20130827

Some interesting facts

ટીકા અને પ્રશંસા.
.
ટીકા કરવાથી સો ટકા નુકસાન થાય છે. પ્રશંસા કરવાથી ફાયદો પહોંચે છે. કદાચ ફાયદો ન થાય તો પણ નુકસાન થવાનું જોખમ તો ટાળી શકાય છે. સારા માણસનો સત્કાર સદ્ગુણોની ફળદ્રુપતા વિકસાવે છે. સારો માણસ પ્રશંસાથી વધુ સારો બનવાની કોશિશ કરે છે અને બીજાને પણ સારો માણસ બનવાની ચાનક ચડે છે! નકારાત્મક્તાને બદલે સકારાત્મકતા બધી રીતે ફાયદાકારક પુરવાર થઈ શકે છે! પણ આ બધું મર્યાદામાં જ ખપ લાગતું હોય છે.
વધુ પડતી પ્રશંસા પણ જોખમકારક છે. સ્વાર્થ ખાતર થતી સહેતુક પ્રશંસા સૌથી વધુ જોખમકારક છે! આપણાં અંગત રાગદ્વેષને વચમાં લાવ્યા વગર ટીકા કરવા જેવું હોય તો ટીકા કરવી જોઈએ. એવી ટીકા આવકાર્ય છે. પ્રશંસા માટે પણ એ જ ગણિત હોવું જોઈએ. પ્રશંસામાં યોગ્યતા અને વાજબીપણું હોવું જોઈએ. કેટલાક પોતાનો સ્વાર્થ સાધવા માટે પણ ન જોઈતી પ્રશંસા કરતા હોય છે. એવા માણસ આપણા પ્રશંસકો નથી હોતા. એ ખતરનાક ચાપલૂસો હોય છે. એવા ખુશામતખોરો પણ આપણી પાછળ પાછળ ફરતા હોય છે! ખુશામત મીઠું ઝેર પાયેલું હથિયાર છે. એ હથિયાર આપણને અડી જાય છે તો છેક ભીતર સુધી આપણને સડો લાગતો હોય છે! વિકાસ રૃંધાય છે. પ્રશંસાજનક કાર્યો હાથમાંથી છૂટવા માંડે છે અને જતે દહાડે આપણે એકલા પડી જઈએ છીએ! 'લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે' એમ પ્રશંસા ભૂખ્યા હોય ત્યાં ખુશામતિયાઓ ભૂખે ન મરે!