ઇ.સ. ૧૫૪૦થી ૧૫૪૫ સુધી દિલ્લી પર રાજ કરનાર મોગલ સમ્રાટ શેરશાહ સૂરીએ પહેલી વાર હિંદુસ્તાનમાં રૂપાનો જે સિક્કો બહાર પડાવ્યો એ તેમાં રહેલી નગદ રૂપેરી ધાતુને કારણે રૂપિયો કહેવાયો હતો. આ સિક્કા વડે તે જમાનામાં ૯૦ શેર ઘઉં અથવા ૫૪ શેર ચોખા કે પછી ૧૩૦ શેર ચણાની દાળ અગર તો ૧૦ શેર ઘી ખરીદી શકાતું હતું. (૧ શેર = આશરે અડધો કિલોગ્રામ). હવે એ સિક્કો ઐતિહાસિક ગણાય છે અને ફક્ત મ્યુઝિયમમાં શોભે છે, એટલે તેનું બજારમૂલ્ય આંકી શકાય નહિ. આમ છતાં તેને ત્રાજવે જોખીને ધાતુના ભાવે વેચી નાખવામાં આવે તો પણ લગભગ રૂા.૯,૫૦૦ ઉપજે, કેમ કે તેમાં ૧૭૫ ગ્રામ જેટલું નિર્ભેળ રૂપું હતું. આ દષ્ટિએ ભારતનો ૧ રૂપિયો આજના ૯,૫૦૦ નિકલછાપ રૂપિયાના સિક્કા બરાબર હતો. છેલ્લાં સાડા ચારસો વર્ષમાં રૂપિયો આટલો ઘસાયો છે. ઘસારો હજી પણ ચાલુ છે. પરિણામે વર્તમાન સંજોગોમાં રૂપિયાની ખરીદશક્તિનું જે રીતે અવમૂલ્યન થઇ રહ્યું છે તેની સામે રૂપિયાનો ભૂતકાળ પ્રમાણમાં સારો લાગે તે દેખીતું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું મૂલ્ય કથળી રહ્યા પાછળ અને ઘરઆંગણે તેની ખરીદશક્તિ ઘટ્યા પાછળ એક કરતાં વધુ કારણો જવાબદાર છે. અહીં તેમના વિશે પિષ્ટપેષણ કરવું નથી. પ્રસ્તુત ચર્ચાનું ફોકસિંગ જુદું છે. ડોલર સામે નબળા પડેલા રૂપિયાએ ભારતમાં મલ્ટિનેશનલ કંપનીઓને તેમનાં મૂળિયાં વધુ ઊંડે ખૂંપાવવાની કેવી તક આપી છે તે મુદ્દો અહીંની ચર્ચાનું કેંદ્ર છે. જરા વિગતે એ મુદ્દો સમજીએ. આપણે ત્યાં વેપાર કરતી મલ્ટિનેશનલ પરદેશી કંપનીઓએ ભારતમાં તેમનું holding/રોકાણ અમુક ટકા સુધી સીમિત રાખ્યું છે. દા.ત. વાર્ષિક રૂા.૩૦,૦૦૦ કરોડનો બિઝનેસ કરતી મારુતિ ઉદ્યોગ લિમિટેડમાં જાપાનની સુઝૂકી મોટર કંપનીનું રોકાણ ૫૪% છે. અર્થાત્ કંપનીના ૫૪% શેરો તે ધરાવે છે--અને માટે નફામાં તેનો ભાગ પણ એટલો છે. બીજી તરફ વોડાફોન ઇન્ડિયા કંપનીમાં બ્રિટનના વોડાફોન ગ્રૂપનો ભાગ ૬૭% છે, જે હિસાબે ભારતમાં થતા કુલ નફામાં ૨/૩ જેટલો હિસ્સો તે લઇ જાય છે. આ બેય પરદેશી કંપનીઓ તેમણે ભારતમાં કરેલા holding/રોકાણની ટકાવારી મુજબ નફો ઘરભેગો કરે છે, જ્યારે બાકીનો ભાગ ભારતીય રોકાણકારોને ડિવિડન્ડના સ્વરૂપે મળે છે.
