20140402

ગુજરાતની ચૂંટણીઃ અજેન્‍ડા આક્ષ્‍ોપબાજીનો

ગુજરાતની વિધાનસભા ચૂંટણી મતદાર પ્રજાજનો માટે એવો મોકો છે કે જ્યારે તેઓ પોતાને સ્પર્શતા પ્રશ્નોનો ઉકેલ લાવી શકતા ઉમેદવારને મત આપી પ્રતિનિધિ તરીકે પસંદ કરી લે. પસંદગી માટે યોગ્ય વ્યક્તિ કોણ (કે યોગ્ય પક્ષ કયો) એ મતદારોને પહેલાં તો જાણવાનો અવસર મળે તે જરૂરી છે અને જાણકારી માટે વિવિધ પ્રશ્નો વિશે સામસામા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે જાહેરમાં ચર્ચા થવી આવશ્યક છે--જે રીતે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી વખતે ટેલિવિઝન પર થાય છે. કમનસીબે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઢાંચો એવો વિચિત્ર રીતે ગોઠવાયો છે કે પ્રજાજનોને સ્પર્શતા સડક, વીજળી અને પાણી કે પછી શિક્ષણ તથા ‍ઓૈદ્યોગિકરણ જેવા પ્રશ્નો દ્વીપક્ષી ડિબેટ તરીકે હાથ પર લેવાયા જ નથી.

વિશેષ કરીને વિરોધપક્ષ આવી સ્થિતિ માટે વધુ જવાબદાર છે, કારણ કે તેનો એકમાત્ર ચૂંટણી અજેન્ડા ગમે તે ભોગે મુખ્ય મંત્રીનું પત્તું કાપવાનો છે. બાકીના તમામ પ્રશ્નો (પછી ભલે પ્રજા માટે તે પ્રાણપ્રશ્નો હોય) તેને મન ગૌણ છે. વિરોધપક્ષે ખરેખર તો ગુજરાતના વિકાસ માટેની વધુ સારી બ્લૂપ્રિન્ટ રજૂ કરી મતદારોનો વિશ્વાસ જીતી લેવો જોઇએ, પણ એવું રચનાત્મક પગલું ભરવાને બદલે તેણે મુખ્ય મંત્રી પર વ્યક્તિગત આક્ષેપોનો મારો ચલાવ્યો. દાખલા તરીકે જૂનાગઢ ખાતેની સભામાં પ્રદેશ કોંગ્રેસના વડાએ તેમને વાંદરા તરીકે ઓળખાવ્યા. મુખ્ય મંત્રીને રાવણ તથા ઉંદર પણ કહેવામાં આવ્યા, જ્યારે અગાઉ કોંગ્રેસે તેમને ૨૦૦૨ની સાલના હિટલરનો અને મૌત કા સોદાગરનો શિરપાવ આપેલો તે સૌને યાદ છે. (મુખ્ય મંત્રી ખુદ પણ બેએક વખત વિષયલક્ષીને બદલે વ્યક્તિલક્ષી આક્ષેપો કરી પ્રમાણભાન ચૂક્યા છે).

રોજગારી, સંતોષકારક જીવનધોરણ, રસ્તા, અવિરત વીજપુરવઠો, પાણી, સ્વાસ્થ્યવ્યવસ્થા વગેરેની અપેક્ષા રાખતા ગુજરાતના મતદારોને ‘હિટલર’ જેવાં લેબલો જોડે આખરે શી લેવાદેવા? મતદારોને તો ‘રિઝલ્ટ ઓરિએન્ટેડ’ અર્થાત્ પરિણામલક્ષી વહીવટકર્તા હોય એવો નેતા મળવો જોઇએ. ઉપરાંત ચૂંટણી ટાંકણે આડેધડ રીતે આપી દેવાતાં આવાં લેબલોમાં વજૂદ કેટલું એ પણ નક્કી કરવું રહ્યું. દાખલા તરીકે હિટલર જોડે મુખ્ય મંત્રીને સરખાવતી વખતે એમ કહેવાયું કે તેમણે ૨૦૦૨ના ગોધરાકાંડ પછી લઘુમતી કોમ પર અત્યાચાર કરવા માટે હિટલરની જેમ છૂટો દોર આપતા હુકમો જારી કર્યા. હકીકતમાં એ વખતે જેમને તૈનાત કરાયેલા એ સેન્ટ્રલ રિઝર્વ પુલિસના તથા લશ્કરના જવાનોને આદેશ ફરમાવવાનો રાજ્યના મુખ્ય મંત્રીને અધિકાર નથી. માત્ર રાજ્યની પુલિસને તેઓ સૂચના આપી શકે છે. આમ છતાં રાજ્યનો પણ રખે એકાદ પુલિસ અફસર હિંસા પ્રત્યે આંખ આડા કાન કરવાની સૂચના ન પાળે તો મુખ્ય મંત્રી તેને બરતરફ કરી શકે નહિ, જ્યારે હિટલર એવી ‘ગેરશિસ્ત’ બદલ મોતની સજા આપતો તે સૌ જાણે છે. જાણીતી વાત એ પણ છે કે ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી કોંગ્રેસીઓ નિર્દોષ શીખો પર તૂટી પડ્યા ત્યારે દિલ્હીનું પુલિસતંત્ર નિષ્ક્રિય રહ્યું અને કોંગ્રેસી ટોળાંએ ૭૨ કલાકમાં ૨,૭૦૦ શીખોને રહેંસી નાખ્યા.

