદાજ અનુસાર કોર્પોરેટ કંપનીઓ તેમની બેન્ડવીથ સ્પીડને અપગ્રેડ કરી રહ્યા છે. કંપનીના ગ્રોથ અને ડીમાન્ડને અનુલક્ષીને તે અપગ્રેડનો પ્લાન અપનાવી રહ્યા છે. જો આ ફાયબર ઓપ્ટીકની સ્પીડ અપગ્રેડ થશે તો માત્ર શહેરોમાં જ નહીં પણ ટાઉન લેવલે પણ ઈન્ટરનેટ સ્પીડમાં વધારો જોવા મળશે.

સાયબર ક્રાઇમ સળગતી સમસ્યા
સાયબર ક્રાાઇમની સમસ્યા સતત સળગતી રહી છે. સાયબર ક્રાઇમની માત્રા મોટા પાયે વધી છે. ઓનલાઇન ખરીદી કરનારા માટેનું જોખમ વધતું જાય છે. તાજેતરમાં સુરતમાં ઓનલાઇન ખરીદી કરનાર એક વ્યક્તિનું કાર્ડ હેક થયું હતું અને ગણત્રીની મિનિટોમાં ૫૦ લાખ રૃપિયાનું ટ્રાન્ઝેકશન થયું હતું. આ બેન્કનો એસએમએસ આવે અને ત્વરીત તે કાર્ડ બ્લોક કરાવે તે પહેલાં તો ૫૦ લાખ રૃપિયાની ખરીદી કરાઇ દેવાઇ હતી. આવી તો અનેક ઘટનાઓ છે. દશ-વીસ હજારની ઘટનાઓ તો અનેક બનતી હશે પણ તેને સાંભળનાર કોઇ નથી હોતું. ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કરતી બેન્કો ગ્રાહકને છેતરવામાં પાવરધી બની ગઇ છે. ગ્રાહક કશું કરી શકતો નથી. કેટલીક બેંકો ક્રેડીટ કાર્ડ ધરાવતા ગ્રાહકોની સમસ્યા માટે ખાસ મીટીંગો બોલાવે છે. પણ તે સમયે હાજર બેંક અધિકારીઓને કશી ખબર નથી હોતી. ટૂંકમાં જેના કાર્ડ હેક થાય છે તેને ભાગ્યે જ ન્યાય મળે છે અને તેને ભાગ્યે જ પૈસા પાછા મળે છે.

સાયબર ક્રાઇમમાં ૬૦ ટકાનો વધારો
વધતા સાયબર ક્રાઇમની વાત ચાલે છે ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં સાયબર ક્રાઇમમાં ૬૦ ટકાનો વધારો થયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર ૨૦૧૧માં સાયબર ક્રાઇમની ૨૦૭૦ જેટલી ઘટના બની હતી તો ૨૦૧૨માં તે સંખ્યા ૩૫૦૦ પર પહોંચી હતી. આ યાદીમાં મહારાષ્ટ્ર ટોપ પર છે. જ્યાં ૨૦૧૧માં ૩૯૩ ઘટના બની હતી તો ૨૦૧૨માં તે સંખ્યા ૫૬૧ પર હતી. ત્યારબાદ આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. જ્યાં ૨૦૧૨માં ૪૫૪ ઘટના બની હતી. મોટાભાગના સાયબર ક્રાઇમ કરનારાની ઉંમર ૧૮થી ૨૫ વર્ષની હોય છે.
સાયબર ક્રાઇમ જ્યાં ખૂબ ઓછા થતા હતા એવા હરિયાણામાં સાયબર ક્રાઇમમાં ઉછાળો નોંધાયો છે. હરિયાણામાં જ્યાં સાયબર ક્રાઇમના ત્રણ કેસ નોંધાયા હતા ત્યાં ૨૦૧૨માં ૧૧૬ કેસો નોંધાયો હતા. સાયબર ક્રાઇમમાં સૌથી ટોપ પર આર્થિક ઉચાપત છે, ત્યારબાદ ઓનલાઇન છેતરપીંડી, મશ્કરી વગેરેનો સમાવેશ થાય છે.

ઈન્ટરનેટ પ્રોટોકોલ
ભારતનો ઈન્ટરનેટ પ્રોટોકોલ ટ્રાફીક (IP) માં ૪૪ ટકાનો વધારો ૨૦૧૨થી ૨૦૧૭ દરમ્યાન થશે એમ માનવામાં આવે છે. એક સર્વે પ્રમાણે ગ્લોબલ આઇપી ટ્રાફીક ત્રણ ગણો વધે એવી સંભાવના છે. જોકે સૌથી વધુ ટ્રાફિક યુ એસ મેળવશે. (મહિને 37 etabytes) અને ચીન બીજા નંબરે રહેશે (મહિને 18 etabytes). ઈન્ટરનેટ વપરાશકારોની સંખ્યા ૨૦૧૭ સુધીમાં વધીને ૩.૬ અબજ પર પહોંચશે. ત્યારે વિશ્વની વસ્તી અંદાજે ૭.૬ અબજની હશે તે પૈકી ૪૮ ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હશે. આમ હાલના વપરાશકારોની સરખામણીમાં ૩૨ ટકાનો વધારો થશે. ૨૦૧૨માં ઈન્ટરનેટ કનેકશનની સંખ્યા ૧૨ અબજ હતી તો ૨૦૧૭માં આ સંખ્યા ૧૯ અબજ પર પહોંચશે એમ મનાય છે.
સોશ્યલ નેટવર્કીંગ એક્ટીવ યુઝર્સ કેટલા?
સોશ્યલ નેટવર્કીંગ ઈન્ટરનેટ પરનું લોકપ્રિય માધ્યમ બની ગયું છે. આવી સાઇટ પર લોકો મેમ્બર તો વિગતો ભરીને ફટાફટ થઇ જાય છે અને અઠવાડીયામાં એકાદવાર ફોટા કે મેસેજ અપડેટ કરે છે. જે લોકો રેગ્યુલર અપડેટ કરતા હોય તેને એક્ટીવ યુઝર્સ કહી શકાય. જોકે આવા એક્ટીવ યુઝર્સની સંખ્યામાં વધઘટ થયા કરે છે. ઘણાં લોકો આરંભે શૂરા જેવા હોય છે. તે લોકો રજીસ્ટ્રેશન ફટાફટ કરાવી દે છે અને પછી અપડેટ કરવામાં આળસ રાખે છે. ઘણાં પોતાની સોશ્યલ નેટવર્ક પર હાજરી છે એમ બતાવવા પ્રયાસ કરે છે. પરંતુ સોશ્યલ નેટવર્ક પર ઘણાં એકાઉન્ટ ડેડ પડયા હોય છે. એકાઉન્ટ ભલે ડેડ પડયા હોય પણ સોશ્યલ નેટવર્કીંગ સાઇટ તેને પોતાની કુલ સંખ્યામાં બતાવે છે. સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ક્યારેય એક્ટીવ યુઝર્સ બતાવતા નથી. ઉદાહરણ તરીકે ટ્વીટર પર ઘણાંના રજીસ્ટ્રેશન છે પણ નિયમિત ટ્વીટ કરી શકતા નથી એટલે એકાઉન્ટ ડેડ પડેલું હોય છે.

