20130827

લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ

લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ

જીવનભર ગામલોકોને હસાવનાર ભવાઇ કલાકારની કરુણાભરી જીવનસંધ્યા

- હાસ્યરસની વાતડિયું હોય, ફટાણાં, જોડકણાં કે પાંચકડાં હોય, એ કરમના કઠણ અને જન્મના દુઃખિયા માણહને ય હસાવીને બેવડ વાળી દે છે

નદીની વેળુમાં વીરડો ગાળો ને જેમ વારિની સરવાણિયું વછૂટે એમ ગામડાગામના અભણ પણ કોઠાસૂઝવાળા માનવીના અંતરમાંથી પ્રગટતી કુંવારી કલ્પનાઓ મઢી સરવાણિયું એનું નામ લોકસાહિત્ય. લોકજીભે ફરતા તરતા લોકસાહિત્યના બે મુખ્ય પ્રકારો. ગદ્ય અને પદ્ય. પદ્યમાં આવતાં. લગ્નગીતો, ફટાણાં, ગોર્યમાના ગીતો, કહેવતો, ઉખાણાં, હડૂલા, રામવાળા, સલોકા અને છોકરિયુંનાં રમતગીતોમાં નવેય રસની સરવાણિયું ફૂટે. આ નવમાંનો એક રસ એ હાસ્યરસ. પછી એ હાસ્યરસની વાતડિયું હોય, ફટાણાં, જોડકણાં કે પાંચકડાં હોય, એ કરમના કઠણ અને જન્મના દુઃખિયા માણહને ય હસાવીને બેવડ વાળી દે છે.
આજે મારે વાત કરવી છે જૂના કાળે ગામડામાં રમાતી રામલીલા અને ભવાઇની. સાવ વીસરાઇ ગયેલા ડાગલા-વિદૂષકના વેશમાં ગીત-સંગીત નૃત્ય અને અભિનય સાથે હાસ્યરસથી છલકાતાં રમૂજી પાંચકડાં રજૂ થતાં. અમરેલી જિલ્લામાં પોણું આયખું વિતાવનાર શિક્ષણશાસ્ત્રી શ્રી પ્રતાપભાઇ પંડયા કાઠિયાવાડના પ્રસિદ્ધ ભવાઇ કલાકાર રતિલાલ વ્યાસ ડાગલાના વેશમાં પાંચકડાં રજૂ કરી ગામઆખાને મોજ કરાવતા એનાં સાઇઠ વર્ષ પૂર્વેના સંસ્મરણો આલેખે છે.
સૌરાષ્ટ્રના હાલના અમરેલી જિલ્લામાં વર્ષો પહેલાં અડતાલા, હરસુરપુર, શેડુભાર, જરખિયા, બાબાપુર, સાજિયાવદર, મોટા ભંડારિયા વગેરે ગામોમાં હીરજી કેશવજીની સરવણ ભવાઇ મંડળી દર વરસે આવતી ને ઉપરના ગામોમાં રમતો આપતી. અમારા અડતાલા ગામમાં મંડળ આઠ આઠ દિ'રોકાતું ને નીત નવા વેશો રજૂ કરી ગામપ્રજાના અંતરમાં આનંદનો અખિલ ગુલાલ ઉડાડતું. ચોરાના ચોકમાં રાતનો ભૂંગળ, કાંસીજોડા ને દોકડ વાગવા માંડે એટલે ગામ આખામાં ખબર્ય પડી જાય કે ભવાઇ શરૃ થાય છે. ભાઇ ભાઇ. વહેલા વહેલા વાળું-પાણી પતાવીને ચોકની કોર્યેમોર્યે ખાટલાં, કોથળા નાખી લોકો બેસી જાય. આમ ગામેળું ભેળું થાય ન થાય ત્યાં ભવાઇ આરંભાય.
પેડા-(ટોળા)નો નાયક ચોક બાંધે. ગીત, સંગીત અને નૃત્ય મઢ્યું આવણું ગવાય. આવણું આવનાર કલાકારની કામગીરીને આકર્ષક ઉઠાવ આપનારું હોય છે. આણા પછી ગણપતિ વાળી અને બ્રાહ્મણનો વેશ આવે. પછી ડાગલો અર્થાત્ વિદુષકનો વેશ આવે. એમાંય રતિલાલ વ્યાસ કાળું ખમીશ, કાળો લેંઘો. માથે અણીયાળી ને ફૂમતું માંડેલી રંગલા ટોપી પહેરી હાથમાં તલવાર સાથે વિધવિધ સ્ટેપ લઇને પડમાં આવે ત્યારે આનંદનો આડો આંક વળી જાતો.