આ દલીલને મુખ્ય મંત્રીની તરફેણનું બચાવનામું ગણી લેવાની જરૂર નથી, કેમ કે વાતનો કેંદ્રીય ધ્વનિ સાવ જુદો છે. ગુજરાતમાં છેલ્લાં દસ વર્ષ એકેય કોમી રમખાણ વગર શાંતિમય રીતે વીત્યાં છે, માટે ગોધરાના વિવાદને ભૂલી વિચારવાનું એ રહે કે ગુજરાતને કાર્યક્ષમ, સ્વચ્છ, વિકાસલક્ષી અને પારદર્શક વહીવટ આપી શકે તેવો રાજકીય પક્ષ કયો ? વીજપુરવઠો, જળવ્યવસ્થા, શૈક્ષણિક સુધારા, રસ્તાનું નેટવર્ક, બંદરવિકાસ, રોજગારીની તકો વગેરેને લગતી વધુ સારી બ્લૂપ્રિન્ટ કયા પક્ષ પાસે છે ? 

બ્લૂપ્રિન્ટના નામે ચૂંટણીઢંઢેરામાં થોકબંધ વાયદાઓ આપી દેવાય એ પૂરતું નથી, બલકે તે વહેવારુ હોવી જોઇએ અને જે તે પક્ષે આર્થિક દ્રષ્ટિકોણે તેનું અંકગણિત સ્પષ્ટ કરવું જોઇએ. આ વખતે ગુજરાત કોંગ્રેસે ૧૨મું ધોરણ પાસ કરી ચૂકેલા લાખો વિદ્યાર્થીઓને લેપટોપની ભેટનો અને મહિલાઓને ‘ઘરનું ઘર’ની ભેટનો વાયદો આપ્યો છે, પણ તે માટેના અબજો રૂપિયા ક્યાંથી આવવાના છે તેની સ્પષ્ટતા કરી નથી. ભાજપે પણ આક્ષેપબાજી પડતી મૂકી તેના વાયદાઓ અંગેનું સ્પષ્ટીકરણ આપવું જોઇએ.

Saturday, July 2, 2011

ગુજરાતમાં પોતાનો આવાસ ગુમાવી રહેલાં યાયાવર પક્ષીઓ

શહેરીકરણના તેમજ વિકાસના નામે માનવજાતના હાથે લેવાતાં અવિચારી નિર્ણયોની વન્યજીવો પર કેવી માઠી અસરો પડે છે તેના દાખલા નોંધવા બેસો તો એકાદ દળદાર પુસ્તક તેમનાથી ભરાઇ જાય. આ જાતનું પુસ્તક સંભવતઃ હજી સુધી લખાયું નથી, પરંતુ રખે તે લખાય તો તેમાં સ્થાન પામે તેવા બે દાખલા હમણાં કદાચ પહેલી વાર મીડિયાના ધ્યાન પર આવ્યા.