સાથે... સાથે...
- ટેકનોલોજી વિવિધ રીતે ઉપયોગમાં આવે છે. ન્યુયોર્કની એક કંપનીએ સ્માર્ટ ડાયપર શોધ્યા છે. આ ડાયપર પહેરનાર બાળકનો હેલ્થ રેકોર્ડ તેના પર સામેલ બારકોડ પર આવી જાય છે. જે તેના પેરન્ટસ સ્માર્ટ ફોન મારફતે સંતાનના આરોગ્યના ડેટા મેળવીને સીધા જ ડોકટરને ડાયગ્નોસીસ માટે મોકલી શકે છે..


-Gujarat Samachar


શોધ-સંશોધન - વસંત મિસ્ત્રી

પગના દુખાવા માટે વિટામિન K2

આજકાલ વિટામિન k2 એટલે કે મેનાકવીનોન નામના રસાયણે વિશેષ સળવળાટ ઊભો કર્યો છે. વિટામિન k2 હાડકાંને મજબુત બનાવે છે. હાડકાં તૂટવા માટે ઓસ્ટિઓકાસ્ટ નામના કોષો જવાબદાર છે પરંતુ વિટામિન k2 આ કોષોની ઉત્પત્તિ અટકાવે છે, જેનાથી હાડકાંમાં તાકાત આવે છે.
વિટામિન k2 હૃદયની ધમનીમાં જામતા પ્લાકને અટકાવે છે. કેટલાંક સંશોધકોના મતે વિટામિન k2 , રૃમેટોઈડ આર્થરાઈટિસની સારવાર માટે પણ વપરાય છે અને તે કેટલાંક કેન્સરને પણ અટકાવે છે.
વિટામિન k2 મુખ્યત્વે ચીકન, બીફ, ઈંડાનો યોક, માંસ અને દૂધમાં મળી આવે છે. ઉપરાંત આથવેલો ખોરાક જેમકે ચીઝ અને સોરક્રોટ (જર્મનીનું કોબી સલાડ) પણ k2 થી ભરપુર હોય છે. વિટામિન k2 નો શ્રેષ્ઠ સ્ત્રોત નાટ્ટો (Natto) છે જે આથવેલા સોયાબીન ધરાવતો જાપાનીસ આહાર છે.
વિટામિન k1 થી ઊલ્ટું આ વિટામિન રેસાવાળા શાકભાજી, બ્રોક્કોલી અને એસ્પારેગસમાં મળી આવે છે.
વિટામિન k2 લેનારાઓ જે એન્ટિકોએગ્યુલન્ટ લેતાં હોય તો બન્નેનો ડોઝ ડૉક્ટર પાસે સેટ કરાવવો કારણકે એક લોહીને જમાવે છે અને બીજું લોહીને તોડે છે.


નવી જાતનું... સુપર લાકડું...! નેનોસેલ્યુલોઝ...!

હા... નવું નામ છે સુપરવુડ. કોઈ ગુનો થાય તો સુપરવુડ ત્યાં મળશે. કોઈ બાળક રડે તો સુપરવુડ હસાવશે. સુપરવુડ ડિલિવરી પણ કરાવશે. આ સુપરવુડ છે 'નેનો સેલ્યુલોઝ'. લાકડાનો માવો જેને અવારનવાર શુધ્ધ કરવામાં આવે છે. રિમિક્સ અને રિકોન્સ્ટીટયુટ કરી તેમાંથી નેનો ક્રીસ્ટલ અને નેનો તાંતણાં બનાવવામાં આવ્યા છે. તમે તેની પાસે કામ કરાવો એટલે તે સુપરવુડ બની જાય છે.
આ એક એવો પદાર્થ છે જે ગેઝેટ્સથી માંડીને એરોપ્લેન સુધી ઉત્ક્રાંતિ લાવશે. સુપરવુડ પારદર્શક છે. ફ્લેક્સિબલ છે છતાં તે સ્ટીલ અને કેવલાર (Kevlar)કરતાં મજબુત છે. તેમાંથી વીજળી પસાર થઈ શકે છે.
તેને આકાર આપી શકાય છે. સપાટી પર ચોપડી શકાય છે અને તેને ભેજગ્રાહી પણ બનાવી શકાય છે.
પાર્ટીમાં તે બીનઝેરી ગણાય છે એટલે તમે ખાઈ પણ શકો છો. તે હલકા વજનનું યુધ્ધનું ઉપકરણ પણ બની શકે છે. એટલે U.S.  ડિપાર્ટમેન્ટ તેને લશ્કરમાં સમાવવા વિચારે છે.
હવે ફાઈટર જેટની પાંખમાં અને લોકહીડ (વિમાન)ની ટોપમાં તેનો ઉપયોગ વિચારાઈ રહ્યો છે. સુપરવુડને બધાજ વિચારે છે કારણ કે તે લાકડાની છાલ જેટલું સસ્તું છે. નેનો સેલ્યુલોઝ કેનેડા, સ્વીડન અને વિસ્કોન્સીનમાં બને છે. U.S. ફોરેસ્ટ સર્વિસ નેનો સેલ્યુલોઝને થોડાક ડૉલર પ્રતિ કિલોના ભાવે વેચશે.