તાજેતરના અરસામાં આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો ગગડતાં બન્યું છે એવું કે ઘણી પરદેશી કંપનીઓએ આપણે ત્યાં પુષ્કળ નાણાં રોકી પોતાનાં જ શેરો બજારમાંથી ખરીદી લીધા અને holding ખાસ્સું વધારી દીધું. દા.ત. આપણે ત્યાં હિંદુસ્તાન યુનિલિવરના નામે વેપાર કરતી મૂળ બ્રિટિશ-ડચ કંપની યુનિલિવરે જૂન માસ દરમ્યાન ભારતમાં કંપનીના જથ્થાબંધ શેરો ખરીદી લીધા. હિંદુસ્તાન યુનિલિવરમાં અગાઉ તેની માલિકી ૫૨.૫% હતી. હવે વધીને ૭૫% થઇ છે. સ્વાભાવિક છે કે એ ટકાવારી મુજબ (અગાઉ કરતાં ૨૨.૫% વધુ) નફો યુનિલિવર કંપની ભારતમાંથી ઢસડી જશે. બ્રિટનની ફાર્મા કંપની ગ્લેક્સો સ્મિથ ક્લાઇને પણ નવા શેરો ખરીદી ભારતમાં તેનું holding ૨૯% જેટલું વધારીને ૭૨.૫% કરી નાખ્યું. બીજી કેટલીક વિદેશી કંપનીઓએ પણ ડોલર સામે રૂપિયો નબળો પડ્યાની તકનો લાભ લઇ ભારતમાં પોતાની જ કંપનીના થોકબંધ શેરો ખરીદી લીધા છે. પરિણામે આવી દરેક કંપની હવે પહેલાં કરતાં વધુ નફો પરદેશમાં ખેંચી જવાની છે. આ સ્થિતિ ભારતીય રોકાણકારોના હિતમાં નથી. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા કંપની આપણે ત્યાં વર્ષેદહાડે રૂા.૨૦,૦૦૦ કરોડનો બિઝનેસ કરે છે, પણ તેના એ જંગી વેપારમાં ભારતની ભાગીદારી કેટલી ? કશી જ નહિ, કારણ કે એ કંપની પર દક્ષિણ કોરિયાની હ્યુન્ડાઇ મોટરની સોએ સો ટકા માલિકી છે. ભારતમાં થતો બધો જ નફો તે તાણી જાય છે. આ જાતની બીજી કંપનીઓ નોકિઆ ઇન્ડિયા, હ્યુલેટ પેકાર્ડ (hp) તથા IBM છે, જેમના વાર્ષિક અનુક્રમે રૂા.૨૩,૦૦૦ કરોડના, રૂા.૧૮,૫૦૦ કરોડના અને રૂા.૧૪,૦૦૦ કરોડના બિઝનેસમાં ભારતની પાર્ટનરશિપ એક ટકાની પણ નથી. ભારતમાં વર્ષે સોળ-સોળ હજાર કરોડનો વેપાર કરતી સેમસંગ અને એલ.જી. કંપનીઓ પણ સોએ સો ટકા નફો ઘરભેગો કરે છે. આ બધી કંપનીઓએ ભારતમાં રોજગારી ઊભી કરી તે ખરું, પણ બદલામાં તેમને વર્ષેદહાડે જે મલીદો મળે છે તે જેવો તેવો હોતો નથી એ ન ભૂલવું જોઇએ. આ મલીદાનો અમુક ભાગ ડિવિડન્ડરૂપે ભારતના રોકાણકારોને મળે તે અર્થતંત્રની દષ્ટિએ આવકારદાયક ગણાય. દેશના દુર્ભાગ્યે સતત ગગડતા રૂપિયાના વાંકે વધુ પરદેશી કંપનીઓને ભારતમાં વધુ holding વડે વધુ નફો સમેટી જવાનું ફાવતું મળી રહ્યું છે. બિછાને પડેલા રૂપિયાને ઉગારવાની સરકારને ફિકરચિંતા નથી એ વળી પ્રજાનું દુર્ભાગ્ય છે.