રાજકોટ જિલ્લાના નેસડા (ખાનાપર) ગામના આ બાજંદા કલાકારનું નામ રતિલાલ જીણાભાઇ વ્યાસ પણ અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના ગામડાના લોકો એમને રતિભગતના નામે ઓળખે. રતિ ભગત ૧૦૦ વરસ જૂની સરવણ ભવાઇ મંડળીનો સર્વશ્રેષ્ઠ નટાવો. રતિભગતનો ડાગલો જોવા આજુબાજુ પંદર ગાઉના પંથકમાંથી લોકો ઉમટી પડતાં. ભગત તો વાર્ધક્ય વયે કહેવાયા પણ યુવાની એમના અંગમાં ભગડતી રમતી. સરસ્વતીના એમની જીભે બેસણાં. પરભવના કળાસંસ્કાર લઇને જન્મેલા રતિલાલની કોઠાસૂઝ પણ અજબગજબની. જોડિયા જોડકણાં અને કવિતામાંથી હાસ્યરસ નિષ્પન્ન કરવાની આગવી આવડત.
રતિ ભગત નાચતા ગાતા ડાગલાના વેશે પડમાં આવે ત્યાં તો રિડિયારમણા માંડે થાવા. પછી તાવડામાં ધાણી ફૂટે એમ એક પછી એક પાંચકડા એમના મોંમાંથી ઠેકી ઠેકીને બહાર પડવા માંડે. શરૃઆત સભાને સલામ કરવાથી થાય.
સિંહાસને તો રાજા બેઠા
હેઠા બેઠા ગુલામ
કોઇને ભલે ગમે કે નો ગમે
સૌને રતિલાલના બે પગ જોડીને સલામ
હરિ તારા પાંચ પાંચકડાં ગાંઇ
પરભુજીના ટાંટિયે વળગ્યાં જાઇ
ગામલોકોને પગ વડે આશીર્વાદ ઉચ્ચારે ઃ
કોઇ ખાય ખાંડને કોઇ ખાય સાકર
અડતાળા ગામનું ભલું કરે ચોરાવાળો ઠાકર. હરિ.
પછી ગામના જ્ઞાાતિવાર આગેવાનો, વસવાયા સઇ સુતાર, લુહાર, કુંભાર, શેઠ-શાહુકારો સહુનો વારો કાઢે એમાં ગામના ગોર મહારાજ સોની, પંચાતિયા ને પટેલિયા બધા એમની ઝપટે ચડી જાતા. રતિલાલ ડાગલાના વેશે જેવું જોતા એવું કહેતા ને એના પાંચકડા જોડી સાચી વાત કોઇની પણ શહેશરમ રાખ્યા વગર ગામ વચ્ચે કહી દેતા. આ ગ્રામપ્રજાનું નિર્દોષ મનોરંજન હતું. એમાં કોઇને ખોટું લાગતું નહી. ઉપરથી રાજી થઇને ભવાયાને બીજે દિ ભોજન આપતાં. ગામડામાં શેઠ શાહુકારો ભવાઇ ઓછી જુએ. હવે જ્યાં આ ભવાઇ થતી હતી ત્યાં બાજુમાં મણિલાલ શેઠનું ઘર રતિલાલે પંચમ સૂરે જાવા દીધું.
ભમ્મર ભમ્મર ભમોરડો ફરે
ટક્કર લ્યે ઇની અણી
ફળિયામાં બેઠા ભવાયા જુએ
એવા કંજૂસ ગામના શેઠ મણિ. હરિ.
શરમના માર્યા મણિલાલ આવીને એકાવન રૃપિયા આપી જતા. રતિલાલ એમની જે બોલાવી મણિભાઇ સોનીને ઝપટે લેતા.
મણિયો સોની મોટું માણહ
આખું ગામ જાણે
ભવાયાને ભૂખ્યા કાઢે
પડયો રિએ છે તૂટેલા વાંણે (ખાટલે)
પછી સ્ત્રીપાઠ કરનાર કાંઅળિયા કોરસમાં ઉપાડી લ્યે.
હરિ તારાં પાંચકડાં ગાઇં
પરભૂજીના ટાંટિયે વળગ્યા જાઇં
અડતાળા ગામના મણિભાઇ સોનીએ સવારે ૪૦ ભવાયાને બોલાવીને લાડુ, દાળભાત ને ભજિયાં જમાડી રાજી કર્યા, બપોર પછી રાવણનો ખેલ કર્યો ત્યારે રતિલાલે એની ઉદારતાને બિરદાવતાં ગાયું ય ખરુ ઃ
અડતાલામાં એક જ ઊગ્યો
સૂરજસમો મણિયો સોની
ભવાયાની ભૂખ ભાંગી
ભલા ભલી ભાઇ મહેમાની. હરિ
ઇમાં એક કુંભાર ઝાડ માથે બેસીને ભવાઇ જુએ, રતિલાલની નજર એના માથે પડતાં જ ગાયું.