-Gujarat Samachar




ક્રેડિટ કાર્ડ

- સંભાળીને વાપરો તો ઉત્તમ સગવડ અને આડેધડ વાપરો તો શાપરૃપ અગવડ

ગયા વર્ષ સુધી માનસીનું પર્સ એના દોસ્તો અને બહેનપણીઓ માટે મોજમસ્તીનું સૌથી ઉપયોગી સાધન હતું. કારણ, માનસી પાસે બે-ત્રણ કંપનીઓનાં ક્રેડિટ કાર્ડ પર્સમાં હાજર જ રહેતાં હતાં, કશોક નાસ્તો કરવાની ઇચ્છા થઇ કે 'ચાલો બધાં મોંઘા રેસ્ટોરાંમાં જઇએ.' કશુંક ખરીદવું હોય તો લાવો માનસીનું કાર્ડ લઇ જઇએ. કંપની તરફથી સ્ટેટમેન્ટ આવે ત્યારે પૈસા આપી દેવાનો વાયદો કરીને બધાં માનસીને બેવકૂફ બનાવ્યે રાખતાં, પરંતુ હવે એણે રેસ્ટોરાં અને શો-રૃમોની મુલાકાતો બંધ કરી દીધી છે કારણ કે તેના કાર્ડ પર ઉધાર વસ્તુ ખરીદનારા, હોટેલમાં નાસ્તો કરવા આવનારા મિત્રોમાંથી કોઇએ માનસીને પૈસા આપ્યા નથી અને બિચારી દર મહિને પોતાના પગારમાંથી વ્યાજ સાથે બાકી રકમના હપ્તા ભર્યા કરે છે. એણે સામેથી ઉઘરાણી શરૃ કરતાં બધા મિત્રો અને બહેનપણીઓએ મળવાનું તો ઠીક એની સામે બોલવાનુંય બંધ કરી દીધું છે. સ્થિતિ આટલે સુધી બગડી હોત તો તો ગનીમત હતું, પરંતુ એક કંપનીએ તેનું કાર્ડ રદ કરીને બાકી રહેલી બધી રકમ તત્કાળ ભરી દેવાનું કહેવા માણસને સીધો એના ઘરે જ મોકલી આપ્યો.
ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરનારા જાણે છે કે પોતાના કાર્ડ પર 'ખર્ચ વિનાના ઉધાર' અથવા 'ફ્રી ક્રેડિટ'નો લાભ કેવી રીતે લઇ શકે છે. કેમ કે 'સિટી બેન્ક કાર્ડ' અથવા 'ચાર્જ કાર્ડ' જેવાં ડાઇનર્સ ક્લબ કાર્ડ ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવામાં કાર્ડના ઉપયોગ બદલ એક ચોક્કસ હદ સુધી અપાતા ધિરાણ પર કશું જ વ્યાજ લેતા નથી. એનો અર્થ એ કે સિટી બેન્ક ક્લાસિક (સિલ્વર) અને પ્રીફર્ડ (ગોલ્ડ) કાર્ડ પર લગભગ ૨૦થી ૫૦ દિવસ સુધી વગર વ્યાજે ધિરાણ આપવામાં આવે છે. એ જ રીતે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ કાર્ડ અપાયા પછી પહેલીવાર ૪૫ દિવસ સુધી અને ત્યારપછી ૩૫થી ૪૫ દિવસ સુધીનું વગર વ્યાજે ધિરાણ ગ્રાહકોને અપાય છે. મુખ્ય ક્રેડિટ કાર્ડમાં પણ આ સુવિધા ઓછાવત્તા અંશે અપાય છે. આ રીતે અમેરિકન એક્સપ્રેસ, બેન્ક ઓફ બરોડા, સ્ટેટ બેન્ક વગેેરે અનેક બેન્કો, નાણાં સંસ્થાઓ હવે ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરે છે.
સગવડ મુજબ ચુકવણી
ક્રેડિટ કાર્ડ આપતી કંપનીઓ મોટા ભાગે ગ્રાહકના ખાતે બાકી રકમમાંથી પૂરેપૂરું વ્યાજ અને મૂળ રકમ પેટે રકમ નિયમિત રીતે દર મહિને ગ્રાહક ચૂકવી આપે એવો આગ્રહ રાખતી હોય છે. ગ્રાહક જો પૂરેપૂરી બાકી રકમ પરત ચૂકવી ન શકે ત્યારે તેને તે રકમ કટકે-કટકે ચૂકવવાની અપાતી સગવડને 'રિવોલ્વિંગ સગવડ' કહે છે. તેથી જો પૈસાની ગોઠવણ ન થઇ શકી હોય તો ક્રેડિટ કાર્ડ પર કરેલી ખરીદીની યાદી પેટે મોડામાં મોડી તારીખે આપવાની થતી ઓછામાં ઓછી રકમ કે તેથી વધુ ચૂકવી શકાય છે. બાકીની રકમ પર રિવોલ્વિંગ સગવડ મળી જશે. જોકે એ વખતે એક બાબત દરેકે યાદ રાખવી જોઇએ કે બાકી રકમ પર સામાન્ય દર કરતાં ઊંચા દરે વ્યાજ ચૂકવવું પડશે.
ચાર્જ કાર્ડની બીજી એક મુખ્ય ખાસિયત એ છે કે એમાં કાર્ડ આપનારી બેંક તરફથી ખરીદીની કોઇ મર્યાદા નક્કી નથી કરાતી, પણ કાર્ડ ધારકે પોતે કેટલી રકમ ચૂકવી શકશે એ આંકડો નક્કી કરીને ખરીદી કરવાની હોય છે. પોતે કરેલી ખરીદીની બાકી રકમ ચોક્કસ તારીખ સુધીમાં ચૂકવી આપવી પડે છે.
ક્રેડિટ કાર્ડ રાખનારી સમજુ વ્યક્તિ વગર વ્યાજના ઉધારનો ફાયદો તો મેળવે છે જ, સાથે ઓછામાં ઓછા સમયમાં બાકી રકમ પરત ચૂકવી દઇને ઓછામાં ઓછો વ્યાજનો બોજ સહન કરે છે. જોકે આપણે જોઇ ગયા એમ માનસી જેવા ગ્રાહકો આવી સમજ બતાવતા નથી અને આડેધડ ખરીદી કરીને દેવામાં ડૂબી જાય છે.
કાર્ડની વધી રહેલી ઘેલછા
ક્રેડિટ કાર્ડનું ચલણ આજે સમાજમાં એટલું ઝડપથી વધી રહ્યું છે કે બેંકો એને આધુનિક સમયનું આધુનિક નાણું માને છે. મધ્યમવર્ગમાં પણ ક્રેડિટ કાર્ડની ઘેલછા રહી હોવાથી તેના ઉપયોગ બાબતમાં તકેદારી અને જાગૃતિ રાખવી અતિશય જરૃરી છે. દર મહિને મર્યાદિત આવક મેળવનારા નોકરિયાતે એ સમજી લેવું જોઇએ કે તમે ભલે ચીજવસ્તુઓ ખરીદો, પરંતુ આજે નહીં તો આવતી કાલેય એના બદલામાં નાણાં ચૂકવવા પડશે જ અને ઘણીવાર વ્યાજ સાથે ચૂકવવા પડે છે. એક વરવી હકીકત એ પણ છે કે ક્રેડિટ કાર્ડ ઘણીવાર પૈસા હાથમાં આવ્યાં પહેલાં જ ખર્ચ કરાવી નાખે છે. કાર્ડ ધારક પોતાને જોઇતી કે ના જોઇતી વસ્તુ એમ માનીને ખરીદી લે છે કે 'થોડા દિવસ પછી અમુક પૈસા હાથમાં આવવાનાં જ છે ને, એ વખતે બાકી રકમ ચૂકવી દઇશ.' પરંતુ આવું વિચારવું ઠીક નથી.
એક પત્રકારના મતે 'પ્લાસ્ટિક મની' ખરેખર સારું છે, પરંતુ બધી દુકાને એ સ્વીકારાતાં નથી. મોટાં શહેરોમાં તો બરાબર છે કે એક નહીં ને બીજી દુકાનેથી વસ્તુ ખરીદી લઇએ, પણ નાના શહેરમાં ક્રેડિટ કાર્ડ સ્વીકારાતું જ ન હોય તો કાર્ડધારક મુશ્કેલીમાં મુકાઇ જાય છે. અમેરિકામાં તો કરિયાણાની દુકાને પણ ક્રેડિટ કાર્ડ સ્વીકારાતાં હોય છે એટલે કાર્ડધારકને કશી જ તકલીફ નડતી નથી.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં પહેલાં નીચે આપેલાં સૂચનો ધ્યાનમાં રાખવાં જેવાં છેઃ
- ખરીદી કરતી વખતે જ વિચારી લો કે પૈસા ચૂકવવાના આવશે ત્યારે તે ક્યાંથી આવવાના છે.
- ફ્રી ક્રેડિટ સીમા પછી કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડશે એ પણ ભૂલ્યા વિના જાણી લો.
- ખરીદનારે પોતાની આર્થિક સ્થિતિનો પણ વિચાર કરવો જોઇએ કે આજે થાય છે એટલી આવક ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની છે કે કેમ.
તમારી શાખ જળવાઇ રહે તે માટે પણ કેટલાક સૂચનો નોંધી રાખવા જેવાં છેઃ
- કોઇ મહિને આર્થિક કટોકટી આવી જાય અને તમે ઓછામાં ઓછી રકમ પણ ચૂકવી શકો તેમ ન હો તો કંપનીને તમારી મજબૂરી આગોતરી જ જણાવી દો.
-  તમને નિર્ધારિત સમયે ટપાલ દ્વારા તમારે ચૂકવવાની રકમની વિગતો ન મળે તો બેંકને તરત જ જાણ કરો અને બીજી નકલ મોકલવા કહો, સરવાળે તમારી શાખ વધશે.
- આ સૂચનોનો અમલ કરવાથી ગ્રાહક તરીકે ફાયદો તમને  થશે. કોઇ-કોઇ વાર તો બેંક પોતાના સારી શાખવાળા ગ્રાહકોની વિનંતી માત્રથી બાકી રકમ ચૂકવવાના સમયમાં કે ધિરાણની મર્યાદામાં અસ્થાયીરૃપે વધારો કરી આપે છે.