પહેલો દાખલો ફ્લેમિંગો અર્થાત્ સુરખાબ નામના પક્ષીનો છે, જેને ગુજરાતે પોતાના state bird તરીકે પસંદ કર્યું છે. દર વર્ષે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ખંભાત નજીકના વિસ્તારોમાં હજારો સુરખાબનાં ટોળાં ઉમટી પડે છે. અહીં છીછરા જળાશયોને તેમજ કળણને તેઓ પોતાનો આવાસ બનાવે છે અને કેટલાક મહિના ત્યાં વીતાવે છે. દરમ્યાન છીછરા પાણી વચ્ચે કાદવના ૧૫ થી ૪૫ સેન્ટિમીટર ઊંચા ઢૂવા બનાવીને માદા તેમાં ઈંડાં મૂકે છે અને પોતાનો કુટુંબકબીલો વધારે છે. સરોવરનું કે જળાશયનું પાણી જ્યાં બહુ ઊંડું ન હોય એવાં સ્થળો સુરખાબને પડાવ માટે વધુ માફક આવે--અને ગુજરાતમાં એવાં સ્થળો ઘણાં છે. એક સ્થળ ભાવનગર શહેરની ભાગોળે આવેલું છે, જ્યાં લગભગ ૩૦૦ એકરના કળણમાં ૨૦ થી ૫૦ હજાર સુરખાબ દર વર્ષે મુકામ કરે છે. આ ટોળાંનાં કેટલાંક સુરખાબ માટે ભાવનગરનું કળણ કેટલાક વખતથી સ્મશાનઘાટ સાબિત થઇ રહ્યું છે. વીજળીના હાઇ ટેન્શન ઇલેક્ટ્રિક વાયરો તેમાં નિમિત્ત બની રહ્યા છે. ત્રણસો એકરમાં ફેલાયેલા કળણ ઉપરનું આકાશ હજારો સુરખાબ માટે ‘ફ્લાઈંગ ઝોન’ છે, જ્યાં તેઓ દિવસમાં અનેક વખત ઉડાન ભરીને વિહરતા હોય છે. દુર્ભાગ્યે એ ઝોનમાં જ વીજળીના ઓવરહેડ કેબલો આવેલા છે, જેમાં ૬૬ કિલોવોલ્ટનો કરન્ટ સતત પસાર થયા કરે છે. આકાશી સહેલ કરી રહેલા સુરખાબના ટોળા પૈકી અમુક સભ્યો તે કેબલની અડફેટે ચડી જાય ત્યારે વીજળીના તીવ્ર આંચકાને કારણે તત્કાળ મરી જાય છે. દુર્ભાગ્યે આવા બનાવો અપવાદ નથી, બલકે સ્થાનિક લોકોના કહેવા મુજબ રોજના સરેરાશ પચાસેક સુરખાબ વીજળીના કેબલની ઝપેટમાં આવી મોતને ભેટે છે.

સુરખાબનું આવું નિકંદન નીકળતું અટકાવવા માટે ભાવનગરના પ્રકૃત્તિપ્રેમીઓ ઘણા વખતથી વીજકંપની સામે ઝૂંબેશ ચલાવી રહ્યા છે. સુરખાબના પડાવ નજીકથી પસાર થતી વીજળીની ટ્રાન્સમીશન લાઇન ખસેડીને સલામત અંતરે બીજો ટાવર ખડો કરવાનું સૂચન તેમણે વીજકંપનીને તેમજ ભાવનગરના મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યું છે. આ સૂચનનો અમલ થાય ત્યારે ખરો, પણ દરમ્યાન વીજકંપનીએ સામું સૂચન કરીને પ્રકૃત્તિવિદ્દોને આંચકો આપ્યો છે. વીજકંપનીના અફસરો કહે છે કે ટ્રાન્સમીશન ટાવરનું નહિ, પણ સુરખાબના પડાવનું જ સરનામું બદલી નાખો! હાલ તેઓ જે મુકામે આવે છે ત્યાંનો જળમાર્ગ કાપી કળણને સૂકો મેદાની પ્રદેશ બનાવી દો અને બીજા કો’ક સ્થળે નવું કળણ રચો જેથી આગામી સીઝનમાં સુરખાબનાં ટોળાં ત્યાં જમા થાય. આ સૂચન કોમન સેન્સને પડકારે તેવું છે. કળણમાં ફાલતા સૂક્ષ્મ તરલ જીવો તેમજ શેવાળ સુરખાબનો એકમાત્ર ખોરાક છે. આ સૂક્ષ્મ સજીવોથી ભર્યાભાદર્યા ગુલિસ્તાનને રેગિસ્તાનમાં ફેરવવાનું કામ સહેલું છે, પણ નવા સ્થળે નવું કળણ રચો ત્યારે તે રાતોરાત ગુલિસ્તાન બની શકતું નથી--અને ન બને ત્યાં સુધી સુરખાબે ભૂખમરો વેઠ્યા વિના કે પછી નવો આવાસ શોધી કાઢ્યા સિવાય આરો નહિ.

સુરખાબના તેમજ બીજાં યાયાવર પક્ષીઓના આવાસમાં માનવજાતની ઘૂસણખોરીનો બીજો દાખલો સાણંદના નળ સરોવરનો છે. સાણંદ ખાતે ટાટા મોટર્સનું કારખાનું સ્થપાયા પછી સાણંદનળ સરોવર વચ્ચે ૪૦ કિલોમીટર લાંબા પટ્ટામાં ફાર્મ હાઉસના પાંત્રીસેક પ્રોજેક્ટસ હાથ ધરાયા છે, જેમાંના અમુક તો નળ સરોવરથી એકદમ નજીક છે. ડેવલપમેન્ટના નામે અહીં બાંધકામ પ્રવૃત્તિ સતત થયા કરે છે. વખત જતાં અહીં મોબાઇલ ફોનનાં ટાવરો ખડાં થાય તો યાયાવર પક્ષીઓનું કુદરતી હોકાયંત્ર વિદ્યુત ચુંબકીય મોજાંની અસર હેઠળ ડચકાં ખાય એ બનવાજોગ છે. નળ સરોવરની આસપાસનો શાંત વિસ્તાર ભવિષ્યમાં લોકોના તથા ટ્રાફિકના શોરબકોરથી ગૂંજવા લાગે તો લાંબે ગાળે શક્ય છે કે શાંતિપ્રિય પંખીડાં પોતાનો શિયાળુ આવાસ હંમેશ માટે બદલી નાખે.