રામો કુંભાર વાતોડિયોને
ગોરી કુંભારણ બબડે,
સામે લીંબડે જુઓ તો ખરા
માથા વિનાના ઇના ટાંટિયા લબડે હરિ
એવામાં સામે પાઘડી પહેરેલા એક કાકાને આવતા ભાળ્યા. ડાગલાની નજર એના માથે નોંધાણી, એણે એમના દરહણ જોઇને જાવા દીધું.
અટક પટક ચાલ ચાલે
પાઘડી બાંધે પોચી
ભણે રતિલાલ જાણે એવું
ઇ મેરઇ હશે કાં મોચી હરિ
હવે આ ગામમાં ત્રિકમ કરીને એક લુહાર રહે. એમની આંખ્યું જનમથી જરીક જીણી એટલે ગામલોકો એને ત્રિકમ ચૂંચો કહેતા. એ પહેલી લાઇનમાં કોથળો પાથરીને બેઠેલા . રતિલાલ ડાગલાએ એના માથે ઝપટ બોલાવી.
અડતાલામાં એક દરવાજો
નઇં કમાડ કે ન કૂચો
આવ્યા ત્યારે શુકનમાંજ સામો મળ્યો
ગામનો ત્રિકમ લુહાર સુંસો. હરિ.
આ સાંભળીને ત્રિકમને માઠું નો લાગ્યું પણ ઉપરથી મોજ આપી એણે ડાગલા માથેથી ઉતારીને ૧૦૦ રૃપિયાની નોટ આપી. ડાગલે એની પ્રસંશા કરતું પાંચકડું ઉપાડયું.
કોણ કહે છે ત્રિકમ લુહાર સુંસો
તમે જુઓ તો ખરા એનો જુસ્સો
શરૃઆત એણે ૧૦૦થી કરી
હવે એનાથી ઓછા આપેઇ કહેવાય લુચ્ચો. હરિ.
રતિલાલની નજર ચોરાના પૂજારી પરભાશંકર ઉપર પડી અને ઉપાડયું આપજોડિયું પાંચકડું,
આંધળીડોશી આળસ મરડે
મરજી પડે તો દળે કે ગાય
ચોરાના ઠાકોરજીને રોજ નવરાવે
પણ ગામનો પૂજારી વારતહેવારે ન્હાય. હરિ..
પરભાશંકરની પડખે ગામના ગામોટ ગવરીશંકર બેઠેલા ને ખડ ખડ ખડ દાંત કાઢવી. મંડાણા એટલે ડાગલાએ એનોય વારો કાઢ્યો.
ગોરદાદા ગોરાણીને બેહવા આપે પાટલા
ગવરીશંકરની ચતુર બાયડી
વાળે ચાર ચોટલા. હરિ.
ગોર ગોરાણી પછી ગામોટનો વારો ચડે ઃ
કોઇ સવારે કોઇ બપોરે
કોઇ રાતે ખાય
આ અમારો નબુ ગામોટ
ક્યારેક જ ન્હાય. હરિ.
અધરાત મધરાત થાય એટલે ડાગલો લાકડાનો ઢીંગલો કાઢીને રમાડવા માંડે. ઢીંગલો શું શુ ખાય એની વાત કરે. શું પહેરે એના શોખની વાત કરી બીડી-સીગારેટના બંધારણની વાત કરી પાંચકડું વહેતું મૂકે.
કોઇને કરડે મકોડો ને કોઇને કરડે કીડી,
એની સગી મા મરે
ગજવામાં હોય છતાં ન આપે સીગારેટ કે બીડી.
ત્યાં તો ગામના બંધારણીઓ ગજવા. ફંકોસવા માંડે ને ચોકમાં બીડિયું ને સીગારેટના પાકીટનો હાટડી માંડવા જેટલો ઢગલો થઇ જાય.
ચતુર ડાગલો પાંચકડા દ્વારા મહેણું મારીને બીજા દિવસના લાડુ-પાણીનો ય બંદોબસ્ત કરાવી લેતો.
અડતાલા (ગામ)માં આનંદ કરો
ચોરે મોટી ધજા.
પરસાદ-પાણીનું કોઇ પૂછે નંઇ
ને જયશ્રીકૃષ્ણની મજા. હરિ.
ત્યાં તો જોનારા લોકોમાંથી જમવાના નોતરાની બોલી બોલાવા માંડે. પછી તો ડાગલો માંડે ભલકારા ભણવા.