-Gujarat Samachar


અગોચર વિશ્વ - દેવેશ મહેતા

આંખોથી લગભગ અંધ એવી વ્યક્તિ મગજના દ્રષ્ટિકેન્દ્રની સહાયથી જુએ છે !

કોઈ વ્યક્તિ તમને એમ કહે કે આ દુનિયામાં એવા ઘણા માણસો છે જે અંધ હોવા છતાં કે ગાઢ અંધકારમાં આંખે કાળા રંગના પેડ લગાવી દેવા છતાં સામાન્ય વ્યક્તિ ખુલ્લી આંખે જોઇ શકે છે, તેમ જોવાની ક્ષમતા ધરાવે છે, તો તમે બોલી ઉઠશો- 'અસંભવ !'પણ આ વાત એક વ્યક્તિએ પ્રયોગો દ્વારા સાબિત કરી બતાવી છે. આ શક્તિ ધરાવનાર એક વ્યક્તિ વિશે જાણકારી મેળવીએ.
સુપર સાઇટ (Super Sight) ધરાવનાર વ્યક્તિ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પામેલ એ વ્યક્તિ છે રશિયાનો એલેકઝાન્ડર લેવિટ. એલકઝાન્ડરનો જન્મ થયો ત્યારે જ તેની આંખોનું પરીક્ષણ કરી ડૉક્ટરોએ કહી દીધું હતું કે તે ક્યારેય જોઇ નહી શકે. તે લગભગ અંધ જેવો જ હતો. તેને તે વખતે માત્ર ૩૦% જેટલું જ 'વિઝન'હતું જે પાછળથી ધીમે ધીમે ઘટી ગયું હતું. તેની આંખોના આંતરિક ભાગના જ્ઞાાનતંતુઓ તેના મગજ સાથે જોડાયેલા નહોતા એટલે તે જોવાની ક્ષમતા ધરાવતો નહોતો. છતાં કુદરતે એક ચમત્કાર કર્યો. તેને ખ્યાલ આવ્યો કે તે મગજની સહાયથી જોઇ શકે છે ! જો કે કેટલાક શંકાશીલ મગજના લોકો તેની ચૈતસિક શક્તિને છેતરપિંડી માને છે, પણ એલેકઝાન્ડર લેવિટે અનેક જગ્યાએ જાહેરમાં અને ડૉક્ટરોની પ્રયોગશાળાઓમાં એની આ શક્તિનું પ્રદર્શન કર્યું છે. સોવિયેટ રશિયામાં તેણે અનેક જગ્યાએ આવા પ્રયોગો કરી બતાવ્યા હતા અને તેમાં તેની શક્તિ સાબિત કરી બતાવી હતી. આંખેથી તેને ઝાંખું ઝાંખું પણ દેખાતું હશે તેવી શંકા દૂર કરવા તે પ્રયોગકર્તા તેની આંખો પર જે પટ્ટી, પટ્ટા કે જાડા પેડ પહેરાવે છે તેની સાથે જ પ્રયોગ કરે છે. પ્રયોગકર્તા એ જાડા પટ્ટા કે પેડ પોતાની આંખો પર બાંધીને બરાબર ચકાસી પણ લે છે કે ક્યાંક એમાંથી દેખાંતુ તો નથી ને !
એલેક્ઝાન્ડરની સુપર હ્યુમન જેવી ક્ષમતા ચકાસવા કોમિક બુકના રાઇટર સ્ટેન લીએ તેમના પ્રતિનિધિ ડેનિયલને તેની પાસે મોકલ્યો હતો. ડેનિયલે તેને મળીને પહેલાં તો પોતાની રીતે જાતે જ ચકાસણી કરી હતી. ડેનિયલે સર્વપ્રથમ એની પોતાની આંખે ચામડાનો જાડો અને પહોળો પટ્ટો પહેરીને એમાંથી કશું જ દેખાતું નથી એની ખાતરી કરી હતી. પછી પોતાના જ હાથે એને તે પટ્ટો પહેરાવ્યો હતો. એક ટેબલ પર બીલ બોર્ડના જુદા જુદા રંગોના બોલ આડાઅવળા પોતાના જ હાથે મૂકે છે. એલેકઝાન્ડરને પૂછે છે- 'કયો બોલ ટેબલ પર ક્યાં છે અને તેનો રંગ કયો છે, તે જણાવી શકશે ?''એલેકઝાન્ડર એકે એક બોલની સ્થિતિ અને રંગની સાચી માહિતી આપે છે. પછી ડેનિયલ પ્રયોગને થોડો અઘરો બનાવે છે. ડેનિયલ ટેબલની એક બાજુએ તેની ધાર પાસે ઊભો રહે છે અને એની સામેની બીજી બાજુએ એલેકઝાન્ડરને ઊભા રહેવાનું કહે છે, એલેક્ઝાન્ડર તે રીતે ટેબલની સામેની ધાર પાસે હાથમાં બીલબોર્ડના બોલનું નાનું બેટ લઇને ઊભો રહે છે. પછી ડેનિયલ મનમાં આવે તે રીતે તેના બેટથી બોલને સામેની તરફ ધક્કો મારે છે. એલક્ઝાન્ડર પણ તેની તરફ બોલ આવે ત્યારે તેને બેટથી ધક્કો મારીને સામેની તરફ મોકલે છે ! આમ સામસામે રમત રમે છે. કોઇને દેખાતું હોય તો જ તે બોલને બરાબર રીતે હીટ કરી સામે મોકલી શકે. એલેક્ઝાન્ડર તે કરી બતાવે છે.
જ્યારે ડેનિયલને એવું લાગ્યું કે એલેક્ઝાન્ડરનો 'સુપર સાઇટ'નો દાવો સાચો છે, ત્યારે તે વધુ ચકાસણી કરવા તેને લોસ એંજિલસના ન્યુરોસાયકોલોજિસ્ટ બીલ સ્કોટ પાસે લઇ ગયો. બીલ સ્કોટ તેની આંખોની ચકાસણી કરી તેની ખાતરી કરે છે. પછી તેના પર વધારે અઘરા પ્રયોગો પણ કરે છે. બીલ સ્કોટે ટેબલ પર જુદા જુદા રંગના બોલ મૂક્યા અને તે જે રંગનો બોલ કહે તેને ઉઠાવીને પોતાના હાથમાં આપવા કહ્યું. એલેક્ઝાન્ડરે તેણે કહ્યું તે પ્રમાણે જ તે રંગના બોલ ઉઠાવી તેના હાથમાં આપવા માંડયા. બીલ સ્કોટે ટેબલની એક બાજુએથી બોલ રગડાવી તે ટેબલ પરથી નીચે પડે ત્યારે તેને જમીન પર પડતા પહેલાં ઝીલી લેવા કહ્યું. તેણે કરી બતાવ્યું. પછી બીલ, ડેનિયલ અને એલેક્ઝાન્ડર ત્રણેયને સામેલ કરી પ્રયોગ કરાયો. બીલ સ્કોટે એક ટેનિસ બોલ લીધો અને તરત ડેનિયલ તરફ ફંગોળ્યો જેથી તે તેને ઝીલી શકે ! આમ એલેક્ઝાન્ડરે બીલ ક્યાં ઊભો છે, બોલ તેના તરફ કઇ દિશામાં ક્યારે આવે છે અને ડેનિયલ ક્યાં ઊભો છે તે બધું તે જોઇ શકે છે, તેમ સાબિત કર્યું.