ઉપરોક્ત બેઉ મુદ્દા ગુજરાતમાં યાયાવર પક્ષીની સલામતીનું ચિત્ર દર્શાવે છે. ચિત્ર બેશક ખરડાયેલું છે, જેને સુધારવા માટે અને (પક્ષીઓના હિતમાં) ઠોસ પગલાં લેવા માટે ગુજરાતની વાઇબ્રન્ટ સરકારને ‘સફારી’ તેના સૌ વાચકો તરફથી નમ્ર અપીલ કરે છે.

Friday, May 29, 2009

...અને હવે આકાશમાંથી જ્ઞાનની સરવાણી (વાયા એજ્યુસેટ)

શાળાના વર્ગખંડોમાં ભણાવવામાં આવતા વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ અને અંગ્રેજી જેવા વિષયો સરેરાશ વિદ્યાર્થી માટે હંમેશાં સરદર્દ સાબિત થતા હોય છે. વાસ્તવમાં કોઇ વિષય પોતે કદી નિરસ હોતો નથી, પરંતુ તેની નબળી રજૂઆત વિષય પ્રત્યે અણગમો પેદા કરતી હોય છે. ક્યારેક પાઠ્યપુસ્તકોમાં લખેલાં ભંદ્રભદ્રી વાક્યો તો ક્યારેક વિષયની રજૂઆત મૌલિક રીતે ન કરી શકનાર શિક્ષકો વિદ્યાર્થીને જે તે વિષય પ્રત્યે અણગમો પેદા કરવામાં કારણભૂત બનતા હોય છે.

આ હકીકત છે, જેનું ભાન કદાચ ગુજરાત સરકારને બહુ મોડેથી થયું છે. ખેર, મોડું તો મોડું, પરંતુ એક આવકાર્ય પગલું તેણે હમણાં ભર્યું છે. રાજ્યની લગભગ ૨૨,૦૦૦ શાળાઓના વર્ગોને હવે રાજ્ય સરકારે વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ફેરવવાનું નક્કી કર્યું છે. પાંચેક વર્ષ પહેલાં અંતરિક્ષના સરનામે મોકલાયેલા ઇસરોનો એજ્યુસેટ નામનો ઉપગ્રહની તે માટે મદદ લેવાનો પ્લાન છે. પ્લાનની રૂપરેખા ટૂંકમાં આટલી--

(૧) સરકાર હસ્તકની કુલ ૨૨,૦૦૦ સ્કૂલોના પાંચમા અને સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી એ ત્રણ વિષયો ઇન્ટરએક્ટિવ ઢબે ભણાવવા.

(૨) આ માટે બધી સ્કૂલોમાં ૪૨ ઈંચના એલ.સી.ડી. ટેલિવિઝન સેટ ૨૦૦૯ના અંત સુધીમાં વસાવવાં.

(૩) અંગ્રેજીની તાલીમ આપતાં કાર્યક્રમો ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફર્મેટિક્સ, ગાંધીનગર ખાતેથી વાયા એજ્યુસેટ સામટી ૨૨,૦૦૦ સ્કૂલોમાં દર્શાવવાં.

અંગ્રેજી પર સરકારે વિશેષ ભાર મૂક્યો છે, કેમ કે આવતી કાલના ગ્લોબલાઇઝેશનના જમાનામાં અંગ્રેજી વિના ચાલવાનું નથી. અંગ્રેજી સિવાયનાં વિષયો વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં કેવી રીતે ભણાવવા તેનો ફોડ હજી રાજ્ય સરકારે પાડ્યો નથી. આમ છતાં રૂા.૬૦૦ કરોડનો પાયલટ પ્રોજેક્ટ જો રંગેચંગે પાર પડ્યો તો સરકારી સ્કૂલોમાં તૈયાર થનારી નવી પેઢી કંઇક હટ કર હશે તેમાં બેમત નહિ. ડૉ. અબ્દુલ કલામે કહ્યું છે તેમ ભારતનું ભાવિ સ્કૂલો-કોલેજોના ક્લાસરૂમમાં નક્કી થતું હોય છે. રૂપિયા છસ્સો કરોડનું આંધણ મૂકીને ગુજરાત સરકાર જો ગુજરાતનું ભાવિ બદલવામાં સફળ થાય તો સમજવું કે ૬૦૦ કરોડનું મૂડીરોકાણ ઊગી નીકળ્યું!