રમત રમાડે રોજ જમાડે
ભલો ડાયરો અડતાલાનો
ખખળીને ખૂબ આપે
ખમ્મા ગામનાં દાતાને. હરિ.
સંજોગોવશાત્ હીરજી કેશવજીનું મંડળ બંધ પડયું. રતિલાલ ડાગલાની ઉંમર પણ થઇ ગયેલી. એકધારા રાતોની રાતોના ઉજાગરા ચા અને બિડિયુનું હરડ બંધાણ. તબિયત લથડી ગઇ. ત્યાં સુધીમાં તો ડાગલો કરનાર બોખા રતિલાલ રતિ ભગતના નામે આખા કાઠિયાવાડમાં જાણીતા થઇ ગયા.
ભવાઇની રમતમાં તો વરસાદી આવક. આવક વગર ઘર કેમ ચાલે ? આમેય ભવાઇ કલાકારો ઉજાગરા અને ચા-બીડીના બંધાણથી અકાળે ઘરડા થઇ જાય. રમવાની શક્તિ હોય ત્યાં સુધી રળી ખાય. પછી કહેવાય છે કે 'ઘરડો ભવાયો ઝાંઝ વગાડે' રતિ ભગતને ઉંમર આંબી ગઇ, બેય આંખોનાં તેજ ઓલવાઇ ગયાં. એ અરસામાં વિવેકાનંદ ભળાઇ મંડળે (ખાખરાળા) એમનો હાથ ઝાલ્યો. આ મંડળના નાયક શ્રી હરિભાઇ વ્યાસે મને કહ્યું કે રતિ ભગતનો ડાગલો જોવો હોય તો આવો રાજકોટ જિલ્લામાં બોડીઘોડી ગામે. જજમાન પટલિયાઓએ રમત્ય આપી છે.
અમે બોડીઘોડી પહોચ્યા.  હરિભાઇએ એમના જજમાન લાલા પટેલને ઘેર અમારો ઉતારો આપ્યો. રાતના ભવાઇ શરૃ થઇ. ગણપતિ, કાળી અને બ્રાહ્મણના વેશ પછી ડાગલાનો વેશ આવ્યો. રતિ ભગત તો બિચારા ભાળે નઇં. ડાગલાનો વેશ પહેરીને ઊભા હતા. એક જણે એમને દોરીને પટમાં મૂકી દીધા. પછી રતિ ભગતે ડાગલાનો અભિનય કરી આડો આંક વાળી દીધો અને એક પછી એક પાંચકડું ઉપાડયું,
ચિત્તળમાં  ન દેવી દીકરી
શેડુભારમાં ન દેવો ઢાંઢો (બળદ)
અમરેલીમાં પરણાવે દીકરો
ઇ છતી બાયડીએ વાંઢો, હરિ.
પછી હરિલાલ વ્યાસે કહ્યું ઃ રતિ ભગત, તમારી ખ્યાતિ સાંભળીને ડાગલો જોવા જોરાવરસિંહ બાપુ પંડયે પધાર્યા છે.
ભલે પધાર્યા, બાપ ભલે પધાર્યા. આમ ભલકારો ભણીને એમણે પાંચકડું જોડીને જાવા દીધું.
જોરાવરસિંહ બાપુ ગામડામાં જઇને
કાઢે છે ઘણી દોરું.
એથી ગુજરાતની લોકકળામાં
એમનું નામ છે ખૂબ મોટું. હરિ.
પછી તો એક કલાક સુધી રતિ ભગતે નર્તન કરતાં કરતા ધુ્રજતા અવાજે પાંચકડાની રમઝટ બોલાવી.
ચાએ છોડાવ્યું શિરામણને
બીડીએ છોડાવ્યો હોકો.
આ ટોપીએ છોડાવી પાઘડી અને
છત્રીએ છોડાવ્યો ધોકો. હરિ.
આ સાંભળીને ગામલોકોએ રોકડ રૃપિયા નોટોનો વરસાદ વરસાવ્યો. રૃપિયાનો ઢગલો થયો. કલાકારો વીણવામાં ટૂંકા પડયા, ગામલોકો હસી હસીને બેવડ વળી ગયા.
અંધ રતિ ભગત ૯૯ વર્ષ જીવ્યા. છેલ્લું જીવન નેસડા (તા.મોરબી)માં કરુણ હાલતમાં રખડી રઝળીને વિતાવ્યું. જીવનભર ગ્રામપ્રજાને હસાવનાર રતિ ભગતે ગામમાં માગી બિડિયું પીને અસહાય અવસ્થામાં જીવન પૂરુંકર્યું ભાઇ.
(તસ્વીર ઃ ભાટી એન.)


-Gujarat Samachar