બીલ સ્કોટે વધારે અઘરો પ્રયોગ કર્યો. તેણે કહ્યું- 'જો આંખો પર પટ્ટો લગાવીને તું આ ફરી કરી બતાવશે તો મારા માટે તે મોટો ચમત્કાર ગણાશે. આ કામ લોખંડના ચણા ચાવવા જેવું અસંભવિત છે. ડૉક્ટરે તેના શરીર પર સેન્સર બાંધી દીધા જેથી તેની આંખ પાસે કોઇ સૂક્ષ્મ ગતિ ના થાય. કોઇ ઝીણા અવાજ ના આવે અને કોઇપણ પ્રકારના વાઇબ્રેશન્સ આવે નહી, જેથી તેના કોઇ સંકેતોથી તે જોતો હોય તો તે અટકી જાય. દર વખતની જેમ આંખે ચામડાનો પહોળો પટ્ટો પણ પહેરાવી દીધો. તેને એક કમ્પ્યૂટર સામે ખુરશીમાં બેસાડવામાં આવ્યો. બીલ સ્કોટે તેને કહ્યું- 'તારે કમ્પ્યુટર સ્ક્રીનમાં જોતા રહેવાનું. સ્ક્રીન પર અક્ષરો આપોઆપ બદલાશે. જ્યારે અંગ્રેજી અક્ષર આર (R) આવે ત્યારે તારે હાથમાં રાખેલા માઉસથી જમણી તરફ ક્લીક કરવાની જ્યારે અંગ્રેજી અક્ષર એલ (L) આવે ત્યારે ડાબી તરફ ક્લીક કરવાની અને જ્યારે પી (P) આવે ત્યારે કોઇ ક્લીક નહી કરવાની !કમ્પ્યુટર આ અક્ષરો આડાઅવળા ક્રમમાં અનિશ્ચિત સમયના અંતરાલે સ્ક્રીન પર પ્રકટ કરશે. એલેક્ઝાન્ડરે તે પડકાર પણ ઝીલી લીધો અને સ્ક્રીન પર અક્ષરો યાદચ્છિક રીતે (રેન્ડમલી) બદલાતા ગયા તેમ સૂચના પ્રમાણે ક્લીક કરવા માંડી. બીલ સ્કોટ અને ડેનિયલે જોયંુ તો તેણે બધી ક્લીક સાચી કરી હતી અને બરાબર તે સમયે જ જ્યારે તે અક્ષર સ્ક્રીન પર આવ્યા હતા. આ પ્રયોગ પછી બીલ સ્કોટ બોલી ઊઠયો હતો- મારું તો મગજ બહેર મારી ગયું છે. આવું મેં પહેલાં ક્યારેય જોયું નથી. આ તો કમાલની વ્યક્તિ છે. હું એનો ભારે પ્રશંસક બની ગયો છું !
તે પછી તેની 'સુપર સાઇટ' ચકાસવા છેલ્લો પ્રયોગ કર્યો. એક મોટા ખાલી હોલમાં માત્ર બે જગ્યાએ એકદમ નાના સ્ટૂલ મૂકી તેના પર જુદા જુદા રંગની કાચની બે વસ્તુ મૂકવામાં આવે છે. એક પીળા રંગનો ગ્લાસ અને ભૂરા રંગનું ફ્લાવરવાઝ.પછી તે હોલને સંપૂર્ણ રીતે અંધારો બનાવી દેવાય છે. રાતનો સમય અને કોઇપણ પ્રકારની લાઇટ નહી. બીલ સ્કોટ અને ડેનિયલ આંખે ઇન્ફ્રારેડવાળા ચશ્માં પહેરે છે. જેથી  એલેક્ઝાન્ડર સૂચના પ્રમાણે કરે છે કે નહી તેની કાર્યવાહી જોઇ શકાય. બધુ ગોઠવાઇ જાય છે. પછી એલેક્ઝાન્ડરને તે અંધારિયા હોલમાં આંખે ચામડાનો અપારદર્શક પટ્ટો પહેરાવીને જ લાવવામાં આવે છે. તેના હાથમાં બેઝબોલનું બેટ પણ આપવામાં આવે છે. તેને પૂછવામાં આવે છે કે હોલમાં કઇ વસ્તુ છે અને ક્યાં છે ? તે કહે છે કે એક સ્ટૂલ પર પીળા રંગનો કાચનો ગ્લાસ દેખાય છે અને બીજા સ્ટૂલ પર ભૂરા રંગનું ફ્લાવરવાઝ દેખાય છે. પછી તેને તે જગ્યાએ જઇને બેઝબોલના બેટથી પ્રહાર કરી તે બન્નેને એક જ પ્રયત્ને તોડી નાંખવાનું કહેવામાં આવે છે. એલેક્ઝાન્ડરે તે પણ સરળતાથી એક જ પ્રયાસે કરી બતાવ્યું હતું. જો કે કેટલાક શંકાશીલ લોકો આમ છતાં તેને માનવા તૈયાર નથી ! સંશોધકોએ તેને પૂછ્યું કે તે આ બધું કેવી રીતે જોઇ શકે છે, ત્યારે તેણે કહ્યું હતું-''જાણે હું ત્રીજી આંખથી જોતો હોઉ એમ મને લાગે છે. હું ખરેખર જોઇ શકું છું કારણ કે જોવા માટે માત્ર આંખો જ નથી હોતી. ઓપ્ટિકલ સીસ્ટમ નર્વઝ અને મગજના ફન્કશન્સની પણ આમાં મદદ મળે છે. મારા મગજનો વિઝ્યુલ કોર્ટેક્ષ સામાન્ય મગજની જેમ જ કામ કરે છે. પણ તેને શરીરના જુદા જુદા ભાગોમાંથી પણ સંકેતો મળે છે. એટલે હું આંખોથી નહી, પણ ઓપ્ટિકલ નર્વઝ અને મગજના વિઝ્યુલ કોર્ટેક્ષથી જોઉ છું.''


-Gujarat Samachar


વગર પૈસે ટાલ પર વાળ ઉગાડવા અજમાવી જુઓ બાર નૂસખા


વગર પૈસે ટાલ પર વાળ ઉગાડવા અજમાવી જુઓ 12
 નૂસખા
પ્રદુષણ અને ફાસ્ટ ફૂડના કારણે વાળ ખરવાની, વાળ કસમયે જ ધોળા થઈ જવાની અને ટાલ પડવાની સમસ્યા બહુ વધી ગઈ છે. પહેલાં તો ટાલ પડવાની સમસ્યા માત્ર પુરૂષોમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે તો સ્ત્રીઓમાં પણ જોવા મળવા લાગી છે.

સ્ત્રીઓના લાંબા, ભરાવદાર અને શાઇનિંગ વાળ તો જાણે સપનું બની ગયું છે. પરંતુ આજે પણ આવા વાળનું સપનું કોણ ના જોતું હોય?

આજે અહીં વાળને ખરતા બંધ કરવા, અકાળે ધોળા થઈ જતા વાળ અટકાવવા અને ટાલ પર વાળ ઉગાડવા આજે ખાસ આપવામાં આવ્યા છે 12 ઘરઘથ્થુ નૂસખા, જેની મદદથી વગર પૈસે ટાલ પર ઉગશે વાળ.......

૧.  સફેદ ખારો 20 ગ્રામ લઈ છ ગ્રામ કાગજી લીંબુના રસને ખરલમાં પીસી લો. આ મિશ્રણને ટાલના ભાગે લગાવી દો. બે કલાક પછી સાબુથી ધોઈ નારિયળનું તેલ લગાવી દો. આ સસ્તો અને સરળ નુસખો ક્યારેય ફેલ નથી થતો.

૨.  મીઠાના વધારે પડતા સેવનથી ટાલિયાપણું આવે છે. એક- એક ચમચી બારીક વાટેલુ મીઠુ, કાળી મરી, પાંચ ચમચી નાળિયેરનું તેલ મેળવીને ટાલ પડેલી જગ્યા પર લગાડવાથી વાળ આવે છે.

૩.  વાળ જ્યાથી ખરી ગયા હોય તે જગ્યાએ ડુંગળીનો રસ રગડવાથી પણ વાળ આવવા લાગે છે.

૪.  વાળ ખરવાની કે ટાલની સમસ્યાથી પીડાતા હોય તો લસણનો વધારે પ્રયોગ કરો.

૫.  અડદની દાળને ઉકાળીને પીસી લો. તેનો સુતા સમયે ટાલની જગ્યાએ લેપ કરો.

૬.  લીલી કોથમીરનો લેપ કરવાથી પણ વાળ આવવા લાગે છે.

૭. દાડમનાં પાનને પાણીમાં વાટીને તેનો માથા પર લેપ કરવાથી ટાલિયાપણું દુર થાય છે.

૮. તાલ પડવી કે વાળનું ખરવું સામાન્ય થતું જાય છે. તેનાથી છુટકારો મેળવવા ગરમ ઓલિવ તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાઉડર ભેળવી લગાવો.

૯. ખોડાની ફરિયાદ હોય તો દહીમાં કાળીમરીનું ચૂર્ણ મેળવી ધુઓ. એમ અઠવાડિયામાં બે વાર ચોક્કસ કરજો.તેનાથી જ્યાં વાળની ડેન્ડ્રફની સમસ્યા ખતમ થઈ જશે, તો વાળ મુલાયમ, કાળા, લાંબા અને ઘાટ્ટા થઈ જશે જે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે

૧૦. કાળી માટી વાળ માટે ખૂબ જ સારી માનવામાં આવે છે, કાળી માટીને બે કલાક પહેલા પલાળી તેનાથી માથું ધૂવો, તેનાથી વાળ મુલાયમ થાય છે.

૧૧. નારિયળના તેલમાં લીંબુનો રસ મેળવી વાળની જડમાં લગાવવાથી વાળ કસમયે પાકી જવા કે ઝડી જવાનું અટકી જાય છે.


૧૨. દહીંમાં બેસન મિક્સ કરી વાળના મૂળમાં લગાવી એક કલાક પછી માથું ધોઈ લો. તેનાથી વાળની ચમક પાછી આવી જશે અને વાળમાંથી ખોડાની સમસ્યા પણ દૂર થઈ જશે.


સમયાંતર - લલિત ખંભાયતા

ફેન્ડશિપડેનાદિવસે વાત અનોખી મૈત્રીની

આફ્રિકાની ધરતી પર વેરાયેલી અસલ જંગલબૂક

- ગીરના નાની મોણપરી ગામના આપા માત્રાને સિંહ સાથે દોસ્તી હતી એ વાર્તા લોકજીવનમાં જાણીતી છે. રૃડયાર્ડ કિપલિંગે 'જંગલ બૂક'માં માનવબાળની વન્યજીવો સાથેની દોસ્તીની કથા આલેખી છે. એવી જ એક સત્યવાર્તા છે ટીપ્પી અને તેના સંખ્યાબંધ જંગલી દોસ્તોની. એ દોસ્તો જોકે માત્ર સ્વભાવે નહીં, સાંગોપાંગ જંગલી હતાં..

એનું નામ છે, ટીપ્પી.. ટીપ્પી ડીગ્રે
ઉંમર એકથી દસ વર્ષ વચ્ચેની કંઈ પણ ધારી લો.
માસુમ આંખો, ફિકરની જરા સરખી પણ લહેરખી વગરનો ચહેરો, ઉંમરના પ્રમાણમાં વધારે પડતા લાંબા ભુખરા વાળ... અને ઉઘાડા પગે નામિબિયાના જંગલ વિસ્તારમાં એકલા રખડવાની ટેવ. આવી રસપ્રદ ઓળખ ધરાવતી નાની બાળકી ટીપ્પીના વળી દોસ્તો પણ જાત-ભાતના. ટીપ્પી નાનકડી લાગે એવો એક કદાવર દોસ્ત અબુ, એક શરીર પર ભાત ધરાવતો દોસ્ત જે એન્ડ કે, ખડદડખડદડ દોટ મુકતી લિન્ડા, ખરબચડી ચામડી વાળો એક મિત્ર, તાડ જેવી ઊંચાઈ ધરાવતો એક દોસ્તાર પણ ખરો, ગમે ત્યાં સરકી શકતો એક મિત્ર, કલ્પનાતિત ઝડપે દોડી શકતો વધુ એક મિત્ર... એમ એના એકથી એક ચડિયાતા મિત્રો...
દરેક બાળકોને મિત્રો હોય, એમાં નવાઈ શું?
નવાઈ એ વાતની કે ટીપ્પીના આ વર્ણવેલા બધા મિત્રો પ્રાણીઓ હતાં!
અબુ ૨૮ વર્ષનો હાથી હતો, જે એન્ડ બી દીપડો હતો, એક મગર, એક સિંહબાળ, એક ઝિરાફ, એક ઝેબ્રા, એક ચિત્તો, એક સાપ, એક શાહમૃગ, એક મિરકેટ (નોળિયા જેવુ એક દરવાસી પ્રાણી), એક નોળિયો, એક જંગલી શિયાળ, એક આફ્રિકામાં જોવા મળતો ગ્રે પોપટ, એક તોતિંગ કદનો દેડકો, એક કાચિંડો.. અને બીજા એવા નાના-મોટા પ્રાણીઓ સાથે તેના જાયભાઈ (મિત્રો) હતાં. એમની સાથે જ તેની કાયમી ઉઠક-બેઠક હતી.
* * *
એલન અને સિલ્વિએ જંગલીજીવોના ફોટા પાડવાનું કામકાજ કરતાં હતાં. વન-જગતના શ્રેષ્ઠ ફોટા મળી રહે એ માટે તેમણે આફ્રિકી દેશ નામિબિયામાં પડાવ નાખ્યો હતો. અહીં જ તેમને ૧૯૯૦માં એક દીકરી જન્મી. હોલિવૂડની પ્રખ્યાત પ્રાણી પ્રેમી હિરોઈન ટીપ્પી હેડ્રેન પરથી દીકરીનું નામ પાડી દેવાયુ ટીપ્પી.
ડીગ્રે દંપતિ નામિબિયાના જંગલ વિસ્તારમાં રહેતુ હતું. અહીં વસતી બે મુખ્ય આદિવાસી પ્રજાતિઓ બુશમને અને હીમા પણ આ દંપતિને સારી રીતે ઓળખતા હતાં અને દંપતિ પણ એ આદિવાસીઓને ભરોસે ટીપ્પીને મુકીને જ કામે ઉપડી જતાં હતાં. આદિવાસીઓ સાથે ઉછરી રહેલી ટીપ્પીનો પનારો શરૃઆતથી જ જંગલી જીવો સાથે પડતો થયો. આદિવાસીઓ શિકારે જાય કે જંગલની સફરે ઉપડે ટીપ્પી તેની સાથે જ હોય.. એટલે ટીપ્પીની ગળથૂથીમાં ફ્રાંસની સંસ્કૃતિને બદલે આદિવાસીઓના અનોખા સંસ્કાર રેડાયા. ટીપ્પીને આદિવાસીઓની ભાષા આવડી ગઈ અને વધુ તો પ્રાણીઓ સાથે હળતી મળતી થઈ ગઈ.
જીંદગીના પહેલા દસ વર્ષ સુધી આફ્રિકાના ઘાસીયા મેદાનો, નાની-મોટી ટેકરીઓ અને રણ પ્રદેશો જ તેના માટે રમતનું મેદાન હતું. ટીપ્પી રહેતી હતી ત્યાં માણસો ઓછા અને જંગલી જીવો વધારે હતાં. હાથીની ચિંધાડ, સાપની સતર્કતા, ચિત્તાની ઝડપ, મગરની તાકાત વચ્ચે ઉછેર થતો હોવાથી ટીપ્પીને આ સજીવોનો ડર રહ્યો ન હતો. વળી હજારો હેક્ટરમાં ફેલાયેલા મેદાનોમાં આદિવાસીઓ ઘણા સજીવો પાળીને પણ રાખતા હતાં. પરિણામે એ બધા સજીવો સાથે ટીપ્પીની મૈત્રી વધતી જતી હતી. ટીપ્પીના માતા-પિતાએ ટીપ્પી અને જંગલી સજીવો વચ્ચેની દોસ્તીનો લાભ લીધો. ખુંખાર સજીવો સાથે ટીપ્પી રમતી હોય એવા ફોટા પાડયા અને જગતભરમાં વાહવાહી મેળવી. અલબત્ત, નાનકડી ટીપ્પીને તેની સાથે કોઈ મતલબ ન હતો. એ તો પોતાની મસ્તીમાં રમતી હતી.
આ ખુંખાર પ્રાણીઓ સાથે ટીપ્પી કઈ રીતે રહી શકે? આ ફોટા ખરેખર સાચા છે? વગેરે અનેક સવાલો થયા હતાં અને આજે પણ થાય છે. પણ ફોટા સાચા છે અને ટીપ્પીએ દસ વર્ષ મોગલીવસ્થામાં પસાર કર્યા એ વાત પણ સાચી છે. પરંતુ જેમ ટીપ્પીનો ઉછેર જંગલ વચ્ચે થયો હોવાથી તેને જંગલ માફક આવી ગયુ હતું એમ ટીપ્પી સાથે દેખાતા મોટા ભાગના પ્રાણીઓ માનવ વસાહતમાં ઉછર્યા હતાં. પરિણામે એ પ્રાણીઓ પણ પોતોના મૂળ જંગલી સ્વભાવ દાખવવાને બદલે સૌજન્યશીલ વર્તન દાખવતા હતાં. જે પ્રાણીઓ સાથે ટીપ્પી રહેતી હતી એ બધા પ્રાણીઓ સાથે ટીપ્પી નાનપણથી જ રહેતી હતી એટલે સજીવોને ટીપ્પી પર આક્રમણ કરવાનો પ્રયાસ કરતાં ન હતાં. ફિલ્મો અને સરકસ માટે ખુંખાર પ્રાણીઓને જે રીતે તાલીમબદ્ધ કરવામાં આવતા હોય એમ ટીપ્પીના મિત્રો પહેલેથી જ કુદરતી રીત માણસો સાથે રહેવાની તાલીમ ધરાવતા હતાં. ૨૮ વર્ષનો હાથી અબુ હકીકતે સરકસમાંથી નિવૃત્ત થયેલો હતો એટલે એને ટીપ્પી જેવા બાળકોને સવારી કરાવવાની નવાઈ ન હતી. ટીપ્પીએ તેને પોતાનો ભાઈ બનાવ્યો હતો. લિન્ડા નામની શાહમૃગ પણ શાહમૃગ ફાર્મમાં ઊછરેલી હતી. લિન્ડા જોકે ટીપ્પીથી ડરતી હતી. એટલે ટીપ્પી તેના પર ગોઠવાય ત્યારે એ હલન-ચલન બંધ કરી દઈ સ્થિર થઈ જતી. બાદમાં લિન્ડાનો ડર દૂર થયો એટલે એ ટીપ્પીને લઈને દૂર દૂર સુધી દોડયા કરતી..
ટીપ્પીના દોસ્તો પૈકી કેટલાક પ્રાણીઓ માણસોથી ટેવાયેલા હતા, પણ ટીપ્પી માટે તો એ સાહસ  હતું. સરકસના રિંગ માસ્ટર વર્ષોની પ્રેક્ટિસ પછી એક-બે અને ક્યારેક પાંચ-સાત પ્રજાતિના જંગલી પ્રાણીઓ પર કાબુ મેળવી શકતા હોય છે. પણ ટીપ્પીએ નાનપણથી જ આ પ્રાણીઓ સાથે દોસ્તી કેળવી તેના પર કાબુ પ્રાપ્ત કરી લીધો હતો.
સ્થાનિક આદિવાસીઓમાં ટીપ્પીનું નામ એકાન્તી હતું. એકાન્તીનો ત્યાંની ભાષામાં નોળિયો એવો મતલબ થતો હતો. જીંદગીના પહેલા દાયકામાં બાળકો ટેડી બિયર, રમકડાંના વાંદરા-મગર-સાપ, ચાવીવાળા રમકડાંથી રમતા હોય ત્યારે ટીપ્પી એ બધા અસલ સજીવો સાથે રમતી હતી. પરિણામે તેની ઓળખ અસલી મોગલી તરીકે ખ્યાત થઈ હતી. રૃડયાર્ડ કિપલિંગની પ્રખ્યાત કૃતિ 'ધ જંગલ બૂક'માં જે રીતે મોગલીને જંગલી સજીવો સાથે રહેતો બતાવ્યો હતો, કંઈક એવી જ જીંદગી ટીપ્પીની હતી.
ટીપ્પીને ખબર જ ન હતી કે આપણે આ સજીવોથી ડરવાનું છે. પરિણામે એ હાથીની સૂંઢ સાથે રમત કરી શકતી, ચિત્તાના દાત ગણી શકતી, શાહમૃગની સવારી કરી શકતી, કદાવર દેડકાને તેડીને બાળકની માફક રમાડી શકતી, સિંહબાળ સાથે ઘૂળમાં આળોટી શકતી, આફ્રિકી પોપટને સાથે લઈને ફરી શકતી, નોળિયાને પોતાના બન્ને હાથ પર લસરપટ્ટી ખવડાવી શકતી, જંગલી શિયાળના પેટ પર માથુ ઢાળીને આરામ ફરમાવી શકતી, વાંદરાના શરીરમાંથી ઝૂ અલગ કરી શકતી... જંગલી સજીવો દર વખતે હુમલો કરી બેસે એવુ નથી. હુમલો ન કરે તો દૂર ભાગે. ટીપ્પીના કિસ્સામાં એવુ પણ થતું ન હતું. કોઈક અદૃશ્ય તાતણાંથી પ્રાણીઓ અને ટીપ્પી જોડાયેલા રહેતા હતાં. તેની આ નિર્ભયતાનો લાભ લઈ તેના માતા-પિતાએ પછી તો ટીપ્પીના ફોટા પાડી દુનિયા સમક્ષ જાહેર કરવા શરૃ કર્યાં. દોઢ વર્ષની વયની હતી ત્યારનો તેનો પહેલો ફોટો જંગલી બિલાડી સાથેનો હતો. એ વખતે તો ટીપ્પી સેલિબ્રિટી બની ગઈ હતી અને હજુ પણ છે.
આફ્રિકા સાથે ટીપ્પીની પ્રત્યક્ષ લેણા-દેવી એ દસ વર્ષની થઈ ત્યારે પતી ગઈ હતી. ૨૦૦૦ની સાલમાં તેના માતા-પિતા માડાગાસ્કર શિફ્ટ થઈ ગયાં. ત્યાં પણ તેમને બહુ ફાવ્યુ નહીં એટલે પછી તો કાયમી ધોરણે ફ્રાંસ રહેવા ચાલ્યા ગયા. જંગલી અવસ્થામાં ઉછરેલી ટીપ્પી માટે ફ્રાંસનો ચકચકિત માહોલ તદ્દન વિપરિત સ્થિતિ જેવો હતો. તો પણ હજુ એ દસ વર્ષની જ હતી એટલે એને તેના માવતર કહે ત્યાં જ રહેવાનું હતું. ટીપ્પીની આવડતનો લાભ લઈ નામ-દામ કમાઈ લેવા બદલ તેના માતા-પિતાની ટીકા થઈ, ટીપ્પીના વર્તનનો માનસશાસ્ત્રીય રીતે અને પ્રાણીઓના વર્તનનો પ્રાણીશાસ્ત્રીય રીતે અભ્યાસ થયો પરંતુ એમાં ક્યાં ટીપ્પી અને જંગલીજીવોની મૈત્રી વિશે શંકા નથી થઈ.
ફ્રાંસમાં આવ્યા પછી ટીપ્પી સ્કુલમાં દાખલ થઈ પરંતુ કુદરતા ક્લાસમાં પાઠ શીખેલી ટીપ્પીને સ્કુલના બંધ ક્લાસરૃમ ફાવતા ન હતાં. જંગલી પ્રાણીઓ સાથે રહ્યાં પછી સામાજીક પ્રાણીઓ સાથે ફાવટ આવવામાં તેને થોડી મુશ્કેલી પડતી હતી. એટલે ટીપ્પીએ સ્કુલે જવાને બદલે ઘરે રહીને ભણવાનું જ પસંદ કર્યું. અલબત્ત, ધીમે ધીમે ટીપ્પી ફ્રેંચ નગરજનો સાથે હળતી-મળતી થઈ એટલે હવે તેને ફાવે છે અને ફ્રાંસની જ એક યુનિવર્સિટીમાં એ સિનેમા વિશે અભ્યાસ કરે છે.
દરમિયાન તેની અનુભવકથા 'ટીપ્પી ઓફ આફ્રિકા' નામે પ્રગટ થઈ છે અને જગતભરમાં ખુબ વંચાઈ-વેચાઈ છે. તેણે સમયાંતરે આફ્રિકા આવીને તેણે ડિસ્કવરી ચેનલ માટે વિવિધ ૬ ડોક્યુમેન્ટરી તૈયાર કરી છે. હાલ એ ભણવા ઉપરાંત ફ્રાંસના ફોર્ટ બિયોર્ડ ખાતે યોજાતા ગેમ શોમાં ભાગ લેતા ખુંખાર વાઘને તાલિમ આપવાનું કામ પણ કરે છે. ટીપ્પી આફ્રિકા વારંવાર જાય છે અને હવે તો તેણે નામિબિયાનો પાસપોર્ટ માટે અરજી પણ કરી છે, કેમ કે એ પોતાને નામિબિયાની નાગરિક જ માને છે. તેના મા-બાપ તો છૂટાછેડા લઈ ચુક્યા છે અને ટીપ્પી પોતે હવે સ્વતંત્ર છે.
પણ ફ્રાંસની ભવ્ય લાઈફ સ્ટાઈલ વચ્ચે એ આફ્રિકાની ચિંથરેહાલ જીંદગાની ભુલી નથી શકી. એનું જ નામ કદાચ દોસ્તી હશે...



-Gujarat Samachar